Jignesh Ahir's Blog
September 29, 2019
બસ ખબર ન હતી….
ઊગી નીકળવાં મન તો મને પણ ઘણું હતું,
બસ, દિશા એની કઈ હશે એની મને ખબર નહોતી.
સફળ થવાનું મન તો મને પણ ઘણું હતું,
બસ, એ મને મારાથી દૂર કરી દેશે એની મને ખબર નહોતી.
આ એકલતામાં સાથીની જરૂર તો મને પણ ઘણી હતી,
બસ, એ સંગાથનો ભાર કેટલો હશે એની મને ખબર નહોતી.
આ દોડધામમાં એક રમકડાની જરૂર તો મને પણ હતી,
પણ એ રમકડું મારા જીવથી મોંઘું હશે એની ખબર નહોતી.
જીજ્ઞેશ ન્યુટનનો ત્રીજો નીયમ હું પણ ભણ્યો હતો,
બસ, એ જીંદગી પર પણ લાગુ થતો હશે એની મને ખબર નહોતી.
December 3, 2018
મુંજાવ છું હું…!!
હું મુંઝાવ છું મનમાં ઘણો,
અને જવાબો મળતા નથી
પ્રયત્નો કદાચ હશે ઓછા મારાં,
બાકી પ્રશ્નો એટલા અઘરા નથી..!!
રિબાઇને મરવું નથી મારેં,
પણ હસવું એટલું સહેલું નથી..!!
જીવનનું સત્ય જાણું છું, હું…!!
પણ એ રિતે જીવવાની જીગર નથી..!!
આળસ અને આંડબરે ઘેર્યો છે, મને
બાકી ઇશ્વર થવું એટલું અઘરું નથી…!!
જીજ્ઞેશ, કદાચ મારાથી જ સત્ય છુંપાવું છું, હું..!!
એટલે જ કદાચ, મનમાં હું મુંઝાવ છું..!!
August 18, 2018
સ્વાર્થ અને ત્યાગ વચ્ચેનો સંબંધ
કોઇપણ નિહીત સ્વાર્થ વગર કંઇપણ કામ કરવું એ માનવજાતી માટે શું અસંભવ છે..? અને એ જ સ્વાર્થની પ્રાપ્તી સાથે પોતાની મરજી મુજબ જીવવું શક્ય છે..? માણસનો સ્વાર્થ અને તેની પસંદગીની જીંદગી તેને હંમેશા બે અલગ દિશામાં જ જોવા મળશે..! હવે કેમ..? તો ચાલો સમજીએ..!
સ્વાર્થ અને પસંદગીની જીંદગી વચ્ચેનો સંબંધ સમજીએ એ પહેલા સ્વાર્થ માટેનો મારો અભીપ્રાય તમારી સમક્ષ મુકવા માંગું છું..! સ્વાર્થની જોડણી થાય છે સ્વ+અર્થ, પોતાના અર્થે કરેલું કાર્ય, કોઇ વ્યક્તિ માટે, કોઇ વ્યક્તીના ચહેરા પરની ખુશી જ સૌથી વધારે મહત્વની હોય છે, તો તેની ખુશી મેળવવી એ તેનો સ્વાર્થ થયો, કોઇ માટે પૈસા જ મહત્વની વસ્તુ છે, તો પૈસા કમાવા એ તેનો સ્વાર્થ થયો..! કોઇ માણસ માટે સર્વોચ્ચ સત્તા પર પહોચવું મહત્વનું છે, તો એ તેનો સ્વાર્થ થયો..! તો તમામ કાર્યો પાછળ કોઇ સ્વાર્થ તો હોય જ છે, પણ તેનો પોતાનો સ્વાર્થ સાધવાનો રસ્તો, માણસને સ્વાર્થી કે મતલબી અથવા નિસ્વાર્થી કે સાધું માણસ બનાવે છે..!
મેં એવા ઘણા પ્રેમીઓ જોયા છે, જેમણે પોતાની પ્રેમીકા કે પ્રેમીને ખુશ કરવા, તેમને જોઇતી જીંદગી આપવા માટે ઘણા બલીદાનો આપ્યા હોય છે, અને પોતે એક મહાન પ્રેમી કે પ્રેમીકા હોવાનો દાવો કરતાં હોય છે..! પણ સત્ય ત્યારે બહાર આવે છે જ્યારે કોઇ એક પક્ષ દગો આપે..! જો સામેનો પક્ષ તેને ખુલ્લા દિલે સ્વિકારી અને તેની જ ખુશી માટે પ્રાર્થના કરી શકે, તો તેને હું સાચો નિસ્વાર્થ પ્રેમ કહીશ કારણ કે તેનો સાચો સ્વાર્થ સામે વાળાની ખુશીમાં છે નહી કે તેને ગમેતેમ કરીને પામવામાં..! બાકી સ્વાર્થી માણસ પ્રેમમાં દગો મળ્યાં બાદ કડવો અને રઘવાયો થઇ જતો હોય છે અને જો એ માણસ ડરપોક હોય તો અંદરને અંદર ધુંધવાતો કરતો હોય છે..!
તો જે વ્યક્તિ પોતાનું નુકશાન કરી સામેના પક્ષનું હિત ઇચ્છે છે કે સામા પક્ષના સ્વાર્થની પુર્તી કરી શકે છે તે વ્યક્તિને નિસ્વાર્થ કે ત્યાગીની કક્ષામાં મુકી શકાય બાકી, સ્વાર્થી માણસ ગમે તેમ કરીને પણ પોતાના હિતની રક્ષા જ કરતો હોય છે અને જે સ્વાર્થી માણસ પોતાના હિતની રક્ષા નથી કરી શકતો તે માણસોનો સ્વાભાવ નકારાત્મકતાની ચાદર ઓઢી લે છે..! તેના મોઢાંમાંથી તમે કદી સારી વાત નહી સાંભળી શકો..!
તમને નીચેનાં ઉદાહરણમાંથી એ જવાબ પણ મળી જશે કે શા માટે માણસ પોતાની પસંદગીની જીંદગી નથી જીવી શકતો. ચલો થોડું ઉંડાણમાં જઈએ, ઓફિસમાં કોઇ કર્મચારીને એક પદ પર પહોંચવાની ઇચ્છા છે, જેને આપણે તેનો સ્વાર્થ કહીંશું..! હવે એ પદ તેને એમજ નથી મળવાનું..! તે મેળવવા માટે મોટાભાગે ત્રણ રસ્તા હોઇ શકે, એક મહેનતનો, બીજો ચાલાકીનો, અને ત્રીજો સમાધાન.
જે તે વ્યક્તિએ એ પદ મેળવવા પોતાની કોઇ ગમતી વસ્તુંનો ત્યાગ કરવો જ પડ્યો હશે..! કોઇને પોતાની ઉંઘનો ત્યાગ કરવો પડ્યો હશે, તો કોઇએ પોતાની વ્યક્તિગત જીંદગીનો, તો કોઇને પોતાની ઇમાદારીનો, તો કોઇને પોતાના સ્વમાનનો..! કોઇને કોઇ રિતે તે વ્યક્તિ એવી કોઇક વસ્તું કે વ્યક્તિ કે શોખનો ભોગ આ માટે આપતો જ હોય છે, પણ માણસના વ્યક્તિત્વની ઓળખ તેણે લીધેલા રસ્તા પર આધારીત છે, જો પોતાના સ્વાર્થ માટે બિજાનું નુકશાન કરે તો તે સ્વાર્થી કે મતલબી છે, બીજાને નુકશાન પહોચાડ્યા વગર પોતાના સ્વાર્થને સાધનાર વ્યક્તિ મોટાભાગે મહેનતી અને નિસ્વાર્થી હોય છે તો ત્રીજી પરિસ્થીતીમાં બંન્ને પક્ષે નુકશાન વહેંચનારા વ્યક્તિ હંમેશા વ્યવહારું હોય છે.
સમાજમાં વ્યવહારું વ્યક્તિઓની સંખ્યા સૌથી વધું છે, એવું મારું માનવું છે, જ્યારે બીજા નંબર પર સ્વાર્થી અને સૌથી ઓછા મહેનતી લોકો છે..!
પણ અહીં હસ્યાસ્પદ વાત એ છે કે સ્વાર્થી માણસો જ વધારે સહન કરતાં હોય છે અથવા તેમને સહન કરવું પડતું હોય છે..! કેમ..? કોઇપણ સ્વાર્થને સાધવા માટે હંમેશા તમારી મનગમતી વસ્તુંનો ભોગ આપવો પડતો હોય છે..! એવું સમજો કે કોઇ બાધા લીધા જેવું કામ છે, કોઇ મનગમતી વસ્તું મેળવવા માટે બીજી મનગમતી વસ્તુંનો ત્યાંગ નહી પણ અહી ભોગ આપવો પડે છે..! કારણ કે મહેનતું લોકો કે સમજદાર લોકો એ સમજતાં હોય છે કે બે વસ્તું તમને કદી એકસાથે ના મળે, તમારે સફળતાં જોઇએ છે તો આળસ ત્યાગવી પડે..! તમારે પ્રેમ પામવો છે..? તો વ્યક્તિગત મહેચ્છા ત્યાગવી પડે..!!
ત્યાગી માણસ કદી તેણે ત્યાગેલી વસ્તું માટે અફસોસ નથી કરતો, તે બસ ત્યાગી દે છે. પછી ભલે તેનો ત્યાગ તેને જે તેને જોઇએ છે એ મેળવી આપે કે ના આપે..! તેના વર્તનમાં એક સંતોષ હોય છે કે તેને ગમતાં લક્ષ માટે તેણે પુરતાં પ્રયત્નો કર્યા છે અને હજી એ જ પ્રયત્નો ચાલું રહેશે..! જ્યારે સ્વાર્થી માણસ પોતાની ઇચ્છાઓનું દમન કરે છે, પોતાના મનને મારે છે, એ કાર્ય પરાણે કરે છે, જે તેને નથી ગમતું, અને પછી પણ જો પોતાના સ્વાર્થની પુર્તી ના થાય તો તે અકળાઇ ઉઠે છે..! અને પોતે ત્યાંગવી પડેલી વસ્તું માટે અફસોસ વ્યક્ત કરે છે કે પસ્તાય છે..!
તો જ્યારે તમે કોઇ કામ પરાણે કરો છો..! ત્યારે એ વાત મગજમાં જરૂર રાખજો કે તમે તમારો કોઇ સ્વાર્થ સાધવા તમારી ઇચ્છાઓનું દમન કરી રહ્યાં છો, અને જો કોઇ વસ્તું ત્યાગતી વખતે તમને ભારના લાગે તો સમજવાનું કે તમારો ઇરાદો શુંધ્ધ છે..! બાકી વ્યવહારું થવું પણ ખોટું નથી..!
અત્યારનાં સમયમાં પ્રેમ, મિત્રતા અને લોહીના સંબંધો વ્યવહારીતાના સિંધ્ધાંત પર જ ટકેલા છે..! હું તમને ત્યાં સુધી જ પ્રેમ કરીશ, જ્યાં સુધી તમે કરશો..! જન્મોજન્મ પ્રેમ કરવાનાં વચનો નાનકડા વિશ્વાસઘાતથી એ જ ક્ષણે ભુલાઇ જવાય છે..! હાં મે હજી એવાં મિત્રો જોયા છે, જે પોતાના મિત્રોના દગા બાદ પણ લાગણી નજરથી પછી પણ જોતાં હોય છે પણ આવાં સાચા મિત્રોની આ સમયમાં ખુબજ તાણ છે..! અને ભાઇઓ વચ્ચેના ઝઘડા માટે મારે કશું લખવાની જરૂર નહી પડે..!
તમે જરાય ખોટા નથી જો તમે એવી અપેક્ષા રાખો કે સામે વાળો પણ તમને એટલો જ પ્રેમ કરે, જેટલો પ્રેમ તમે એને કરો છો…! પણ એ વાત જરાં પણ બરાબર નથી કે તમારા વ્યવહારું પ્રેમને તમે શુંધ્ધ પ્રેમનું નામ આપી સામેની વ્યક્તિને બદનામ કરો..! કદાચ એવું પણ બને કે જે તક તેને મળી, જેના કારણે તેણે તમને દગો કર્યો, એ જ તક તમને મળી હોત, તો તમે પણ કદાચ એ જ કરત જે તેણે કર્યુ..!
વ્યવહારુ સ્વભાવ કાર્યાલયો અથવા વ્યવસાય પુરતો રહે તો જીવનમાં માનસિક તણાવ ઓછો રહેશે પણ જ્યારે આ વ્યવહારીતા તમે લગ્નજીવનમાં, મિત્રતામાં, સંબંધોમાં ભેળવશો ત્યારે તમને પિડા સિવાય કશું જ નહી મળે કારણે આ સંબંધો એવા છે જ્યાં તમારાં સ્વાર્થ સાથે તમારી લાગણીઓ પણ જોડાયેલી હશે, તમારો વિશ્વાસ અને સ્વમાન જોડાયેલું હશે અને જ્યારે વિશ્વાસ પર ઘાત લાગે ત્યારે પીડા સહન કરવી ખુબજ કપરી છે..!
