...હાસ્ય એ કદાચ અઘરામાં અઘરી કળા છે. આ હાસ્યને ઠેઠ લગી નિભાવવું એ અત્યંત કપરું કામ છે. એમના હાસ્યસભર વક્તવ્ય પાછળ કેટલીયે બારીક અને માર્મિક વાતોના અણસારા-ભણકારા હોય છે. હાસ્યની કરોડરજ્જુ તત્ત્વજ્ઞાન હોય છે. કેટલીક તાત્ત્વિક વાતો પણ તેમાં લપાયેલી હોય છે. શાહબુદ્દીનમાં આ બધું જ જોવા-સાંભળવા મળે. નિરીક્ષણ, સંવેદનશક્તિ અને ભરપૂર વાંચન વિના આ શક્ય નથી. આ કલાકાર પાસે અનેક અનુભવો છે. વાતને વળ ચડાવીને કહેતાં આવડે છે. ઉત્તમ હાસ્ય કડવાશમાંથી નથી પ્રગટતું પણ કરુણામાંથી પ્રગટે છે. ઘણી વાર આપણે જાણે કે આંસુની અવેજીમાં હસતા હોઈએ છીએ. જીવનમાં ઘણુંબધું હસવા જેવું છે કે હસી કાઢવા જેવું છે. એની વાત આપણને રહી રહીને સમજાય છે. – સુરેશ દલાલ