કૂકડો…

જેમ ભરવાડ બકરીના બચ્ચાને ખભે ચડાવે એમ અમારી વાડીનો મજૂર કમો પોતાના છ વર્ષના દીકરા ઉમેશને ખભે લટકાવીને દોડતો અમારી ડેલીમાં આવ્યો. હું સામો જ ઉભો હતો. 

“જીતુભાઈ… મારા સોકરાંને કાંઈક થઇ ગ્યું હે. હાલોને જરાક. દવાખાને લઇ જાવો હે…” એ બોલ્યો. એનાં શરીરનો હાંફ – આંખોમાં વિચિત્ર ડર – એનાં ખભે રાખેલો પણ વાંસની સોટીની જેમ ટટ્ટાર સૂતેલો એવો દીકરો બધું જ મારી આંખોએ જોયું એટલે મારી અંદર દેખાવ પુરતી સાવચેતી આવી.

“શું થયું ઉમેશને?” બોલતો હું તરત નજીક ગયો. ઉમેશને મારી તરફ ફેરવીને ઉમેશના મોઢાંમાંથી પડતી લાળને ઝીલીને દીકરાના હોંઠને બંધ કરવા મથતો કમો બોલ્યો –

“કેડ્યનો આખો ભાગ ટાઈટ થઇ ગ્યો હે. પાણી ‘ને થૂંક ગળે ઉતરતું નહીં. ચાર દી થ્યા તાવ હતો. પણ આજ તો ખાતો-પીતો બંધ થઇ ગ્યો હે.” બોલ્યો અને તરત કમાની આંખમાં આવતું અને મારી હાજરીને લીધે રોકવામાં આવેલું આંસુ દેખાયું. એ આંસુ જોયું ત્યારે મારી અંદર ખરી સાવચેતી આવી.

*

કમો આઠ વરસથી અમારા ખેતરે એક ઓરડીમાં રહે છે. કમો – એની ઘરવાળી કપિલા – ચાર દીકરા – ઉતરતાં ક્રમમાં કિશન, કેતન, ઉમેશ, અને કિયાન. ગોધરામાં એમનું કોઈક ગામ. આઠ વર્ષ પહેલાં આવ્યો ત્યારે મોટો દીકરો કિશન બે-ત્રણ વર્ષનો હશે. અમારી ઓરડીમાં જ બાકીના બધાં દીકરા આવ્યાં. આમ તો એ અમારા મજૂર ન કહેવાય. અમે એને ‘ભાગીયું’ આપ્યું કહીએ. ખેતીની આવકનો ચોથો ભાગ એનો. ખાતર-દવા-બિયારણ અમારા. મહેનત એની.

હું જ્યારે-જ્યારે બેંગ્લોરથી ગામડે આવું અને વાડીયે જાઉં એટલે કમાને નસબંધી કરાવવા કહું. કમાએ એકવાર મને કહેલું કે એને દીકરી જોઈએ છે એટલે દીકરી નહીં આવે ત્યાં સુધી તો છોકરા કરશે! કમાના મનમાં મારા માટે કશીક અલગ સન્માનની લાગણી હશે. મારા ઘરે હટાણું કરવા રોજે સાંજે સો રૂપિયા લેવા આવે અને હું લેપટોપમાં કામ કરતો હોઉં તો દૂરથી બિલાડીની જેમ આંખો પટપટાવ્યા વિના લેપટોપમાં જોયાં કરે. ઘણીવાર હું એને પૂછું કે છોકરાને સ્કૂલમાં ક્યારે મોકલીશ? એટલે સાવ ભોળું હસીને હા પાડે. ગામમાંથી હટાણું કરીને ફરી ઘરે આવે ત્યારે હું એનાં હાથમાં સાવ સસ્તાં ભૂંગળા – વેફર – બિસ્કીટનાં પેકેટ-પડીકાનો ઢગલો જોઉં એટલે ખીજાઉ.

ન તો એ એનાં દીકરાઓને રસી દેવા લઇ જાય, ન તો આ કચરા જેવાં પેકેટ બંધ કરે. એનાં છોકરા પણ એનાં બાપાને હાથમાં ભૂંગળાના પેકેટ લઈને આવતાં જોઈ જાય એટલે એક કિલોમીટર દૂરથી દોડે અને વળગી પડે. સૌથી વધું ખીજાઉ જ્યારે મોટા દીકરાને સ્કૂલમાં ન મુકે.

ખેર…કમાના દીકરાના મોઢાંની લાળ જોઈ, લાંબા ખભા સુધીના વાળ જોયાં, ક્લીપ વિનાનું ખુલ્લું પેન્ટ જોયું. મારી અંદર દયાભાવ આવ્યો, એટલે મેં કહ્યું કે – “આને અમરેલી લઇ જઈએ. ગામના ડોક્ટરથી કશું નહીં થાય.”

ત્યાં જ ઓસરીમાંથી મારા બા અને મારી પત્ની બંને બોલ્યા – “કાઈ નહીં હોય ભઈ…ગામમાં જ જઈ આવો.”

*

મને મારા બા-બાપુજી અને પત્ની પર સખત ગુસ્સો ત્યારે આવે જ્યારે કમા પ્રત્યે કે કોઈ પણ ગરીબ પ્રત્યે એમનામાં કોઈ સહાનુભૂતિ જ ન જાગે! એમને જાગે એ લાગણી વિચિત્ર હોય. કમાને શિયાળામાં સૌથી જૂના ગોદડાં આપે. હું કહું કે આખો પટારો ગોદડાંનો ભર્યો છે તો થોડાંક આપી દો, પણ મને બા કહે – “આ બધાંય બીજે દી ગોદડાં ખેતરમાં રખડાવતાં હોય. એને થોડું-થોડું જ દેવું પડે.” અને ક્યારેક હું ખેતરમાં ગોદડાં કે કપડા વગેરે જોઉં પણ ખરાં! પણ હું પરિવારને કહું કે – “દાન તો આપીને ભૂલી જવાનું હોય ભલા માણસ…આમ એનું ટ્રેકિંગ ના કરવાનું હોય.”

