“અમોંતિલાડોનું પીપું”
ઘણીવાર મને પ્રેમચંદની વાર્તાઓ સમજ નહોતી પડતી, શેખ્સફિયરની પણ નહીં, ઘણીવાર વાર્તા ક્યારે શરૂ થાય ને ક્યારે પતી જાય, તે પણ સમજાતું નહોતું. આવી વાર્તાઓ સમજવા માટે કોઈ બીજી જ દૃષ્ટિ જોઈએ કદાચ.
ચાલો, આજે એવી જ એક વાર્તા સંભળાવું તમને. એડગર એલેન પોની “The Cask of Amontillado”. મને વાર્તાનો કંઈ જ સાર મળ્યો નહીં સિવાય એક. છેલ્લે કહીશ.
સાંભળો.
***
ફોર્ચુંનાટોએ મને હજારો વખત ખોટું લગાડ્યું હતું અને હું શાંતિથી ઝેર પીને બેઠો રહેતો હતો. પણ જયારે મને ખબર પડી કે એણે મારા ખાનદાન, મોનટ્રેસોરનાં નામની મજાક કરી હતી, એક પ્રતિષ્ઠિત, માનનીય, નામદાર ખાનદાનનાં નામની મજાક, તો મેં એને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું.
પણ તમે એવું જરાય ન સમજતાં કે મેં આ નિર્ણય વિશે કોઈને કહ્યું કે ખબર પડવા દીધી. હું વેર તો વાળીશ પણ એ રીતે કે મને કોઈ તકલીફ ન પડે. જો વેર વળતાં તકલીફ થાય તો પછી તો જે હતું, એવું ને એવું રહી જશે ને! અને વેર એ રીતે વળવું જોઈએ કે સામે વાળાને ખબર પણ પડે કે કોણ વેર વાળે છે અને શા માટે.
મેં ફોર્ચુંનાટોને મારા પર સંદેહ કરવાની કોઈ તક ન આપી. હું એની સામે પહેલાંની જેમ જ હસતો રહ્યો, પણ એને શું ખબર કે હું એનાં પર હસી રહ્યો છું, એ વાત પર હસી રહ્યો છું જે એની સાથે થશે. ફોર્ચુંનાટો એક તાકાતવર માણસ હતો, લોકો એનાંથી ડરતાં.
પણ એની એક કમજોરી હતી; શરાબ અને એ તે ખૂબ માણતો. એને જાતજાતની શરાબ વિશે ખબર હતી અને એવું લાગતું કે એ કોઈ જાતનો મદિરાનો પારખી છે. પારખી તો હું પણ હતો અને જાતજાતની ઉત્તમ મદિરા હું પણ ખરીદતો અને હવે એ મદિરા જ મને મારો વેર વાળવામાં મદદ કરશે.
વસંતની એક સાંજે, જયારે લગભગ અંધારું થઇ ગયું હતું, હું ફોર્ચુંનાટોને સુમસાન સડક પર એકલો મળ્યો. એ મારી સાથે પહેલાં કરતાં વધારે સભ્યતાથી પેશ આવ્યો, પણ એ તો એ નહીં, એની અંદર ગએલી મદિરા કરી રહી હતી. મેં એની સાથે હાથ મળવ્યો જેમ કોઈ વર્ષો જૂનો મિત્ર હોય.
“ફોર્ચુંનાટો! કે છે તું?”
“મોનટ્રેસોર! કેમ છે મિત્ર?”
“મારા વ્હાલા ફોર્ચુંનાટો, હું તારા વિશે જ વિચારતો હતો. હું એક નવી જાતની મદિરાનું પીપું લઇ આવ્યો છું. લોકોએ કહ્યું કે એ અમોંતિલાડો છે. પણ..”
“અમોંતિલાડો? ન હોય?”
“જાણું છું. મને પણ ભરોસો નથી એટલે જ લુકરેસી પાસે જઈ રહ્યો હતો. એ મદિરાનો જબરો પારખી છે. કદાચ એ મને..”
