તેમનો જન્મ ૨૦ જૂન ૧૯૨૨ના રોજ મુંબઈ માં થયો હતો. મહેન્દ્રભાઈએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગર ખાતે લીધુ હતું. ત્યારપછી ૧૯૪૨માં અમદાવાદની એલ.ડી. આર્ટસ કોલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈ સ્થંળાતર કર્યુ હતું અને હિંદ છોડોની લડત દરમ્યાન અભ્યાસ અધુરો છોડ્યો હતો. ૧૯૪૮માં તેઓ પત્રકારત્વનાં અભ્યાસ માટે અમેરીકાની કોલંબીયા યુનિવર્સિટી ગયા હતા.
મહેન્દ્રભાઈએ તેઓની કારકિર્દીની શરુઆત ગુજરાતી દૈનિક નૂતન ગુજરાત માટે લેખમાળા લખીને કરી હતી.૧૯૫૦માં તેઓએ મિલાપ સામયિકની શરુઆત કરી હતી જે તેઓએ ૧૯૭૮ સુધી ચલાવ્યુ હતું.૧૯૫૩માં તેઓએ તત્કાલીન ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે સોવીયેટ યુનીયન,પોલેન્ડ અને યુગોસ્લાવીયાનો પ્રવાસ કર્યો હતો. ૧૯૬૯નાં વર્ષમાં ગાંધીજીના જન્મ શતાબ્દી વર્ષમાં વિશ્વના અનેક દેશોમાં પ્રદર્શનોનું આયોજન કરી ભારતીય પુસ્તકો અને ગાંધીજીના વિચારોનો પ્રચાર કર્યો હતો. ૧૯૭૨ની સાલથી લોકમિલાપ ટ્રસ્ટના નેજા હેઠળ તેઓએ ગુજરાતી ભાષાના ઉત્તમ પુસ્તકોને સસ્તા ભાવે પ્રકાશીત કરીને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યા હતાં. આ ઉપરાંત ૧૯૮૮ની સાલથી તેઓએ જાણીંતા પુસ્તકોનુ સંક્ષીપ્તીકરણ કરીને ૧૦૦ જેટલા પાનાઓની પુસ્તીકાઓ પ્રકાશીત કરીને અતીઅલ્પ ભાવે આપીને લોકોમાં વાંચન વધારવાનો પ્રયાસ કર્યો હતો.
૬૦૦ પૃષ્ઠ ભરીને એકમેકથી ચડે તેવા ટૂંકા, પરંતુ સુંદર લખાણનો સંચય. અને સાથે-સાથે કાવ્ય અને કાવ્ય પંક્તિની મજા. વાંચવાની ખૂબ મજા આવી, ખાસ તો એવા લેખકોના લખાણ, જેઓ મારી સાંભરણમાં જીવિત તો હતાં, પરંતુ જેમનું લખાણ મારી એ વખતની સમજની બહાર હતું. અને હજુ આવા, બીજા, ત્રણ ભાગ તો બાકી છે!
પ્રશ્ન થાય, તો પછી ચાર જ તારક શા માટે? ત્રણ-ચાર કારણ, લખાણ જેમાંથી લેવામાં આવ્યું છે, અથવા તો લેખકે જેમાંથી તેનું ટૂંકાણમાં રૂપાંતર કર્યું છે, તે મૂળ લેખ અથવા પુસ્તકના સંદર્ભની ગેરહાજરી સાલે છે. બીજું, લખાણ જે ક્રમમાં ગોઠવાયા છે, તે તાર્કિક હોવાનો ભાસ થાય છે. જો તે તર્ક સ્પષ્ટ દર્શાવ્યો હોત તો લખાણને વિષયવાર શોધવામાં મદદરૂપ થાત. આ હતા જેને “ટેકનિકલ” કહી શકાય તેવા કારણ.
વધુ ગંભીર કારણ લખાણના ચયનમાં લેખકનો દેખીતો “કન્ફર્મેશન બાયાસ” છે. શ્રી મહાવીર ત્યાગીના આઝાદી સંગ્રામ વિષેના બે-ત્રણ લખાણ પુસ્તકમાં સામેલ કરાયા છે, પરંતુ આઝાદી બાદના તેમના શ્રી નેહરૂની ટીકા કરતા લખાણ દેખાતા નથી. તેવી જ રીતે શ્રી કૃપલાની અને રાજાજીના પણ કોઇ લખાણ પુસ્તકમાં જોવા મળ્યા નહીં. આવામાં રાજેન્દ્રબાબુના લખાણની તો આશા જ શી રીતે રાખી શકાય? મને યાદ છે ત્યાં સુધી સરદાર પટેલનું પણ કોઇ લખાણ સામેલ નથી. અલબત, શક્ય છે કે હું આ તારણ પર આવવામાં ઉતાવળ કરી રહ્યો છું. મારે હજુ પુસ્તકના બીજા ત્રણ ભાગ વાંચવાના બાકી છે! વધુ પડતી વ્યક્તિ-પુજા સમાજના સ્વાસ્થ્ય માટે સારી નથી. ઘણા લખાણમાં આ મર્યાદાનું ઉલ્લંઘન થયું હોય તેમ પણ લાગે છે.