પરંતુ મારા બા કે પત્ની…કમાને એવું અથાણું દેશે જે હવે અમારે ન ખાવું હોય. એવા નાસ્તા આપશે જે ડબ્બામાં તળિયે મહિનાથી સૂતાં હોય અને એમને ડર હોય કે ‘જીતુંને જો એ નાસ્તાની કોથળી દેખાશે તો કચરાના ડબલામાં જવા દેશે’. એવું શાકભાજી આપશે જે ફ્રીજમાં પડ્યું-પડ્યું કોમામાં આવી ગયું હોય. કમો સાંજે રૂપિયા લેવા આવે તો ક્યારેક સો રૂપિયાની જગ્યાએ હું બસ્સો આપી દઉં અને એની ડાયરીમાં લખું નહીં. પણ મારા બાપુજીને ખબર પડી જ જાય. એ ખીજાય – “અરે આ પરજા આ રૂપિયાના ભૂંગળા લઈને ખાહે. અને હું હિસાબ ટાણે વરહે દહ હજાર વધારે જ આપું સું…”

કવિ દુલાભાયા કાગ કહેતાં – “ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહિ આપી શકે.” એમ મારા પરિવારનું ‘કંટ્રોલ’ કરેલું દાન-ધર્મ અમને કોઈને સુખી નથી બનાવવાનું એ મને પીડા આપે. કેવો સેલ્ફ-સેન્ટ્રીક પરિવાર! હું શેરીમાં તાવડી વેચવાં આવતાં ડોશીમાને બે તાવડીના પાંચસો રૂપિયા આપી દઉં તો પત્ની લાલ-ચોળ થાય! હું ભંગાર આપીને બટાકા-ડુંગળી ન લઉં તો બા લાલ થાય! મારો મહિનાનો પગાર એટલો છે જેટલો લોકોને વરસનો હોય. આ ખેતીમાંથી ઘર ચાલે એટલી આવક છે. મારા મ્યુચ્યુઅલફંડ એટલાં મોટા છે કે નોકરી ન કરું તોય વર્ષો નીકળી જાય… પર આ મારી પોતીકી પ્રજાને દયાનો છાંટો નથી.

આ ઉપર કહ્યું એ બધું મારી અંદર બે ભાવ પેદા કરે : એક બળવાખોર દયાભાવ. બીજો સુક્ષ્મ અહંકાર કે હું તો નોખી માટીનો જ છું. મારી અંદર વધું દયા-કરુણા છે.

*

મેં તરત જ દોડીને કારની ચાવી લીધી. બા અને કલ્પિતા રાડો નાખતાં રહ્યા. કમો એમનાં પ્રતિકારથી ખચકાતો હતો અને કહેતો હતો કે ગામમાં જ ડોક્ટર પાસે લઇ જઈએ. પણ હું એને રાડ નાખીને ખિજાયો એટલે છોકરાને ખોળામાં લઇ એ આગળની સીટે બેઠો. મેં ગાડી અમરેલી તરફ ભગાડી. થોડી-થોડીવારે રસ્તાથી નજર હટાવીને આ બાળક સામું જોઉં અને દયા આવે. લાળો પડતી હતી. કમો પાણીની બોટલ એનાં મોઢે આપે તો પાણી પણ બહાર. આંખોના ડોળા ફાટેલાં. શરીરમાં ખાલી પગ આમતેમ થતાં હતાં. કમો કહેતો હતો એમ એની પીઠ, પેટ, અને ડોક બધું સજ્જડ થઇ ગયેલું.

રસ્તામાં મનમાં એક ભાવ જાગ્યો – ‘આના દવાખાનાનો ખર્ચો હું લઇ લઈશ. સિવિલમાં નથી જવું. પ્રાઈવેટમાં લઉં જાઉં.’ એ ભાવ પાછળ એક છૂપો અદૃશ્ય ભાવ હતો – ‘સૌને ખબર પડવી જોઈએ કે આ છોકરાની મેટર કેટલી સિરિયસ છે અને જીતુંએ અમરેલી જઈને સાચું પગલું ભર્યું હતું’. અને એની પાછળ બેઠો હતો અહંકાર – ‘મારી લાગવગ લગાવીને હમણાં બેસ્ટ હોસ્પિટલમાં ઈમરજન્સીમાં લઇ લઉં જો…’

મેં રસ્તામાં જ લાગવગો લગાડી. ‘નવજીવન’ હોસ્પિલમાં ગયા. ડોક્ટરે તપાસ કરી. મને સાઈડમાં બોલાવ્યો. કહ્યું – “આને ધનુરની અસર હોય એવું લાગે છે. આ સાદો તાવ નથી. ડોક અને કરોડરજ્જુ જે રીતે જકડાઈ ગયા છે એ મુજબ તમે તરત રાજકોટ ભેગાં થાવ”

‘કેમ નહીં…હું રાજકોટ લઇ જઈશ. મારી જ કારમાં. મારા ખર્ચે…’ ખુબ ઊંડો વિચાર હતો જે કદાચ મહેસૂસ ન થાય. પણ છતાં મને થયું કે હજુ એક ઓપિનિયન અમરેલીમાં જ લઇ લઈએ. મેં કારને સિવિલ હોસ્પિટલ તરફ ભગાડી. ત્યાં તો ખાટલાઓની લાઈનો અને એમાં રોગો-દર્દીના મેળા જોયાં. ઉમેશને બેડ મળ્યો. હું આમ-તેમ દોડ્યો અને જલ્દીથી ડોક્ટર બોલાવ્યાં. અમુક નર્સ હતી એણે બાટલો ચડાવ્યો. ડોકટરે ફાઈલ જોઈ. મારી પાસે આવ્યાં અને કહે કે – “આને જે સ્કેન કરવા પડશે એ અમરેલીમાં નથી. આને ધનુર હોય એવું લાગે છે.” એટલું બોલ્યા ત્યાં બાજુમાં પથારીમાંથી ઉમેશને આંચકી ઉપડી. એનું આખું શરીર કમરથી ઊંચું થાય, મોઢામાં ફીણ નીકળે, શરીર નીચે પડે. આવું સતત થવા લાગ્યું. ડોકટરોએ કોઈ બીજું ઇન્જેક્શન આપ્યું. બીજી તરફ  જમણી બાજુ એક બેડમાં એક સાઈઠ વર્ષના ભાઈને એટેક આવી રહ્યો હતો અને એ છાતી પર ભાર દઈને રાડો પાડતાં હતાં.