“લુકરેસી? એને તો છાશ ને લસ્સીમાંયે ખબર નથી પડતી. તું ચલ..”
“ક્યાં?”
“તારા ભોંયરામાં. મદિરા ચાખવા.”
“ના ના, ભાઈ. ત્યાં તો ઠંડ અને અદ્રતા હશે. અને તારી તબિયત ઠીક નથી.”
“તબિયત ને જવા દે, મને કંઈ નહીં થાય. અમોંતિલાડો? તને કોઈ બકાવે છે.”
ફોર્ચુંનાટોએ મારો હાથ પકડ્યો અને મારી કોઠી તરફ લઇ ગયો. મેં એને લઇ જવા દીધો. અહીં મારું કુટુંબ, મોનટ્રેસોર પેઢીઓથી રહેતું હતું. આજે કોઈ નહોતું. નોકરોને મેં કહ્યું હતું કે હું કાલ સુધી નહીં આવું એટલે કોઠીમાં જ રહે. મને ખબર હતી કે મારો પગ બહાર પડતાં જ એ લોકો પણ મૉજ કરવાં ભાગી જશે.
મેં બે સળગતી મશાલો દીવાલ પરથી ઉતારી, એક એને આપી, અને એને ભોંયરા પાસે લઇ ગયો. પથરાનાં પગથિયા નીચે ગાઢ અંધકારમાં ઉતારી રહ્યા હતા. હું પહેલા ગયો અને એને ધ્યાનથી નીચે આવવા કહ્યુ. હું કાળા કૂવામાં ઉતરતા ગયા અને છેલ્લે નીચે કઠણ જમીન દેખાઈ. અમે અમારાં કુટુંબના અંતિમ ધામમાં આવી ગયા હતા. કેટલાય મોનટ્રેસોરના હાડકાઓ અહીં આરામ કરી રહ્યા હતા. અને અહીં જ અમે અમારી સૌથી કીમતી મદિરા પણ રાખતાં. અહીં, ઠંડ, અંધકાર, અને હવા રહિત વાતાવરણમાં.
ફોર્ચુંનાટો પીધેલો હતો એટલે અચકાઈને ચાલતો હતો. એ અંધકારમાં જોવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અમારી મશાલો પણ આ અંધકારની સામે ફીકી પડી રહી હતી. પણ થોડીવારમાં અમારી આંખો ટેવાઈ ગઈ અને અમને ત્યાં પડેલા હાડકાઓનાં ઢેરની વચ્ચે પડેલા મદિરાના પીપો દેખાયા. મેં એક બોતલ કાઢી, એનું ગળું તોડી દીધું અને ફોર્ચુંનાટોને આપી.
“લે, આ મેડોક તને ગર્મી આપશે.”
“તારા પૂર્વજોને સલામ,” કહી ફોર્ચુંનાટો બોતલ ગટગટાવી ગયો. “બહુ સરસ છે આ. પણ અમોંતિલાડો?”
“થોડી આઘી છે. ચાલ.”
અમે થોડા વધારે આગળ ગયા. હવે અમે નદીની નીચે હતા. ઉપરથી થોડા ટપકા પડી રહ્યા હતા. અમે હાડકાઓ વચ્ચે ચાલતાં ચાલતાં થોડાંક વધારે આગળ ગયા.
“તારું ભોંયરું તો બહુ વિશાળ છે. અનંત લાગે છે!”
“મારું કુટુંબ પણ તો બહુ નામી હતું. ચલ, હવે થોડું જ આગળ છે.”
મેં એને એક બીજી બોતલ તોડી આપી.
“લે આ ડી ગ્રાવ. બહુ જ સરસ છે.”
એ એક ઘૂંટમાં પી ગયો અને બોતલ ફેંકી દીધી.
અમે ચાલતા રહ્યા અને છેલ્લે જગ્યાએ પહોંચી ગયા. એક નાનકડા કક્ષમાં. મને જોઈતી હતી એ જગ્યા. અહીં હવા એટલી જૂની હતી કે અમારી મશાલો ઓલવાઈ જવાની તૈયારીમાં હતી. કક્ષની ત્રણ બાજુ પર હાડકાઓ હતા અમારાથી પર ઉંચે સુધી. ચૌથી દીવાલથી કોઈએ બધા હાડકા નીચે જમીન પે વિખેરી દીધા હતા.
