દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનુ એક સશક્ત નામ છે. એમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં, લેખનશૈલી પણ આગવી છે. ‘વાસાંસિ જીર્ણાનિ’ ની ક્રૂર જર્મન નાયિકા ઓરોરા મિલર હોય કે ‘સમાંતર’ નો તેજસ્વી નાયક રઘુનાથ બર્વે ..... દેવાંગી ભટ્ટની કલમે ગુજરાતી સાહિત્યમાં અદ્ભુત પાત્રો ઉમેર્યા છે.
દેવાંગી ભટ્ટ વીસ વર્ષ સુધી ગુજરાત યુનીવર્સીટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત હતા. યુનીવર્સીટીના સાંસ્કૃતિક આયોજનો માટે એમણે વર્ષો સુધી યુવાન વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. પણ રંગભૂમિ હમેશા આ લેખિકા અને અભિનેત્રીનો પ્રથમ પ્રેમ રહી.
રંગભૂમિના અનેક સફળ નાટ્યપ્રયોગો સાથે આ લેખિકાનું નામ જોડાયેલું છે. પછી એ સંગીત-નાટ્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કૃતિ “સમય સાક્ષી છે” હોય, કે ભવન્સની દ્વિઅંકી નાટકોની સ્પર્ધામાં લગભગ તમામ કેટેગરીમાં વિજયી બનેલું નાટક “ ચિત્રલેખા” હોય . દેવાંગીની અંતિમ નાટ્યકૃતિ ‘એકલા ચાલો રે’ ટાગોરના અને કાજલ ઓઝા વૈદ્યના સાહિત્યિક વિવાદ પર આધારિત હતી.
રંગભૂમિ માટે અનેક પ્રયોગો લખ્યા પછી વર્ષ ૨૦13 માં દેવાંગી ભટ્ટનો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘પરસેપ્શન’ નવભારત સાહિત્ય મંદિર દ્વારા બહાર પાડવામાં આવ્યો. એ પછી લગભગ બે વર્ષ એમણે એડિટર નંદિની ત્રિવેદી માટે મેગેઝીન ‘મારી સહેલી’ ની કોલમ ‘ બીદેશીની’ લખી. ભારતની દીકરીઓ કે જે વિશ્વના જુદા-જુદા દેશોમાં જઈ વસી હતી એમના અનુભવો આ કોલમમાં આલેખાયા. વાચકોએ આ ભાવવાહી લખાણને વધાવ્યું.
પણ ભાવનાત્મક આલેખન કરી શકતા દેવાંગી ભટ્ટ એમના નિર્ભીક રાજકીય તથા સામાજિક લેખો માટે પણ જાણીતા છે. એમના બેબાક શબ્દો આસપાસ સહમતી-અસહમતીની ડમરીઓ ઉડતી રહે છે, પણ અસહમતી હોય એણે પણ આ આગવી કલમનો મજબુત અભિપ્રાય નોંધવો પડે છે.
દેવાંગીએ શ્રી રામસ્વરૂપ દ્વારા લિખિત ‘Hinduism- Reviews and Reflections’ નો અનુવાદ કર્યો છે જેની પ્રસ્તાવના પદ્મભૂષણ ડેવિડ ફ્રોલી દ્વારા લખાઈ છે. આ અતિગંભીર લેખન સાથે દેવાંગી એમની હળવી શૈલીની તળપદી કવિતાઓ માટે પણ જાણીતા છે.
લખાણના અનેક સ્વરૂપોમાં કામ કરતા લેખિકાને એમનું પ્રિય સ્વરૂપ પૂછો તો કહે છે “નવલકથા ... એક નવા વિશ્વનું નિર્માણ જેમાં શહેરો, રસ્તા, ઘરો, વ્રુક્ષો અને પાત્રો ...ત્યાં સુધી કે ઉંબરાનો દીવો પણ મારે જ સર્જવાનો હોય. જ્યાં કોઈ બીજું નથી, ફક્ત મારી કલ્પનાનો વિસ્તાર છે. ઈશ્વરને આ વિશ્વ બનાવતી વખતે કદાચ આવી જ અનુભૂતિ થઇ હશે.”
પ્રથમા એટલે ચંદ્રની પ્રથમ કળા અને પૂષા એટલે ચંદ્રની તૃતિય કળા...આ લઘુ નવલમાં નવો કથા ફલક, કંઈક પામવાની આશા, ઝંખના, વાચકની નાડ કેમ પારખવી એ લેખિકાએ સારૂ વર્ણન કર્યુ છે એક સીટિંગ પર બેસીને પૂરી કરી શકાય એવું પુસ્તક.
An entirely new kind of story, so engaging, finished the book in one sitting. Devangi Bhatt has been one of my favorite author and she never fails to amaze me. This story of two sisters is a must read for every Gujarati reader.