“આંખો વગરનો માણસ.”

આ અઠવાડિયામાં તમને કોઈ બહારની વાર્તા સંભળાવી નથી. ઘણી વાંચી પણ કોઈ એટલી ગમી નહોતી. મગજમાં એક વાર્તા હતી ઘણા સમયથી જે સંભળાવા માંગતો હતો, પણ એ મળતી નહોતી. બે દિવસ પહેલાં મળી, જયારે બીજું જ કંઇક શોધી રહ્યો હતો; મેકિન્લે કેન્ટોરની “અ મેન હૂ હેડ નો આઈઝ.”

આજે કોઈ ભૂમિકા નથી બાંધવાનો. કશું જ નથી કહેવાનો.

સાંભળો.

***

મિસ્ટર પારસન્સ હોટેલથી નીકળ્યા ત્યારે બહાર માર્ગ પર એક ભિખારી ચાલી રહ્યો હતો.

આંધળો ભિખારી હતો, એક તૂટેલી સોટી માર્ગ પર ટકટક કરીને, ધીમે ધીમે, સાવધાનીથી, એક આંધળાની જેમ આગળ વધી રહ્યો હતો. ઉંચો, પાતળો, ખડબચળો માણસ. એનાં જૂના લૂગડાં થીંગડાંવાળા હતાં અને ખભે એક ઝોળી લટકી રહી હતી. એમાં કંઇક વેંચવા માટે હતું કદાચ. હળવો તાપ, હવામાં વસંતની સુગંધી હતી.

ત્યાં ઉભા પારસન્સને ટકટક સાંભળી બધાં જ આંધળા લોકો પર ખબર નહીં કેમ દયા આવી. થોડા વર્ષો પહેલાં એ ખાલી એક મિસ્ત્રી હતા, પણ મહેનતથી આજે તે સફળ હતા, સમાજમાં તેમનું નામ હતું, લોકો માટે તે આદર્શ હતા. એમણે પ્રભુનો અભાર માન્યો કે એ હજી જુવાન હતા. શિયાળા પછી વસંત તો આવે જ!

એ ચાલે તે પહેલાં આંધળો ભિખારી પાસે આવીને બોલ્યો, “એક મિનિટ આપશો સાહેબ?”

“હું જલ્દીમાં છું. તમારી કંઈ મદદ કરી શકું?” પારસન્સ બોલ્યો.

“હું કોઈ ભિખારી નથી સાહેબ. મારી પાસે આ–” ઝોળીમાંથી એક સરસ સિગરેટ લાઈટર કાઢી ભિખારીએ પારસન્સના હાથમાં મૂકતા કહ્યું. “સરસ વસ્તુ છે તમારાં માટે. બહુ કામની છે. ખાલી એક ડોલર.”

પારસન્સ ત્યાં ઉભા રહ્યા, થોડા ચિડાવેલા ને થોડા શરમિંદા. પારસન્સ દેખાવડો હતો, એનાં લૂગડાં મોઘાં હતાં, માથે હેટ હતી, ને હાથમાં રૂપાળી છડી. એ વાત અલગ હતી કે ભિખારી આંધળો હતો અને આ બધું જોઈ નહોતો શકતો. પારસન્સ ધીમેથી બોલ્યો, “પણ હું સિગરેટ નથી ફૂંકતો.”

“પણ તમારાં મિત્રો હશે ને! આ કોઈના માટે ગીફ્ટ તરીકે લઇ જાઓ.” ભિખારી કગરયો. “શું એક દરિદ્ર માણસને મદદ નહીં કરો?”

પારસન્સએ ખીસામાં હાથ નાખ્યો અને એક ડોલર કાઢ્યો અને ભિખારીના હાથમાં મૂક્યો. “ચોક્કસ કરીશ. હા, કોઈને અપાય તો ખરું. તમે શું જરાય જોઈ નથી શકતાં?”

ડોલર ખીસામાં મૂકતા ભિખારી બોલ્યો, “ચૌદ વર્ષથી, સાહેબ.” અને પછી જેમ કે કોઈ મોટી વાત હોય, તેમ બોલ્યો, “વેસ્ટબરી, સાહેબ. તમે જાણો છો?”

“વેસ્ટબરી?” પારસન્સ બોલ્યો, “પેલો રસાયણિક ધડાકો? એનાં વિશે તો ઘણા વર્ષોથી છાપામાં કંઈ આવ્યું નથી, પણ એ સમયનો બહુ ભયંકર ધડાકો હતો…”

“બધાં જ ભૂલી ગયા,” આંધળો બોલ્યો. “પણ જે એમાં હતો, એમને તો ક્યારેય ભુલાશે નહીં. છેલ્લી વખત જયારે મેં જોયું તો હું ‘સી’ શોપમાં હતો અને પછી ધડાકો થયો અને તૂટેલી કાંચની બારીઓમાંથી ગેસ અંદર ભરાઈ રહી હતી.”

