બદલાતા સમયમાં ઊછીના વિચારો દ્વારા દિશાશૂન્ય લડતા માણસની કથા -- પોતાને મળેલી પરિસ્થિતિથી ઊંચા સ્થાને પહોંચવા માટે માણસ સતત સંઘર્ષ કરે છે. 'मा फलेषु' એ વીસમી સદીના ઉત્તરાર્ધમાં જીવતા આવા જ એક પાત્રની કથા છે. આપણા દેશની પાછલી સદીનો ઘણો સમય એવો ગયો કે જેમાં સમાજ પારકી સંસ્કૃતિ, પારકી ભાષા અને પારકા વિચારોને અપનાવતો રહ્યો. 'मा फलेषु' નવલકથા વીતેલી સદીના સામાજિક વમળોને રજૂ કરે છે. એનાં પાત્રો ઇતિહાસ રચનારાં છે. ભ્રમને બ્રહ્મ માનનારાં આ પાત્રો નવલકથાને એક એવા ત્રિભેટે લઈ જાય છે જ્યાં વાચકને લગ્નસંબંધ અને કુટુંબ વ્યવસ્થાનાં સારાં-ખોટાં ડાઇમૅન્શન્સમાંથી જીવન જીવવાનો એક રસ્તો મળે છે. કયો છે એ રસ્તો ? છેલ્લા કેટલાંક દાયકામાં માણસોનાં મૂલ્યો અને જીવનનાં ધ્યેય ઘણી ઝડપથી બદલાયાં; આસપાસના સાધનો અને વ્યવસ્થામાં પણ પરિવર્તન આવ્યું. પ્રેમ અને રહસ્યનાં જૂના વિષયની બહાર જઈ, સમયને સમજવા માગતાં વાચકો માટે 'मा फलेषु' અનિવાર્ય વાંચન છે.
સામાન્ય માનવીની આ કથા એક વાર વાંચવા જેવી ખરી. મુગટલાલ જેવા કંઈ કેટલાય લોકો ભારતમાં વસે છે જે બચપણ કે યુવાનીથી કરીને છેક પ્રૌઢાવસ્થા સુધી ફક્ત બીજાએ સૂચવેલી રાહ પર ચાલતા રહે છે. એ બીજાઓ કયારેક પેરેન્ટ્સ, ટીચર્સ, ભાઈ-બહેન, પત્ની કે મિત્રો હોય છે. મુગટલાલના જીવનના દરેક પડાવે કોઈક ને કોઈકે તેમના જીવનના નિર્ણયો પર અસર પાડી અને એ પ્રમાણે મુગટલાલનું જીવન વિવિધ દિશાઓમાં ફંટાતું રહ્યું. આ નવલકથા સાથે એક અનુવાદકે નવલકથા ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. મને અનુવાદનું કામ હંમેશા અઘરું લાગ્યું છે, કારણ કે તેમાં બીજાએ સર્જેલા પાત્રો કે આલેખનમાં પ્રવેશ કરીને પછી તેનું અન્ય ભાષામાં નિરૂપણ કરવાનું હોય છે. જયારે પોતાની નવલ હોય ત્યારે પાત્રો પણ પોતાના હોય અને તેમનું ભાવવિશ્વ પણ આપણી પોતાની મરજી મુજબ સર્જાતું હોય. લેખક શ્રી અવનિશ ભટ્ટે નવલકથાના દરેક પાત્રનું આલેખન ખુબ સુંદર રીતે કર્યું છે. તેમની ભાષા, તેમનો પહેરવેશ, તેમની વિચારસરણી, વગેરે બધું જ આગવું છે. કદાચ તેથી જ વાર્તાનો પૂર્વાર્ધ ખુબ સરસ રહ્યો. પરંતુ ઉત્તરાર્ધમાં નવા પાત્રો ઓછા થઇ ગયા ત્યારે લેખકની વાર્તા પરની પકડ જતી રહી. છેલ્લા પચાસ પાનાં ફટાફટ (fast read) ઉપરછલ્લી નજર ફેરવી પૂરાં કર્યાં. રાજકારણ, સામ્યવાદ, વગેરેનું મિશ્રણ સાથે વાર્તા પૂરી થઇ.