પેલાં ડોક્ટરને નજીક બોલાવીને મેં કહ્યું –

“આ મારા મજૂર છે. એમને રાજકોટની ફી નહીં પોસાય. અહીં કશુંક થાય એમ હોય તો જલ્દી કરો.”

“અહીં તો બે-ત્રણ કલાક રાહ જોશો તો બાળકનું આખું શરીર જકડાઈ જશે અને બાળક ફેઈલ થશે.” એ બોલ્યાં. એ શબ્દો કમો દૂરથી સાંભળી ગયો. એ એનાં દીકરા પાસે બેઠો અને એની છાતી પર પોતાના બંને હાથ અને માથું મુકીને રડવા લાગ્યો. પેલો ડોક્ટર ખિજાયો –

“અલ્યા…ભાર ન દઈશ છોકરાની છાતી પર. એને આમેય શ્વાસ લેવામાં તકલીફ છે. છાતીમાં કફ છે.”

ડોક્ટર આવા કેટલાંયે મજુરોને રોજે જોતાં હશે. કમો રડતો-રડતો બોલ્યો – “એ સાબ…સોરાને તાકાત્ય આવે એવું કૈક કરો. એકાદ બિસ્કીટ આપો. ત્રણ દી થ્યા ખાધું નથ. આજ તો પાણી’ય નથ પીતો” કહીને કમો એ છોકરાની કમર ઉપર બાંધેલી એક લીલી વનસ્પતિની ગાંઠ સરખી બાંધવા લાગ્યો! એ લીલું દોરી જેવું ઘાસ પર મારું ધ્યાન ગયું. મનમાં ગુસ્સો આવ્યો. ડોક્ટરને મારાથી વધું ગુસ્સો આવ્યો –

“ખબરદાર છોકરાને પાણી આપ્યું છે તો…એને પાણી આપશો તો તકલીફ અતિશય વધશે. અમે ઇન્જેક્શન અને બાટલો ચડાવ્યો જ છે. ખાવા-પીવાનું કશું જ ન દેશો, અને જલ્દીથી રાજકોટ જાઓ.” બોલીને એણે દૂર સિક્યોરીટીને કહ્યું કે એમ્બ્યુલન્સ બોલાવે, અને ઓક્સીજન ચાલુ કરે. વળી પાછો ઉમેશ પાસે આવીને ડોકટરે એની કમર પરનું ઘાસ ખેંચીને તોડીને નીચે ફેંક્યું. કમાએ રડતા-રડતા ઘાસ લઈને પોતાના ખિસ્સામાં નાખ્યું.

એમ્બ્યુલન્સ આવી. એમ્બ્યુલન્સનો ડ્રાઈવર માવો ચોળતો હતો અને સ્ટ્રેચરમાં મૂકેલા ઉમેશ અને ભેગાં-ભેગાં દીકરાની છાતી પર હાથ રાખીને એમ્બ્યુલન્સમાં બેસતાં બાપ સામું જોઇને ખુબ શાંતિથી મને કહેતો હતો –

“ચાર હજાર થસે…આ મજૂરિયા પાહે નહીં હોય…તમે મારા નંબર ઉપર ફોનપે અત્યારે કરો તો જ ગાડી હાલતી થસે.”

મેં મનમાં એને મોટી ગાળ આપી અને તરત પૈસા આપ્યા. માવો ચડાવીને જાણે રોજે આવું જ કેટલીયે વાર જોતો-જીવતો હોય એમ ડ્રાઈવર બોલ્યો –

“ગાડી સીધી સિવિલમાં જસે. આ દર્દીના બાપાને અંદર ગાડીમાં ઓક્સીજન માસ્ક પકડીને બેસવાનું થસે. છોકરો માસ્ક ખેચી નાખ્સે. તમે તમારી કાર પાછળ ચલાવતાં આવો. સિવિલ મોટી છે એટલે લાગવગ હોય તો થોડુંક સારું પડસે.”

રાજકોટના રસ્તે કાર ચલાવતાં-ચલાવતાં મેં ઓફિસમાં રજા મૂકી. પછી ઘરે ફોન કર્યો. આમેય મારા બાપુજીના સતત ફોન આવતાં હતાં કે – “પ્રાઈવેટમાં ન લઇ જતો. આ લોકો સિવિલમાં જ ભલા.”

એટલે ઘરે બધાંને ફોન કરી-કરીને મારી અંદરનો એક માણસ દેખાડી રહ્યો હતો કે શા માટે મારો અમરેલી જવાના નિર્ણયની કોઠાસૂઝ સાચી હતી – “ડોકટરે તો કહ્યું છે કે અમુક કલાકમાં કેસ ખલાસ થઇ શકે એમ છે. રાજકોટ ઈમરજન્સીમાં જવું જ પડે એમ છે.”

મને મારો નાનકડો એક વર્ષનો દીકરો યાદ આવ્યો. ઈશ્વરને પ્રાર્થના કરી કે આવું હેરાન કોઈને ન કરે. આ ઉમેશની જગ્યાએ મારો દીકરો હોય તો મારું શું થાય? હું આવો જ જાગૃત રહું? હું કોઈના ફોન ઉઠાવી શકું? હું શબ્દો ગોઠવીને બીજા લોકોમાં દયાભાવ પેદા કરાવી શકું?