અંતે એટલું કહીશ કે તમે સમાજ સામે તમારું વ્યક્તિત્વ અલગ બતાવી શકો છો, તમારો સાચો ચહેરો છુપાવી શકો છો, પણ જ્યારે તમે અરિસામાં જુઓ તો સત્ય સ્વિકારવાની હિંમ્મત તમારામાં હોવી જોઇએ કે તમે વ્યવહારું માણસ છો કે ચાલાક કે મતલબી કે પછી સાચે જ તમારા ઇરાદા શુંધ્ધ છે..! જે તમે નથી તેની અપેક્ષા તમારે સામેના પક્ષે પણ ના રાખવી જોઇએ..!
April 21, 2018
છોકરો અને છોકરી એકસમાન નથી..?
21મી સદીનો સૌથી વધું ચર્ચાતો પ્રશ્ન અને સ્ત્રીજાતીની સતત અપાતી લડત કે અમે પૂરુષોની સમોવડી છીએ..! અને પૂરુષોની સતત એ મથામણ કે પૂરુષો વગર કદી સ્ત્રીનું અસ્તિત્વ જ ના હોઇ શકે..! પણ આમાં સાચું કોણ..?
જો આપણે ભુતકાળ પર નજર નાખીએ તો એ સ્પષ્ટ દેખાશે કે પૂરુષોએ હમેંશા સ્ત્રી પર શાશન કર્યુ છે અને સ્ત્રી હંમેશા પીડાતી આવી છે, સમય પસાર થતો રહ્યો, આજનો સમય આવતા આવતા સ્ત્રીઓમાં જાગ્રુતતા વધી અને તે પોતાના હકો માટે લડતી થઈ..! પૂરુષોથી ખભાથી ખભો મેળવી કામ કરતી થઈ..! જર્મની જેવા દેશમાં તો તે દેશ ચલાવતી પણ થઈ, તો શું સ્ત્રી અને પૂરુષ એકસમાન છે..? તો હું કહીશ ના..!
હું થોડું ગણીત ભણેલો છું, જેમા એક નિયમ છે કે જ્યારે બે વસ્તું કે ઓબ્જેક્ટની કિંમત કે વેલ્યું એકસરખી હોય ત્યારે આપણે તેમને એકબીજાના અવેજમાં લઈ શકિએ..! જેમકે X=50, Y=50 then X=Y
તો આપણે આ જ નિયમ સ્ત્રી-પૂરુષમાં પણ લાગું પાડી શકીએ..! જો બંન્ને સરખા હોય તો આપણે તેમને એકબીજાના અવેજમાં વાપરી શકીએ..! ચલો ને એકબીજાના અવેજમાં શુંકામ? ગમે તે એક ને જ પસંદ કરી લઈએ એટલે ગુંચવણ જ પુરી થાય..! એટલે દુનિયામાં પૂરુષ અને સ્ત્રી ગમે તે એક હોય તો ચાલે..? કારણ કે બન્ને એકસમાન જ છે..!
તમે હવે મારી વાતનો વિરોધ કરશો..! કે હું તમને ખોટા માર્ગે દોરી રહ્યો છું..! પણ ના મુદ્દો અહી શબ્દો અને આપણી માનસીકતાનો છે…! હું કદી એવું નહી કહું કે સ્ત્રી-પૂરુષ એક સમાન છે પણ હું એમ જરૂર કહીશ કે બંન્ને એકબીજાના પુરક છે..! સ્ત્રી-પૂરુષ એકસમાન હોવા અને એકબીજાના પુરક હોવા બંન્ને વિધાન ઘણું કહી જાય છે…! છતાં આપણે આ જ વાતના ઉંડાણમાં જઈએ.
સ્ત્રી અને પૂરુષ બંન્નેમાં એકબીજાથી અલગ ગુણધર્મો છે..! પૂરુષ પાસે શારીરિક શક્તિ વધારે હોય છે તો સ્ત્રી પાસે આંતરીક શક્તિ વધારે હોય છે, પૂરુષ ભાવના સમજવામાં થોડા બુડથલ હોય છે તો સ્ત્રીઓનો વિષય જ ભાવનાઓને સમજવાનો હોય છે..! પૂરુષો માર સહન કરી શકે છે તો સ્ત્રીઓ પીડા સહન કરી શકે છે..! પૂરુષો કમાઇ શકે છે તો સ્ત્રી એ પૈસા બચાવી શકે છે..! પૂરુષોનો સ્વભાવ કડક હોય છે જ્યારે સ્ત્રીનો સ્વભાવ સોમ્ય હોય છે..! પૂરુષની માનસીકતા વિધ્વંસની હોય છે, તો સ્ત્રીની માનસીકતા નિર્માણની હોય છે..! પૂરુષની ભાષા યુધ્ધની હોય છે જ્યારે સ્ત્રીની ભાષા પ્રેમની હોય છે..! પૂરુષ પાલક છે તો સ્ત્રી પોષક છે..! પૂરુષ સુર્ય છે તો સ્ત્રી ચંદ્ર છે..!
એક પ્રશ્ન ઘણી વખત મારી સામે આવે છે કે લગ્ન બાદ હંમેશા સ્ત્રીને જ કેમ ઘર છોડવાનું..? તો અહીં સ્ત્રીનો ધર્મ નિર્માણનો છે, પૂરુષો ઘર તોડવામાં ઉસ્તાદ હોય છે એટલે સ્ત્રીએ નવા ઘરના નિર્માણ માટે પોતાના ઘરનો ત્યાગ કરવો પડે છે..! પણ ઘર નિર્માણની સામગ્રી માટે તેને પૂરુષ પર આધાર રાખવો પડે છે..! સંતાનના જન્મ માટે પણ ગમે તેટલા શક્તિશાળી પૂરુષને એક સ્ત્રીની જરૂર પડે છે અને ગમે તેટલી શક્તિશાળી સ્ત્રીને એક પૂરુષની..! ઘણી વખત એ પ્રશ્ન પણ સામે આવે છે કે કોઇ બ્રહ્મચારી પૂરુષને સ્ત્રીની જરૂર હોય..? તો હા..! પણ સ્ત્રીનું સ્વરૂપ હમેંશા પત્ની કે પ્રેયસી જ હોય એવું જરૂરી નથી, તે માતા પણ હોઇ શકે અને બહેન પણ હોઇ શકે..! મહાભારતના એક મહાન યોધ્ધા ભીષ્મ આ વાતની સાક્ષી પુરે છે, તેમને જ્યારે એકલતા લાગતી, મુંઝવણ અનુભવતા ત્યારે તે પોતાની માતા ગંગા પાસે જ જતાં..! તેમની સાથે વાત કર્યા બાદ તેમને આંતરીક શાંતીનો અનુભવ થતો.
સ્ત્રી પૂરુષ એકબીજાના પુરુક છે એ વાત સાબીત કરવા માટે ભગવાન શિવે અર્ધનારેશ્વરનો અવતાર લીધેલો..! અહીં તે એમ કહે છે કે પાર્વતી તેમના સમોવડીયા નથી પણ તેમનો અડધો ભાગ છે..! પૂરુષોને આ વાત સમજવા જેવી છે કે તે છે તો સ્ત્રીઓ છે એવું નથી..! પણ બંન્ને છે એટલે જ બંન્નેનું અસ્તિત્વ છે..!
પણ હવે આ અસ્તિત્વની લડાઇમાં સ્ત્રીત્વ અને પૂરુષત્વના ગુણધર્મોનું કોકટેલ થઈ ચુક્યું છે..! કારણ કે અત્યારે વાત પોતાના હકો માટે લડવાની નથી, પણ અત્યારે વાત એ સમાજ સાથે બદલો લેવાની છે જેણે સ્ત્રીને અત્યારે સુધી પોતાના પગની જુતી જ સમજી છે અને કચડ્યે રાખી છે..! એટલે હવે સ્ત્રીઓ એ તમામ મદભર્યા પૂરુષોને સમજાવવા નીકળી છે કે અમે તમારાથી ઉતરતી નથી. અને આનું સૌથી મોટું નુકશાન પુરાને સમાજ ગયું છે..! સ્ત્રીના એ મુળભુત લક્ષણો હવે લુપ્ત થવાની અણી પર છે પછી માત્ર નવલકથાઓમાં જ સ્ત્રીત્વ શું હતું, તેવી કોઇ વાત જોવા મળશે બાકી સમય જતાં સ્ત્રી અને પૂરુષ એકસરખા અને એક ગુણધર્મવાળા બની ગયા હશે, માત્ર શારિરીક ઢાંચામાં જ ફરક હશે..!
હું અહી એ સ્ત્રી-પૂરુષોની વાત કરી રહ્યો છું જે એકબીજા સાથે હરિફાઇમાં ઉતરેલા છે કે કોણ ચડીયાતું..! અને આ એક બિમારી છે જે ખુબજ ઝડપથી ફેલાઇ રહી છે..! એક સ્ત્રી પોષક મટી પાલક બનવા બહાર નોકરી કે ધંધો કરે છે. નિર્માણનું કાર્ય છોડી યુધ્ધના મેદાને ચડે છે..! સાહિત્ય મુકી ને દંડ હાથમાં પકડે છે..! ઘર મુકી દેશ ચલાવે છે..!
તો તમે કહેશો કે આમાં ખોટું શું છે..! તેમની પાસે પ્રતિભા છે, તો એ કરે છે. પણ અહીં મુદ્દો પ્રતિભાનો નથી, અહી મુદ્દો એકબીજા સાથે અસ્તિત્વ ટકાવી રાખવાનો છે અને આમાં હું સ્ત્રીને દોષી નથી માનતો પણ આ પેલી સ્પ્રીંગ જેવી વાત છે કે જેમ સ્પ્રીંગ તમે વધારે દબાવો તેમ તે વધારે જોરથી ઉછળે અને સદી એ જ રિતે સદીઓથી દબાવવામાં આવેલી સ્ત્રીઓ અત્યારે પોતાની સાથે થયેલા અપમાનનો બદલો લેવા બહાર નીકળી પડી છે..!
આ ફરીફાઇમાં નુકશાન ભવિષ્યની પેઢીને છે..! જે એવી જ સ્ત્રીઓને માન આપશે જે તેમની સમોવડી ઉભી હોય..! અત્યારે હવે સમય પાક્યો છે કે પૂરુષ અને સ્ત્રી એકબીજા અસ્તિત્વનો સ્વિકાર કરે..! એકબીજાને આદર આપે..! અહીં હું એ કહેતા અચકાશ નહી કે પહેલું પગલું પૂરુષ ભરે અને સ્વિકારે કે સ્ત્રી વગર તેનું અસ્તિત્વ અસંભવ છે અને સ્ત્રી પોતાના સ્વભાવ પ્રમાણે અભીમાની પૂરુષને માફ કરે અને આ લડાઇનો અંત લાવે.! અહીં લડાઇનો અંત એટલે અત્યારના જીવન-ધોરણમાં ધરખમ ફેરફારો કરવા એવો નથી પણ માનસીકતામાં ફેરફાર લાવવો એ છે..! બંન્ને પોતપોતાની જવાબદારી સમજતા હશે તો હાલની પરિસ્થીતીમાં પણ સુખેથી જીવી શકાશે..! વાત એટલી જ છે કે એકબીજાના પુરક બનો..!
April 15, 2018
એરેંજ મેરેજ કે કોંટ્રાક્ટ મેરેજ ?
મેં આ લેખનું નામ અંગ્રજીમાં લખ્યું છે, તેનું એક કારણ છે, જે તમે લેખ પુરો કરશો ત્યાં સુધીમાં સમજાઇ જશે…! હવે, આપણે આગળ વાત કરી ચુક્યા તેમ, લગ્ન ઘણા પ્રકારના હોય છે, જેમાનો એક પ્રકાર છે, ગોઠવેલા લગ્ન એટલે કે એરેંજ મેરેજ..! બે પરિવાર ભેગા મળીને નિર્ણય લે કે પોતાના ઘરનું પાત્ર સામેના ઘરના પાત્ર માટે યોગ્ય છે અને એ બંન્ને પાત્રો એકબીજાને મળીને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે અને પછી એ નિર્ણય પર આવે કે આપણે લગ્ન ગ્રંથીથી જોડાવું જોઇએ, તેને કહેવાય ગોઠવેલા લગ્ન અથવા એરેંન્જ મેરેજ..!
ગોઠવેલા લગ્નનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં બંન્ને પરિવારની સંમતી હોવાથી બંન્ને પાત્રોના મા-બાપ અને કુટુંબીઓના આશિર્વાદ સાથે હોય છે..! જે એક હકારાત્મક વાતાવરણના નિર્માણનું કારણ બને છે..! બંન્ને પાત્રો એકબીજાને સમજવાનો સમય આપે છે..! અને ઘણી વખત લગ્ન બાદ કે તેના થોડા સમય પહેલા એકબીજાના પ્રેમમાં પણ પડે છે..! એક રિતે જોવા જઈએ તો આ લગ્ન સમજી વિચારીને કરવામાં આવતા હોવાથી, આ લગ્નના સફળ થવાનાં કિસ્સા વધારે જોવા મળે છે..! (અહીં જ્યાં મા-બાપ પરાણે દિકરી કે દિકરાના લગ્ન પોતાના મનપસંદ પરિવારમાં કરાવતા હોય છે તેને અપવાદ કહી શકાય..! અથવા તેને બળજબરીથી કરાવવામાં આવેલા લગ્ન કહી શકાય.!)
