Life Updates 🍻
લાઈફની અપડેટ્સ:
૧. કોરોનામાં મારા અમુક આત્મીય મિત્રોના જતાં રહેવાથી, અને પછી સતત એકાંતમાં (પરિવાર સાથે હોઉં તો પણ એકાંત જ હોય છે) રહેવાથી છેલ્લાં બે વર્ષમાં કશું ખાસ લખ્યું જ નથી. સતત ફરતો રહ્યો. એકલાં, બેકલા, અને હવે રામ સાથે. જીવવામાં જોમ રેડાયું એમાં અંદરનો વાર્તા કહેનારો મૌન થઇ ગયો. પરંતુ હવે ફરી લખવાનું ચાલુ કર્યું છે. નેક્સ્ટ નવલકથા કદાચ 2025 માં આવશે. ફેન્ટસી અને સાયન્સફિક્શન જેવું કૈક છે.
૨. ત્રણ-ચાર મહિનાથી ‘ધ રામબાઈ’ પર નાટક લખી રહ્યો છું, અને આવતાં ત્રણ-ચાર મહિનામાં એ લોંચ થશે. જેવું લખાશે એવું ભજવાશે. જોઈએ. એનું પ્રમોશન કરવા લગભગ ઓનલાઈન નહીં થાઉં, પણ પછી એની ટીમ કહેશે તો કરીશું.
૩. ‘નોર્થપોલ’ નવલકથાનું હિન્દી ભાષાંતર થયું છે. એમાં જેમણે એ કામ લીધું એમણે તો જીવન નીચોવ્યું. એ પણ બહાર પડશે આ વર્ષમાં જ. જોઈએ.
૪. છેલ્લાં અમુક વર્ષમાં આંતરિક યાત્રા છે એની હું ડાયરી લખતો હોઉં છું. એમાં સતત વલોવાયેલા વિચારો, સત્યો, મૌન બધું જ લખ્યું હોય. આ અલખના આલમમાં કેમ જીવવું એ બાબતની ગોતાખોરી હોય. એટલે ‘ગોતાખોરી’ નામે એક ટેમ્પરરી ટાઈટલ સાથે હું જે પર્સનલ ડાયરી લખતો હોઉં છું એનું પબ્લિકેશન પણ કરીશું. જો કે આ તો અવિરતયાત્રાનો ટૂકડો બને, એટલે જ્યારે લાગશે કે વ્યક્ત કરી શકાય એવો છે ત્યારે પ્રકાશકને મોકલી દઈશું. આમાં પણ ત્રણ-ચાર વર્ષ તો જશે જ.
૫. હું ત્રણ-ચાર મહિના ગામડે હોઉં છું, અને પછી બે મહિના બેંગ્લોર. ગામડેથી વર્ક-ફ્રોમ-હોમ ચાલુ હોય છે. રામને કુદરતને ખોળે બાળપણ મળે એવી ઝંખનાને લીધે ગામડે જ છીએ. માબાપ સતત ભેગાં રહે એ પણ મોટું કારણ છે. અને મને મારા પ્રિય સાથી એવાં ગીર, માધવપુર, અને નર્મદા અહીં ગુજરાતમાં રહેવાથી મળ્યાં કરે છે. એમનાં ખોળે પડ્યો રહું છું.
****
ઘણાં મિત્રોના મેસેજ જોયાં કે સોશિયલ મીડિયા પર અમુક-અમુક સમયે લખતાં રહો. Issue is – હું ઓનલાઈન થઈને પોસ્ટ લખીને વ્યક્ત થાઉં છું એમાં મને ઘણી ખોટ પડે છે. (જો કે અત્યારે વ્યક્ત જ થઇ રહ્યો છું!) અંદર જે જનમ્યું હોય, અને હજુ તો ઘૂંટાતું હોય, એમેચ્યોર હોય, એવું બધું વ્યક્ત થઇ જવાથી બરાબર ચેતનાસભર બનતું નથી. અવ્યક્ત રીતે અંદર પડ્યું-પડ્યું એ એવાં અવનવાં આયામો ખોલે છે કે જેનાં થકી મારા સાચુકલાં લખાણ (I mean નવલકથાનું લખવાનું કામ) પર સારી પોઝીટીવ અસર પડે છે. ધ રામબાઈ લખતી સમયે હું બે વર્ષ ઓફલાઈન હતો તે એ બે વર્ષ જીંદગી તો આલાતરીન જીવ્યો જ, પણ સાથે વાર્તામાં ઊંડાણ કે ઉંચાઈ પણ મળી.
જો કે આ ઉપર કહ્યું એ બધું જ મારા માટે જ સત્ય છે. માણસે-માણસે જીવવાનાં ને વ્યક્ત થવાનાં તરીકા ફરે.
બીજું કે હું જ્યારે આ વર્ચ્યુઅલ સોસાયટીથી દૂર અવ્યક્ત-મૌન-જાગૃત હોઉં છું ત્યારે પૂરો અનાવૃત હોઉં છું. કોઈ ચહેરાં નથી હોતાં. હું લેખક નથી હોતો. સફળતા-નિષ્ફળતા તેલ લેવાં જતી રહી હોય છે. હું બાળક હોઉં છું આ પરમનું. જીવતરને પુરા જોમથી જીવવા અને સેલિબ્રેટ કરવાં માંગતું માણસ. પરંતુ એ બધું જ જીવાયું એ શેર થવા લાગે ત્યારે ખાસ મારા કેસમાં એવું થાય છે કે મારા પર એક એવું લેયર છવાયેલું રહે છે કે જેમાં મને ખબર હોય છે જે જગત મને કઈ રીતે જોઈ રહ્યું છે.
એટલે મારા આંતરિક ધૂણેથી ઉઠતાં કાચાં ધૂમાડા અહીં ફેલાવવા કરતાં પૂર્ણ તપીને પુસ્તકની અંદર લખાણમાં ઠરવું સારું પડશે.
અહીં ક્યારેક-ક્યારેક વ્યક્ત થવા આવીશ તો પણ શબ્દો ઓછાં રાખીશ. પ્રકાશક કે અન્ય કોઈ ટીમ સાથે થયેલાં પ્રમોશનના પ્રોમિસને પાળવા લખવું પડે એ લખીશું.


