ગુજરાતીમાં મહાન નવલકથાઓના વર્ગમાં મૂકી શકાય એવી કૃતિઓ ત્રણ નજરે ચડે છે : સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ અને ઝેર તો પીધાં છે જાણી જાણી. મહાન કૃતિઓનું લક્ષણ એ છે કે એ માનવમનની ગહનતા તો આપણી સમક્ષ ખુલ્લી કરે છે પણ માનવસંબંધોનું કોઈ તત્ત્વજ્ઞાન, કોઈ દર્શન પણ તેમાંથી પ્રતીત થાય છે. આ કૃતિના લેખકની વિશેષતા એ છે કે તેમણે જેમ મુલાયમ પાત્રોથી ભરપૂર એક માધુર્યસભર કથાસૃષ્ટિ સર્જી આપી છે, તેમ કોઈ એક મર્યાદિત દેશ-પરદેશના જ નહીં પણ જગતભરના માનવસમાજની એક મહાસમસ્યાનું ગુજરાતીમાં તો અનન્ય એવું દર્શન કરાવ્યું છે. દર્શકે આ નવલકથામાં એક કલાકાર તરીકે ગાંધીવિચારની દૃષ્ટિએ બીજા વિશ્વયુદ્ધની યાદવાસ્થળીનું નિરીક્ષણ, વિશ્લેષણ અને નિદાન કર્યું છે. આ માટે તેમણે ભારત અને યુરોપના સામાજિક તત્ત્વજ્ઞાનને પોતાની પકડમાં લીધાં છે. આ કોઈ સાધારણ લોકસેવદની ભક્તિનું પરિણામ નથી, પણ એક ગહન ચિંતકની વ્યાપક માનવઅનુકંપાની પરિણિત છે. મનુષ્યની સહાનુભૂતિની ક્ષિતિજો વિસ્તૃત બને એ કોઈ પણ ઉચ્ચ સાહિત્યકૃતિની ફલશ્રુતિ હોય છે. દર્શકની આ દિશાની સફળતા એમને ગુજરાતી ભાષાના જ નહીં, પણ જગતના શ્રેષ્ઠતમ સર્જકોની હારમાં બેસાડે છે.-- યશવંત દોશી
મહાનવલનો પહેલો ભાગ વાંચીને થયું - એક અવર્ણનીય, આહલાદક અનુભવ!! આવા પુસ્તકનો રીવ્યુ ન હોય, એને ફક્ત માણવાનું હોય, એના રસમાં તરબોળ થવાનું હોય. મેં ઈશ્વરનો આભાર માન્યો કે આટલા વર્ષો સુધી આ પુસ્તક મારા હાથમાં જ ન આવ્યું! વર્ષો પહેલા વાંચી લીધું હોત તો ફક્ત એક વાચક તરીકે માણીને મૂકી દીધું હોત. એના ઉત્કૃષ્ટ લેખનના પાસાઓ ધ્યાનમાં જ ન આવ્યા હોત. કોઈ નવલકથા આટલી હદે flawless (એકપણ ત્રુટિ વગરની, કશેય જરીક પણ ખટકે નહિ તેવી ) હોઈ શકે એ જોઈને અચંબિત થઇ જવાયું. કૃતિ ફક્ત વાંચીને જ ન માણી, નવલ લેખનના ઘણા બધા આયામો શીખવા મળ્યા. બીજા અને ત્રીજા ભાગમાં શ્રી દર્શકે પહેલા અને બીજા વિશ્વ યુદ્ધને વાર્તામાં વાણી લીધું છે. ખુબ જ અઘરું કાર્ય!! ઇતિહાસ જાણી, સમજી, પચાવીને પછી એને વાર્તામાં ઉતારવો એ જેવા તેવાનું કામ નથી. ક્યારેક યુદ્ધની વાતો વાંચતા કંટાળોય આવ્યો. નાઝીઓએ કરેલા જુલ્મો વિષે વાંચ્યું છે, પણ જાપાની લશ્કરની ખાસિયતો પહેલીવાર જાણવા મળી. વાર્તાના મુખ્ય પાત્રો રોહિણી અને સત્યકામ વિષે ઘણીવાર ઉલ્લેખ વાંચ્યો-સાંભળ્યો હતો. પણ મારા માટે તો અસલી હીરો અચ્યુત છે, જેનું પાત્ર પહેલા ભાગમાં ફક્ત અછડતું નજરે ચડ્યું હતું. પછી બીજા અને ત્રીજા ભાગમાં એનો જે વિકાસ થયો તે અદ્ભૂત હતો. દર વખતે સંગ્રામ વચ્ચે સેવા આપવા પહોંચી જતો આ ડોક્ટર બેધડક મૃત્યુના મુખ સમક્ષ ઉભો રહી જતો, એ જાણી-જાણીને ઝેર પીવું નહિ તો બીજું શું હતું? ક્યારેક સત્યકામ હીરો નહિ પણ બેસ્ટ સપોર્ટિંગ કાસ્ટ લાગ્યા. રોહિણી, મર્સી, રેખા, ક્રિશ્ચાઇન, એલિઝાબેથ....સ્ત્રીઓના કેટલા વિવિધ રૂપો, પણ બધામાં એક ગુણ કોમન - વાત્સલ્ય. દરેક સ્ત્રીની અંદર એક માતા ધબકતી હોય છે એ ઉક્તિ સત્ય લાગી. ગણી-ગાંઠી નવલકથાઓ એવી છે જેમાં પાત્રો જૈનધર્મી દર્શાવાયા છે. જૈન ધર્મ ઉપરાંત લેખકે આ નવલમાં બૌદ્ધ ધર્મ, યહૂદી ધર્મ અને ક્રિશ્ચિઆનિટી પર પણ સારો એવો પ્રકાશ પાડ્યો છે. કોઈ પણ ધર્મ ઊંડા અભ્યાસ વગર એના વિષે સાતત્ય સભર લખવું શક્ય જ નથી. ચાલીસ વરસની મહેનતને અંતે આવી સર્વાંગ સુંદર કૃતિની ભેટ વાચકોને આપવા બદલ લેખકનો આભાર માનીએ એટલો ઓછો છે.
