કાળજું…
મારા દાદાને લીલાં રંગની એલર્જી હતી. લીલું જુએ અને આખા શરીરે ખંજવાળ આવે! ખેતરે જઈને પાછાં આવે અને શરીરમાં ઢીમચાં-ચાઠાં થઇ જાય. મારા બાપુજીએ એમની ખુબ દવાઓ કરેલી, પણ કશો ફરક પડેલો નહીં.
મારા સત્યાશી વર્ષના દાદાના એ અંતિમ દિવસો હતાં. એ એમની રૂમમાં આંખો બંધ કરીને ખાટલે સુતાં હતાં. એમની બાજુમાં પગ પાસે મારા બાપુજી બેઠાં હતાં. રૂમના ખૂણામાં હું એક ખુરશી પર બેઠોબેઠો મારું નવમાં ધોરણનું લેસન કરતો હતો.
રૂમના ખૂણામાં બેઠા-બેઠાં મારા બાપુજીને એમનાં બાપુજીની અવિરત મૂંગી સેવા કરતાં જોવાં એ સ્મૃતિ પટ્ટ પર આજીવન બેસી ગયેલા મીઠાં દૃશ્યો. દાદાના અવસાનના આઠેક દિવસ પહેલા એ દિવસે દાદાનું બોલવાનું ઓછું થઇ ગયું. મારા બાપુજી એમની બાજુમાં બેસીને ઘડીક પગ દાબે, ઘડીક માથે હાથ મુકે, ઘડીક ઉભાં થઈને દાદાની દવાઓ સામું જોયાં કરે. દાદા ક્યારેક-ક્યારેક આંખ ખોલીને “કાળું…” એમ બોલે અને મારા બાપુજી “હા કાકા…” કહીને એમને જવાબ આપે. (એ સમયમાં ઘણાં લોકો પપ્પાને ‘કાકા’ પણ કહેતાં)
દીકરાએ બાપની સેવા સહજ કરેલી કે એ દિવસે મારા બાપુજી કશાંક કામ માટે ઘડીકવાર રૂમની બહાર ગયા. હું દાદાની બાજુમાં બેઠો. દાદાએ આંખ ખોલી. પોતાની બધી જ તાકાત ભેગી કરીને બોલ્યાં –
“આની મોલાતું કાંગરે આંબશે…”
એ પછી દાદાના અવસાનને આટલાં વર્ષો ગયા, અમારા ખેતરનો પાક હંમેશા સારો જ થયો છે.
[ મોલાત = ખેતરમાં વાવેલો પાક. કાંગરા = મકાનની છતનો નેવાં તરફનો ભાગ]
***
અમારે ઉનાળામાં નદીમાં પાણી આવે એટલે નદીનું પાણી ખેતરે પહોંચાડવા નદી કાંઠે મશીન મુકતા. મારા બાપુજી આખો દિવસ ત્યાં જ રહે એટલે હું એમનું ભાત લઈને જતો. બપોરે જમીને અમે નાના છોકરા નદીમાં નાહવા પડતાં, અને અમારું ધ્યાન રાખવા મારા બાપુજી અને એમનાં બે-ત્રણ મિત્રો કાંઠે મશીન પાસે બેસતાં.
એક દિવસ નાહતા-નાહતાં હું નદીના ઘૂના તરફ વહી ગયો. સીધો અંદર. પાણી પીવાઈ ગયું. બહાર નીકળીને ‘બા…’ એટલું જ બોલી શક્યો ત્યાં જ મારા બાપુજીએ કૂદકો લગાવી દીધો અને ધૂનામાં મારી પાસે આવ્યાં. એમને પણ મારી જેમ તરતાં નહોતું આવડતું. એમને પણ બે-ત્રણ વાર પાણી પીવાઈ ગયું, પણ ગમે તેમ કરીને મને ખેંચીને બહાર લઇ આવ્યાં.
