માતા-પિતાના ડિવોર્સની સંતાનો પર પડતી અસરો વિષે ઘણું લખાયું છે. પણ આ કથા જુદી એટલા માટે છે કે જયારે માતા પોતે બાળકોનો ઉપયોગ અન્યોને પજવવા કરે, ત્યારે આખીયે પરિસ્થિતિ કેવી ગૂંચવાઈ જાય એનું સચોટ નિરૂપણ લેખકે આ કથામાં કર્યું છે. કોઈ સ્ત્રી કેટલા નીચા સ્તરે ઉતરી શકે અને પોતાના સ્વાર્થ માટે પોતાના જ પતિ અને બાળકોને કેટલું હેરાન કરી શકે એ ચારુના પાત્ર દ્વારા સમજાય છે. માનવામાં ન આવે, પણ આ નવલકથા સત્યઘટના પર આધારિત છે એની ચોખવટ પહેલેથી જ લેખકે કરી છે એટલે આ વાત માન્યા વગર છૂટકો જ નથી. ચારુથી તદ્દન વિરુદ્ધ માનસિકતાવાળું પાત્ર એટલે એના સસરા શાંતિભાઈ. એમના પાત્ર પરથી ધડો લેવા જેવો છે કે ભલમનસાઈ એટલી પણ ન હોવી જોઈએ કે સામેવાળો સતત એનો ફાયદો ઉઠાવતો રહે. સાથે સાથે પારિવારિક સંસ્કારોની અસર કેટલી હદે થતી હોય છે એ પણ સમજાયું. સંતાનના જીવનસાથીની પસંદગી વખતે સામા પરિવારની ખાનદાની અને સંસ્કારો પર વડીલો દ્વારા ભાર કેમ અપાય છે એ આ વાર્તા દ્વારા સમજાઈ ગયું. કાદવમાં કમળ ઊગવું એ અપવાદરૂપ ઘટના જ ગણી શકાય. બાકી કાદવમાંથી ઊંચકેલી વસ્તુ પોતાની જોડે એ કાદવ લઇ જ આવે અને એને ઝાલનાર પણ એ કાદવના અંશોથી ખરડાઈ જ જાય. અંતભાગે વાર્તા થોડી એકધારી લાગી અને કોઈ ચોક્કસ અંત ના આવ્યો એટલે થોડું અધૂરું અને કંઈક ખૂટતું હોવાની લાગણી થઇ. જોકે એકાદવાર વાંચવી ગમે એવી નવલકથા તો ખરી જ.
માતા પિતા જ્યારે ડિવોર્સનો નિર્ણય લે તેના પછી તેમના બાળકો પર થતી અસર દર્શાવતી સત્યકથા. નાના બાળકો પર થતી અસર અને ખાસ કરીને માતા કે પિતામાંથી કોઈ એક વ્યક્તિ એ કુમળા બાળકોને હથિયાર તરીકે વાપરે ત્યારે પરિવાર અને સમાજમાં શું બની શકે એ દર્શાવતી નવલકથા. કોઈ સ્ત્રી અને એક માતા કઈ હદ સુધી નીચી જઈ શકે એ આ વાંચો ત્યારે વિશ્વાસ ન થાય એમ બને પણ આવી ઘટનાઓ બને છે એટલે જ નવલકથા રૂપે સત્ય બહાર આવે છે. એ દરેક પાત્રને યોગ્ય ન્યાય આપ્યો છે. કેટલાક વાંચકોને એક તરફી પક્ષપાતી વાર્તા લાગી શકે પણ અંતે લેખકે આ ઘટનામાં જે સત્ય છે એ જ બતાવવાનો પ્રયાસ કર્યો છે. શાંતિલાલનું પાત્ર જેવા વ્યક્તિઓ મળવા ખુબજ અઘરા છે આ સમયમાં. અતિ ઉદારવાદી, અતિ સકારાત્મક અતિ વિશ્વાસનું પરિણામ શું આવે એ આજ કાલ સહુ જાણે જ છે. અંત ભલે અપૂર્ણ છે પણ આ અપૂર્ણતામાં પણ પૂર્ણતા છે. રજનીકુમાર પંડ્યાએ કથા વસ્તુ ને પોતાના શબ્દો આપીને યોગ્ય ન્યાય આપ્યો છે.