ઓ સર્જક…
(મારી ચોથી નવલકથા લખવાની શરૂઆત સમયે ખુદને એક સર્જક તરીકે તૈયાર કરવા આ એલાન લખેલું. કદાચ અન્ય સર્જકોને કામ આવશે એમ સમજી શેર કરું છું)
ઓ સર્જક…
કુદરતે જગતને દ્વંદ્વથી ભર્યું છે.
અહીં સુખ અને દુઃખ બેય ફાટફાટ દીધાં છે.
…અને સુખ-દુઃખની ફાટાઇને પામવાં,
આ ક્ષણજીવી જીવનીને ભેદવા,
દ્વંદ્વ માંહેથી સતની દૃષ્ટિ પામવાં
કુદરતે પાથરી છે ‘કળા’.
એ સર્જક…
તમ થકી આ કુદરત જગત સમક્ષ ‘ખુદ’ વ્યક્ત થવા માંગે છે!
એ ઉતરે છે તમ સર્જકોની અંદર,
અને એકોએક માનવીના કોઠે જાય છે
જીવન-સંવેદનાના દીવા કરવા.
એલા જીવતાં જાગતાં શીખવાડે છે ઈ તમ થકી!
એ રૂડાં સર્જક,
તને તો આ કાયનાતે ચાહેલો છે.
તારા થકી આ કયામતને કાંઈક બોલવું છે એ ભાઈ!
તો એ સર્જક…
જ્યારે માત-સરસ્વતી તારા પંડે ઉતરેને,
ત્યારે માત્ર સાધક બનજે.
ઓલી અકળ કળાને તારા થકી કાગળે ઉતરવા દેજે.
એ ભાઈ,
જ્યારે એ શારદા તને સાધન માનીને જગતને કશુંક કહેવાં માંગતી હોય,
ત્યારે બીબાં ગોતવા જાતો નહીં,
છીબાં ઢાંકવા બેસતો નહીં,
આર્ટને આર્કીટેક્ચર માનીને શબદની ગોઠવણી કરવા લાગતો નહીં,
કારણ કે…
કારણ કે…સાંભળ…
જો કુદરત તારા થકી કશુંક કહેવાં માંગતી હોય ત્યારે તારી કળાને સ્ટ્રકચરમાં ઢાળવા બેઠોને, તો ઓલી કુદરત તને મેલીને બીજા કોઈ બાળક જેવાં નિર્મળ કલાકારને શોધી લેશે અને એનાં થકી વ્યક્ત થશે.
પણ એ વ્યક્ત તો થશે જ…
એ એનાં થકી વ્યક્ત થશે જ્યાં એનો સાધક માત્ર સાધન બનીને શબ્દ આપી રહ્યો છે.
અને છીબાં અને બીબાં લઈને બેઠેલાંને’ય એ મા શારદા આપશે,
પણ એટલું જ આપશે કે જે છીબાં અને બીબાંમાં સમાવા લાયક હોય.
એટલે મારા વ્હાલાં સર્જક…
આવ… સરસ્વતીનો સાધક બન. આરાધક બન. યાચક બન.
તારે તો તારી કળા થકી…
રાત અને સવાર વચ્ચે જન્મેલાં ધુમ્મસ ભર્યા પરોઢિયાને શબદ દેવાનાં છે,
તારે માનવીના મૂંગામંતર પડછાયાને બોલ દેવાનાં છે,
તારે અબળાની છાતીએ સંતાયેલી ક્રાંતિઓના દરિયાઓને કિનારા દેવાનાં છે.
તારે તો શબદ સળગાવીને માનવ-મનમાં દીવા કરવાના છે.
(અને શું નથી કરવાનું?)
જેમ કોઈ સાચો સંત એનાં ઈશ્વરનું ગાન છોડીને,
પછી દાન-ધરમનો વિકાસ કરવા નીકળે,
ઈશ્વરના ઘરના જીર્ણોદ્ધાર આદરે,
ઈશ્વરને આગળ રાખીને પોતાની પ્રસિદ્ધિની જાળ પાથરે,
એમ જ એક સાચો સર્જક, પોતાની સરસ્વતીની સાધના છોડીને,
લક્ષ્મીનો પીછો કરવા નીકળે,
મંચ માંગે, એવોર્ડ ચાહે, પાંચ પૈસાની પ્રસિદ્ધિ પાછળ,
ઓન-ડિમાન્ડ શારદાને બોલાવે…
એલા એમ આ કુદરત આવતી નથી રોજરોજ.
એટલે મૂકી દે મેલા મન.
મૂકી દે આ મૃગજળ જેવી ઝંખનાઓ મોટા થવાની.
બેસ કુદરતની સાધનામાં અને…
મારી નાખ બધાં જ ભય.
મારી નાખ તારી જાગતી ચેતનાને.
મારી નાખ તારા વાચકો, ચાહકો, પ્રેમીઓ and what not!
કાપી નાખ બધાં જ મનના મેલ અને કપટ.
છોડ રાજકારણની રમતો તારા કહેવાતાં ખોબાં જેવડાં સાહિત્ય-જગતની,
અને આવ મેદાનમાં રાસ રમવા…
એવાં મેદાનમાં જ્યાં મીરાં કાન્હ માટે લખતી હશે.
જ્યાં તુલસી રામ માટે લખતો હશે.
જ્યાં ગંગાસતી અને પાનબાઈ ભજન રચતી હશે.
અરે ખોલ દરવાજા તારી છાતીના ઓ સાધક,
અને જો ઓલી કુદરત કેવી વહે છે કલ્પનાઓનો ધોધ બનીને…
એ કલ્પનાઓને, એ ચિત્રોને, એ અવાજોને…
શબદ આપ…
માત્ર શબદ આપ…
અને જો…
એ વ્હાલાં સર્જક,
તું જો કે તું કવિતા લખે છે કે ક્રાંતિ?