મારી કાર આગળ ચાલતી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર મને ફોન કરીને કહેતો હતો કે આ મજૂર સમજતો નથી, અને દીકરાને ખાવા-પીવા આપવું છે. એણે કમાને ફોન આપ્યો. કમો કહે –

“મારા સોકરાને કાંક ખવરાવો. ખાધા-પીધા વિના રોગ કેમ જાહે. બિસ્કીટ આપો”

મેં ગાળ આપીને કહ્યું કે – “મૂંગે-મૂંગો તારું મગજ ચલાવવાનું બંધ કર, અને છોકરાને ઓક્સીજન આપ.”

મને જવાબ આપવાને બદલે કમો રડતા-રડતા એનાં અલગ-અલગ માતાજીના નામ લેતો હતો. હું ચિડાયો – “મેં હજાર વાર કીધેલું કે છોકરાઓને રસી દેવા આરોગ્યકેન્દ્ર લઇ જા. આ તમારી જાત એમાં માને નહીં એટલે આ ધનુર થયો છે. ડોકટરે કહ્યું એ સાંભળ્યું? ધનુર માટીમાંથી પણ આવ્યો હોય. અને ખવડાવ હજી ભૂંગળાને વેફર. બાળક પાસે રોગ સામે લડવાની તાકાત ક્યાંથી આવે?”

*

સાંજે આઠ વાગ્યે રાજકોટ સિવિલ આવી. મેં મારા સંપર્કો દોડાવ્યાં. હું રાજકોટમાં સાયન્સ ભણતો અને એ હોસ્ટેલના દિવસોમાંથી એક મિત્ર ધવલ અહીં સિવિલમાં કામ કરતો. એને દોડાવ્યો. બાળકોના વિભાગમાં ખાટલો મળ્યો. મારી એક જાતને મનમાં ‘આનંદ’ થયો કે કમો રડતા-રડતા જોઈ શકતો હતો કે ‘અહીં પણ મારે ડોકટરોમાં ઓળખાણ છે…’

પછી અડધી જ કલાકમાં આ છોકરાને બાટલા ચડ્યા. ચાર-પાંચ ઇન્જેક્શન હાથની સોઈમાં દેવામાં આવ્યાં! છાતીના એક્સ-રે માટે મને કહેવામાં આવ્યું કે એક્સરે મશીન અને એનો ઓપરેટર લઈને આવું. હું એક બિલ્ડીંગથી બીજે બિલ્ડીંગ ખુબ દોડ્યો. હેરાન થયો. સિવિલમાં મને કે મારા મિત્ર ધવલને પણ કોઈ ભાવ પૂછતું ન હતું. ઉપરથી મને ભૂખ સખત લાગી હતી.

એક્સ-રે વિભાગમાં પણ લાંબી લાઈન. મોટું એકસીડન્ટ થયું હશે તે આઠ-દસ હાથ-પગ ભાંગેલા દર્દીની સ્ટ્રેચરની લાઈન! એ સૌની દર્દભરી રાડો. એમનાં સગાઓની રોકકળ. ઉપરથી કોઈને ફોન ન લાગે એવી જગ્યા. ફોનમાં ઓછું ચાર્જીંગ. ત્યાં બાળકોના વોર્ડમાંથી મારા પર ડોક્ટરનો ફોન આવે કે જલ્દી કરો, અને તમારો કેસ ઈમરજન્સી છે, અને છોકરાનું આખું શરીર જકડાઈ ગયું છે, અને જીભ એનાં દાંત વચ્ચે કચરાઈ ગઈ છે.

એક્સ-રે વાળા આવ્યાં અને હું ઉમેશના બેડ પાસે ગયો ત્યારે મનમાં પીડા ઉઠી. કમો છોકરાના મોઢાંમાં પોતાની બે આંગળી નાખીને બેઠો હતો કારણ કે ડોકટરે કહ્યું હતું કે એવું નહીં કરે તો જીભ કચરી નાખશે. દાંત સિવાય આખું શરીર પથ્થર. નાકે ઓક્સીજનનું માસ્ક. કમાના બીજા હાથમાં પેલું ઘાસ હતું જે છોકરાના પેટ પર મુકીને એ કશુંક મંત્ર બબડતો હતો.

આ બધું જોયું છતાં મને ભૂખ લાગી હતી એ વધું મહત્વનું હોય એમ હું ડોક્ટર પાસે ગયો અને બોલ્યો – “હું સીટીમાં ક્યાંક હોટલમાં જમવા જાઉં છું. મારું કામ પડશે? રાત્રે મારી જરૂર પડશે?” અને ડોક્ટર જાણે મારા જેવાં કેટલાંયે સગવડીયા દયાભાવના કામ કરતાં લોકોને મળતો હોય એમ બોલ્યાં –

“જો સરખી કાળજી ન લઈએ તો બાળક કદાચ ન બચે. ધનુર છે. આખી છાતીમાં કફ છે. બાળકને વેક્સિન મળી નથી. બે-ત્રણ દિવસનું રોકાણ થશે. આ મજૂરના સગાઓને બોલાવી લો અને કપડા ઓઢવાનું મંગાવી લો. છોકરા પાસે એક માણસને સતત જાગવાનું છે કારણ કે જીભ કચરી નાખશે અથવા ઘેન ઉતરશે અને જાગશે તો સોઈ કે ઓક્સીજન માસ્ક કાઢી નાખશે. એનાં પપ્પા કાલ સાંજ સુધીમાં તૂટી જશે. એનાં મમ્મીને જાણ કરી દેજો. એનાં ફોનના ચાર્જીંગની વ્યવસ્થા કરો. એનું જમવાનું બહાર એક સિવિલનું જ સેવાનું અન્નક્ષેત્ર છે એમાં કરી દો. મારી ડ્યુટી હવે ફરશે અને રાત્રે બીજા ડોક્ટર હશે.”

