“નિર્દોષ.”
પરિસ્થિતિ ક્યારેક આપણી પડખે તો ક્યારેક આપણી સામે ઉભી રહે છે. અને ક્યારેક એવી પરિસ્થિતિ આવે કે તમે ગમે તેટલું જોર લગાવો તો પણ પરિણામ તમારા હકમાં ન આવે. આવી કફોડી સ્થિતિમાં મોટાભાગે આપણે પ્રભુને યાદ કરીએ છીએ.
બધું પહેલાંથી પ્રભુ પર છોડે તે ભક્ત, ને થાય એટલું કર્યા બાદ છોડે તે કર્મયોગી. સનાતન સંસ્કૃતિમાં બંને માર્ગ ઉચિત છે. મને કર્મયોગમાં વધારે વિશ્વાસ છે, કદાચ ઉંમરના લીધે. મારી વાર્તાઓના પાત્રો પણ કોઈ સંજોગમાં હાર ન માને. પરિણામ ભલે જે હોય તે, પણ પાત્રો હમેશ નીચેની પંક્તિઓ જેવા જ હોય.
હું બેફામ તો નથી, પણ ક્યારેક ક્યારેક કલમથી શાયરી કાગળ પર આવી જાય છે.
जानके न सही,
गलती मुझसे भी होती है।
सरेआम न सही,
आंखे मेरी भी रोती है।
मांगू और क्या तुझसे मै
मेरे राम बस इतना हो करम।
जब न हालात हो मेरे बस में
मेरे जज़बात मेरे काबू हो।
આવા જ એક માણસ, ઈવાનની વાર્તા આજે લઈને આવ્યો છું. લીઓ ટોલસ્ટોયની “ગોડ સીસ ધ ટ્રૂથ બટ વેઇટ્સ”.
સાંભળો.
***
વ્લાદિમીર શહેરમાં ઇવાન નામનો એક વેપારી હતો. ઇવાનને પહેલાં તો પીવાની બહુ આદત હોય છે પણ સમય અને લગ્નની સાથે સાથે એ વ્યવસ્થિત થઇ જાય છે. પતિ-પત્નીને એક બાળક પણ હોય છે. વેપારના લીધે એને અવાર નવાર બહારગામ જવાનું થતું હોય છે. એક દિવસ એવી જ એક યાત્રા પર એ નીકળવાનો હોય છે ત્યારે પત્ની એને રોકે છે. પત્નીએ એક દુહ્સ્વપ્ન જોયું હોય છે જેમાં ઇવાન એને ઘરડો દેખાય છે. ઇવાન હસીને નીકળી પડે છે.
રસ્તામાં ઇવાનને એક બીજો વેપારી મળે છે અને બન્ને રાત્રે એક જ વિસામે રહી જાય છે. તે રાત ઇવાન બીજા વેપારી સાથે ખૂબ શરાબ પીને પોતાના કમરમાં જઈને સૂઇ જાય છે. સવારે તે વહેલાં ઉઠે છે ને ફરી ચાલવા માંડે છે. એ થોડો આગળ જાય છે ને પાછળથી પોલીસ આવે છે. પોલીસ ઇવાનથી પૂછપરખ કરે છે અને પછી કહે છે કે એક વેપારીની ગઈકાલે હત્યા કરવામાં આવી છે. તપાસ દરમિયાન ઇવાનના સમાનમાંથી એક લોહિયાળ છરી મળી આવે છે અને તેની ધરપકડ કરવામાં આવે છે. એ ઘણીવાર કહે છે કે એને કંઈ કર્યું નથી, પણ છરી મળ્યાં પછી એને કોણ સાંભળે?
ઇવાન ઉપર મુકદમો ચાલે છે અને એનાં બધાં ઓળખીતાને પણ સાક્ષી તરીકે બોલવામાં આવે છે. બધાં કહે છે કે પહેલાં ખૂબ પીતો હતો, પણ હવે નહીં. પુરાવાનાં આધારે ઇવાનને દોશી કરાર કરવામાં આવે છે અને એને પહેલા ચાબુકથી મારવાની સજા મળે છે અને પછી સાઈબિરિયા મોકલવામાં આવે છે. જેવું આજાદી પહેલાં આપણા માટે કાલાપાની હતું, એવું જ રૂસીઓ માટે સાઈબિરિયા છે.