લગભગ ઘણે એવું વાંચ્યું હશે કે ગુજરાતી સાહિત્યની ત્રણ ઉત્તમ નવલકથાઓ સરસ્વતીચંદ્ર, ઝેર તો પીધા છે જાણી જાણી અને માનવીની ભવાઈ છે. એવા પ્રમાણપત્રો આપવા જેટલું હું જાણતો નથી. પણ જે નવલકથા સંપુર્ણ તૈયાર થતાં ૪૦ વર્ષનો સમય લાગ્યો એ 'ઝેર તો પીધા છે જાણી જાણી' એક સરસ ગુજરાતી નવલકથામાં સ્થાન પામે એ તો નક્કી છે.
નવલકથાનાં દરેક મુખ્ય પાત્રો वसुधैव कुटुम्बकम સાકાર કરતું જણાય છે. રોહિણી, ગોપાળ બાપા, સત્યકામ, અચ્યુત, રેખા, મર્સી, ક્રિશ્ચાઇન બધાં જ. યુદ્ધ અને એમાય વિશ્વયુદ્ધના કપરા દ્રશ્યોમાં આવા પાત્રો જે કામ કરે છે એ કરુણા અને ગર્વ બંને જન્માવે તેવાં છે.
નવલકથામાં આવતાં યુદ્ધ અને યુદ્ધ પછીનાં દ્રશ્યો બહું કરુણ છે. એ સમયની પરિસ્થિતિ એનાથી સમજી શકાય. અમલાદીદી-બોઝબાબુ જેવાં તો કેટલા નાગરિકો વતનથી દુર આવી દયા જનક રીતે મૃત્યુ પામ્યા હશે! અને એવા કેટલાં સુરગો એ કોઈના ને કોઈનાં બાળકોને બચાવ્યા હશે! ખરેખર અહીં યુદ્ધના પરીણામોની એક વાસ્તવિકતાની જાણ થાય છે.
મૃત્યુ આલેખવામાં પણ એ દ્રશ્યો તો કોઈ હોલીવૂડ મૂવીથી ઓછા જરાય નથી લાગતાં. કાર્લનું મૃત્યુ જેમ વર્ણવ્યું છે, એ દ્રશ્ય તો આંખો સામે ખડું થઈ જાય. 'ધ મમી'ના પિક્ચરોમાં બતાવેલ મૃત્યુ કરતાં એ મૃત્યુ વધારે ખતરનાક છે, કેમકે પેલા પિક્ચરોમાં મરનારના મનમાં ડર માત્ર છે, અહીં તો કાર્લ મરતા પહેલા મનથી સાવ એકદમ ભાંગી ગયેલો છે. ને પેલા યામાશીટાની હારાકીરી કેમ ભુલાય! એક સૈનિકને છાજે એવી વીરતાથી શહિદી લે છે. સાથે આધ્યાત્મિક ઉંચાઈ પણ મરતા પહેલા મળેલી છે. માનવ અને સૈનિકના ધર્મો બજાવીને મરણને શરણ થાય, અને તેનાં મૃત્યુ વખતે તેના દુશ્મનો પણ હાજર રહે, સન્માન આપવા!
આવા અનેક પાસા સાથે દર્શકના ખૂબ વાંચનથી આ નવલકથા સારી લઢાઈ છે. પ્રસ્તાવનામાં જ ડોલરરાઈ માંકડ નોંધે છે તેમ ઘણી જગ્યાએ સરસ્વતીચંદ્ર અને અહીં સામ્યતા જણાશે, રોહિણી-કુમુદ, સત્યકામ-સરસ્વતીચંદ્ર, ગોપાળબાપા-વિદ્ધાચતુર, રેખા-કુસુમ, બેરિસ્ટર-માનચતુર.... એવું તો ઘણું બધું, પણ બધા પાત્રો બંને નવલકથાઓમાં સામ્ય છતાં એકબીજાથી ઘણાં જુદા છે.
એકંદરે આખી નવલકથા વાંચવા જેવી છે. હા, વચ્ચે ક્યાંક થોડુ કંટાળો આવે, પણ તરત જ નવા પ્રસંગો રસ પકડી લે છે. વાંચનારને સમયવસુલ પુસ્તક છે.
This entire review has been hidden because of spoilers.
આ પુસ્તક ના વખાણ શબ્દો દ્વારા કરવામાં ક્ષતિ રહેવાનો ભય સતાવે છે. અને એટલે જ ટુંકમાં લખું તો 'આજ સુધી માં મેં વાંચેલ શ્રેષ્ઠ સાહિત્ય એટલે "ઝેર તો પીધાં છે જાણી જાણી"!' એક ગુજરાતી વાંચક આ પુસ્તક ના પઠન વિના અધૂરો જ રહે એવું કહેવામાં કોઈ ક્ષેદ હું અનુભવતો નથી!
One of great epic of Gujarati Literature, written over a long period of time yet has a consistency of epic. A must read by one of greatest author in gujarati language.