આ બધું જ હું કમાને કહેવા રૂમમાં ગયો ત્યારે કમો મને એક જ સવાલ સતત પૂછે – “સોકરો બચી જાહે ને જીતુભાઈ?”

મેં એને સમજાવ્યો કે બહાર અન્નક્ષેત્રમાં મફતમાં જમી લે. રાત્રે હું બે-ત્રણ કલાક જાગું પછી તું જાગ એમ વારા કરીએ. જોકે બધી બાબતમાં ના પાડતો હતો. એને બહુ સમજાવ્યો પણ એ ખાવા ન ગયો. એની સૂકી આંખો અને હાડપિંજર જેવાં શરીરને જોઇને લાગતું ન હતું કે કમો આખી રાત બાળક પાસે જાગી શકશે! પરંતુ મને મારી ભૂખ અને થાક ચડેલાં. હું અન્નક્ષેત્રમાં ગયો તો ત્યાંતો ભાત-દાળ અને સુકી રોટલીઓ હતી. મજુરોનો મેળો હતો. અરે બાળકોના વોર્ડની બહાર મેદાનમાં પણ જાણે ધાબળા-શાલ પાથરીને અહીં જ ધામા નાખ્યા હોય એમ સેંકડો મજૂરોના પરિવારો! મચ્છરો કે ગરમી એમને નડત્તા ન હતાં. સિક્યોરીટીની સીટીઓ છતાં એ સૌ કટોરા અને થાળીઓ ભરી-ભરીને અન્નક્ષેત્રમાંથી ખાવાનું લાવતાં હતાં.

મને ઉમેશની મા કપિલાના ફોન આવવા લાગ્યાં. સતત એક જ રટણ – “મારો સોરો બચી જશે? એનાં પપ્પાને ફોન કરું સું તો એ રોવે જ સે. કેય સે કે ડોકટરો એને ભૂખ્યો મારી નાખ્સે.”

…અને હું કપિલા પર પણ રાડો નાખીને કહું કે – “રસી આપવી હતીને…ધનુર છે. ત્રણ દિવસ રાહ જોવાં કરતાં થોડુંક વહેલા દવાખાને જવું હતુંને…”

મારા ઘરેથી કોઈનો ફોન આવે તો કહું કે – “આ ક્રીટીકલ કેસ છે અને તમને બધાંયને હું ક્યાં સુઇશ એની પડી છે?”

જો કે મને પણ એક આલીશાન હોટેલમાં ખાતા-ખાતા ‘ક્યાં સુઈશ’ એવું થતું હતું! છેવટે હું એક નજીકમાં રહેતાં મારા વાચકમિત્રને ત્યાં ગયો. મારી ત્યાં તો મોટી સ્વાગતવિધિ થઇ. આખું ઘર મારી આસપાસ ગોઠવાયું અને ‘લેખક અમારા ઘરે આવ્યાં’ એનાં અહોભાવમાં લેખન બાબતના સવાલો આવવા લાગ્યાં. મેં એ બધાની અંદરના ઈમોશનને બદલી નાખવા આ ઉપર લખી એ આખી કથા કીધી. સૌ કોઈ ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યાં. હું એક મોટા રૂમમાં એસીની અંદર સુઈ ગયો.

*

સવારે ઉઠ્યો. મારા નાસ્તા તૈયાર હતાં. મેં ખાલી ચા પીધી. નાહીને એનાં એજ કપડાં પહેર્યા. મારી ખુબ સેવા-ચાકરી થતી જોઇને મેં એમને કહી જ દીધું કે – “હું તો સીધો હોસ્પિટલ પર એક આંટો મારીને, અમારા મજૂરને દસેક હજાર રૂપિયા આપીને, પછી મારા ગામડે જતો રહીશ. એટલે ફરી ક્યારેક સારા કામે આવીશ ત્યારે મારી મહેમાનગતિ કરજો…”

મેં કમાને ફોન લગાવ્યો, પણ ફોન બંધ થઇ ગયો હશે. રસ્તામાંથી કમાના ફોન માટે ચાર્જર લીધું અને હું હોસ્પિટલ ગયો. વોર્ડમાં ગયો તો ત્યાં કમો ન હતો. છોકરો હજુ એમ જ સ્થિર સુતો હતો.

હું છોકરા પાસે ગયો. એને એક નજરે જોયો. મારા અંદર કોઈ ભાવ પેદા થતો ન હતો. કોઈ લાગણી પેદા ન થઇ એનું એક સુક્ષ્મ દુઃખ પણ થયું. હું ડોકટરોના સેક્શનમાં ગયો અને પૂછ્યું કે બાળકના પપ્પા ક્યાં છે? તો મેઇન ડોક્ટર મારી પાસે આવીને બોલ્યો કે –

“મેં એમને બાળકના ડેથના સર્ટિફિકેટ માટે આખું નામ લખાવવા મોકલ્યો છે.”

ક્ષણભર માટે મારા વિચારો થીજી ગયા. મેં નીરખીને હમણાં જોયેલું એ મડદું હતું. ડોક્ટર બોલતાં હતાં – “અમે ખુબ પ્રયત્ન કર્યા પણ રાત્રે ચાર વાગ્યે પ્રાણ છોડી દીધા. રાત્રે બે વાગ્યે એનું ઘેન ઉતર્યું ત્યારે તો બાપ-દીકરો વાતો કરતાં હતાં, પણ બાળક મૂંગા-મૂંગા બધાં જવાબ દેતું હતું, પરંતુ બે કલાક પછી આંચકીઓ ફરી ચાલુ થઇ, અને એનાં ફેંફસા કફથી ભરાઈ ગયા હતાં એટલે શ્વાસ મુકાઈ ગયો. હવે એને અંતિમ ક્રિયા માટે લઇ જાઓ.”

