હંમેશા પ્રકૃતિની સુંદરતા ની ગાથા રચતા ધ્રુવ દાદા આ વખતે લઈ જાય છે એક અલગ સફર પર. માનવ મન ને એની સુંદરતા. એના વલયો. એની કશ્મકશ. અને લાગણીઓના વહેણ વચ્ચે નાવ હાંકતા ધ્રુવ ભટ્ટ નાં પાત્રો.
ખૂબ જ અસરકારક રીતે સરખામણી કરી છે, અને નામ આપ્યું છે એક અનાથાશ્રમ નું ' કર્ણલોક '. અને જેમ જેમ વારતા આગળ વધે છે, તમે પોતે પણ પોતાની જાત ને પ્રશ્ન કરતા થઈ જાઓ છો, જેમ (હંમેશ ની જેમ, અનામ) મુખ્ય પુરુષ પાત્ર કરે છે : હું, મારા વંશના, પેઢીઓના, પૂર્વજોના ગર્વ સહિત જીવતો આવ્યો છું, તે વ્યર્થ છે. મારે કુટુંબ, જ્ઞાતિ કે ગોત્ર હોવાનું મારું અભિમાન મારા સિવાય કોઈને સ્પર્શતું નથી.
આવા જ, ચોટદાર, સારાંશ સાથે દરેક પ્રકરણ પૂરું થાય ત્યાં તો તમે પાનું પલટી ને વારતા આગળ વધારવા આતુર હોવ. અને હા, ભટ્ટજી ની પ્રિય, એક આખાબોલી, મક્કમ, નીડર, સ્ત્રીપાત્ર નાં હોય એમ બને ?!
ધ્રુવ ભટ્ટ ની ઉત્તમ કહી શકાય તેમાંની નહિ, પણ કંઈ નીચી પણ નહિ, તેમાંની છે આ વારતા. ના છોડાય તેવી.