નેવર જજ અ બુક બાય ઈટ્સ કવર. આ કથા કોઈ એક્સ્ટ્રા-મેરિટલ અફૅરની નથી. આ કથા એક યુદ્ધની છે. એક એવું યુદ્ધ જે દરેક માનવ-શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. એ યુદ્ધ છે મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું, વૃત્તિ વિરુદ્ધ નૈતિકતાનું, હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલીજન્સનું, કોન્શિયસ વિરુદ્ધ સબ-કોન્શિયસનું. જ્યાં સુધી માનવ સભ્યતા છે, ત્યાં સુધી આ યુદ્ધ અવિરત ચાલ્યા કરશે. નેચર અને સિવિલાઈઝેશનની બરાબર વચ્ચે ફસાયેલી આપણે એક એવી પ્રજાતિ છીએ, જેની નિયતિમાં જ સંઘર્ષ લખેલો છે. ન તો આપણે ક્યારેય આપણી વૃત્તિઓ અને પ્રકૃતિ તરફ પાછા વળી શકીશું, ન તો ક્યારેય પૂરેપૂરા સિવિલાઈઝ્ડ બની શકીશું. પ્રકૃતિ અને સંસ્કૃતિના બંને છેડાઓની બરાબર અધવચ્ચે આપણે ફસાયેલા છીએ. આ બંને વિરુદ્ધ દિશાઓ દરેક ક્ષણે આપણને પોતાની તરફ ખેંચી રહી છે. આ સંઘર્ષ માનવ ઈતિહાસના ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો છે. આદિમાનવ અને આજના સોફિસ્ટિકેટેડ હોમો સેપિયન્સ વચ્ચેનો છે. આપણી અંદર રહેલા આવેગો અને ઍથિક્સ વચ્ચેનો છે. જે સંઘર્ષમાંથી આ કથાના નાયક પ્રોફેસર વિનાયક ત્રિવેદી પસાર થાય છે, એ જ સંઘર્ષમાંથી આપણે દરેક પસાર થઈ રહ્યા છીએ. આપણા દરેકની અંદર એક યુદ્ધ ચાલી રહ્યું છે, નેચર વર્સીસ સિવિલાઈઝેશનનું ! શું લાગે છે? કોણ જીતશે?
સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા બાદ મને ઘણી જાતના પુરુષો ભટકાયા. તેમની કેટલીક વાતો અને કેટલુંક વર્તન મને મૂંઝવતું. અમુક પુરુષો અમુક રીતે કેમ વર્તે છે એનું કારણ ન સમજાતું. આ બધા જ પ્રશ્નોના લોજીકલ અને સાયન્ટિફિક જવાબો મને આ નવલકથામાંથી મળ્યા.
કથાના પૂર્વાર્ધમાં લેખકે પ્રોફેસર ત્રિવેદીના અચાનક બદલાયેલા વર્તન અને તેમની તરફના તેમના પરિવારજનો અને પાડોશીઓના અભિગમ પર ફોકસ રાખ્યું છે. તેમની વિચિત્ર વર્તણુક વિષે વાંચતી વખતે હસવુંય આવ્યું. પણ પછી ઉત્તરાર્ધમાં લેખકે આવા વિચિત્ર વર્તન પાછળના સાયન્ટિફિક કારણો સમજાવીને નવલકથાને ગંભીર મોડ આપી દીધો. નવલકથા વાંચવાની તો મજા પડી જ. પણ સાથે-સાથે પુરુષોના વિવિધ પ્રકારના વર્તનો પાછળના કારણોય સમજાયા. રિયલ કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં ક્યારેક ભટકાઈ ગયેલા આવા વિચિત્ર પુરુષો પ્રત્યે અનુકંપાની લાગણીય જન્મી.
ટૂંકમાં, મેચ્યોર્ડ વાચકોએ એકવાર ખાસ વાંચવા જેવી નવલ!
Intriguing, gripping, engaging from the first line to last line as the novel should be rather than behaving like a self help book except when it is relatable !