પણ હવે આપણે આ પ્રકારના લગ્નનો થોડા ઉંડાણથી જોઇએ..! પહેલા આ પ્રકારના લગ્ન માટે તૈયાર થનાર બે પાત્રોની માનસીકતાની ચર્ચા કરી લઈએ..! મારા અનુભવો અને નિરિક્ષણોમાં મે મોટાભાગે જોયું છે કે જે લોકો લગ્ન જેવી બાબતમાં રિસ્ક લેવા નથી માંગતા તે આ નિર્ણય તેમના મા-બાપ પર નાખે છે અને પોતે તેના મુક પ્રેક્ષક બને છે.! ઘણી વખત પોતે કોઇ પાત્ર શોધવામાં અસમર્થ હોય ત્યારે પણ તે પરિવારનો સહારો લે છે..! કે તેમની આબરૂને ધ્યાનમાં રાખીને પોતાની સાથે લગ્ન કરવા કોઇ હા પાડી દે અથવા મળવા તો તૈયાર થાય તો ઘણી વખત સંસ્કાર આડા આવે છે કે આ નિર્ણય લેવાનો અધિકાર તો મા-બાપનો જ હોય..!
ઉપરના ત્રણેય કિસ્સામાં બે આત્માના મિલનની ક્યાંય વાત નથી આવતી. બંન્ને પાત્રોની એવી માનસીકતા જરૂર હોય છે કે તે લોકો જેમની સાથે લગ્ન કરશે તેમને વફાદાર થઈને રહેશે, તેમને આખી જીંદગી પ્રેમ કરશે..! તેમની સાર-સંભાળ રાખશે પણ હકિકતમાં જોવા જઈએ તો આ બધી વાતોનું ધ્યાન ઉપર ઉપરથી રાખવામાં આવે છે..! મતલબ કે બંન્ને પાત્રો એકબીજા સાથે કોંટ્રાક્ટમાં ઉતરે છે..! જેને હું સમજોતો કહીશ..!
હવે મુદ્દો એ છે કે શું દરેક એરેંજ મેરેજ આ પ્રકારના હોય છે.? તો ના, પણ હા મોટાભગના તો હોય છે..! ભારતમાં લગ્નનો અર્થ કદાચ સૌથી સારામાં સારી રિતે સમજાવવા આવે છે પણ તેનો અમલ એટલી જ ખરાબ રિતે થાય છે નહિતર પતી-પત્ની પર આટલા બધા ટુચકુલા ના બનાવવામાં આવતા હોત..! તો વાત અહીં એ છે ખામી ક્યાં રહી જાય છે..? તો આપણે એ શોધવાનો પ્રયત્ન કરીએ.
મા-બાપની મહાત્વાંકાંક્ષા, લગ્ન કરનાર પાત્રોની નાસમજ અને લાલચ આ લગ્ન જેવી મહાન સંસ્થાના ભંગાણનું કારણ છે..! બધાને સારું પાત્ર જોઇએ છે પણ સારું પાત્ર એટલે શું? તેની વ્યખ્યા શું? જે પાત્રો પોતાની સુખ-સગવડતાનું ધ્યાન રાખી સામેવાળાને સુખ-સગવડતા આપવાનો પ્રયત્ન કરે તેને તમે આદર્શ પાત્રો કહેશો..? જ્યારે છોકરી છોકરાને મળતા પહેલા જ એ જાણી લે છે કે છોકરાની ભૌતીક લાયકાત કેટલી છે? કેટલો દેખાવડો અને ભણેલો છે અને છોકરાઓ એ જાણી લેવાનો પ્રયત્ન કરતા હોય કે છોકરી કેટલી રૂપાળી છે? કેટલી ભણેલી છે?
જેમ નોકરીઓની ભરતી માટે જાહેરાત બહાર પડે તેમ અહી જે તે જ્ઞાતીમાં કોઇને કોઇ રિતે જાહેરાત બહાર પડતી હોય છે કે જે તે ઘરની દિકરી માટે મુરતીયો શોધાઇ રહ્યો છે..! બસ પછી એપ્લીકેશનનો મારો ચાલું થઈ જાય છે..! મારી કાસ્ટમાં હજી બાયોડેટાની સિસ્ટમ નથી આવી પણ મારા ઘણા મિત્રોને મે લગ્ન માટે પોતાનો બાયોડેટા મોકલતા જરૂર જોયા છે..! ત્યારે આ પ્રશ્ન હું એક વાર જરૂર કરું કે નોકરી માટે અરજી કરે છે..? પણ જવાબ એવો કંઇક મળે કે આ જરૂરી છે અને થોડા દિવસો બાદ મને જાણવા મળે કે ભાઇને શોર્ટ લિસ્ટ થઈ ગયાં છે અને સામે વાળાનો બાયોડેટા મારા મિત્ર પાસે પહોચી ગયો છે..! જો બંન્નેને એકબીજાનો બાયોડેટા પસંદ આવે તો મુલાકાત ગોઠવવામાં આવે..! એટલે કે ઇંન્ટર્વ્યુ..!
અહીં બંન્ને પાસે એ અધિકાર હોય છે કે પોતાને ના પસંદ પડે તો ના પાડી શકે..! પણ આ મુલાકાત દરમિયાન પુછવામાં આવતા પ્રશ્નો મને વધારે મુંજવે છે..! મુખ્ય પ્રશ્નો પર નજર નાખીએ તો તમારા શોખ શું છે?, તમારી મનપસંદ વાનગી કંઇ છે..? તમને રસોઇમાં શું બનાવતા આવડે છે..? તમારો આગળની કારકિર્દી માટેનો શું વિચાર છે..? તમે સિટીમાં રહેવાનું પસંદ કરશો કે ગામડે.? તમારો કોઇ ફોરેન જવાનો પ્લાન ખરો..? તમારું ભુતકાળમાં કોઇ પ્રેમ પ્રકરણ હતું કે નહી..? તમને સંયુક્ત કુટુંબમાં રહેવાની કેટલી ઇચ્છા છે..? વગેરે આ સવાલો પરથી લોકો પોતાનો જીવનસાથી નક્કી કરતા હોય છે..!
પણ આમાં ક્યાંય એ પ્રેમતત્વનું નિશાન હોતું નથી..! એટલે એરેંન્જ મેરેજમાં મોટાભાગે બે પાર્ટીઓ મળી એળીને એકબીજાને ખુશ રાખવાનો કોંટ્રાક્ટ કરે છે…!
હવે એક વખત આ કોંટ્રાક્ટ ફાઇનલ થઈ જાય એટલે સગાઇ ગોઠવવામાં આવે છે અને બંન્ને પાત્રો એકબીજાને આરામથી હળી-મળી શકે છે..! અમુક જ્ઞાતીઓમાં સગાઇ ઘણો લાંબો સમય રાખવામાં આવે છે, જ્યારે અમુક જ્ઞાતીઓમાં જટ મંગની પટ બ્યાહ જેવી પરિસ્થીતી હોય છે..! અહીં જ્યાં સગાઇ લાંબો સમય સુધી રહે છે, તેમાં એકબીજાને સમજવાનો સમય વધારે હોવાથી લગ્ન સફળ જવાની સંભાવના વધારે રહે છે એમજ સગાઇ ટુટવાનો પણ એટલો જ ભય રહે છે..! કારણ કે સારા દેખાવાનું નાટક થોડો જ સમય ચલાવી શકાય..!
એરેંન્જ મેરેજમાં છોકરા –છોકરી બંન્ને પોતે પસંદ કરેલું પાત્ર સર્વશ્રેષ્ઠ જ છે, એવું માની બેઠા હોય છે..! જ્યારે માન્યતા પાક્કી હોય ત્યારે શંકા કરવાનો વિચાર જ નથી આવતો અને ત્યાં જ થાપ ખવાઇ જાય છે, માતાં-પીતાનાં આશિર્વાદથી પોતે પસંદ કરેલા પાત્રોમાં અટુટ વિશ્વાસ જ ઘણી વખત આખી જીંદગીના પસ્તાવાનું કારણ બને છે.
મોટાભાગના કિસ્સામાં પછી એ લવ મેરેજ હોય છે એરેંજ મેરેજ બંન્ને પાત્રો જાણતા કે અજાણતા લગ્ન પહેલા હંમેશા કોમ્પ્રોમાઇઝ (જતું કરવાનું વલણ) અપનાવતાં હોય છે અથવા પોતાનો સાચો સ્વભાવ છુપાવતાં હોય છે. લગ્ન બાદ સ્વભાવ અને પરિસ્થીતી બંન્ને એકબીજાની સામે જ હોય છે અને સહનશિલતાનું પ્રમાણ સૌથી ઓછું હોય છે. મને ઘણી વખત એવું લાગે કે જાણે બંન્ને પાત્રોએ દોડની સ્પર્ધામાં ભાગ લીધો હોય, એટલે દોડ પહેલા પુરી મહેનત કરી હોય પણ એક વખત જીતી ગયા પછી ટ્રોફી રૂમનાં કોઇ ખુણાંમાં શુશોભનનું સાધન બની ગયું હોય છે.
જેમ ધંધાના ભાગીદારો હળીમળીને ધંધો ઘણા વર્ષો સુધી ચલાવે, તેમજ આ પ્રકારના લગ્નોનોનું હોય છે..! પશ્વીમી દેશોમાં તલાકનું પ્રમાણ વધારે છે કારણ કે જ્યારે એક પાત્રને લાગે કે બીજું પાત્ર તેને બરાબર સહકાર નથી આપી રહ્યું એટલે છુટ્ટા થઈ નવા પાત્રની શોધમાં નીકળી જવાનું..!
ભારતની આ પરંપરા નહોતી..! અહી સાત જન્મોનું બંધન હતું, પતિને પરમેશ્વર અને પત્ની લક્ષ્મી ગણવામાં આવતી હતી..! જ્યાં પોતાના સ્વાર્થ પહેલા સામેવાળાની સગવડતા જોવામાં આવતી હતી..! પણ હવે એપલ અને જીન્સ સાથે આપણે એમના સંસ્કારો પણ ગ્રહણ કરી લીધા છે અને એટલે જ લગ્ન હવે લગ્ન મટી કોંટ્રાક્ટ બની ગયાં છે..!
January 8, 2018
ભુલથી થયેલા લગ્ન…!!
“લગ્નનો લાડવો જે ખાય તે પણ પસ્તાય અને જે ના ખાય તે પણ પસ્તાય..!” આ કહેવત કેટલા ટકા સાચી છે તેના પર આજે મારે ચર્ચા કરવી છે. લગ્નની સિઝન ચાલું થવામાં છે અને જેમના લગ્ન નજીકની તારીખોમાં થવાના છે, તેમને આ કહેવતનો અર્થ સમજવો વધારે જરૂરી છે..!
લગ્ન ઘણી જાતના હોય છે, લવ મેરેજ, એરેંજ મેરેજ, પરાણે થયેલા લગ્ન (ફોર્સ્ડ મેરેજ), ભુલથી થયેલા લગ્ન (એક્સિડેન્ટલ મેરેજ..) પરફેક્ટ મેરેજ પણ આ બધા લગ્નના ના પ્રકારોને એક બ્લોગ્માં સમજાવવા શક્ય નથી એટલે દર અઠવાડીયે એક એક પ્રકાર સમજવાનો પ્રયત્ન કરશું..! શરૂઆત કરીએ ભુલથી થયેલા લગ્ન..!
બહું ઓછા લોકોએ મારી સામે એવો એકરાર કર્યો હશે કે હું લગ્ન બાદ ખુબજ ખુશ છું. પણ આનો અર્થ એ નથી કે લગ્ન બાદ કોઇ સુખી નથી હોતું પણ એવું દર્શાવતા પણ ઘણા લોકો અચકાય છે એ હકિકત છે…!! હવે આ ઉલટી વાત થઈ કે તમને ગમે પણ છે અને કહેવું પણ નથી. એવી જ પરીસ્થીતી કુંવારાઓની છે કે તેમને લગ્ન કરવાનો શોખ તો ઘણો છે પણ તે એમ કહેશે કે પપ્પાની ઇચ્છા છે એટલે સેટલ થઈ જવું છે અથવા મમ્મીથી હવે કામ નથી થતું અને છોકરીઓનું એવરગ્રીન બહાનું ઘરવાળાઓ સામે હું શું બોલું. જેમના લગ્ન થવામાં વિલંબ થાય છે, તે કહેશે યાર, કોઇ પસંદ નથી પડી રહ્યું અથવા હજી સેટલ થવું છે પછી લગ્નનો વિચાર કરીશ પણ જો એ સમયે સામા પક્ષે હા પાડી કે મુકો બધું બાજુમાં આપણે તો નીકળ્યા પરણવાં…!
