લગભગ આજથી 2760 (હવે 2790) વર્ષ પહેલાના સમયની-ભારતની ધરતી પર બનેલી એક ઐતિહાસિક ઘટનાને લેખકે આ ગ્રંથમાં વિસ્તૃત રૂપે આવરી લીધી છે. આ કથાના મુખ્ય પાત્ર સિદ્ધ વૈતાલ છે. (વિક્રમ - વૈતાલવાળા નહિ) તેઓ સિદ્ધ સંપ્રદાયના અંતિમ સિદ્ધ પુરુષ હતા. મંત્રયુગના સમયમાં તેઓ એક અજોડ અને પરમ સાત્ત્વિક સાધક હતા અને ભગવાન પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધર ભગવંત આચાર્ય શ્રી શુભ્રના સહવાસમાં આવીને તેઓએ આ બધી સિદ્ધિઓને સાવ ક્ષુદ્ર માની હતી. આત્મ સિદ્ધિ સિવાયની અન્ય કોઈ પણ સિદ્ધિઓ અર્થ શૂન્ય અને નિષ્ફળ છે એનું તેઓને જ્ઞાન થયું હતું.
સંસારમાં ત્યાગ અને રાગ, શુભ અને અશુભ, હિંસા અને અહિંસા, સત અને અસત, જ્ઞાન અને અજ્ઞાન - વગેરે તત્ત્વોનો સંઘર્ષ અવિરત ચાલ્યા જ કરે છે. કોઈ વાર કાળને શુભ તત્ત્વો ઝકડી રાખે છે તો કોઈ વાર કાળના મસ્તકે અશુભ તત્ત્વો સવાર થઇ જતાં હોય છે. પ્રસ્તુત નવલકથા આવા જ શુભાશુભ તત્ત્વોના સંઘર્ષની એક રસભરી કથા છે.
આર્ય સિદ્ધનું સૂત્ર સિદ્ધ સંપ્રદાયના એક તાલપત્રમાં અંકિત થયેલા બૃહતતંત્રસાર નામના મહાગ્રંથમાંથી લેખકને પ્રાપ્ત થયું હતું અને કેટલીક હકીકતો જૈન સાહિત્યના પ્રાચીન ઇતિહાસમાંથી સાંપડી હતી. જે યુગની આ કહાણી છે તે યુગમાં ભારત દેશ મંત્રવિજ્ઞાનમાં ખુબ જ આગળ વધેલો હતો. આ નવલમાં પણ એવા કેટલાક મંત્ર-તંત્રની વાત છે. કોઈ પણ ઐતિહાસિક કથાને રોચક, રસમય, સુંદર અને પ્રેરક બનાવવી હોય તો નવલકથાકારે કલ્પના અને તરંગોનાં વિવિધ રંગોનો આશ્રય લેવો પડે છે...માત્ર કાળજી એટલી જ રાખવાની હોય છે કે ઇતિહાસના મૂળ ભાગ પર કોઈ પ્રકારનો કુઠારાઘાત ન થઇ જાય. આટલી કાળજી લેખકે રાખી છે.