પ્રતિભાશાળી લોકો આ વિશ્વને પ્રગતિશીલ કરે છે. પણ વિશ્વનો કબજો હંમેશાં ‘સામાન્યો’ પાસેજ રહ્યો છે. સામાંન્યો હમેશાં પ્રતિભાશાળીઓને હેરાન કરવા, હટાવવા, પછાડવા પ્રયાસ કરતા રહ્યા છે . તેઓ પ્રતિભાશાળીને બાહ્ય રીતે હેરાન કરી શકે છે. પણ ક્યારેય, આંતરીક રીતે ખલેલ પહોંચાડી શકતા નથી. વિશ્વના પ્રતિભાવાનોની પ્રતિમાને પળે પળે પ્રજ્વલિત કરતી અને અંજલી આપતી આ એક વૈચારિક કથા છે.
અમુક કૃતિઓ કે જે પરપ્રાંતની વિચારધારાને કેન્દ્રમાં રાખીને સર્જાઈ હોય અને દેખીતી રીતે તે આપણે ત્યાંની વિચારધારા કે સંસ્કૃતિને મેળ ખાતી ન હોય, ત્યારે આપણે આવી કૃતિઓને બૌદ્ધિક રીતે અસંગત માની ફક્ત સાહિત્યની એક ઉત્તમ કૃતિ તરીકે જાણી-માણીને મૂકી દેતાં હોઈએ છીએ, પણ ઘણી વખત જો એવી કૃતિઓની ફિલસુફીમાં વધું અંદર ઉતરવામાં આવે તો જાણવા મળે કે એમાંની ઘણીખરી બાબતો આપણને પણ લાગેવળગે છે.
આ પરિસ્થિતિમાં કોઈ કસાયેલી કલમવાળા પ્રતિબદ્ધ વાર્તાકાર દ્વારા તેનું સ્થાનિક ભાષામાં અને સ્થાનિક વિચારધારામાં રૂપાંતરણ જરૂરી બને છે.
વર્ષ ૨૦૧૪માં આવેલી 'હૈદર' ફિલ્મને જોઈને સહજ જ એ વિચાર આવેલો કે 'હેમલેટ' જેવી ક્લાસિક કૃતિનું આ રીતનું સુંદર ભારતીયકરણ એ ખરેખર એક કળાની બાબત કહેવાવી જોઈએ. પણ એ જ વિચારની પાછળ-પાછળ એ ખ્યાલ પણ આવેલો કે આ જ રીતે વિવિધ હિન્દી તેમજ આંતરરાષ્ટ્રીય સાહિત્યનું કલાત્મક ગુજરાતીકરણ શક્ય ન બની શકે?
પણ આ સવાલનો જવાબ તેના ઉદ્દભવના છ-સાત વર્ષો પહેલા ગુજરાતી સાહિત્યએ તેની એક કૃતિ દ્વારા આપી દીધેલો હતો. અને એ કૃતિ એટલે હરેશ ધોળકિયા દ્વારા લખાયેલ 'અંગદનો પગ'.
વીસમી સદીના પ્રખ્યાત લેખિકા આયન રેન્ડની જગવિખ્યાત કૃતિઓ 'ધી ફાઉન્ટેનહેડ' તેમજ 'એટલાસ શ્રગ્ડ'ની ઊંડાણપૂર્વકની અને જટિલ ફિલસૂફીઓને ગુજરાતી વિચારધારા, આપણી આસપાસની સામાન્ય ઘટનાઓ અને ખૂબ જ સહજ લાગે એવા પાત્રો દ્વારા લેખકે આ નવલકથા સર્જી છે. આ અગાઉ પણ લેખકે 'એટલાસ શ્રગ્ડ'ની ફિલસૂફી દર્શાવવા 'શેષનાગ' નવલકથા લખવી શરૂ કરેલી, પણ કોઈ કારણોસર એ નવલકથા અધૂરી રહી અને પરિણામસ્વરૂપ આપણને મળી 'અંગદનો પગ'.
દોઢસો પન્નાની આ નવલકથામાં લેખકે આયન રેન્ડની ફિલસુફીને કેન્દ્રમાં રાખી અણીશુદ્ધ પ્રતિભાશાળી વ્યક્તિઓ (first rater) અને સામાન્ય આવડત અને સૂઝ ધરાવતા-પણ અતિમહત્વાકાંક્ષી વ્યક્તિઓ (second rater) વચ્ચેનું અંતર દર્શાવવા માટે વાર્તાના સાધન તરીકે એક શાળામાં કામ કરતા બે શિક્ષકો જ્યોતીન્દ્ર શાહ અને કિરણ દવેને તદ્દન વાસ્તવિક સ્વરૂપ આપી ઘડ્યા છે.
વાર્તાની શરૂઆત થાય છે કિશોર નામના એક પ્રખ્યાત સફળ ડોક્ટરની ફોન પરની વાતચીતથી. આ ડોકટર ઉપરના બન્ને શિક્ષકોનો વિદ્યાર્થી રહ્યો છે. અલબત્ત, આ બન્ને શિક્ષકો તેના આદર્શો છે.
આયન રેન્ડની ફિલોસોફી બખૂબી પચાવી પછી એના આધારે એક તદ્દન જ નવી વાર્તા ગુજરાતી ભાષામાં રજૂ કરવી એ ઘણું કપરું કાર્ય છે. છતાંય હરેશભાઇએ જે મેચ્યુરિટી અને સાદગી વડે કથાને આકાર આપ્યો છે તેનાથી પાત્રો રસાળ અને વાર્તાનો ફ્લો જકડી રાખે તેવો બન્યો છે. બે સાવ અલગ જીવનના દ્રષ્ટિકોણની સામસામે થતી દલીલો સાચી લાગે અને તમને દરેક પ્રકરણ પછી વિચારતા કરી મૂકે. હેટ્સ ઓફ!
સરળ અને સુંદર રીતે લખાયેલી આખી કથા મુખ્ય બે પાત્રો પર છે.. કિરણ દવે અને જ્યોતિન્દ્ર શાહ ...અત્યારના સમયમાં દવે સાહેબ રહી ગયા છે ને શાહ સાહેબ ક્યાય લુપ્ત થઈ ગયા હોય એમ જ લાગે છે .. રાજકીય રમતો રમીને દવે જેવા શિક્ષકોએ શિક્ષણ જગતને ડહોળી નાખ્યું છે.. શિક્ષકોએ તો સારી રીતે સમજવા જેવી અને અચુકપણે વાંચવા જેવી છે..