લગ્નએ જીવનની જરૂરીયાત છે..! પણ જો એ બે પાત્રો એકબીજા માટે બનેલા હોય તો..! નહીતર એ કાળાપાણીની સજા કરતા ઓછું નથી..!!
લગ્ન નામના ગાડાના બેં મહત્વના પૈડા હોય છે એક ધીરજ અને બીજી સમજણ..! પણ ઉતાવળીયા લગ્નમાં મોટાભાગે આ બંન્ને પૈડામાં પચંર જ હોય છે..!! પણ આ ઉતાવળના કારણો પહેલા સમજવા પડશે..! મારું ગણીત કહે છે કે 40% લગ્નો ઉતાવળીયા અથવા અસ્પષ્ટ નિર્ણયના કારણે કરાયેલા હોય છે, જે નિર્ણયની સજા આખી જીંદગી ભોગવવી પડતી હોય છે..!
હવે એ સમજી કે લગ્ન જીવન માટે કેટલા જરૂરી છે અથવા તે કોઇ બોજા સમાન છે કે નહી. સામાન્ય બુદ્ધીના માણસને હમેંશા કોઇક જોઇએ જ કે જેની સાથે તે ગમે ત્યારે વાત કરી શકે. પોતાના દુખ વહેચી શકે અને સુખમાં ભાગીદાર બનાવી શકે..! હવે જ્યા સુધી આપણે નાના હતાં ત્યાં સુધી મા-બાપ અને પછી મીત્રો આપણી આ જરૂરીયાત પુરી કરતા હતાં, પણ સાચી મુશ્કેલીઓની શરૂઆત અભ્યાસ પત્યા પછી જ થાય છે, મિત્રો જોબમાં વ્યસ્ત હોય એટલે એમની સાથે ટાઇમ અને મુલાકાતો ઓછી થવા લાગે..! ઉપરથી નવી ઓફિસ અને બોસની ખટપટ..! સેલેરીથી અસંતોષ..! આ બધા કારણો આપણે સંપુર્ણપણે હતોત્સાહ કરી નાખેં અથવા આનાથી સાવ ઉલટું થાય, નવી જોબમાં ખુબજ ખુશ હોઇએ, સારી સેલેરી હોય, અને બધું પોઝીટીવ પોઝીટીવ થવા લાગે અથવા ત્રીજું કે સાવ બોરીંગ લાઇફ લાગવા લાગે, સવારે ઉઠો અને ઓફિસ જાવ, સાંજે આવીને સુઈ જાવ, રવિવાર એજ મિત્રો સાથે બેઠક અને એજ એકની એક સ્ટોરી..!!
બરાબર આવી જ પરિસ્થીતી છોકરીઓના જીવનમાં પણ હોય, બહેનપણીના લગ્ન થઈ ગયા હોય, એટલે એમને ટાઇમના હોય, જો મમ્મી-પપ્પા જોબની ના પાડે તો ઘરે ને ઘરે રહી કંટાળી જવાય અથવા ભાઇ-ભાભીને મસ્તી કરતા જોઇ ઇર્ષા થાય અને પોતાનો પણ કોઇ સાથી હોય જેની સાથે તે મસ્તી કરી શકે તેવા અભરખા જાગે અથવા ભાભી સાથે રોજ માથાકુટથી કંટાળી સેટલ થવાની ઇચ્છા પણ થાય અને છેલ્લે ટીપીકલ મા-બાપ પોતાની મહાત્વાંકાક્ષી દિકરીને પરાણે પરણાવી દે..!!
પણ બધા કિસ્સામાં છોકરો કે છોકરીને એક એવી ઇચ્છા જરૂર હોય કે કોઇ આપણું પણ હોય જેની સાથે પોતે સુખ:દુખની પળો માણી શકે..! સમય વિતાવી શકે, જેને માત્ર પોતાના માટે જ ટાઇમ હોય..!! આવા જ ગુલાબી સપના બન્ને પક્ષ જોતા હોય છે..! અને પછી પ્રેમ લગ્ન હોય કે એરેન્જ મેરેજ, સગાઇથી લગ્ન સુધી તો બંન્ને પક્ષને લાગે કે તેમની જીંદગી જન્નત થવા થઈ રહી છે.અમુક દુર્ભાગી લોકોને લગ્નના બસ થોડા સમય પહેલા લાગે કે તે ભરાઇ ગયા છે. પણ મોટાભાગના કિસ્સમાં સાચી ખબર લગ્ન પછી જ પડે….!
આનું મુખ્ય કારણ એ હોય કે તમે સગાઇથી લગ્નસુધી એકબીજા સાથે ભવિષ્યના સપના જોયા હોય, એકબીજામાં ખોવાઇ જવાની વાતો કરી હોય પણ કદી એકબીજાના સાચા સ્વભાવને સમજવાની કોશીશ જ ના કરી હોય..! ઘણી વખત તો આપણે આપણા સ્વભાવ માટે જુઠ્ઠુ બોલ્યા હોય, જેથી સામેના પક્ષને આપણાથી વધારે આશા બંધાઇ ગઈ હોય…!! એ યુગલો જે વાસ્તવીકતા દુર એકબીજામાં મસ્ત થઈને ફરતા હોય તે લગ્ન પછી તરત જમીન પર આવી જાય, આમ તો પટકાઇ જાય એમ કહું તોં ખોટું નથી કારણ કે ત્યારે વાસ્તવીકતા તેમની સામે હોય છે..!
જેમકે, છોકરો કંજુસ હોય અને સગાઇ સુધી તેની થનારી ઘરવાળીને ખુશ રાખવા મન મારીને પણ પૈસા ઉડાવતો હોય, પણ લગ્ન પછી રોજ-રોજના ખર્ચાથી તે કંટાળે..! અને પછી બંન્નેને જ્યારે હકિકતનો સામનો કરવાનો સમય આવે ત્યારે બંન્ને એકબીજા પર ચડી બેસે..! બીજા કિસ્સામાં છોકરો મારા જેમ ખુબજ આળસું હોય પણ સગાઇ વખતે તેની પ્રીયતમને ખુશ રાખવા તે ખુબજ દોડાદોડી કરતો હોય પણ લગ્ન બાદ આળસું માણસ પોતાનું પોત પ્રકાશે જ અને પાછો બોરીંગ બની જાય..! પણ હવે મેડમ આ કુંભકરણ સાથે ભરાઇ ગયા હોય એટલે માથુંકુટવા સિવાય બીજું શું કરે..?
ત્રીજા કિસ્સામાં છોકરીએ બહું ઉંચા ઉંચા સંસ્કારોની વાત કરી હોય કે તે લગ્ન પછી તેની સાસુ-સસરાની ખુબજ સેવા કરશે, તેની નણંદને લાડ લડાવશે વગેરે વગેરે પણ લગ્ન બાદ જ્યારે હકિકત સામે આવે ત્યારે મેડમ કંઇક અલગ જ મુડમાં હોય..! અને ભાઇને લાગે કે પોતે “કસોટી જીંદગી કી”ની કોમોલીકાને શોધી લાગ્યો છે, પણ હવે શું થાય..? આવા કિસ્સા ગણાવા બેંસું તો આખું પુસ્તક ભરાઇ જાય પણ આપણે વાત આગળ વધારીએ..!
ઉપરની પરિસ્થીતીએ લોકો માટે હતી જે લગ્ન પહેલા જે પોતે નથી એવો દેખાવાનો ડોળ કરી સામા પક્ષને છેતરે અને લગ્ન બાદ પોતાની આ અપ્રમાણીકતાનો ડોળ બંન્ને પક્ષને ભારે પડે છે પણ ઘણી વખત એવું પણ બને કે બંન્ને પક્ષ પ્રામાણીક હોય લગ્ન બાદ જે તેમના જીવનમાં પરિવર્તન આવવાના છે, તેમનાથી અજાણ હોય, ત્યારે શું પરિસ્થીતી થાય એ સમજીએ..!
પહેલા આપણે એ સમજવું પડશે કે આપણે આપણા સ્વભાવ સાથે અને સ્વભાવ સાથે મેચ થનારા લોકો વચ્ચે 20-25 વર્ષ કાઢ્યા હોય અને અચાનક કોઇ અલગ જ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશી જાય છે, જે તમને બધી રિતે સુધારવા માંગતી હોય, પછી ભલેને એ આપણી મરજી આવતી હોય…!! એ વ્યક્તી પોતાને સુધારવા માંગે છે, એ વાત પોતે પણ જાણતા હોય અને લગ્ન થાય ત્યાં સુધી તમને એ ગમતું પણ હોય..! જેમકે સમયસર ફોન આવી જાય કે જમી લીધું..? ભલેને પછી ભાઇ રોજ 4 વાગ્યે વડાપાઉ ખાઇને દિવસ કાઢતા હોય પણ એ ફોન આવતાની સાથે ભાઇ બપોરે 12 વાગ્યે આખી થાળી મંગાવે..! સિગારેટ, તંમ્બાકું, ગુટકા બધું જ છુટી જાય..! જુની ગર્લફેંડોના નંબર ડિલીટ થઈ જાય, રાત્રે વહેલા સુવાનું ચાલું થઈ જાય..! ભાષા સુધરી જાય…!!
આવું સામા પક્ષે પણ થવા લાગે..! અચાનક મોટા અને સમજદાર થઈ ગયા હોય તેમ ઘરમાં સલાહો-સુચનો આપવાના ચાલું, બંધું કામ જાતે કરવા લાગે જેથી બતાવી શકે કે પોતે કેટલી મહેનત કરે છે..! ખોટા ખર્ચા પર કાંપ લાગી જાય, કરકસરની વાતો થવા લાગે જેથી પોતે એ સાબીત કરી શકે કે પોતનામાં સફળ ગ્રુહીણી થવાના તમામ ગુણ છે..! આ બધા સુધારા બંન્ને પક્ષ લગ્ન સુધી માત્ર દેખાડા માટે નથી કરતા હોતા પણ દિલથી પ્રયત્ન કરે છે પણ લગ્ન બાદ બંધું તરત બદલાવા લાગે છે..!
એ “સુધારા” શબ્દ ની જગ્યા “બદલાવ” શબ્દ લઈ લેશે.! શું તું મને બદલીને પ્રેમ કરવા માંગે છે..? બંન્ને પક્ષે આ સવાલ ઉઠવા લાગશે, કારણ કે જે સુધારાની એ લોકો લગ્ન પહેલા વાત કરતા હતાં, તે તેમનો સ્વભાવ હતો અને સ્વભાવ માણસની સાથે જ જાય..!! તમે અમુક સમય સુધી કદાચ તેને દબાવી શકો પણ સાચી સમજણ વગર પોતાને બદલવાની કોશીશ કરવી એ અસંભવ છે, અને પછી સરખામણી ચાલું થાય કે કોનો પ્રેમ મહાન..! કોના માટે કોણે શું જાતું કર્યું..? કોના માટે કોણે પોતાને કેટલા બદલ્યા..! પણ બંન્ને એ વાત ભુલી જાય છે કે લગ્ન પહેલા બંન્ને એટલા જ ઉત્સાહી હતા કે એકબીજા માટે ગમે તે કરી શકતા હતાં, પણ હવે જે જોઇતું હતું તે મળી ગયું હતું અને તેનાથી ઘરાઇ પણ ગયા હતાં એટલે એ હવે તે વ્યક્તિ માતે પોતાને બદલવાની જરૂર પણ નથી રહી..! સાચો સ્વભાવ સામે આવે કે તરત ઝઘડાનો દોર ચાલું થઈ જાય..! રોજ નવા નવા બહાના શોધવામાં આવે..!
પણ મિત્રો લગ્નએ કોઇ સ્પર્ધા કે કાર્યક્ર્મમા લીધેલો ભાગ તો નથી કે થાકી જઈએ એટલે બહાર નીકળી જવાનું..! તમારા બંન્નેના કારણે બે પરિવારો જોડાયા છે અને તમારી નાદાનીયતના કારણે કેટલા લોકો દુભાય તેનો અંદાજો પણ તમને નથી હોતો..! વડિલો કહેતા હોય કે અનુભવ થાય એટલે સિખવા મળે પણ લગ્ન કરીને આવા અનુભવો ના કરાય મારા મિત્રો..!!
આ લોકોને તરત એ અનુભવ થશે કે “નવું નવું નવ દિવસ..!” આ એ જ લોકો માટે છે, જેમણે માત્ર ગુલાબી સપનાઓને સાકાર કરવા કોઇપણ ગંભીર વિચાર કર્યા વગર અથવા લગ્ન જીવનના અર્થને સમજ્યા વગર લગ્ન કરી લીધા હોય..!
