“ત્રણ પ્રશ્ન.”

યાદ છે જ્યારે આપણે નાના હતાં તો કોઈકને કોઈક સુપર હીરો બનવા ઇચ્છતાં? આપણને એવું લાગતું કે જો આવી અદ્ભુત શક્તિઓ આપણામાં હશે તો પછી બસ, બીજું શું જોઈએ?

એમ કરતાં આપણે મોટાં થયાં ને હજી ઈચ્છાઓ એવી ને એવી. કયા મુહૂર્તમાં કામ શરૂ કરીએ તો સારું થશે એમ વિચારતાં થયાં. આપણે ક્યારેક ભૂત તો ક્યારેક ભવિષ્યને લઈને વિચારમાં રહીએ. અને એટલે પછી મારા જેવા જોષી ફાવી જાય!

એવા એક રાજાની વાર્તા સંભળાવું. લીઓ ટોલસ્ટોયએ લખી લઘુકથા. સાંભળો.

***

એક વખત એક રાજાને એવો ખયાલ આવ્યો કે જો એને કયું કામ ક્યારે શરૂ કરવું એ ખબર પડી જાય, કોનું સાંભળવું ને કોનું નહીં એ ખબર પડી જાય, ને સૌથી અગત્યનું કામ શું છે તે ખબર પડી જાય તો તો પછી થઈ રહ્યુ. એટલે એણે આખા રાજ્યમાંથી વિદ્વાનોને આમંત્રિત કર્યા. જે પણ આ ત્રણ પ્રશ્નોના પ્રામાણિક ઉત્તર આપે, તેને ઇનામ આપવામાં આવશે.

કેટકેટલા વિદ્વાનો આવ્યા ને ભાતભાતના જવાબો આપ્યા. પહેલા પ્રશ્નના ઉત્તરમાં કોઈકે કહ્યું કે દિવસ રાતના પંચાંગ બનાવી તેમનાં હિસાબે ચાલો, તો કોઈકે કહ્યું કે હમેશ ઠીક સમય ખબર પડવું શક્ય નથી એટલે જેટલું કામ હોય તે કરો, તો કોઈકે કહ્યું કે એક વિદ્વાન મંડળી આ કામ માટે ઉભી કરો.

આવા જ જવાબો બીજા અને ત્રીજા પ્રશ્નો માટે મળ્યા. કોઈક બોલ્યો કે પાદરીઓ રાખો, તેમનું સાંભળો, તો કોઈકે કહ્યું કુશળ સેનાપતિઓનું સાંભળો, તો કોઈકે ફરી વિદ્વાન મંડળીની હિમાયત કરી. કોઈકે વિજ્ઞાનને અગત્યનું જણાવ્યું, તો કોઈકે યુદ્ધ કૌશલ્ય પર ભાર આપ્યું તો કોઈકે ધાર્મિક કર્યો પર.

બધાં જ જવાબો અલગ એટલે રાજા દુઃખી અને ઇનામ કોઈને મળ્યું નહીં. પછી કોઈએ એને ગામની બહાર રહેતા એક સન્યાસી વિશે બતાવ્યું. લોકોની બહુ શ્રદ્ધા હતી એ સન્યાસીમાં. તો રાજાએ નક્કી કર્યું એમને મળવાનું. પણ એ સન્યાસી ક્યારેય એમનાં ત્યાંથી બહાર જતાં નહીં ને ધનાઢ્ય લોકોને મળતા નહીં ને એટલે રાજા સાદા વેશમાં એમની પાસે ગયો. ઘોડો અને રક્ષકોને પણ થોડાં દૂર ઉભા રાખ્યા.

જ્યારે રાજા ત્યાં પહોંચ્યો, સન્યાસી માટી ખોદી રહ્યો હતો. એને રાજાને આવકાર્યા પણ કામ ચાલુ રાખ્યું. પાતળો સરખો સન્યાસી, કોદાળી માટીમાં જાય ને મહેનતથી એનો શ્વાસ નીકળે.

રાજાએ એને એ જ ત્રણ પ્રશ્ન પૂછ્યા. ઉચિત કાર્યનો ઉચિત સમય, કોને સાંભળવું, અને કયું કામ અગત્યનું. પણ સન્યાસી કામ કરતો રહ્યો, એને કોઈ જવાબ આપ્યો નહીં.