એની પત્ની જતા પહેલાં એને મળવા આવે છે અને ઝારને (રૂસનાં રાજાને ઝાર કહેવાય) અરજી કરવાની વાત કહે છે. સાથે સાથે પત્ની એ પણ પૂછે છે કે જો તે આવું કર્યું હોય તો બતાવી દે. પત્નીની શંકા જોઇને ઇવાન તૂટી જાય છે. ઇવાન વર્ષો શુધી કેટલાય લોકોને અરજી કરે છે, પણ ક્યાંયથી કોઈ સારા સમાચાર આવતા નથી. નાઉમેદ થઇ ઇવાન પ્રભુ તરફ ઢોળાય છે. એ બધું જ પ્રભુને સોંપી દે છે પણ એની સાથે જે બન્યું એની ટીસ હમેશ એની સાથે રહે છે.
જેલમા ધીમે ધીમે લોકો ઇવાનને પસંદ કરવા લાગે છે. એટલી હદે કે કોઈ કજિયો હોય કે પછી કોઈ અરજી, બધી જ વાતમાં ઇવાનને લોકો આગળ કરે છે. સમય ચાલતો રહે છે અને ૨૬ વર્ષ વીતી જાય છે. ઇવાનના વાળ પણ ધોળા થઇ જાય છે. એ પાતળો સૂકાયેલા પાંદડા જેવો થઈ જાય છે. કેટલાય કેદીઓ આવે છે ને જાય છે, ઇવાન ત્યાંનો ત્યાં. પછી એક દિવસ જયારે એ બેઠો હોય છે તો થોડાંક નવા કેદીઓને જોવે છે. એમાંથી એક માણસ, મકર, બડાશ મારતો હોય છે કે કઈ રીતે એને એક વેપારીની હત્યા કરી પણ ક્યારેય પકડાયો નહીં. થોડા દિવસોમાં ઇવાનને ખાતરી થઇ જાય છે કે મકર જ એ માણસ છે જેના લીધે ઇવાને આખી જિંદગી જેલમાં કાઢી છે.
મકર ખાડો ખોદી જેલમાંથી નાસી છૂટવાનાં પ્રયત્ન કરે છે જેની ખબર ઇવાનને થઇ જાય છે. મકરને પણ અત્યાર સુધી એ વાતની જાન થઇ ગઈ હોય છે કે ઇવાન એ જ છે જે એ વેપારીની હત્યામાં અહીં સજા કાપી રહ્યો હોય છે. એ ઇવાનને ધમકાવે છે કે જો પોલીસને કંઈ પણ કહીશ તો એ ઇવાનને મારી નાખશે. પોલીસને ખાડો મળી આવે છે અને જેલર ઇવાનને પૂછે છે કેમકે ઇવાન ક્યારેય ખોટું બોલતો નથી. ઇવાન જેલરને કહે છે કે ખાડા વિશે એને કોઈ વાત કહેવી નથી, અને જો સજા જ કરવી હોય તો એનાં માટે પણ પોતે તૈયાર છે.
એ રાત્રે મકર ઇવાન પાસે આવે છે અને બધું સ્વીકારી એનાંથી રડતાં રડતાં માફી માંગે છે. ઇવાન એને માફ કરે છે અને એ ઘડીએ ઇવાનને વર્ષોની એ ટીસથી મુક્તિ મળે છે. એનાં હૈયે ભાર હળવું થઇ જાય છે. મકર આવતા દહાડે ન્યાયાધીશ સામે બધું કુબૂલી લે છે અને જેલર ઇવાનની સ્વતંત્રતાનું કાગળીયું લઈને ઇવાન પાસે પહોંચે છે.
પણ ઇવાન તો ત્યાર સુધી હમેશ માટે સ્વતંત્ર થઇ ગયો હોય છે.
*** ઇતિ ***
આ વાર્તા ઉપરથી કેટલીય અંગ્રેજી અને હિન્દી પીકચરો બની છે. મારી પ્રિય છે.
સાર: એમ તો આપણે કહી શકીએ કે પ્રભુના ત્યાં દેર છે અંધેર નહીં અને એક અંશે આ વર્તાનો સાર આ પણ છે. પણ મારાં માટે નહીં. પરિસ્થિતિ અને એ પરિસ્થિતિ સામે આપણી પ્રતિક્રિયા, એ આ વાર્તાનો સાર છે. પરિસ્થિતિ પર આપણે ક્યારેય કાબૂ નહીં કરી શકવાના, પણ પ્રતિક્રિયા પણ આપણો કાબૂ ચોક્કસ છે. પ્રતિક્રિયાથી મુનશીજીની પૃથિવીવલ્લભ યાદ આવી, આવતા અઠવાડિયે તમારાં માટે લઈને આવીશ.
જય શ્રી કૃષ્ણ.