મારી આ વાતની ચોખવટ કરવાનું એક જ કારણ છે કે બંધ આખે જોયેલા સપના સાચા હોતા નથી. લગ્ન બાદ જે હકિકતોનો સામનો કરવાનો હોય છે, તે અણધાર્યો અને અણગમતો હોય છે. જેમકે સ્ત્રીને પીયરમાં મોડા સુધી સુવાની આદત હોય, અને લગ્ન બાદ એ આદત પહેલા છોડવાની થાય.! આ પરીવર્તન બધા પચાવી નથી શકતા..! ઘણા એ પણ સવાલ પણ કરે છે કે લગ્ન પછી શા માટે છોકરીને જ એ કાયદામાં બંધાવું પડે..? કેમ પુરુષને કોઇ ફરક નથી પડતો..? આવા આઝાદ વિચારો અત્યારની આ સ્રીમાં ઉદભવવા સામાન્ય છે, પણ આ એક પરિવર્તન તે મન મારીને અથવા સ્વાભાવીક રિતે સ્વિકારી લે છે પણ જે આ ચેંજ નથી સ્વિકારી શકતી એ સ્ત્રીની માનસીકતાની વાત કરીએ..! તો પહેલું કે એ પોતાને સવાલ કરે છે કે હું જ કેમ..? અને તે પોતાના પતિ તરફ સહાયતા માટે જુએ પણ એ લાચાર હોય છે..! એ સમયે તેને લાગે કે તે સસુરાલમાં તે એકલી જ છે..! આવા સમયે જો માથાભારે નણંદ હોય તો વાત પતી ગઈ..! બંન્ને વચ્ચે ઝઘડા ચાલું..! સામાન્ય રિતે તેની સાસું તેની દિકરીનો જ સાથ આપે..! એટલે થાય વાતનું વતેસર..!
કદાચ તે આવી નાની નાની ફરીયાદો પોતાની બહેનપણીઓને કરે, અને અક્સ્માતે તેની બહેનપણી પણ જો આ જ પરિસ્થીતીમાંથી પસાર થતી હોય તો પતી ગયું..! પતી હજી આ ગુલાબી ઉંઘમાંથી જાગ્યો જ હોય કે તેને જાણવા મળે કે તેની બિચારી પત્ની પર તેના ઘરવાળા કેવા જુલમો કરી રહ્યા છે..! અને ભાઇની હાલત થાય સુડી વચ્ચે સોપારી જેવી..! ના એ પત્નિનો સાથ આપી શકે ના તેના મમ્મીનો..! તેના પતિનું આવું વલણ પત્નિને વધારે અકળાવે..! તેના મનના આ વમળો તેના જીવનમાં બીજા વમળો પેદા કરવાનું ચાલું કરે, દરેક વખતે તે પોતાના સાસરીયા પક્ષને શકની નજરથી જોવાનું ચાલું કરે, આ લોકો મને જ નીશાન બનાવે છે..! અને પછી તો તમે અંદાજો લગાવી શકો છો કે શું થઈ શકે છે..!
હવે વાત એ છે એક સામાન્ય જલ્દી ઉઠવાની વાત અથવા કામની વહેચણી જેવી સામાન્ય બાબત કોઇ પણ સ્ત્રીના મગજમાં આટલો ઉત્પાત કેમ મચાવે..? હવે તેના કારણો અને સમાધાનની વાત કરીએ તો, પહેલું કે ઘરની લાડકી દિકરીને આપણે લગ્ન પછી બદલાતી પરિસ્થીતી વિષે બરાબર રિતે આગાહ કરી નથી હોતી..! અને એ નાદાન છોકરી જ્યારે સ્ત્રી બને છે, ત્યારે આ પરિસ્થીતી સમજી નથી શકતી. સસુરાલમાં પણ આપણા સમાજમાં સાસુ-સસરાને હમેંશા વિલનની જેમ જ ચિતરવામાં આવ્યા છે, જેથી તે સ્ત્રી ડર અથવા સંકોસના કારણે તેની સાસુની સાથે, આ થઈ રહેલા ભેદભાવની વાત નથી કરી શકતી અને ગુંગળાયા રાખે છે. પછી પ્રશ્ન માત્ર વહેલા ઉઠવાનો નથી હોતો, એ તો માત્ર ચિંગારી જ છે જે આગ લગાડવાનું કામ કરે છે, સ્ત્રીના મનમાં બીજા સવાલો ઉભા કરે છે..! તેની જે કથીત આઝાદીમાં જે સાસુ-સસરા તરાપ મારે છે તે પણ તેને પસંદ નથી પડતું. તે પોતાને સોનાના પીંઝરામાં કેદ થયેલું પક્ષી જ સમજી બેસે છે..!
હવે સમજો કે કદાચ નવ-પરિણીત યુગલ એકલું જ રહેતું હોય તો પણ એક સમય પછી પત્નીને પતીની આગળ-પાછળ ફરવું બોરીંગ લાગવા લાગે છે અને તે પછી પતી પાસે વધારે સમયની માંગણી કરે છે..! પોતાનું મન બહેલાવવા તે બહાર ફરવા જવાનું ગોઠવવા મથે છે..! રસોઇથી છુટકારો મેળવવા રેસ્ટોરંટમાં જ રવિવાર પુરો કરે છે..! અને જો પતિ આનાકાની કરે તો વાત પુરી..! તમને તો મારા માટે સમય જ નથી..! હું અહી તમારી પાછળ ઘસાઇ જાવ છું, પણ કદર જ નથી..! કોણ છે એ જેની પાછળ તમે આટલો સમય કાઢો છો..? ઓફિસ બદલી નાખો..! આવી નોકરી શું કામ કરવી જોઇએ..? વગેરે.!
આ બધી તકલીફોનું એક જ કારણ છે કે “પરિવર્તન” એ સ્ત્રીને રાસ આવતું નથી. તેના જીવનમાં થઈ રહેલા ફેરફારો એ સમજી નથી શકતી..! તેના માતા-પીતાની જગ્યાએ બીજું જ કોઇ આવી ગયું હોય છે..! તેના ભાઇ- બહેનની જગ્યાએ બીજાના ભાઇ-બહેન હોય છે અને મોટાભાગની સ્ત્રીઓ કદી પુરા મનથી પતિના મા-બાપને પોતાના મા-બાપ અને પતિના ભાઇ-બહેનને પોતાના ભાઇ-બહેન સ્વિકારી નથી શકતી..! જેના કારણે તેનામાં સમર્પણની ભાવના જન્મતી જ નથી..!
હું એ સ્ત્રીઓને પુછવા ઇચ્છું છું કે શું તમારી માતા વહેલા ના ઉઠતી હોત તો શું તમે મોડા સુધી ઉંઘી શકત..? શું એ બધા કામ તમારી મદદ વગર ના પતાવી દેતી હોત તો શું તમે આરામ કરી શકત..? શું તમારો ભાઇ તમને ચીડવતો હોય ત્યારે પણ તમે એટલા જ ગુસ્સે થાવ છો, જેટલા તમે તમારા દિયર અથવા નણંદ પર થાવ છો.? તમારા પિતા તમને કોઇ વસ્તુની કડક થઈને ના પાડે તો તમે ચુપ થઈ જાવ તો સ્વસુર ના પાડે તો કેમ વધારે માઠું લાગે છે..?
મુદ્દો એ છે કે એ છોકરી બીચારી એ નથી સમજી શકતી કે હવે તેને તેની માતાનો રોલ પોતાને ભજવવાનો છે અને આ તેની નેટ પ્રેક્ટીસ છે, કારણ કે ભવિષ્યમાં તે જ આ પરીવારની સર્વસર્વા હશે..! તેને બોસ તો બનવું છે પણ એ માટે પોતાની જાત ધસાવી અઘરી લાગે છે..!
પણ આ વાત તેને શાંતીથી સમજાવવા વાળા બહું ઓછા મળે છે..! મેણા-ટોણા તેનો મગજ વધારે ખરાબ અને ખતરનાક કરે છે. આવી પરિસ્થીતીમાં સ્વાર્થી અને ચાલાક સ્ત્રી સૌથી ખતરનાક સ્વરૂપમાં બહાર આવે છે અને આખા પરીવારને તહેસ-નહેસ કરી પોતાનો બદલો લે છે, ભોળી સ્ત્રી માનસીક રિતે પડી ભાંગે છે, પણ સમજું સ્ત્રી આમાથી રસ્તો કાઢી શકે છે, તે પરિવારને સાથે પણ રાખશે અને બધાની લાડકી બનીને પણ રહેશે..! આ માટે તેની પાસે એક જ હથીયાર હશે “ધીરજ..!” અને “સમજણ” તે જીવનના પ્રવાહોને જલ્દી સમજી જાય છે, તે પોતાને એક ગુલામ કે કામવાળી તરીકે નહી પણ આ જહાજની કપ્તાનની જેમ જોવા લાગે છે..!
આ લગ્ન માત્ર સ્ત્રી પર જ અસર નથી કરતા, પુરુષોની હાલાત તો આનાથી પણ વધારે ખરાબ કરે છે..! તેમના માટે પણ આ એક જ મુદ્દો હોય છે, આઝાદી..!! તેમને મોડા સુધી સુવા મળે છે, તેમની મરજી મુજબ બહાર જવા મળે છે, પણ તેમની આઝાદી પર કાંપ તો લાગે જ છે, જે વ્યક્તી રાત્રે મોડા સુધી મિત્રો સાથે બેઠતો હોય, પણ હવે તેને ઘરે વહેલા જવું પડે છે, શરૂ શરૂમાં તેને આ પરિવર્તન ગમે છે પણ પછી કંટાળે છે..! તેના મિત્રો સાથે મુલાકાતો ઓછી થવા લાગે છે, તેની દિનચર્યા પર તેની પત્નિનો કબ્જો થવા લાગે છે..!
સગા-વહાલાથી દુર ભાગતા છોકરાને સંબંધીઓના ઘરે જમવા જવું પડે છે, છોકરા માટે પણ છોકરી પક્ષના નવા સગાને હજમ કરવા અઘરા હોય છે, તેને પણ તેના સસરાની મફતની સલાહ પર ચીડ ચડે છે, તેના સાસુના વધારે પડતા પ્રેમથી કંટાળો જન્મે છે.!! રૂપાળી અને દેખાવડી સાળી હોય તો ઠીક નહીતર સાળીની મસ્તિથી પણ ગુસ્સો આવે છે.!(માફ કરજો ભાઇઓ પણ આ જ હકિકત છે..!) બધાને પોતાનો સાળો તારક મહેતાના સુંદર જેવો જ લાગે છે..!
સરવાળે જે આઝાદી અને છુટછાટની તકલીફ સ્ત્રીને ભોગવવી પડે છે, એ જ પુરુષોને પણ ભોગવવી પડે છે..! અહીં પુરુષોને પોતાના પર કસાતી લગામ પસંદ નથી પડતી, જવાબદારીનો આવી પડેલો બોજો તે તેને અકળાઇ મુકે છે..! હવે વિચાર કરો કે આ બંન્નેના કંટાળા ભેગા થાય એટલે તીખારા સિવાય બીજું શું થાય..?
નાના નાના ઝધડા બંન્ને વચ્ચે ચાલું, ઘણી વખત તો કટાક્ષ યુધ્ધ ચાલું થઈ જાય છે કે છોકરીના મમ્મી-પપ્પા તેના જીવનમાં દખલ દેવાનું ક્યારે બંધ કરશે..?, એ જ રાગ પત્ની પણ આલાપે કે તારા મમ્મી-પપ્પા મને શાંતીથી જીવવા નથી દેતા..! તું માવડીયો થઈ ગયો છે..! અને પછી અશાંતી જ અશાંતી..! જે બંન્ને લગ્ન પછી ખુબજ ખુશ હતાં, તે અચાનક દુખી થઈ જાય છે..! ઘણી વખત તો એક નાનકડી ટસલ વાતને તલાક સુધી લઇ જાય છે..!!
પણ શું આ અટકાવી ના શકાય..? શું ઉતાવળે લીધેલા આ નિર્ણયને સુઘારી ના શકાય..! શું એક જીવંત લગ્નજીવન એક દુર્લંભ સપના સમાન છે.! જો તમે તમારી જાતને આ સવાલ કરી રહ્યા છો અને ઉપર પ્રમાણ કહી તેવી સમસ્યામાંથી તમે પસાર થઈ રહ્યા છો, તો હવે તમારી પાસે આ પરિસ્થીતીમાંથી બહાર નીકળવાનું એક જ હથીયાર છે, એ છે.. “ધીરજ” ..!!
જે વાત તમે અત્યારે નથી સમજી શકતા, એ તમને સમય જતાં કોઇના પણ સમજાવ્યા વગર એમ જ સમજાઇ જશે..! બસ એ સમયની રાહ જોવાની “ધીરજ” તમારામાં હોવી જોઇએ.! અને સમજવાનું એટલું જ છે કે તમે બંન્ને એ લગ્ન ફરતા ફેરા મજાક માટે નથી લીધા..!
