કારગીલ યુદ્ધ – ગુજરાત ના શહીદોઆ પુસ્તક એક વીરગાથા છે, જેના દ્વારા અમે યુદ્ધક્ષેત્રે જે કંઈ બન્યું તે અક્ષરશઃ સત્ય આપની સમક્ષ લાવવાની સાક્ષીભાવ રાખીને, એક ઈમાનદાર કોશિશ કરી છે. જેમ ઈશ્વરને ઉપનિષદ ભણાવવાની કોશિશ ન કરાય તેમ સૈનિકો સમક્ષ યુદ્ધ કથા કહેવાની, આપણા માજી સૈનિક પરિવાર સમક્ષ પુસ્તકનું વિમોચન કરવાની હિંમત એ જ વ્યક્તિ રાખી શકે જેણે છાતી ઠોકીને કહી શકાય તેવું, ખુલ્લું, નગ્ન અને વિચલિત કરી મૂકે તેવું, કશું જ છુપાવ્યા વગરનું યુદ્ધ લખવાની હિંમત કરી હોય.
આજદિન સુધી જવાનોને ભારતના યુદ્ધ ઈતિહાસમાં અવગણવામાં આવ્યા છે. ત્યારે આજે અમે જવાનો પોતે પોતાનો ગૌરવશાળી અને ત્યાગ્પૂર્ણ ઈતિહાસ સમાજ સમક્ષ લઇ આવ્યા છીએ. આપણા દેશ પર, સમાજ પર આપણી બધાની ઉપર આ જવાનોનું બહુ મોટું કરજ છે. આપની સ્વતંત્રતા અને લોકશાહીની મજબુત ઈમારત આ જવાનોના બલિદાનો પર ઉભી છે.
બધાં જ ભારતીય યુદ્ધવીરોએ દર્શાવેલું અકલ્પનીય ધૈર્ય, સાહસ અને તેમની વીરતાને આ પુસ્તકના પાનાઓમાં સમાવેશ કરી શકું તેવી વિદ્વતા કે યોગ્યતા મારામાં નથી. ‘આ પુસ્તક એક અદના સૈનિકનો તેના ભાઈઓને સન્માન આપવાનો પ્રયત્ન માત્ર છે.’
અમર શહીદ ભગત સિંહ કહે છે,” "ઈસ કદર વાકિફ હૈ મેરી કલમ મેરે જજબાતોં સે, અગર મેં ઈશ્ક લિખના ભી ચાહું તો ઈન્કલાબ લિખ્ખા જાતા હૈ.”
‘કારગીલ યુદ્ધ’ આ પુસ્તક, તેમાં ઉલ્લેખાયેલા પ્રત્યેક જવાનની જીવન પર્યંતની રાષ્ટ્રનિષ્ઠા અને ૧૫ – ૨૦ – ૨૫ વર્ષના સૈન્ય જીવનના અણમોલ અનુભવોનો નીચોડ છે. હું, અત્રે ઉપસ્થિત સર્વેને વિનંતી કરીશ કે તમારા અને તમારા સ્નેહીજનોના સંતાનોને જન્મદિવસે ભેટમાં આ પુસ્તક આપો. ‘કારગીલ યુદ્ધ’ પ્રત્યેક ગુજરાતી માટે દીવાદાંડી સમાન, આ પુસ્તક એવા યુવાનો માટે છે જે સૈનિકોને પોતાનો આદર્શ ગણે છે. આ પુસ્તક એક અદના સૈનિકનો ઈમાનદાર પ્રયાસ છે, આ દેશના હરેક શહીદ જવાનને, પૂર્વ સૈનિકોને અને સૈનિકોને નમન કરવાનો અને તેમના સ્વજનોના ત્યાગને બિરદાવવાનો.
ભારતની લોકશાહી અને સ્વરાજ્યની ઈમારત સેંકડો સૈનિકોની લોહિયાળ કુરબાનીઓ પર ઉભી છે. એ સૈનિકો અને તેમનાં પરિવારોને સમાજ તેમનું યોગ્ય સ્થાન અને સન્માન અર્પે તે આવશ્યક છે.