“ધ હૅપી પ્રિન્સ.”
સનાતન સંસ્કૃતિમાં તમને ઘણા એવા દૃષ્ટાંત મળશે જેમાં સદ્ધર કુટુંબમાં જન્મેલા લોકો સન્યાસ તરફ ખેંચાયા છે. હજી સમાચારમાં સુરતમાં સ્કૂલ પછી છોકરાઓએ દીક્ષા લીધી હોય એવી વાતો આવે છે ખરી. પણ બે બહુ મોટા આવા નામ છે બુદ્ધ ભગવાન અને મહાવીર ભગવાન. બંને રાજકુટુંબના હતા ને બંને મહાન વિચારકો થયા.
તો એક અંશે એવું કહી શકાય કે જ્ઞાનેન્દ્રિયોને સંતોષ આપ્યા વગર અલિપ્તતાની અનુભૂતિ થતી નથી. આજે તમને ઑસ્કર વાઈલ્ડની ૧૮૮૮માં પ્રકાશિત “ધ હૅપી પ્રિન્સ” કહું. ક્યારેક ઑસ્કર વાઈલ્ડ વિશે વાંચી જોજો, એમની જીવની તો આના કરતાંય વધારે કરુણાંંત છે.
સાંભળો.
***
શહેરના મધ્યમાં એક ઊંચા થાંભલા પર હતી એક ઊંચી પ્રતિમા, “હૅપી પ્રિન્સ”ની પ્રતિમા. સોનેરી ચાદરથી મઢેલી, નીલમની આંખો ને કમરમાં તલવાર, જેની મૂઠમાં માણેક લગાડ્યું હતું.
મૂર્તિની નીચેથી પસાર થતાં લોકો એને જોઈને ખુશ થતાં અને ખૂબ વાખાણતાં. કેવો સરસ રાજકુમાર હતો, તેઓ કહેતા, હમેશ ખુશ રહેતો. ક્યારેક કોઈ મા તેના છોકરાને લઈને નીચેથી જતી તો છોકરાને શીખામણ આપતી કે શું આખો દિવસ રડ રડ કરે છે, રાજકુમારને જો, ક્યારેય રડતો નહોતો.
શિયાળાની શરૂઆત થઈ ને ત્યાંની ટાઢથી બચવા યાયાવર પક્ષીઓ ઈજીપ્ત જવા લાગ્યા, પણ એક ચકલી પાછળ રહી ગઈ. એ ત્રણેક અઠવાડિયા પછી ઈજીપ્ત માટે નીકળી ને સાંજ પડ્યે શહેરમાં પહોંચી.
રાત રોકાવા ચકીએ હૅપી પ્રિન્સના બે પગ વચ્ચે જગ્યા બનાવી ને ઊંઘવા જતી જ હતી કે એના માથે પાણીનું ટીપું પડ્યું.
“આ કેવી મૂર્તિ જે વરસાદથી પણ નથી બચાવી શકતી?” ચકલીએ ઉપર જોતા કહ્યું પણ આકાશ તો કોરું હતું.
પાંખો મ્હોં પર રાખીને એ ફરી ઊંઘવા ગઈ ને ફરી ટીપું પડ્યું. એને ધ્યાનથી ઉપર જોયું તો ખબર પડી કે ટીપું તો મૂર્તિની આંખમાંથી પડતું હતું. ચકી ઉડીને પ્રિન્સના ખભે બેસી.
“શું થયું? કેમ રડો છો?” ચકલીએ પૂછ્યું.
“મારું આખું જીવન મહેલમાં પસાર થયું. ક્યારેય કોઈ વાતનો ખપ જોયો નહોતો. ને જ્યારે હું મરણ પામ્યો, તો લોકોએ મને આટલે ઊંચે ઉભો કરી નાખ્યો. અહીંથી શહેરી લોકોની વ્યથા, દરિદ્રતા, બધું જ દેખાય છે. ખપ શું હોય તે ખબર પડવાથી હું રડું છું.”
“એ તો બધે જ એવું જ છે. હું ઈજીપ્ત જાઉં છું, ત્યાં પણ એવું જ છે. રડવાથી શું થશે? તમે કાંઈ કરી શકો એમ છો નહીં.” ચકલીએ સમજાવ્યું.
“કરી શકું છું, બસ મારી મદદ કર, વ્હાલી ચકલી. જો, એ પેલું ઘર દેખાય છે? ત્યાં એક મા પાસે છોકરાઓને આપવા ખાવાનું નથી. એમ કર, મારી તલવારમાંથી માણેક કાઢીને ત્યાં આપી આવ.”
ચકલી એવું જ કરે છે. સવારે એ ઈજીપ્ત જવા માટે નીકળવા તૈયાર થાય છે તો પ્રિન્સ એને રોકે છે.
“વ્હાલી ચકી, એક દિવસ વધારે રોકાઈ જા. હજી ઘણાં લોકોને મદદ થાય એમ છે.”
“પણ ટાઢ વધે છે, મારાથી સહેવાય એમ નથી.”
“એક દિવસ, બસ.”
“પણ, હવે તું શું આપીશ? માણેક તો ગયો.”
“મારી આંખો નીલમની છે.”
“ગાંડો થયો છે? તું આંધળો થઈ જઈશ.”
“તો શું થયું? તું છે ને!”
ટાઢ વધતી જાય છે ને બે દિવસમાં પ્રિન્સની આંખો પણ જતી રહે છે. હવે ચકલી એને છોડીને જવા નથી માંગતી. એ ભયંકર ટાઢમાં એનાં ખભે બેસીને એને ઈજીપ્તની વાતો બતાવે છે.
