જયારે પુસ્તક હાથમાં લીધું ત્યારે નવોદિત લેખકની કલમે લખાયેલ વાર્તા વાંચવી કે નહીં એ વિષે અસમંજસ હતી. પરંતુ પ્રથમ બે પાનાંમાં જ ખાતરી થઈ ગઈ કે કલમ સબળ છે, મજા આવશે.
જેમને ચમત્કારિક વાર્તાઓ વાંચવી ગમતી હોય તેમને ગમે તેવું પુસ્તક છે. બાવો રુદ્રભદ્ર, કાંથડના બાવાજી, અઘોરી, મોનો, વગેરે પાત્રોનું આલેખન સરસ થયેલું છે. મોનાના પિતા રામજી પોપટ અને કાકા અરજણની લાગણીઓ હૃદયને સ્પર્શી ગઈ. એક અજાણી સ્ત્રીની રક્ષા કાજે જાનની બાજી લગાડીને મેદાને પડેલા મોના અને અન્યોએ યાદ દેવડાવી દીધું કે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સન્માન કેટલું મહત્ત્વનું હતું. કદાચ આજે તેની ઉપેક્ષા થઇ રહી છે.
દૈવી અને આસુરી શક્તિ વચ્ચેના દ્વંદ્વની આ વાર્તા વાગડ પંથકની દંતકથાઓમાંની એક છે જેને લેખક શ્રી ઉમિયાશંકર અજાણીએ પુસ્તકનું સ્વરૂપ આપીને તેનો વ્યાપ વધાર્યો છે. કચ્છની આ વાર્તામાં આવતા કચ્છી શબ્દો એક કચ્છી હોવાને નાતે મને અત્યંત પોતીકાં લાગ્યાં.