ખબર નહીં કેમ પણ દુઃખ ન થયું. બસ નિ:સાસો નીકળ્યો. મને મારી અંદરથી ‘રડવું આવશે’ એવી આશા હશે.

મેં એમ્બ્યુલન્સ સેટ કરવા ફોન પર ફોન કર્યા. કમો મને ક્યાંય દેખાયો નહીં, પણ મારે ગામડે જવું હતું. મને મારો દીકરો યાદ આવ્યો હતો. મને કપિલાના ફોન સતત આવતાં હતાં એટલે મેં એને સમજાવી કે – “હું ગામડે આવું છું અને રૂબરૂ આવીને બાળકની તબિયત વિષે બધું જ કહીશ.”

હું એને કહી ન શક્યો કે તારું બાળક જતું રહ્યું છે. છતાં મેં એક વાત કહી દીધેલી કે – “છોકરાઓને રસી અપાવતા નથી તમે લોકો…”

*

હું ગામડે જતાં-જતાં રસ્તામાં રાજકોટના ગરમ ગાંઠીયા ખાતો ગયો કારણ કે ગામડે પહોંચતા તો પાંચ કલાક થાય એમ હતાં, અને મને મારી ભૂખની પડી હતી. ગાંઠીયાનો ઓડકાર ખાઈને મેં કમાને ફરી ફોન કર્યો અને સીધું એમ જ પૂછ્યું કે – “શરીરને ક્યાં લઇ જવું છે?”

…અને બાપ અંદરથી મરી ગયો હોય એમ બોલ્યો કે – “મારા ઘરે…” અને પછી એ રોઈ પડ્યો. એના ધ્રુસકાને લીધે મારી આંખો ભીની થઇ. આંસુ ન આવ્યાં. કમો રડતા-રડતા બોલ્યો – “જીતુભાઈ…મારો દીકરો…આ ડોકટરો એ મારી નાખ્યો મારા સોકરાને…જીતુભાઈ” અને હું એને શાંત થવા સમજાવું છતાંય કહે કે – “રાત્રે તો મારી હાર્યે વાતું કરતો હતો મારો દીકરો…”

જીવનમાં પહેલીવાર મેં બાળકનું મડદું જોયેલું. પહેલીવાર બાપનું આક્રંદ જોયેલું. પહેલીવાર સિવિલમાં આટલાં જીવન-મરણના ઝોલાં ખાતા દર્દી જોયેલાં. મારે રડવું હતું. રડવું આવતું ન હતું. હું ગામડે પહોંચ્યો અને મારા દીકરાને ભેંટી પડ્યો કારણ કે એમ થતું હતું કે…એ ઈશ્વર…આવું મારી સાથે ન કરતો!

બપોરે મારા ઘરે સૌ ચુપચાપ જમ્યા. દુઃખ સૌને હતું. પરંતુ નફફટ રીતે બીજી વાતો પણ થતી હતી કે –

“કાઈ નહીં…ચાર દીકરા છે. એક પેટ ઓછું ભરવું…”

“હવે કદાચ આ લોકો આપડે ત્યાં નહીં રહે.”

“જીતું…તારે કેટલો ખર્ચો થયો? અને હા…એની દાહોદ જવાની ‘તૂફાન’ બાંધી દેવી પડશે. કેમ કે એમ્બ્યુલન્સ નહીં જાય અને જાશે તો વીસ હજાર લેશે.”

ધત્ત…આ માણસોની જાત. સ્વારથના પોટલાં. બાળકના મોતનું દુઃખ હોય તો મૂંગા રહો. આમ મનમાં આવે એ વિચારો બકી ના દેશો. હું ખીજયેલો.

*

જમીને ઉમેશની માને આ સમાચાર રૂબરૂ કહેવા હું ખેતરે ગયો. કપિલા ઓરડીમાં રોટલાં કરતી હતી. એનાં ભૂખ્યા ત્રણ દીકરા પહેલાં રોટલાંની શેકાવાની રાહ જોતાં ચુલા ફરતે બેઠાં હતાં. મેં હિંમત કરીને ત્યાં દરવાજે ઉભા-ઉભા કહી દીધું –

“કપિલા…ઉમેશને આપણે બચાવી ન શક્યા. કમો એનાં શરીરને લઈને એમ્બ્યુલન્સમાં અમરેલી આવે છે. તું કપડાનો થેલો ભરી લે. કમાએ કહ્યું છે કે અમરેલીથી સીધા બાળકને ગોધરા લઇ જવાનું છે, અને ત્યાં ઘરે અંતિમક્રિયા છે. ચાલો હું તમને કારમાં અમરેલી લઇ જાઉં.”

હું આ બોલ્યો ત્યારે મારી અંદર ખુદ પ્રત્યે ઉઠેલી નફરતની એક વાસ મારી જીભમાં ચડી. મારું મોઢું મને કડવું લાગ્યું. હું કપિલાની પ્રતિક્રિયાને અજીબ અર્ધજાગૃત રીતે જોઈ રહ્યો હતો. અને એ મા…

એને કાને આ શબદ પડ્યા અને એનાં પંડ્યમાંથી હળવેકથી જીવ નીકળી ગયો હોય એમ પૂતળાની જેમ મારી સામું જોઇને કેટલીયે ક્ષણો સુધી બેઠી રહી. એની મને તાકતી નિર્જીવ આંખો જાણે મને કહી રહી હતી કે – “મૂંગો મર્ય…મારા સોકરાં વિશે આવું બોલ્યમાં નહીં તો આ ચૂલામાંથી કોલસા હાથમાં લઈને તારા ડાચામાં ભરાવી દઈશ…”

…પણ પછી એ જ્યાં બેઠી હતી ત્યાં જ કોન્ક્રીટની ફર્શ પર ઢળી પડી. રુદનની મોટી પુકાર નીકળી અને આખા ખેતરમાં દૂર-દૂર સુધી પડઘાં પડ્યા. મારા રુંવાડા ઉભાં થઇ ગયા. એ જમીનને માથું પછાડતી, મોટે-મોટેથી રાડો નાખતી કશુંક બોલી રહી હતી. મને બે જ શબ્દો સમજાતા હતાં – ‘મારા દીકરા…’ અને ‘ઉમેશ..’