લગ્ન થયા બે પરિવારના.! છોકરીએ છોકરાના મા-બાપને પણ એટલો જ પ્રેમ કરવો જોઇએ જેટલો તે પોતાના મા-બાપને કરે છે અને એ જ નીયમ છોકરાને પણ લાગું પડે છે..! બંન્ને એ સમજવું પડશે કે આઝાદી બંન્નેની છીનવાઇ છે..! બંન્ને એ સમજવું પડશે કે લગ્નના કારણે બંન્ને પર ઘણી જવાબદારીઓ એક સાથે આવી પડી છે. બંને એ સમજવું પડશે કે બંન્નેની પ્રાઇવસી પર તરાપ મરાઇ છે..! અને શંકાનું કોઇ સમાધાન નથી..! એટલે એકબીજા પર શંકા કરવા કરતા, એકબીજાનો સાથ આપવાનો પ્રયત્ન કરવો..! મારી સાથે જ આવું કેમ થાય છે..? હું તેની માટે આટલું કરૂં પણ તેને કદર જ નથી જેવા સવાલો તમારા સુખી જીવનનો અંત લાવવા પુરતા છે..!
જો તમને કોઇ પરીવારના સદસ્ય માટે કોઇ શંકા છે, તો ખોટી ભ્રમણાઓમાં ફસાવું અને તેના કારણે બીજા હજારો નબળા વિચારો મગજમાં પેદા કરવા એ કરતા એ જ વ્યક્તિ સાથે સ્પષ્ટતાથી વાત કરવી વધારે હિતાવહ રહેતી હોય છે, અને તેમા પતિએ પત્નિને કે પત્નિએ પતિને વચ્ચે લાવવા બહું આગ્રહ ના રાખવો..! પતિએ પોતાના પરિવાર તરફથી, પત્નિને અને પત્નિએ પોતાના પરિવાર તરફથી પતિને સપોર્ટ કરવો જરૂરી છે..! પરિવારની માનસીકતા બદલવી અઘરી અને ગુંચવડભરી છે પણ જો પતિ-પત્ની એકબીજા સાથે હોય તો આ તકલીફ કોઇ મોટી તકલીફ નથી..!
પણ અહીં પતિ-પત્નિ જ એકબીજા દુર હોય તો શું કરશું..? બે રસ્તા છે, એક જે છે એ સ્વિકારી લો અથવા ચોખવટથી વાત કરો અને જો આ વાત-ચીત દ્વીપક્ષીય હોય તો તેના જેવું બીજું કશું જ નહી પણ અહી તકલીફ એ રહેશે કે બંન્ને પોતાના અહંકાર અને એટીટ્યુડને બાજુએ મુકી આ ચર્ચામાં ઉતરવું પડશે..! અહીં તમે બંન્ને કાં તો તમે જેવા છો, એવા જ એકબીજાને સ્વિકારી લો અથવા એકબીજા માટે બેંન્ને થોડા બદલી જાવ..!! અને છેલ્લે તલાક તો છે જ, જે મને ગમતો વિકલ્પ નથી. પણ જો લગ્ન ભુલથી અથવા ઉતાવળમાં કરી પસ્તાયા હોય તો તલાક વખતે એ જ વસ્તું રિપીટ ના થાય તેનું ધ્યાન પણ રાખવું જોઇએ.
જે લોકોને લગ્ન ભુલથી થઈ ગયા છે, તેમના માટે આ સિવાય બીજા કોઇ રસ્તા નથી..! મારી શુભકામનાઓ તેમની સાથે છે અને જેમને લગ્ન બાકી છે, તે એક વખત વિચારી લગ્ન કરે કે શું તે આ બધા પરિવર્તનો માંથી પસાર થઈ શકશે..?
એરેંજ મેરેજ કે કોંટ્રાક્ટ મેરેજ ?
મેં આ લેખનું નામ અંગ્રજીમાં લખ્યું છે, તેનું એક કારણ છે, જે તમે લેખ પુરો કરશો ત્યાં સુધીમાં સમજાઇ જશે…! હવે, આપણે આગળ વાત કરી ચુક્યા તેમ, લગ્ન ઘણા પ્રકારના હોય છે, જેમાનો એક પ્રકાર છે, ગોઠવેલા લગ્ન એટલે કે એરેંજ મેરેજ..! બે પરિવાર ભેગા મળીને નિર્ણય લે કે પોતાના ઘરનું પાત્ર સામેના ઘરના પાત્ર માટે યોગ્ય છે અને એ બંન્ને પાત્રો એકબીજાને મળીને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે અને પછી એ નિર્ણય પર આવે કે આપણે લગ્ન ગ્રંથીથી જોડાવું જોઇએ, તેને કહેવાય ગોઠવેલા લગ્ન અથવા એરેંન્જ મેરેજ..!
ગોઠવેલા લગ્નનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં બંન્ને પરિવારની સંમતી હોવાથી બંન્ને પાત્રોના મા-બાપ અને કુટુંબીઓના આશિર્વાદ સાથે હોય છે..! જે એક હકારાત્મક વાતાવરણના નિર્માણનું કારણ બને છે..! બંન્ને પાત્રો એકબીજાને સમજવાનો સમય આપે છે..! અને ઘણી વખત લગ્ન બાદ કે તેના થોડા સમય પહેલા એકબીજાના પ્રેમમાં પણ પડે છે..! એક રિતે જોવા જઈએ તો આ લગ્ન સમજી વિચારીને કરવામાં આવતા હોવાથી, આ લગ્નના સફળ થવાનાં કિસ્સા વધારે જોવા મળે છે..! (અહીં જ્યાં મા-બાપ પરાણે દિકરી કે દિકરાના લગ્ન પોતાના મનપસંદ પરિવારમાં કરાવતા હોય છે તેને અપવાદ કહી શકાય..! અથવા તેને બળજબરીથી કરાવવામાં આવેલા લગ્ન કહી શકાય.!)
પણ હવે આપણે આ પ્રકારના લગ્નનો થોડા ઉંડાણથી જોઇએ..! પહેલા આ પ્રકારના લગ્ન માટે તૈયાર થનાર બે પાત્રોની માનસીકતાની ચર્ચા કરી લઈએ..! મારા અનુભવો અને નિરિક્ષણોમાં મે મોટાભાગે જોયું છે કે જે લોકો લગ્ન જેવી બાબતમાં રિસ્ક લેવા નથી માંગતા તે આ નિર્ણય તેમના મા-બાપ પર નાખે છે અને પોતે તેના મુક પ્રેક્ષક બને છે.! ઘણી વખત પોતે કોઇ પાત્ર શોધવામાં અસમર્થ હોય ત્યારે પણ તે પરિવારનો સહારો લે છે..! કે તેમની આબરૂને ધ્યાનમાં રાખીને પોતાની સાથે લગ્ન કરવા કોઇ હા પાડી દે અથવા મળવા તો તૈયાર થાય તો ઘણી વખત સંસ્કાર આડા આવે છે કે આ નિર્ણય લેવાનો અધિકાર તો મા-બાપનો જ હોય..!
ઉપરના ત્રણેય કિસ્સામાં બે આત્માના મિલનની ક્યાંય વાત નથી આવતી. બંન્ને પાત્રોની એવી માનસીકતા જરૂર હોય છે કે તે લોકો જેમની સાથે લગ્ન કરશે તેમને વફાદાર થઈને રહેશે, તેમને આખી જીંદગી પ્રેમ કરશે..! તેમની સાર-સંભાળ રાખશે પણ હકિકતમાં જોવા જઈએ તો આ બધી વાતોનું ધ્યાન ઉપર ઉપરથી રાખવામાં આવે છે..! મતલબ કે બંન્ને પાત્રો એકબીજા સાથે કોંટ્રાક્ટમાં ઉતરે છે..! જેને હું સમજોતો કહીશ..!
હવે મુદ્દો એ છે કે શું દરેક એરેંજ મેરેજ આ પ્રકારના હોય છે.? તો ના, પણ હા મોટાભગના તો હોય છે..! ભારતમાં લગ્નનો અર્થ કદાચ સૌથી સારામાં સારી રિતે સમજાવવા આવે છે પણ તેનો અમલ એટલી જ ખરાબ રિતે થાય છે નહિતર પતી-પત્ની પર આટલા બધા ટુચકુલા ના બનાવવામાં આવતા હોત..! તો વાત અહીં એ છે ખામી ક્યાં રહી જાય છે..? તો આપણે એ શોધવાનો પ્રયત્ન કરીએ.
મા-બાપની મહાત્વાંકાંક્ષા, લગ્ન કરનાર પાત્રોની નાસમજ અને લાલચ આ લગ્ન જેવી મહાન સંસ્થાના ભંગાણનું કારણ છે..! બધાને સારું પાત્ર જોઇએ છે પણ સારું પાત્ર એટલે શું? તેની વ્યખ્યા શું? જે પાત્રો પોતાની સુખ-સગવડતાનું ધ્યાન રાખી સામેવાળાને સુખ-સગવડતા આપવાનો પ્રયત્ન કરે તેને તમે આદર્શ પાત્રો કહેશો..? જ્યારે છોકરી છોકરાને મળતા પહેલા જ એ જાણી લે છે કે છોકરાની ભૌતીક લાયકાત કેટલી છે? કેટલો દેખાવડો અને ભણેલો છે અને છોકરાઓ એ જાણી લેવાનો પ્રયત્ન કરતા હોય કે છોકરી કેટલી રૂપાળી છે? કેટલી ભણેલી છે?
જેમ નોકરીઓની ભરતી માટે જાહેરાત બહાર પડે તેમ અહી જે તે જ્ઞાતીમાં કોઇને કોઇ રિતે જાહેરાત બહાર પડતી હોય છે કે જે તે ઘરની દિકરી માટે મુરતીયો શોધાઇ રહ્યો છે..! બસ પછી એપ્લીકેશનનો મારો ચાલું થઈ જાય છે..! મારી કાસ્ટમાં હજી બાયોડેટાની સિસ્ટમ નથી આવી પણ મારા ઘણા મિત્રોને મે લગ્ન માટે પોતાનો બાયોડેટા મોકલતા જરૂર જોયા છે..! ત્યારે આ પ્રશ્ન હું એક વાર જરૂર કરું કે નોકરી માટે અરજી કરે છે..? પણ જવાબ એવો કંઇક મળે કે આ જરૂરી છે અને થોડા દિવસો બાદ મને જાણવા મળે કે ભાઇને શોર્ટ લિસ્ટ થઈ ગયાં છે અને સામે વાળાનો બાયોડેટા મારા મિત્ર પાસે પહોચી ગયો છે..! જો બંન્નેને એકબીજાનો બાયોડેટા પસંદ આવે તો મુલાકાત ગોઠવવામાં આવે..! એટલે કે ઇંન્ટર્વ્યુ..!
અહીં બંન્ને પાસે એ અધિકાર હોય છે કે પોતાને ના પસંદ પડે તો ના પાડી શકે..! પણ આ મુલાકાત દરમિયાન પુછવામાં આવતા પ્રશ્નો મને વધારે મુંજવે છે..! મુખ્ય પ્રશ્નો પર નજર નાખીએ તો તમારા શોખ શું છે?, તમારી મનપસંદ વાનગી કંઇ છે..? તમને રસોઇમાં શું બનાવતા આવડે છે..? તમારો આગળની કારકિર્દી માટેનો શું વિચાર છે..? તમે સિટીમાં રહેવાનું પસંદ કરશો કે ગામડે.? તમારો કોઇ ફોરેન જવાનો પ્લાન ખરો..? તમારું ભુતકાળમાં કોઇ પ્રેમ પ્રકરણ હતું કે નહી..? તમને સંયુક્ત કુટુંબમાં રહેવાની કેટલી ઇચ્છા છે..? વગેરે આ સવાલો પરથી લોકો પોતાનો જીવનસાથી નક્કી કરતા હોય છે..!
પણ આમાં ક્યાંય એ પ્રેમતત્વનું નિશાન હોતું નથી..! એટલે એરેંન્જ મેરેજમાં મોટાભાગે બે પાર્ટીઓ મળી એળીને એકબીજાને ખુશ રાખવાનો કોંટ્રાક્ટ કરે છે…!
હવે એક વખત આ કોંટ્રાક્ટ ફાઇનલ થઈ જાય એટલે સગાઇ ગોઠવવામાં આવે છે અને બંન્ને પાત્રો એકબીજાને આરામથી હળી-મળી શકે છે..! અમુક જ્ઞાતીઓમાં સગાઇ ઘણો લાંબો સમય રાખવામાં આવે છે, જ્યારે અમુક જ્ઞાતીઓમાં જટ મંગની પટ બ્યાહ જેવી પરિસ્થીતી હોય છે..! અહીં જ્યાં સગાઇ લાંબો સમય સુધી રહે છે, તેમાં એકબીજાને સમજવાનો સમય વધારે હોવાથી લગ્ન સફળ જવાની સંભાવના વધારે રહે છે એમજ સગાઇ ટુટવાનો પણ એટલો જ ભય રહે છે..! કારણ કે સારા દેખાવાનું નાટક થોડો જ સમય ચલાવી શકાય..!