બીજા ખેડૂતો પણ દોડ્યા, અને કાંઠે પહોંચીને હું તો અતિશય શોકમાં હતો, પણ મારા બાપુજી એકદમ શાંત. કોઈએ મારા બાપુજીને કહ્યું કે – “આમાં તમે પણ જતાં રહેત હો…”
તો એ નદી સામું જોઇને બોલ્યા – “તોય…સોકરાં ને થોડો ડૂબવા દવ…”
***
આવું જ થયું જ્યારે મારા બાપુજી વાડીના રાવણે ચડીને મધમાખીનો પૂડો ઉઝેરતાં હતાં. (બેઝીકલી મધપૂડા પાસે જઈને બીડી પીવે અને ધૂમાડો મધપૂડા પર ફેંકે એટલે મધમાખીઓ ભાન ગૂમાવે અને થોડીવારમાં ઉડી જાય)
હું વળી નીચે ઉભો-ઉભો બધું જોઉં! એમાં ભારે પવન આવ્યો અને મધમાખીઓને ધૂમાડો લાગ્યો નહીં અને ખબર પડી ગઈ એટલે ઉડી! સીધી મારા તરફ!
પેલી તરફથી મારા બાપુજી સડસડાટ નીચે ઉતર્યા અને કશું જ વિચાર્યા વિના જેમ બાળકને ધાબળો ઓઢાડવામાં આવે એમ એમનું શરીર મને ઓઢાડી દીધું. એમને તો કેટલાંયે ડંખ લાગ્યાં, પણ ફરિયાદ કરે એ ભાયડો બીજો!
વળી એ બધું શાંત પડ્યું પછી સૂઝેલી આંખોએ દેખાય નહીં છતાં ખેતરે ચા બનાવવા બેઠાં. આજુબાજુ વાળા ખેડૂતોને ચા પીવા બોલાવ્યાં. મેં ઘટના એ ખેડૂતોને કીધી. કોઈએ પૂછ્યું – “તે પણ આમ ડંખ થોડાં ખવાય…”
તો જવાબમાં એ હસતા-હસતાં કહે – “સોકરાને મધ ખવડાવવા હોય તો આપડે કોક દી ડંખ ખાવાય પડે…”
***
હું રાજકોટમાં બારમું સાયન્સ પૂરું કરીને ગામડે આવેલો. હું અને મારા બાપુજી ખેતરમાં આંટા મારતાં હતાં. મને ખેતીમાં રસ ન પડે એટલે એ મને મીઠું-મીઠું ખીજાયા કરે અને હું એમને ‘હા’ કહ્યા કરું. મને અચાનક ખેતર વચ્ચે કહ્યું –
“તે તું IPS થઇ જાને…” એમને IPS શું એ ખબર હતી નહીં. ક્યાંકથી સાંભળ્યું હશે. મેં નાં કહી.
“તો ડોક્ટર?” એ બોલ્યાં. મેં કહ્યું કે મારું તો ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં ફોર્મ ભરાઈ ગયું છે, અને ભણવા માટે વિદ્યાનગર જવાનું છે.
તો ફરી બાપુજી વિચારે ચડ્યા. આકાશ સામે જોઈ રહ્યા. એમને મારા ભણતર કે ભવિષ્યની કઈ ગતાગમ ન પડે એટલે અંતે બોલ્યાં –
“ઠીક…તું જે બને એ…કોઈ દિ મસક નો આપતો.”
[ મચક ન આપતો મતલબ કે ક્યારેય હાર ન માની લેતો.]
***
છેલ્લાં સોળ વર્ષથી અમે જ્યારે-જ્યારે ભેગાં હોઈએ…ક્યારેય નોખી થાળીએ ખાધું નથી. એક થાળી.
હેપી ફાધર્સ ડે મારા બાપુજી. ઈશ્વર મને અને મારા દીકરાને તમ જેવું કાળજું આપજો.