એના ત્રણેય બાળકો અસમંજસ હતાં. ‘મા…મા…મા…’ કરી રહ્યા હતાં. મોટો દીકરો ચૂલેથી બળતો રોટલો જાતે આંગળીથી ખેંચવા લાગ્યો. હું કપિલા પાસે નજીક ગયો. ‘શાંત થઇ જા..’ અને ‘જે ભાગ્યમાં હતું એ થયું..’ અને ‘ડોકટરે ખુબ પ્રયત્ન કર્યા પણ…’ એવું બધું કહી રહ્યો હતો, પરંતુ મારે એ માને ભેંટી લેવી હતી અને કહેવું હતું કે ‘છાની રહી જા…હું તારું દુઃખ સમજુ છું…’

…પણ ના…હું એનું દુઃખ સમજી શકું એટલો સારો માણસ ન હતો. મારી જીભે હજુ ખુદ પ્રત્યે નફરતની વાસનો સ્વાદ હતો. મને ખબર ન હતી કે એ ખુદનો ધિક્કાર કેમ હતો પરંતુ…

જ્યારે હું કાર લઈને ખેતરે ગયો. રડતી કપિલાને કારમાં આગળ બેસાડી. એનાં બાળકોને બેસાડ્યા. અમરેલી ગયો. ત્યાં બપોરના ચારેક વાગ્યાના ભયંકર તડકામાં બસ-સ્ટેશનની પાછળના સુમસાન રસ્તા પર કાર ઉભી રાખી. કપિલા ઉતરીને બસસ્ટેશનની દીવાલના ટેકે બેસીને રડતી હતી. એનાં ભૂખ્યા મોટા છોકરાના હાથમાં પેલો બળેલો રોટલો હતો જેનાં ચાર ટૂકડાં કરીને એણે ખિસ્સામાં સાચવી રાખેલાં. હવે એક-એક ટૂકડો પોતાના બંને નાના ભાઈઓને આપતો હતો. પોતાની પાસે બે ટૂકડાં વધ્યા એમાંથી એક એણે મોઢામાં દાંત વચ્ચે ભીડ્યો, અને છેલ્લો ચોથો ટૂકડો એણે આકાશ તરફ અસ્તિત્વને ઘા કરતો હોય એમ ઘા કરીને એ બોલ્યો – “ઈ રોટલો મારા ઉમેસ ભાઈનો…”

…અને એ પછી એમ્બ્યુલન્સ આવી. બીજી તરફથી મેં બાંધેલી તૂફાન ગાડી આવી. એબ્યુલન્સમાંથી કમો ઉતર્યો અને ઉતરીને સીધો મને ભેંટી પડ્યો અને ખુબ મોટે-મોટેથી રડવા લાગ્યો. હું એને છાનો રાખું કે હું એને સમાનુભૂતિ દેખાય એટલે આંખે આંસુડા લાવું? કે પછી એને કહું કે મને છોડ…તારી ઘરવાળીને વળગી પડ.

સમાજના એવાં વણબોલ્યા તાળાઓ આપણને સૌને લાગ્યાં છે કે – દીકરાનું મૃત્યુ થયું છતાં…સુમસાન રસ્તો હતો છતાં… એક પતિ પોતાની પત્નીને ભેંટીને રડતો ન હતો. મારું અંદર ઊંડે-ઊંડે એનાલિસિસ ચાલતું હતું કે – શું આ પતિ-પત્નીને આવી કપરી સ્થિતિમાં પણ સભાનતા હશે કે બજાર વચ્ચે ભેંટી નહીં શકાય?

ત્યાં મારું ધ્યાન એમ્બ્યુલન્સમાં સુતેલાં ઉમેશ પર ગયું. શરીર ફૂલી ગયું હતું. મેં એમ્બ્યુલન્સમાં જઈને ડ્રાઈવરની મદદથી શરીરને એક સફેદ ચાદરમાં ઉચક્યું અને તૂફાન ગાડીમાં મુક્યું. ગાડીની અંદર સુવડાવીને હું ઉમેશની સામું જોઈ રહ્યો. હજુ એની જીભ દાંત વચ્ચે કચરાયેલી હતી. આંખો બંધ હતી. એનો હાથ સોજીને પીળો પડી ગયો હતો. પેટ સાથે પેલું ઘાસ ફરી બાંધવામાં આવ્યું હતું. એ ઘાસ જોઇને મને કમા પ્રત્યે ગુસ્સો આવ્યો. મેં ઉમેશના હાથને સ્પર્શ કર્યો. ડરીને છોડી દીધો. મનમાં એક વિચિત્ર વિચાર આવ્યો – “તું સ્પર્શે અને એ જાગી જાય તો અહીં કેવી કેવી ઘટનાઓ બને?”

તૂફાન ગાડીનો ડ્રાઈવર મારી પાસે અડધું ભાડું માંગવા આવ્યો ત્યારે બોલ્યો – “બારણું બંધ રાખજો ભાઈ…અહીં કૂતરા આંટા મારે છે અને એમને વાસ આવી જાય ડેડ બોડીની…”

હું એની સામું જોઈ રહ્યો. ત્યાં મારા પપ્પાનો ફોન આવ્યો કે – “ભાડું કેટલું દીધું એ કેજે મને. હું લખી લઉં.” મેં ફોન મૂકી દીધો.

