“કાલે.”
આજે સોમવાર. કાલે શું? મેં તમને બતાવ્યું હતું કે હું સાંજે છોકરાંઓને અંગ્રેજી ભણાવું છું. અને આ સ્કૂલ નથી એટલે હજર રહેવું તે ફરજીયાત નથી. તો એવાં થોડાં છોકરાંઓ છે જે ક્યારેક આવે ને ક્યારેક ન આવે.
એવો જ એક છોકરો થોડા દિવસ પહેલાં મળ્યો તો મેં એને પૂછ્યું, કેમ આવતો નથી. જવાબમાં ઘણી બધી વાતો સાંભળવા મળી ને મેં છેલ્લે પૂછ્યું હવે ક્યારે આવીશ, તો એણે કહ્યું કાલે.
હવે હું હસવા લાગ્યો તો એણે પૂછ્યું કેમ હસો છો સર? એટલે મેં કહ્યું, તારા જવાબથી એક વાર્તા યાદ આવી. એની પાસે થોડો વખત હતો તો મેં સંભળાવી.
સાંભળો.
***
બહુ વખત પહેલાંની વાત છે. એક ડોસીમા હતાં. બહુ ઘરડાં, ચામડીએ કરચલીઓ, મ્હોં પર સ્મિત, સંતોષ ને શાંતિ એકીસાથે, ધોળેલી કેરી જેવાં પોચા-પોચા, નાના બાળકોને ગમે એવાં દાદીમા. એ એકલા રહેતાં હતાં, છોકરાઓ બીજે ગામડે. ખાલી છોકરાંઓના નહીં, ડોસી હસે તો લોકોનાં હૈયાં ઓગળી જાય, એવા હતાં ડોસી.
હવે એમની ઉમર ઘણી થઈ હતી ને વહેલાં-મોડાં યમરાજ બોલાવવા આવે એ વખત થઈ ગયો હતો. ને ડોસી રાહ જ જોતાં હતાં. એમને વધારે રાહ જોવી નહીં પડી, એક સાંજે બારણે ટકોર થઈ. બારણું ખોલ્યું તો યમદૂત ઉભો હતો, ઊંચો, જાડો, કાળો, બીક લાગે એવો.
“ચાલો, ડોસી. યમરાજનું તેડું આવ્યું છે. તૈયાર થઈ જાવ.” ભારે અવાજે યમદૂત બોલ્યો.
“ઓહ દીકરા, તું આવ્યો. હું તારી જ રાહ જોતી હતી,” ડોસીમા બોલ્યાં.
યમદૂતને નવાઈ લાગી. એને જોઈને તો મોટાભાગનાં લોકો બેભાન થઈ જતાં ને જે ભાનમાં રહેતાં, તે કગરવા લાગતાં. આ કેવાં ડોસી હતાં? અને એમનું સ્મિત કેવું માતાનું વાત્સલ્ય જેવું હતું?
એ શાંત થઈ બોલ્યો, “હા, બા. વખત થયો. ચાલો.”
“એ તો હું જાણું છું ને હાલ ચાલવા મંડુ. પણ..”
“પણ શું, બા?” યમદૂતથી પૂછ્યા વગર રહેવાયું નહીં.
“મારો દીકરો બીજા ગામે રહે છે, એને એક છેલ્લી વાર મળવાની ઈચ્છા છે…” કહેતાં કહેતાં બા શાંત પડી ગયાં ને યમદૂત મુઝવણમાં મૂકાઈ ગયો.
પણ પછી એ બોલ્યો, “ઠીક ત્યારે, બા. તમે દીકરાને મળી આવો. હું તમને બે દિવસ પછી મળું.”
“ઓહ, દીકરા, તારું ભલું થાય.”
યમદૂત કોઈ નાના કુરકુરિયાને માથે હાથ રાખો એમ ખુશ થતા ચાલ્યો ગયો.
બે દિવસ પછી એ પાછો આવ્યો તો બાને એમની દીકરીને મળવા જવું હતું. યમદૂત ફરી ડોસી વગર પાછો ગયો. યમરાજને ખબર પડી. યમદૂતે કહ્યું કે એ ડોસીમા તો ભલભલાને કાબુ કરે એવાં છે. યમદૂતને સજા કરવામાં આવી. હવે યમરાજ પોતે જ ડોસીને લેવા પહોંચ્યા.
આ વખત બારણે ટકોર નહીં, જોરથી ખડખડ થઈ. ડોસીએ બારણું ખોલ્યું તો સામે તેમના ભવ્યરૂપમાં સ્વયં યમરાજ હતા. માથે પ્રભામંડળ, હાથમાં ગદા, સાથે ઉભો એમનો વાહન.
ડોસીમા બોલ્યાં, “ઓહ હો હો, દેવ. તમે પોતે? લ્યો, મારું આહોભાગ કે તમે સ્વયં મને તેડવા આવ્યા. હું તૈયારી કરી બેસી હતી.”
યમરાજ ડોસીમાને જોઈ અને સાંભળીને ઢીલા પડ્યા. ને પછી બોલ્યા, “તો ચાલો, ડોસી.”
“આ લ્યો, ચાલો,” કહી ડોસી બારણું વખવા ગયાં ને અટકી ગયાં.
“શું થયું, ડોસીમા?” યમરાજે સાવધ રહી પૂછ્યું.
“તમે મને બે વાર રજા આપી એટલે મેં તમારાં મંદિરમાં દીવો પ્રગટાવાની બાધા લીધી હતી.”
હવે યમરાજ એકદમ સાવધ થઈ ગયા. પાછા જઈને યમદૂતની સજા માફ કરવા નક્કી કર્યું. ડોસીમા સાચે જ જબરા હતાં. પછી બોલ્યા.
“ડોસી, હું જાણું છું તમે શું કરી રહ્યાં છો. પણ તમે બાધા પણ મારી જ લીધી છે. હું તમને એક શરતે જવા દઈશ.”
“શી શરત, દેવ,” ડોસી ભોળપણથી બોલ્યાં.
“મને લિખિતમાં ખાતરી જોઈએ.” યમરાજ બોલ્યા.
ડોસી ઘરનાં અંદર પેઠાં અને દીવાલ પર લખી દીધું.
“હું વચન આપું છું, કે કાલે તમારી સાથે આવીશ.”
આ જોઈને યમરાજે હાશ કરી, ને ચાલ્યા ગયા. અને ડોસીબા ચિરંજીવી થઈ ગયાં. યમરાજ રોજેરોજ ઘરે આવે; વાંચે, “હું વચન આપું છું, કે કાલે તમારી સાથે આવીશ”; ને ચાલ્યા જાય. કેમકે કાલ તો ક્યારેય આવે જ નહીં.
***
સાર લખવાની જરૂર નથી. તમારાં હિસાબે જે પણ કામ જરૂરનું છે, એ ક્યારેય કાલ ઉપર ન મૂકતાં, એટલું જ! જેમ આજે સોમવાર છે ને ઑફિસ કાલે નહીં, આજે જ જવું પડશે. તો ચાલો ત્યારે.
હર હર.