એકદમ સચોટ શીર્ષક! આખો સંસાર ભલે કડવા લીમડા જેવો હોય, પણ જો એની એકાદ ડાળ મીઠી હોય તો એને આધારે જીવન જીવાઈ જતું હોય છે. આવું જ કૈંક કથાની નાયિકા સવિતાની બાબતમાં બન્યું. જીવનના દરેક પડાવ પર એને એક ડાળ મીઠી જડી જ ગઈ અને એને જીવન જીવવાનું બળ મળતું ગયું. હવે મને બહુ જૂની વાર્તાઓ વાંચવી નથી ગમતી. કદાચ એટલા માટે કે હું એની સાથે જાતને જોડી નથી શકતી. આવું હોવા છતાંય ધીરુબેન પટેલ જેવા લેખકોની ક્લાસિક કૃતિ વાંચવી ગમે જ. એમાંથી ઊભરતી એ સમયની રૂઢિઓ, ત્યારના માનવી અને સમાજની વિચારસરણી અને એને લીધે એમને ભોગવવી પડેલી તકલીફોનો ખ્યાલ આવે. 'એક ડાળ મીઠી' માં પૈઠણ (દહેજ) અને એક ભીરુ પતિને કારણે પત્નીને ભોગવવી પડતી તકલીફોનું લેખિકાએ સરસ ચિત્રણ કર્યું છે. સામાજિક બદલાવ લાવવા માટે ખરાબ રિવાજનો સામનો કોઈકે તો કરવો જ પડે છે અને એ પણ એકલે હાથે જ. એના માટે ખુબ બધી હિંમત અને ધીરજ જોઈએ એ વાત સવિતાના પાત્ર દ્વારા સચોટ રીતે નિરૂપાઈ છે. સરળ-સહજ લેખન શૈલી અને થોડી-ઘણી સમયની મોકળાશને કારણે ત્રણ દિવસમાં જ બુક વંચાઈ ગઈ અને મજા પણ પડી.