પ્રિન્સ કહે છે, એ વાતો નહીં, તું મને શહેરની વાતો બતાવ. જ્યાં જ્યાં જરૂર છે, મારા શરીર પર લાગેલી સોનેરી ચાદર ખોતરી ખોતરીને ત્યાં ત્યાં આપી આવ. અસહ્ય ટાઢનાં ચાલતાં પણ ચકલી દિવસ રાત લોકોને સોનું આપીને કામ કરે છે. જ્યારે છેલ્લે ચાદરનો એક અંશ પણ બચતો નથી, તો ચકી પ્રિન્સના ખભે આવી બેસે છે અને કહે છે.
“હવે હું જઈ રહી છું, મારા વ્હાલા પ્રિન્સ.”
“ઓહ! તું ઈજીપ્ત માટે ઉપડે છે?”
“નહીં મારા વ્હાલા. પ્રભુને ત્યાં જવા ઉપડું છું.”
એમ કહીને ચકી પ્રિન્સના પગ પાસે ઢળી પડે છે ને લોકોને પ્રતિમામાંથી કંઇક તૂટવાનો જોરથી અવાજ આવે છે.
આવતા દિવસે મેયર ત્યાંથી નીકળે છે ને ઉપર જોવે છે તો એના મ્હોંથી હાય નીકળી જાય છે.
“કેટલી ગંદી થઈ ગઈ છે આ મૂર્તિ. આ અહીં ન શોભે. એને નીચે ઉતારો ને એની જ્ગ્યાએ મારી પ્રતિમા લગાવો. ને હા! આ મારેલી ચકલીને કોઈ કચરામાં નાખો.”
થોડા દિવસ પછી લુહાર મેયર પાસે જાય છે.
“કામ થઈ ગયું?” મેયર પૂછે છે.
“હા, પ્રિન્સની મૂર્તિ ઓગાળીને એમાંથી તમારી પ્રતિમા તૈયાર છે. પણ એક વાત સમજાઈ નહીં.”
લુહાર મેયર સામે ધાતુના બે ટુકડા મૂકે છે.
“આ તો સીસું છે, તરત જ પ્રવાહી થઈ જાય છે. પણ જેટલુંય મથ્યો, આ ટુકડા ઓગળ્યા જ નહીં.”
“તો શું? ફેંકી દો એને.”
ને એ ટુકડા, પ્રિન્સના હૃદયનાં બે કટકા, કચરામાં ચકી પાસે જ ફેંકી દેવામાં આવ્યા.
પછી પ્રભુ જ્યારે એના ફરિસ્તાઓને એની પાસે શોભે એવું કંઈ લઈ આવવા કહે છે તો એક ફરિસ્તો ચકીનું મૃત શરીર ને પ્રિન્સનું તૂટેલું હૈયું લઈ આવે છે. પ્રેમ તો હમેશ પ્રભુના દરબારમાં શોભે.
***
સાર: વાર્તા મને ગમી નહીં, કરુણ અંત હતો, અને મને કરુણ અંત ગમતાં નથી. પ્રશ્નો પણ ઉઠ્યા કે આ કેવો પ્રેમ? જાત ભુલાવે તે કેવો પ્રેમ? અને શું એવી સેવા કોઈ અર્થની જેમાં તમે પોતે જ ખપી જાઓ?
ચકલી પ્રિન્સના પ્રેમમાં હતી ને એના માટે સર્વસ્વ ત્યાગ કરી કામ કરતી રહી. પ્રિન્સ સેવમાં એવો પડ્યો હતો કે પોતાનું સર્વસ આપી દીધું. પણ સેવામાં એ જોઈ ન શક્યો કે ચકલી ટાઢનાં લીધે મરી જશે અને એ વાત મને જરાય ન ગમી.
મને ત્રણ વસ્તુ તમને કહેવી છે.
પ્રથમ તો એ કે સંતાનોને વાત્સલ્યના એવા મહેલમાં ન રહેવા દો કે એ લોકો દુનિયાનું વાસ્તવિક સ્વરૂપ જોઈ ન શકે. સંસારમાં સારું, ખરાબ, બધું જ છે. હું તો પહેલી કક્ષામાં હતો ને સાયકલ લઈ માર્કેટ જવા ઉપડી જતો, હવે શી ખબર, પોતાની સંતાનોને એકલાં જવા દેતાં બીક લાગે છે. પણ કરવું જ પડશે, નહીંતર એ લોકો મોટા નહીં થાય.
બીજું એ કે લોકસેવા માટે મરશો નહીં, લોકસેવા માટે જીવો. જાત ખયાલ રાખીને તમે લોકોની વધારે સેવા કરી શકશો.
ત્રીજું, જે તમારાં પ્રેમ માટે સર્વસ્વ આપે છે, એનું ખ્યાલ રાખો. ચકલી કહેતી રહી કે એને જવું છે, ને પ્રિન્સ એને રોકતો રહ્યો. જ્યારે સ્કૂલમાં વાંચી હતી, તો એટલું ખરાબ નહોતું લાગ્યું જેટલું આજે લાગ્યું. સાચે તો વાર્તાનું નામ ધ હૅપી પ્રિન્સ નહીં પણ ચકલીની કરુણ પ્રેમકથા હોવું જોઈએ.
નરસિંહ મહેતાના ભજનની બે લીટી તમારાં માટે લખતો જાઉં છું. સોમવારે મળશું.
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે
પીડ પરાઈ જાણે રે,
પર દુઃખે ઉપકાર કરે તોયે
મન અભિમાન ન આણે રે..
જય શ્રી કૃષ્ણ.