વાર્તા વાંચવાની કોને ના ગમે? ઘણી વાર વાર્તા એટલો રસ અને આતુરતા જન્માવતી હોય છે કે વાર્તાને અધૂરી મૂકીને ઉભા થવાનું બહુ આકરું લાગે. વાર્તા લાવવી ક્યાંથી? આપણા જીવનમાં તથા આપણી આજુબાજુ રોજેરોજ જાતજાતની ઘટનાઓ બને છે. આ ઘટનાઓને એક પ્રેક્ષક તરીકે જોઈએ તો દરેક ઘટના એક વાર્તા જેવી હોય છે. આ ઘટનાને શબ્દદેહ આપીએ એટલે એક વાર્તા બની જાય. આ પુસ્તકમાં લખેલી વાર્તાઓ કંઇક આ પ્રકારની છે. મેં મારી આસપાસ બનતા પ્રસંગો પર નજર રાખીને, એ પ્રસંગોને વાર્તાઓ સ્વરૂપે રજૂ કરવા પ્રયત્ન કર્યો છે. પ્રસંગો કે ઘટનાઓ સામાન્ય રીતે બે પ્રકારની હોય છે, સારી અને ખરાબ. આ પુસ્તકમાં સારી અને હકારાત્મક ઘટનાઓને વાર્તાઓ તરીકે લીધી છે. પાનખરમાં જાણે કે વસંત મ્હોરી છે. આવી વાર્તાઓ સમાજને સારા માર્ગે દોરે એવી આશા છે.