એરેંન્જ મેરેજમાં છોકરા –છોકરી બંન્ને પોતે પસંદ કરેલું પાત્ર સર્વશ્રેષ્ઠ જ છે, એવું માની બેઠા હોય છે..! જ્યારે માન્યતા પાક્કી હોય ત્યારે શંકા કરવાનો વિચાર જ નથી આવતો અને ત્યાં જ થાપ ખવાઇ જાય છે, માતાં-પીતાનાં આશિર્વાદથી પોતે પસંદ કરેલા પાત્રોમાં અટુટ વિશ્વાસ જ ઘણી વખત આખી જીંદગીના પસ્તાવાનું કારણ બને છે.
મોટાભાગના કિસ્સામાં પછી એ લવ મેરેજ હોય છે એરેંજ મેરેજ બંન્ને પાત્રો જાણતા કે અજાણતા લગ્ન પહેલા હંમેશા કોમ્પ્રોમાઇઝ (જતું કરવાનું વલણ) અપનાવતાં હોય છે અથવા પોતાનો સાચો સ્વભાવ છુપાવતાં હોય છે. લગ્ન બાદ સ્વભાવ અને પરિસ્થીતી બંન્ને એકબીજાની સામે જ હોય છે અને સહનશિલતાનું પ્રમાણ સૌથી ઓછું હોય છે. મને ઘણી વખત એવું લાગે કે જાણે બંન્ને પાત્રોએ દોડની સ્પર્ધામાં ભાગ લીધો હોય, એટલે દોડ પહેલા પુરી મહેનત કરી હોય પણ એક વખત જીતી ગયા પછી ટ્રોફી રૂમનાં કોઇ ખુણાંમાં શુશોભનનું સાધન બની ગયું હોય છે.
જેમ ધંધાના ભાગીદારો હળીમળીને ધંધો ઘણા વર્ષો સુધી ચલાવે, તેમજ આ પ્રકારના લગ્નોનોનું હોય છે..! પશ્વીમી દેશોમાં તલાકનું પ્રમાણ વધારે છે કારણ કે જ્યારે એક પાત્રને લાગે કે બીજું પાત્ર તેને બરાબર સહકાર નથી આપી રહ્યું એટલે છુટ્ટા થઈ નવા પાત્રની શોધમાં નીકળી જવાનું..!
ભારતની આ પરંપરા નહોતી..! અહી સાત જન્મોનું બંધન હતું, પતિને પરમેશ્વર અને પત્ની લક્ષ્મી ગણવામાં આવતી હતી..! જ્યાં પોતાના સ્વાર્થ પહેલા સામેવાળાની સગવડતા જોવામાં આવતી હતી..! પણ હવે એપલ અને જીન્સ સાથે આપણે એમના સંસ્કારો પણ ગ્રહણ કરી લીધા છે અને એટલે જ લગ્ન હવે લગ્ન મટી કોંટ્રાક્ટ બની ગયાં છે..!
September 12, 2017
કડવું સત્ય..!
નિષ્ફળ જાય છે સઘળા પ્રયત્નો મારાં,
દોરવાયો છું ખોટા માર્ગે, એ જ કારણ હશે..!
આધ્યાત્મનો ખપ છે મને,
અને કંચનનો કોઇ પર્યાય નથી,
હું સંન્યાસી નથી, કે છોડી દવ બધું,
મોહમાયાંમાં અટવાવું પણ ગમતું નથી.
પ્રેમ તો છે મારી આજુંબાજું ઘણો બધો,
પણ, કુત્રીમ પ્રેમનો મને કોઇ ખપ નથી,
કંટાળ્યો છું હું આ બેવડા ઘોરણોથી,
પણ, સ્વિકાર્યા સિવાય છુટકો નથી,
ખુશ થવાની એક જ ચાવી છે.. જીજ્ઞેશ..
સમર્પણનો કોઇ વિકલ્પ નથી..!
April 22, 2017
પ્રેમ અને જીવનની પ્રાથમિકતાનો સંબંધ
“તારે જીવનમાં શું જોઇએ છે..?” આ સવાલ અને આપણા આજુંબાજુંના સંબંધો વચ્ચે બહુજ ઘનિષ્ટ સંબંધ છે. કોઇપણ વ્યક્તિને જ્યારે આ સવાલ પુછવામાં આવે ત્યારે તેની પાસેથી જવાબ જરૂર મળશે પણ એ જવાબ સમયાંતરે બદલાતો રહેશે.! એટલે કે સવાલ એ જ રહેશે અને જવાબમાં દરેક સમયના અંતરે કોઇક ફરક હશે..!
તો આ ફરક કે બદલાવનું કારણ શું..? આ પ્રશ્નનો એક સિધો જવાબ એ આપી શકાય કે દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરીયાતો સમયાંતરે બદલાતી હોય છે..! હવે જો તેની જરૂરીયાત જ બદલાઇ ગઈ તો તે પ્રમાણે તેને તે જે પહેલા જોઇતું હતું તે હવે નથી જોઇતું અને હવે કંઇક નવું જોઇએ છે..!
એક સમયે એવું લાગે કે સ્કુલ અને હોસ્ટેલના મિત્રો વગર જીવન વિતાવવું અસંભવ છે પણ સ્કુલ-કોલેજ પુરી થયા પછી જ્યારે જીવનના નવા પડાવમાં માણસ પહોચે ત્યારે તે આજુંબાજુંની નવી દુનીયામાં ખોવાઇ જાય છે..! ઘણી વખત એ સાંભળવા પણ મળે કે તું બદલાઇ ગયો છે કે બદલાઇ ગઈ છે અને જવાબમાં આપણે ના જ પાડીએ કે હું એનો એ જ છું પણ પરિસ્થિતી બદલાઇ ગઈ છે.
સૌથી વિકટ પરિસ્થિતી ત્યારે થાય જ્યારે માણસ નવરો હોય અને પ્રેમ થાય, કલાકો ના કલાકો હોય તેની પાસે તેની પ્રેમિકા કે પ્રેમીને આપવા માટે પણ એ યુગલ લગ્ન બાદ એકબીજા માટે સમય કાઢવા મથતું હોય છે કારણ કે લગ્ન બાદ પુરુષ પર ઘર ચલાવવાની અને સ્ત્રી પર ઘર અને છોકરા સંભાળવાની જવાબદારી આવી જાય છે, ઘણી વખત સ્ત્રી નોકરી અને ઘર બંન્ને સાથે સંભાળતી હોય ત્યારે પરિસ્થિતી વધારે વિકટ બને છે..! અહીં બંન્નેની પ્રાથમિકતા બદલાઇ ગઈ હોય છે, અત્યારે તેમની પ્રાથમિકતા પહેલી તેમની ફરજ બને છે અને પછી તેમનો પ્રેમ..!!
જ્યારે સમય બદલાય રહ્યો હોય, તેના પર બંન્ને ત્યારે ધ્યાન નથી આપતા હોતા અને જ્યારે વાત ધ્યાન પર આવે છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે..! ખાસ કરીને પ્રેમ લગ્નમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. કારણ કે એમાં વિશ્વાસ અને વચન જોડાયેલા હોય છે. નાદાનિયતમાં આપેલા વચન સમજણા થયાં પછી નિભાવવા પડે છે..! “પ્રેમ એ સમયે થયો હોય છે જ્યારે દુનીયાદારીની સમજ નથી હોતી અને નિભાવવો ત્યારે પડે છે જ્યારે જવાબદારીઓ માથે હોય છે..!”
યુવાનો અભ્યાસકાળ દરમિયાન પ્રેમને પ્રાથમિકતા આપતા હોય છે, સ્વપ્નાઓમાં મહાલ્તા હોય છે, વાસ્તવિક દુનિયાથી દુર પોતાની દુનિયા બનાવતા હોય છે..! એકબીજાને જન્મો સુધી સાથ આપવાનું વચન આપતા હોય છે પણ વાત જ્યારે વડિલો સુધી પહોચે છે, ત્યારે બંન્નેનો હકિકતથી સામનો થાય છે, ઘણાને ઘરમાંથી કાઢી મુકવાની ઘમકી મળે છે, તો ઘણા પર માનસિક અત્યાચાર કરવામાં આવે છે..! તો ઘણાને તેમના પાત્ર કરતા બીજા સારા વિકલ્પોની લાલચ મળે છે..! અને કોઇકને આવનાર ભવિષ્યના ડરામણા સ્વપ્ના દેખાડી ડરાવવા આવે છે..!
હવે બંન્નેની પ્રાથમિકતા બદલાય છે, કોઇ પોતાના મા-બાપની લાગણીને પ્રાથમિકતા આપે છે તો કોઇ પોતાના સારા ભવિષ્યને (સારો વિકલ્પ પસંદ કરીને), તો કોઇ માત્ર મુંઝવણ અનુભવે છે અને લાચારીને પ્રાથમિકતા આપે છે, તો કોઇ છેક સુધી જજુમે છે, તેની પ્રાથમિકતા એ જ રહે છે એટલે કે તેનો પ્રેમ…!!
જે લોકોની પ્રાથમિકતા બદલાઇ ગઈ હોય છે તેમનો મોર્ડન પ્રેમ બ્રેકઅપમાં પરિણમે છે અને બિજા પરાણે કે પ્રેમથી લગ્ન કરી જીવનનો નવા તબક્કામાં પગ મુકે છે..! લગ્ન બાદ પણ પરિસ્થિતી એટલી સહજ નથી હોતી..! નવિ જવાબદારીઓ વચ્ચે બંન્ને એકબીજાને સમય આપવાની પ્રાથમિકતા બિજા કે ત્રીજા ક્રમાંકે જતી રહે છે..! એટલે પ્રાથમિકતા બદલાય છે..! હવે એકબીજાને અપાતો ઓછો સમય બંન્નેના મનને ધિમે ધિમે એકબીજાથી અલગ કરવા લાગે છે..! ઘણી વખત આનાથી ઉલટું બને છે કે બંન્ને એકબીજાને આપવો પડતો વધારે સમય એકબીજાને એકબીજાથી જ ગુંગળાવી નાખે છે..!
અહીં જો એકબીજાને ઓછો સમય મળે તો એવી ફરીયાદ થશે કે એક પાત્ર બિજા પાત્રને હવે પ્રેમ નથી કરતું અને જો વધારે સમય આપવો પડતો હોય તો એવી ફરીયાદ થશે કે વાતાવરણ જેલ જેવું લાગે છે..! કારણ કે હવે લગ્ન થઈ ગયાં છે, મંઝીલ મળી ચુકી છે હવે નવિ મંઝીલ તરફ જવાનો સમય આવી ગયો છે પણ કદાચ તેમનો અત્યારનો પડાવ(પાત્ર કે તેમનો સાથી) તેમને આગળ જતાં રોકે છે અને એના કારણે એ પોતે ગુંગળાય છે..!
વાત અહિં સમજની છે, લગ્ન એટલે એકબીજાને એકબીજા પર થોપાવું એવું તો નથી..! માણસ સામાજીક પ્રાણી છે અને તે એકલો નથી રહી શકતો એટલા માટે લગ્ન તેનો પહેલો ધ્યેય કે પ્રાથમિકતા હોય છે..! પણ આજની પેઢી લગ્નના ગુઢ અર્થને ના સમજતા એવું જ માને છે કે એકબીજને સમય આપવો, બિજી બધી વસ્તુ કરતાં પ્રેમને પ્રાથમિકતા આપવી, મહિનામાં એક-બે વાર બહાર જમવા જવું, વર્ષે બહાર એક વખત ફરવા જવું, એટલે લગ્ન બાદ પણ તમારી પ્રાથમિકતા તમારો સાથીને અપાતો સમય જ હોવો જોઇએ..!
પણ, જો બંન્ને એકબીજામાં ઓતપ્રોત રહેશે તો પોતાના માટે ક્યારે સમય કાઢે..? અને પોતાના ભવિષ્ય માટે મહેનત કરવામાં ઘણી વખત પોતાના સાથીને ભુલી જવું એ પણ યોગ્ય નથી..! જેમકે સ્ત્રી જો કોઇ રૂઢીચુસ્ત ઘરમાં પરણી હશે તો, તેને પોતાના પતિના સમયની સૌથી વધું જરૂરીયાત રહેતી હોય છે. તેને ઘરનું વાતાવરણ ગુંગળાવતું હોય છે પણ પતિ સમય ના આપવા એ બહાનું કાઢશે કે આપણા ભવિષ્ય માટે મહેનત કરૂ છું એટલે સમય નથી આપી શકતો. અહિં પ્રશ્ન બંન્નેની પ્રાથમિકતાનો છે..! એકને ગુંગળામણ ભર્યા વાતાવરણમાં એક રાહતનો શ્વાસ લેવો છે, તો બિજા સારા ભવિષ્ય માટે કરવી હોય છે..! તેને સામેના પાત્રની ફરીયાદો ગૌણ લાગે છે, તેને અવગણે છે પણ સમય જતાં એ જ પરિસ્થિતી વિકરાળ રૂપ લઈ લેતી હોય છે..!
