“મત ચૂકે ચૌહાણ.”
વાર્તાઓ એવી હોવી જોઈએ કે વાંચવી ગમે, વાર્તાઓમાં વસી જવું ગમે. દાદા ઈતિહાસ ભણાવતા, મને ઘણી વાર્તાઓ પણ કહેતા. એમાંથી એક હતી પૃથ્વીરાજ ચૌહાણની વાર્તા. ઘણા લોકો, ઘણી વાતો, કોઈ કહે એને ઘોરીને ૧૭ વાર હરાવ્યો, કોઈ કહે ૨૨, તો કોઈ કહે બે. સત્ય જે પણ હોય, પણ બેથી તો વધારે જ હશે. આપણે લોકોએ જ્યાં ભૂલ કરી તે હતી આપણી દરિયાદિલી. ઘણીવાર હરાવીને પણ પૃથ્વીરાજે ઘોરીને જવા દીધો પણ પહેલો મોકો મળતાં જ ઘોરીએ પૃથ્વીરાજને મારી નાખ્યો. હવે પૃથ્વીરાજને કઈ રીતે માર્યો, તેમાં પણ લોકો જુદી જુદી વાતો કરે છે. હું તમને મારી વાત બતાવું.
તરાઇનની લડાઈમાં હાર્યા બાદ પૃથ્વીરાજને આંધળો કરી દેવામાં આવ્યો અને એને અને ચંદ બરદાઈને (રાજ કવિ) બંદી બનાવવામાં આવ્યો. ઘોરી એક દિવસ તેના સૈનિકોનો યુદ્ધ કૌશલ જોઈ રહ્યો હતો અને પૃથ્વીરાજને દેખાડી રહ્યો હતો (એ ક્યાં જોવાનો હતો!) કે જુઓ અમારે ત્યાં કેવા કેવા જોદ્ધા છે. ત્યારે ચંદ બોલ્યો, ‘આ તો કંઈ નથી, મહારાજ પૃથ્વીરાજ જેવો ધનુર્ધર તમને શોધે મળશે નહીં. પારખી જુઓ.”
ઘોરી હસ્યો, “આ આંધળો શું કરી શકે?”
“મહારાજની ભુજાઓમાં એ તાકાત છે કે જો બાણ છોડે તો સાત ઢાલ પાર કરીને પણ લક્ષ્ય વીંધે.”
ઘોરીને નવાઈ લાગી, જોવાની ઈચ્છા થઇ. એટલે હા પાડી.
પણ ચંદ બોલ્યો, “મહારાજ, પૃથ્વીરાજ પણ મહારાજ છે, કોઈના બોલ્યે નહીં કરે. પણ તમે બરોબરીના છો. તમે તાળી પાડશો તો જ કરશે.”
ઘોરી માની ગયો, બધી વ્યવસ્થા કરાઈ અને પૃથ્વીરાજને લક્ષ્ય સામે ઊભો રખાયો અને એને એક બાણ અને ધનુષ અપાયાં. એની પાસે ઊભા રહી ચંદ બોલ્યો,
“चार बांस, चौबीस गज, अंगुल अष्ट प्रमाण। ता ऊपर सुल्तान, मत चूके चौहाण।”
આ પંક્તિઓ સાંભળીને શરીરમાં વીજળી પ્રસરી જાય છે. શું લખ્યું છે! વાહ! પૃથ્વીરાજ શબ્દભેદી બાણ ચલાવવાની વિદ્યામાં પારંગત હતો. અને ઉપરથી ચંદે તેને બતાવી દીધું કે ઘોરી, ચાર વાંસ, ૨૪ ગજ અને ૮ આંગળી દૂર ઉપર બેઠો છે, લક્ષ્ય ચૂકીશ નહીં ચૌહાણ. શું વાત!
બાકી તો તમે જાણો છો. પૃથ્વીરાજનું બાણ ચૂક્યું નહીં. એ અને ચંદ અમારાં માટે અમર થઇ ગયા. વાર્તા છે, કવિતા છે, હું નથી જાણતો કે ત્યાં ત્યારે શું થયું હતું ને શું નહીં. પણ એવી રીતે લખવામાં આવ્યું છે કે મને વાર્તાને સત્ય માનવાની ઈચ્છા થઇ આવે છે. લખો તો આમ.
….મત ચૂકે ચૌહાણ…
જય શ્રી કૃષ્ણ.