કપિલા તૂફાનમાં બેઠી. ઉમેશની સામું જોઇને પોતાની છાતી કૂટવા લાગી. રડતા-રડતા કમાને કહી રહી હતી કે – “અમદાવાદ ગાડી ઉભી રાખે. ભૂવા પાહે…”

મેં કમાને પૂછ્યું તો એ હાંડપિંજર જેવો બાપ મારી આંખોમાં આંખો નાખીને દુઃખી અવાજે કહે – “રસ્તામાં અમદાવાદ પાહે અમાર એક માતાજીના ભૂવા સે જીતુભાઈ. ઈ માર સોકરાને ફરીન જીવતો કરી દેહે જીતુભાઈ…ઉમેસને આ ડોક્ટરૂ એ કાંક ઝેર ચડાવી દીધું સે જીતુભાઈ…”

મારા કપાળની રેખાઓ ભેગી થઈ. મને આ ‘મજૂર’ લોકો તરફ ચીડ ચડી. ઉમેશના વાળ પણ આ લોકોએ જન્મથી અત્યાર સુધી કપાવેલા નહીં કારણ કે ભૂવાએ ના પાડેલી. મેં એને ધીમેથી સમજાવ્યું કે – “દોસ્ત…સીધા ગોધરા તમારે ગામડે જાઓ અને અંતિમક્રિયા કરો. શરીર ફૂલી જશે.”

શબ અને એનાં માબાપ અને ભાઈઓ સૌ ગોધરા તરફ જતાં રહ્યા. રાજકોટથી આવેલી એમ્બ્યુલન્સ રાજકોટ બાજુ પરત ઉપડી. સાંજના છ વાગ્યે એ રસ્તામાં હું એકલો ઉભો હતો અને મને કમાની છેલ્લી વાત પર હસવું આવ્યું! મારા એ હાસ્ય પર મારે રડવું હતું.

મેં મારી કાર મારા ગામ તરફ દોડાવી. બધી જ ઘટનાઓ મનમાં ભેગી થઇ. રસ્તામાં કાર ઉભી રાખીને મારે રડવું હતું. મારી જીભે નફરતની વાસ બમણી આવી. કાર ઉભી રાખી. મેં રડવા પ્રયત્ન કર્યો. આંસુ આવ્યાં નહીં એટલે મેં કારમાં મોબાઈલને બ્લુ-ટુથથી કનેક્ટ કરીને યુ-ટ્યુબમાં કોઈના મૃત્યુ પર ગાવામાં આવતાં ‘મરશિયા’ વગાડ્યા. એ મરશિયાના ગીતો સાંભળ્યા અને એ સમયે મને માંડ એક ઠંડુ આંસુડું આવ્યું…

સારું થયું એ આંસુ આવ્યું, કારણ કે મારું મગજ મને મરશિયા સાથે છાતી કૂટવા કહી રહ્યું હતું અને એવું થાત તો મારી જ અંદરનો એક માણસ ખડખડાટ હસતો હોત. એ પરાણે આવેલાં આંસુ સાથે ખબર પડી કે – મને ખુદ પ્રત્યે જે નફરતનો કડવો ભાવ પેદા થયો હતો એમાં કેટલાંયે આવરણ હતાં – હું એક બાળકના મોતને જોઇને…અરે મડદાંને સ્પર્શીને રડી શકતો ન હતો. આ મજૂરના બાળકની મોત સામે મને એમનાં અજ્ઞાનનું વજન વધારે દેખાતું હતું! બીજા માનવીના દુઃખને જોવાંને બદલે, એનાં આત્માને સ્પર્શવાને બદલે મને એનાં આવરણો દેખાતાં હતાં. મારા પરિવારને જેમ દેખાતાં એમ જ. મને એનાં આવરણ પણ ગુસ્સો – નફરત – હાસ્ય આવતાં હતાં. મને મારા આવરણો પર એ જ બધું થતું હતું.

*

બાળકનું બારમું થઇ ગયું એટલે એક દિવસ સવારે મારા પપ્પાએ કમાને ફોન કરીને કહ્યું કે હવે બધાં પાછા આવી જાઓ જેથી કામે વળગી શકાય. પણ એ ફોનના મહિના પછી કમલેશે અમારું ભાગીયું છોડી દીધું. મેં ફરી ફોન કર્યો ત્યારે કમાએ કહ્યું કે – “એ ઓરડીમાં હવે ઉમેશની મા નહી રહી હકે. એને સોકરો જીવે સે એવું લાગે…”

“ઠીક છે. તમે તે દિવસે અમદાવાદ ભુવા પાસે ગયેલાં?”

જવાબમાં કમાએ હા કહ્યું. આખી વાત કરી. એનાં ભૂવાએ એમને એવું કહેલું કે બાળકને કમાની વર્ષો પહેલાં ગુજરી ગયેલી સાસું વળગી હતી. એ એનાં પેટમાં કૂકડો બનીને ઘૂસી ગયેલી. અગ્નિક્રિયા વખતે કમાને એવું લાગેલું કે ઉમેશના પેટમાંથી એ કૂકડો ઉડી ગયો! કમાએ અગ્નિ-સ્વરૂપ જેવો કૂકડો હવામાં ઉડી જતાં જોયેલો.

હું એ બધું સાંભળીને હસી પડ્યો. જેમ એ બાળકનો મૃત્યુનું સાચું કારણ એવો ‘ધનુર’ કમાને ‘કૂકડો’ દેખાતો હતો…એમ જ…મારી અંદર લાગણીઓના મૃત્યુ કૂકડાની જેમ હાસ્ય બની બહાર આવતાં હતાં.

મારું મોઢું ફરી કડવું થઇ ગયું.

***

(ઉમેશનો હોસ્પિટલમાં લીધેલો અંતિમ ફોટો)

1 like ·   •  0 comments  •  flag
Share on Twitter
Published on June 02, 2024 03:57
No comments have been added yet.