તો આનું સમાધાન શું..? જો વ્યક્તિ માત્ર સામેવાળા પાત્રનું મન રાખવા જ સમય કાઢશે તો પોતે સમય જતાં કંટાળી જશે નહી કાઢે તો સામેવાળું પાત્ર કંટાળી જશે..! આ પરિસ્થિતી કોઇપણ લગ્નજીવનમાં સામાન્ય છે..! વડિલોએ મળીને જે પરંપરાગત રિતે લગ્ન કરાવેલા હશે તેમાં કદાચ પાત્રો મા-બાપ પર આરોપ નાખશે કે તમે ખોટું પાત્ર શોધી આપ્યું છે પણ જો પ્રેમ લગ્ન હશે તો કોના પર દોષ નાખશું..? અહિં પ્રાથમિકતા પોતાની વાત સાચી કરવાની રહેશે..! જેમાં પ્રેમનું અને સમજણનું લક્ષણ ન્યુનતમ હશે..! સમય જતાં પરિસ્થિતી વધારે બગડશે..!
સમય એ અવગણવા જેવી વસ્તું નથી અને લગ્ન કે પ્રેમમાં તો નહી જ..! પણ ફરી પ્રશ્ન અહીં પ્રાથમિકતાનો જ આવે છે. મારા ધ્યાનમાં બહું ઓછા ઉદાહરણો હશે જે લગ્ન જીવન સુખી અને પોતાની કારક્રિદીમાં આગળ હોય..! એ લોકો આ પ્રાથમિકાતા અને સમયના મેળને સમજી ગયાં હોય છે..! તે પોતાની કામ સાથે પોતાના સાથીને પણ સમય આપી શકતા હોય છે એટલે એ એહસાસ કરાવી શકતા હોય છે કે હજી તારું મહત્વ મારાં જીવનમાં ઓછું નથી થયું. પણ આ કરવું એ બહું અઘરું છે.! જીવનમાં બે પ્રાથમિકતા સાથે એકસાથે જીવવું અને તેને પામી પણ લેવી તે સહેલું નથી..!
નિર્ણય હંમેશા સાચા જ લેવાયા હોય એવું જરૂરી નથી, નાદાનિયતમાં અપાયેલા વચનોને પરાણે જીંદગીભર વળગી રહેવું એ પણ ગાંડપણ છે..! પરિસ્થિતી સાથે સમાધાન કરી જીંદગીને હોમી દેવી તે પણ વ્યાજબી નથી.! છતાં આપણા સમાજના રિવાજો અને સંસ્કારોને કારણે લોકો ના છુટકે પોતાની પ્રાથમિકતામાં ફેરેફાર કરી પરાણે પ્રેમ કરવાનો ડોળ આખી જીંદગી કરતા હોય છે..! સુખી લગ્ન જીંવનનો દંભ જીવનના અંત સુધી કરતા હોય છે..! પ્રેમ એ એહસાસ છે અને જો સમય સાથે તેનું મહત્વ ઘટે તો તે કદાચ આકર્ષણ જ હોય છે..! ઘણી વખત પ્રેમ માટે ઘણા લોકો પોતાની જીંદગી પોતાના સાથી માટે ઘસી નાખતા હોય છે અને હરફ પણ ઉચ્ચારતા નથી પણ અહિં એ પ્રેમની વાત છે જે એક પ્રકારનો વ્યવહારછે..! એટલે તમે મને પ્રેમ કરશો તો જ હું તમને કરીશ..! અને આવા પ્રેમમાં આ પ્રાથમિકતાનો નિયમ પોતાનો ભાગ ભજવે છે..!
March 23, 2017
સ્ત્રી અને પૂરુષ એકસમાન નથી..?
21મી સદીનો સૌથી વધું ચર્ચાતો પ્રશ્ન અને સ્ત્રીજાતીની સતત અપાતી લડત કે અમે પૂરુષોની સમોવડી છીએ..! અને પૂરુષોની સતત એ મથામણ કે પૂરુષો વગર કદી સ્ત્રીનું અસ્તિત્વ જ ના હોઇ શકે..! પણ આમાં સાચું કોણ..?
જો આપણે ભુતકાળ પર નજર નાખીએ તો એ સ્પષ્ટ દેખાશે કે પૂરુષોએ હમેંશા સ્ત્રી પર શાશન કર્યુ છે અને સ્ત્રી હંમેશા પીડાતી આવી છે, સમય પસાર થતો રહ્યો, આજનો સમય આવતા આવતા સ્ત્રીઓમાં જાગ્રુતતા વધી અને તે પોતાના હકો માટે લડતી થઈ..! પૂરુષોથી ખભાથી ખભો મેળવી કામ કરતી થઈ..! જર્મની જેવા દેશમાં તો તે દેશ ચલાવતી પણ થઈ, તો શું સ્ત્રી અને પૂરુષ એકસમાન છે..? તો હું કહીશ ના..!
મને સિખડાવવામાં આવેલા ગણીતના એક નિયમ મુજબ જ્યારે બે વસ્તું કે ઓબ્જેક્ટની કિંમત કે વેલ્યું એકસરખી હોય ત્યારે આપણે તેમને એકબીજાના અવેજમાં લઈ શકિએ..! જેમકે X=50, Y=50 then X=Y તો આપણે આ જ નિયમ સ્ત્રી-પૂરુષમાં પણ લાગું પાડી શકીએ..! જો બંન્ને સરખા હોય તો આપણે તેમને એકબીજાના અવેજમાં વાપરી શકીએ..! ચલો ને એકબીજાના અવેજમાં શુંકામ? ગમે તે એક ને જ પસંદ કરી લઈએ એટલે ગુંચવણ જ પુરી થાય..! એટલે દુનિયામાં પૂરુષ અને સ્ત્રી ગમે તે એક હોય તો ચાલે..? કારણ કે બન્ને એકસમાન જ છે..!
તમે હવે મારી વાતનો વિરોધ કરશો..! કે હું તમને ખોટા માર્ગે દોરી રહ્યો છું..! પણ ના મુદ્દો અહી શબ્દો અને આપણી માનસીકતાનો છે…! હું કદી એવું નહી કહું કે સ્ત્રી-પૂરુષ એક સમાન છે પણ હું એમ જરૂર કહીશ કે બંન્ને એકબીજાના પુરક છે..! સ્ત્રી-પૂરુષ એકસમાન હોવા અને એકબીજાના પુરક હોવા બંન્ને વિધાન ઘણું કહી જાય છે…! છતાં આપણે આ જ વાતના ઉંડાણમાં જઈએ.
સ્ત્રી અને પૂરુષ બંન્નેમાં એકબીજાથી અલગ ગુણધર્મો છે..! પૂરુષ પાસે શારીરિક શક્તિ વધારે હોય છે તો સ્ત્રી પાસે આંતરીક શક્તિ વધારે હોય છે, પૂરુષ ભાવના સમજવામાં થોડા બુડથલ હોય છે તો સ્ત્રીઓનો વિષય જ ભાવનાઓને સમજવાનો હોય છે..! પૂરુષો માર સહન કરી શકે છે તો સ્ત્રીઓ પીડા સહન કરી શકે છે..! પૂરુષો કમાઇ શકે છે તો સ્ત્રી એ પૈસા બચાવી શકે છે..! પૂરુષોનો સ્વભાવ કડક હોય છે જ્યારે સ્ત્રીનો સ્વભાવ સોમ્ય હોય છે..! પૂરુષની માનસીકતા વિધ્વંસની હોય છે, તો સ્ત્રીની માનસીકતા નિર્માણની હોય છે..! પૂરુષની ભાષા યુધ્ધની હોય છે જ્યારે સ્ત્રીની ભાષા પ્રેમની હોય છે..! પૂરુષ પાલક છે તો સ્ત્રી પોષક છે..! પૂરુષ સુર્ય છે તો સ્ત્રી ચંદ્ર છે..! અને આવા ગુણધર્મોને એકબીજાથી અલગ પાડવા જ સ્ત્રીતત્વ કે સ્ત્રીપણું અને પૂરુષત્વ કે પુરુષપણા જેવા શબ્દો આપણે શબ્દકોષમાં મુક્યા હશે..!
એક પ્રશ્ન ઘણી વખત મારી સામે આવે છે કે લગ્ન બાદ હંમેશા સ્ત્રીને જ કેમ ઘર છોડવાનું..? તો અહીં સ્ત્રીનો ધર્મ નિર્માણનો છે, એટલે સ્ત્રીએ નવા ઘરના નિર્માણ માટે પોતાના ઘરનો ત્યાગ કરવો પડે છે..! અને પૂરુષને પોતાના ધરના નિર્માણ માટે સ્ત્રી પર આધાર રાખવો પડે છે પણ ઘર નિર્માણની સામગ્રી માટે સ્ત્રીને પૂરુષ પર આધાર રાખવો પડે છે..! સંતાનના જન્મ માટે પણ ગમે તેટલા શક્તિશાળી પૂરુષને એક સ્ત્રીની જરૂર પડે છે અને ગમે તેટલી શક્તિશાળી સ્ત્રીને એક પૂરુષની..! ઘણી વખત એ પ્રશ્ન પણ સામે આવે છે કે કોઇ બ્રહ્મચારી પૂરુષને સ્ત્રીની જરૂર હોય..? તો હા..! પણ સ્ત્રીનું સ્વરૂપ હમેંશા પત્ની કે પ્રેયસી જ હોય એવું જરૂરી નથી, તે માતા પણ હોઇ શકે અને બહેન પણ હોઇ શકે..! મહાભારતના એક મહાન યોધ્ધા ભીષ્મ આ વાતની સાક્ષી પુરે છે, તેમને જ્યારે એકલતા લાગતી, મુંઝવણ અનુભવતા ત્યારે તે પોતાની માતા ગંગા પાસે જ જતાં..! તેમની સાથે વાત કર્યા બાદ તેમને આંતરીક શાંતીનો અનુભવ થતો.
સ્ત્રી પૂરુષ એકબીજાના પુરુક છે એ વાત સાબીત કરવા માટે ભગવાન શિવે અર્ધનારેશ્વરનો અવતાર લીધેલો..! અહીં એ વાત સ્પષ્ટ છે કે પાર્વતી તેમના સમોવડીયા નથી પણ તેમનો અડધો ભાગ છે..! પૂરુષોને આ વાત સમજવા જેવી છે કે પૂરુષ છે તો સ્ત્રીઓ છે એવું નથી..! પણ બંન્ને છે એટલે જ બંન્નેનું અસ્તિત્વ છે..!
પણ હવે આ અસ્તિત્વની લડાઇમાં સ્ત્રીત્વ અને પૂરુષત્વના ગુણધર્મોનું કોકટેલ થઈ ચુક્યું છે..! કારણ કે અત્યારે વાત પોતાના હકો માટે લડવાની નથી, પણ અત્યારે વાત એ સમાજ સાથે બદલો લેવાની છે જેણે સ્ત્રીને અત્યારે સુધી પોતાના પગની જુતી જ સમજી છે અને કચડ્યે રાખી છે..! એટલે હવે સ્ત્રીઓ એ તમામ મદભર્યા પૂરુષોને સમજાવવા નીકળી છે કે અમે તમારાથી ઉતરતી નથી. અને આનું સૌથી મોટું નુકશાન પુરા સમાજને ગયું છે..! સ્ત્રીના એ મુળભુત લક્ષણો હવે લુપ્ત થવાની અણી પર છે પછી માત્ર નવલકથાઓમાં જ સ્ત્રીત્વ શું હતું, તેવી કોઇ વાત જોવા મળશે બાકી સમય જતાં સ્ત્રી અને પૂરુષ એકસરખા અને એક ગુણધર્મવાળા બની ગયા હશે, માત્ર શારિરીક ઢાંચામાં જ ફરક હશે..!
હું અહી એ સ્ત્રી-પૂરુષોની વાત કરી રહ્યો છું જે એકબીજા સાથે હરિફાઇમાં ઉતરેલા છે કે કોણ ચડીયાતું..! અને આ એક બિમારી છે જે ખુબજ ઝડપથી ફેલાઇ રહી છે..! એક સ્ત્રી પોષક મટી પાલક બનવા બહાર નોકરી કે ધંધો કરે છે. નિર્માણનું કાર્ય છોડી યુધ્ધના મેદાને ચડે છે..! સાહિત્ય મુકી ને દંડ હાથમાં પકડે છે..! ઘર મુકી દેશ ચલાવે છે..!
તો તમે કહેશો કે આમાં ખોટું શું છે..! તેમની પાસે પ્રતિભા છે, તો એ કરે છે. પણ અહીં મુદ્દો પ્રતિભાનો નથી, અહી મુદ્દો એકબીજા સાથે અસ્તિત્વ ટકાવી રાખવાનો છે અને આમાં હું સ્ત્રીને દોષી નથી માનતો પણ આ પેલી સ્પ્રીંગ જેવી વાત છે કે જેમ સ્પ્રીંગ તમે વધારે દબાવો તેમ તે વધારે જોરથી ઉછળે અને એ જ રિતે સદીઓથી દબાવવામાં આવેલી સ્ત્રીઓ અત્યારે પોતાની સાથે થયેલા અપમાનનો બદલો લેવા બહાર નીકળી પડી છે..!