પારસન્સને ઉધરસ આવી, પણ આંધળો ભિખારી તો વાતે ચઢ્યો હતો. અને કદાચ સાહેબનાં ખીસામાં એક ડોલરથી વધારે પૈસા પણ હોય.

“તમને બતાવું કે મારી આંખો કેવી રીતે ગઈ?” ભિખારી આગળ બોલ્યો.

પારસન્સ જવાબ આપે તે પહેલાં તો ભિખારી મંડી પડ્યો એની વાર્તા કહેવા.

“હું ‘સી’ શોપમાં હતો, બહાર નીકળવા વાળા છેલ્લાં લોકોમાંથી એક. બધે જ ધડાકા થઇ રહ્યાં હતાં, બહાર નીકળવું સહેલું નહોતું, પણ અંદર તો મરવું નક્કી હતું. એટલે બધાં જ બહાર ભાગી રહ્યાં હતાં. ઘણાં આરામથી નીકળી ગયાં પણ જેવો હું બારણા સુધી પહોંચ્યો, એવો મને પાછળથી એક બીજા માણસે પકડી લીધો. એને મને ધક્કો મારીને નીચે પડી દીધો અને મારાં ઉપરથી બહાર નીકળવા લાગ્યો. મેં લડવાની કોશિશ કરી પણ એ મારાથી વધારે મોટો ને તાકાતવર હતો. ગાંડો હતો, અમે બન્ને આરામથી નીકળી ગયા હોત, પણ એણે મારાં પગ ખેચીને મને પાછળ હડસેલો આપ્યો અને બહાર નીકળી ગયો અને ગેસ મારાં ઉપર પડી. હું આંધળો થઇ ગયો. હું બહુ પ્રયત્ન કરું છું એને માફ કરવા, પણ નથી થતું.” ભિખારીનું ગળું ભરાઈ આવ્યું. પછી તે બોલ્યો, “આ રીતે હું આંધળો થયો, સાહેબ.”

બન્ને વચ્ચેથી પવન પસાર થયો.

“આ રીતે નહીં,” પારસન્સ બોલ્યો.

ભિખારી ક્રોધમાં કમકમી ગયો. “એટલે? તમે કહેવા શું માંગો છો?”

“વાર્તા ખરી છે,” પારસન્સ બોલ્યો. “પણ જેમ તે કહ્યું એમ નહોતું થયું.”

“થયું નહોતું?” ગરમ અવાજે આંધળો ભિખારી બોલ્યો.

“હું પણ ‘સી’ શોપમાં હતો,” પારસન્સ બોલ્યો. “તને એ માણસે ધક્કો નહોતો માર્યો. તે એ માણસને ધક્કો માર્યો હતો. તું મારાથી ઊંચો હતો. તું મને નીચે પાડીને મારાં ઉપરથી બહાર જતો રહ્યો, માર્ક.”

ઘણીવાર સુધી આંધળો ભિખારી એમને એમ ઉભો રહ્યો. ને પછી ધીમેથી બોલ્યો, “પારસન્સ. ઓ પ્રભુ. ઓ પ્રભુ. મને હતું કે તું–“

પછી ભિખારીએ જોરથી ચીસ પાડી. “હા, એવું થયું હશે. એવું થયું હશે. પણ હું આજે અહીં તારી સામે આંધળો ઉભો છું ને તું મારાં પર હસી રહ્યો છે. મને ભીખ આપી મારી ઠેકડી ઉડાવી રહ્યો છે. હું આંધળો છું.”

માર્ગ પર ચાલતાં લોકો બન્નેને જોઈ રહ્યાં.

“તું બચી ગયો. ને હું આંધળો થઇ ગયો. હું–“

“અલ્યા, માર્ક.” પારસન્સ બોલ્યો, “શાંત થા. એમાં બૂમો શાની પાડે છે. આંધળો તો હું પણ છું.”

*** ઇતિ***

આજે ગૃહકાર્ય તમારાં માટે. કોમેન્ટમાં આ વાર્તાનો સાર મને બતાવો. જે સાર મને સૌથી વધારે ગમશે, એ હું પોસ્ટમાં મૂકીશ તમારાં નામ સાથે અને મારી નવલકથા ‘સકંજો’ તમને મારા હસ્તાક્ષર સાથે મોકલાવી આપીશ. વિજેતાનું નામ આવતા શુક્રવારની પોસ્ટમાં જાહેર કરવામાં આવશે.

જય શ્રી કૃષ્ણ.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on July 10, 2021 23:42
No comments have been added yet.