દીવાલની મધ્યમાં બીજા કક્ષમાં જવાની જગ્યા હતી એમ કહી શકાય, ત્રણ ફૂટ પહોળી, છ ફૂટ ઉંચી અને આશરે ચાર ફૂટ ઊંડી. આટલી મોટી જગ્યાની સામે આ કૉ ખાલી એક ખાડા જેટલી જગ્યા હતી.
“ચાલ, અમોંતિલાડો એમાં જ છે. આગળ વધ.” મેં કહ્યું.
એ લથડતા ચાલતો રહ્યો અને હું એની ઠીક પાછળ. એ અંદર પેઠો અને ત્યાં તો બીજી દીવાલ હતી જેના પર બે લોઢાના કડા હતા અને એક સાંકળ. એ આશ્ચર્યમાં વિચારતા ઉભો રહ્યો ને ત્યાં સુધીમાં તો મેં સાંકળ લઈને એને બે કડા વચ્ચે બાંધી દીધો. અને સાંકળને તાળુ મારી દીધું.
“ફોર્ચુંનાટો, દીવાલને હાથ લગાડી જો. પલળેલી છે. હવે પણ જો તું પાછો નહીં જાય તો મને તને અહીં છોડી જવું પડશે.” મેં કહ્યું.
“પણ અમોંતિલાડો?” એ બોલ્યો.
“હા, એ..” કહી મેં આ ખાડો ખોદવા જે પથરા હટાવ્યા હતા, એમને શોધવા લાગ્યો.
અને તરત ફરી ખાડો પૂરવા લાગ્યો. ફોર્ચુંનાટો થરથરતા ઉભો રહ્યો અને હું એને દીવાલમાં ચણવા લાગ્યો.
“મોનટ્રેસોર, શું કરે છે?”
હું કામ કરતો રહ્યો. એ સાંકળ ખોલવા જોરજોરથી પ્રયત્ન કરવા લાગ્યો. થોડા જ પથરા રહી ગયા હતા.
“હાહા.. સરસ મજાક છે, ચલ હવે મને છોડ. ઠંડ લાગી રહી છે.” એ બોલ્યો.
“ચલ તો પછી. પણ અમોંતિલાડો નથી પીવી?” મેં પૂછ્યું.
“પણ આપણે પાછું ન જવું જોઈએ. લોકો અમારી રાહ જોતા હશે.” એ બોલ્યો.
“હા, જરૂર. ચલ તો પછી.” મેં છેલ્લો પથરો ઉપાડતા કહ્યુ.
“મોનટ્રેસોર, આવું ન થાય,” એ બોલ્યો.
“આવું જ થાય,” મેં કહ્યું.
મને કોઈ જવાબ મળ્યો નહીં.
“ફોર્ચુંનાટો!” મેં બૂમ પાડી. “ફોર્ચુંનાટો!” પણ કોઈ જવાબ આવ્યો નહીં. ખાલી કોઈના ડુંસકા સંભળાયા. ભયભીત, આતંકિત, ડુંસકા.
મને ચીતરી ચઢી. ઉબકા આવ્યા. ઠંડના લીધે હશે. અને છેલ્લો પથરો જગ્યા પર ગોઠવી દીધો. અને પછી હાડકાઓ પણ એ દીવાલ પર ફરી ગોઠવી દીધા. અડધી સદી થઇ, કોઈએ એ હાડકાઓને હાથ નથી લગાવ્યો.
પ્રભુ એને શાંતિ આપે.
***ઇતિ***
કંઈ ખબર પડી કે આવી વાર્તામાં શું સાર હોઈ શકે? આવા નકામા, ગાંડા, દોસ્તો નહીં બનાવવા જે એક નાની વાતને લઈને તમને દીવાલમાં ચણી કાઢે. :-p
સોમવારે મળશું.
જય શ્રી કૃષ્ણ.