આ કથા આથમણા રકાબની છે. એક વનવાસી જેવો ભારતીય આદમી, ભારતીય રાજકારણના દાવપેચથી કંટાળીને, ભાગીને આફ્રિકા પહોંચી આવેલી સ્ત્રીની રક્ષા કાજે કેવા જોખમો ઉઠાવે છે તેની વાત અહીં મંડાઈ છે. આખીય નવલ દરમ્યાન સક્કરબાર નેપથ્યમાં જ રહે છે. છેક છેલ્લે, આખરી પ્રકરણોમાં જ એ સામે આવે છે.
પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી આ કથામાં એક બાબતે મારું વિશેષ ધ્યાન દોર્યું. એ હતી સામી પારની વસાહતમાં રહી પોતાના દેશનું ઉપરાણું ખેંચતા કેટલાક વેપારીઓની માનસિકતા.
અંગ્રેજીમાં એક ઉક્તિ છે - 'When in Rome, do as the Romans do'.
ખબર નહીં કેમ પણ મોટા ભાગના ભારતીયોને આ વાત ક્યારેય સમજાઈ જ નથી. પાંચસો વરસ પહેલા દૂર-સુદુરના આફ્રિકાના પ્રદેશમાં સક્કરબારે એક વસાહત વસાવી. ત્યાં તેણે ગુલામીથી છોડાવાયેલા ભારતીયો તેમ જ અન્ય કોમના લોકોને વસાવ્યા. તેમાં ભારતીયો મુખ્ય હતાં કારણ કે તેમના ઘર અને સમાજવાળા તેમને ફરીને સ્વીકારવા તૈયાર નહોતા. પરિવારજનોને નાત-જાત-ધર્મના બંધનો નડતાં હતાં. જેમને માટે ઘેર પાછા ફરવાના રસ્તા બંધ હતાં તેવા લોકોને ત્યાં વસાવી, સક્કરબારે તેને સામે પારની વસાહત એવું નામ આપ્યું. આ વસાહત માટે જુદા જ કાયદા-કાનૂન ઘડાયાં. ત્યાં નાત-જાત-ધર્મને નેવે મૂકીને ફક્ત ઇન્સાનિયતને પ્રાધાન્ય અપાયું.
પરંતુ સામે પારની વસાહતમાં પોતાના ધંધાર્થે આવીને વસેલા કેટલાક ભારતીયો ત્યાં રહીને પણ પોતાના વતનના રાજકારણની પંચાત નહોતા મૂકી શકતા. વાતો કરે ત્યાં સુધી તો ઠીક, પરંતુ દૂર પોતાના દેશમાં કંઈ બને તેનું ઉપરાણું છેક આફ્રિકામાં તાણી, તદ્દન અન્યાયીપણે, ઠકરાતના નિયમોને કોરાણે મૂકી દે. ઠકરાતના નિરપેક્ષ કાયદામાં ભારતીય રાજકારણ અને તેના દાવપેચ ઘસડી લાવે અને ઠકરાતની શાંતિમાં ભંગ પાડે.
ચારસો વરસ પહેલા જે માહોલ હતો તે આજેય ખાસ બદલાયો હોય તેમ લાગતું નથી. પોતાનો ભારત દેશ છોડી, પરદેશની સિટિઝનશીપ સ્વીકારી, ત્યાં જ ઠરીઠામ થઈને રહેનારા કેટલાક ભારતીયો આજેય ભારત દેશના રાજકારણ, સાહિત્ય, રીતિરિવાજ અને અન્ય અનેક બાબતોમાં માથું માર્યા જ કરતા હોય છે. પોતાના પગ ત્યાં રાખીને ડોકું અહીં રાખતા આવાં લોકો ભારતની અને ફક્ત ભારતને જ લાગતી-વળગતી બાબતોમાં બિનજરૂરી ચંચુપાત કર્યા જ કરતા હોય છે. અહીં કયો નેતા શું કરે છે, કઈ સંસ્થાનો વ્યવહાર કેવો છે જેવી, જેની સાથે તેમનો બિલકુલ સંબંધ નથી તેવી બાબતોની પિંજણ તેઓ ત્યાં બેઠાં-બેઠાં સતત કર્યા કરતા હોય છે.
એક ડગલું આગળ વધીને કહું તો કેટલાક લોકો પોતાના દેશની જે માનસિકતાથી કંટાળીને દેશ છોડીને ગયા હોય છે, એ જ માનસિકતા પોતાની જોડે અન્ય દેશોમાં લઇ જતા હોય છે અને ત્યાં પણ તે પ્રમાણેનું જ વર્તન કરતા હોય છે. અન્ય દેશોમાં પોતાના નાત-જાત-ધર્મના વાડા બાંધી, પહેલાં જેવા હતા તેવા જ રહી જતા હોય છે. કદાચ તેમની પાછળની પ્રજા બદલાય, પરંતુ તેઓ નથી બદલાતા. પોતાની આ રૂઢિગત, જરીપુરાણી માનસિકતાઓને તેઓ દેશપ્રેમના હુલામણા અંચળા હેઠળ ઢાંકી દેતા હોય છે.
જે-તે દેશનું નવું નાગરિકત્વ મળે ત્યારે તે દેશને વફાદાર રહેવાની શપથ ત્યાંની સરકાર લેવડાવતી હોય છે. સંસ્કૃતિ અને દેશપ્રેમ એ બે ભિન્ન વસ્તુઓ છે. પોતાની સંસ્કૃતિને જાળવવા ત્યાં બેઠા-બેઠા પ્રયત્નો કરવા એ સારી બાબત છે. પરંતુ તેને માટે ત્યાં બેઠા-બેઠા, હવે તેમને માટે પરદેશ બનેલા એવા ભારત દેશની બાબતોમાં વણનોતરી દખલઅંદાજી કરવી બિલકુલ વ્યાજબી નથી. અને જો એટલું બધું લાગી આવતું હોય, તો વિદેશની સિટિઝનશીપ જતી કરીને ફરી ભારતીય નાગરિકત્વ લેતા તેમને કોઈ રોકતું નથી. પરંતુ હકીકત એ પણ છે જ કે કોઈક વિરલા જ એવું કરી શકે છે.
સદીઓથી ચાલી આવેલી આવી ભારતીય સમાજની નાત-જાત-ધર્મની જડ માનસિકતાને કારણે જ આજેય નવી પેઢી વિદેશો તરફ મીટ માંડે છે. અને જો ભૂલેચૂકે તેઓ નવી નીતિ-રીતિ અપનાવે, તો તેમના પર બદલાઈ જવાનો આરોપ મુકવામાં આવે છે. અરે પણ બદલાવું હતું એટલે જ તો તેઓ અન્યત્ર વસવા ગયા. બાકી તેઓ અહીં જ રહેતા હોત અને પોતાના નાત-જાત-ધર્મના કુંડાળામાં ગરબા રમતા હોત.