સન્યાસી થાકેલો લાગતો હતો એટલે રાજાએ કહ્યું, “તમે થાકી ગયા છો, લાવો કોદાળી મને આપો, હું કામ કરૂં.” થોડીવાર રહી ફરી એ જ સવાલ રાજાએ કર્યા પણ જવાબ મળ્યો નહીં. છેલ્લે સૂર્યાસ્ત થવા આવ્યો ત્યારે રાજા થાક્યો અને કોદાળી નીચે મૂકી. “મેં તમને પ્રશ્ન પૂછ્યા, જો એના ઉત્તર તમારી પાસે ન હોય તો બતાવો એટલે હું ચાલતો થાઉં.”

ત્યારે બહાર કોઈ આવ્યું હોય એવું સંભળાયું. બંને બહાર જોવા ગયા તો એક ઘાયલ માણસ રાજાના પગ પાસે આવી બેભાન થઈ પડ્યો. એના પેટમાં મોટું ઘાવ હતું. રાજાએ સન્યાસી સાથે મળીને તેની સારવાર કરી. જયારે તે ભાનમાં આવ્યો એને પાણી માગ્યું ને રાજાએ પીવડાવ્યું. પછી એને ઉપાડીને ખાટલે ભેગો કર્યો. રાજા પણ ખૂબ થાકી ગયો હતો એટલે ત્યાં જ ઢળી પડ્યો.

સવારે જ્યારે રાજા ઉઠ્યો તો એ માણસે કહ્યું, “મને માફ કરજો.” રાજાએ કહ્યું કે એ તો તેને ઓળખતો પણ નથી, માફી શેની?

માણસે કહ્યું કે “તમે મારા ભાઈને મારી નાખ્યો અને મારી સંપત્તિ કબ્જે કરી એટલે હું પ્રતિશોધમાં આવ્યો હતો. મને જાણ હતી કે તમે અહીં એકલા આવ્યા છો એટલે આવ્યો હતો પણ તમારા સૈનિકો મને ઓળખી ગયા અને મારા પર હુમલો કર્યો. હું તમને મારવાં નીકળ્યો હતો ને તમે મારો જીવ બચાવ્યો. મને માફ કરો.”

રાજાએ એને એની સંપત્તિ પાછી આપી અને રાજવૈધો એની સારવાર માટે મોકલવા કહ્યું. પછી એ એનાં મહેલમાં જવા તૈયાર થયો પણ એક છેલ્લી વાર સન્યાસીથી પ્રશ્નો પૂછ્યા. આ વખત જવાબ મળ્યો.

“જવાબ તો તમને મળી ગયો રાજા. તમે મારા પર દયા ખાઈ જમીન ખોદવા બેઠા એટલે પાછા ન ગયા. ગયા હોત તો એ માણસે તમને મારી નાખ્યા હોત. તો જમીન ખોદવાનો સમય ઉત્તમ હતો. ને જે માણસનું તમને સાંભળવું જોઈતું હતું તે હું હતો ને મારી મદદ કરવી, એ હતું સૌથી અગત્યનું કામ.પછી એ માણસ આવ્યો અને ત્યારે એ માણસનું સાંભળવું જોઈતું હતું અને એની સારવાર હતું સૌથી અગત્યનું. જો તમે ના કરી હોત તો એ તમારા માટે દુર્ભાવના લઈને મારણ પામ્યો હોત.”

એક શ્વાસ ખાઈ સન્યાસી ફરી બોલ્યો.

“તો એટલું યાદ રાખજો રાજન. સૌથી ઉત્તમ સમય એ છે હમણાં, હાલમાં, આ પળમાં. અને જે માણસ અત્યારે તમારી સાથે છે એનું તમને સાંભળવું જોઈએ. અને એનું ભલું કરવું તે છે સૌથી અગત્યનું કામ. કાંકે ભવિષ્ય કોણે જોયું છે!”

***

તમે બધાં પણ ભૂત ભવિષ્યની ચિંતા મૂકીને જેટલું થાય એટલું વર્તમાનમાં જીવો એવી આશા સાથે રજા લઉં છું. પણ મને તમારાં જેટલી છૂટ નથી. ભવિષ્યમાં (એટલે કાલે) તમારાં માટે શું લઇને આવું એ વિચાર જરૂરી છે! 😛

જય શ્રી કૃષ્ણ.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on July 10, 2021 23:19
No comments have been added yet.