“થોડુંક વધારે, બસ!”
જ્યારથી મારું કોર્પોરેટ જીવન શરૂ થયું, ત્યારથી પ્રભુએ જોઈતું હતું તેનાંથી વધારે જ આપ્યું. અને ત્યારથી મારો લક્ષ્ય હતો કે એક નિશ્ચિત રાશિ ભેગી થાય તો બધું છોડી લેખક બની જઈશ. ને જોતજોતમાં વર્ષો વીતી ગયાં. અને હું કહેતો રહ્યો, થોડુંક વધારે બસ!
આવું કહેનાર ને કરનાર હું પહેલો નથી ને હું છેલ્લો નહીં હોઈશ. આ પણ તો એક સનાતન કથા છે. પ્રખ્યાત રુસી લેખક લીઓ ટોલસ્ટોયની એક વાર્તા સંભળાવું આજે. હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ?
સાંભળો.
***
એક વખત એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તેની પત્ની સાથે. પત્નીની મોટી બહેન એક દહાડે એને મળવાં શહેરથી આવી. વાતો વાતોમાં વાત નીકળી કે શહેર સારું કે ગામડું ને બંને બહેનો સામસામે આવી ગઈ. મોટીએ કહ્યું કે એમની પાસે બધી જ સગવડો છે ને નાનીએ કહ્યું કે એમની પાસે પૂરતું છે. શહેરમાં અતિની પાછળ લોકોને શયતાન લોભાવે છે. તો બંનેએ નાનીના પતિ, ખેડૂત પહોમથી પૂછ્યું.
ખેડૂતે કહ્યું કે સાચી વાત છે કે ગામડું વધારે સારું. પણ જો એની પાસે લગીર જમીન વધારે હોય તો તો એ શાયતાનથી પણ ન ડરે. ને આ વાત ઘરનાં એક અંધાર્યે ખૂણે ઊભેલાં શાયતાને સાંભળી લીધી. એણે માથું એક બાજુ કર્યું ને શાયતાનીથી મલકાયો.
થોડાં સમયમાં ગામમાં એક ઘરડી ડોસી તેનાં ત્રણસો એકર જમીન વેચવા માંગે છે એવી ખબર ફેલાઈ. ખેડૂતો મળીને ખરીદવા તૈયાર થાય છે પણ શયતાન એમના વચ્ચે કજિયો કરાવે છે. બધા એકલા એકલા જમીનનાં ટુકડા ખરીદે છે, પહોમને ૪૦ એકર મળે છે. પણ બધા વચ્ચે કજીયો ચાલુ જ રહે છે અને પાડોશી પહોમનાં ખેતરમાં ક્યારેક ઘેટા તો ક્યારેક ઘોડા છોડી દે છે જેના લીધે એને નુકસાન થાય છે. વાત કોર્ટ સુધી પહુંચે છે અને ત્યાં એને ન્યાય તો નહિ, પણ લોકોનો તિરસ્કાર બહુ મળે છે.
પહોમને ઉડતી ઉડતી ખબર આવે છે કે બાજુના ગામડે વધારે સારી જમીન છે, તો એ અહીંથી બધું વેચી, પરિવાર સહીત ત્યાં જઈને ૧૨૫ એકર લઈને પહેલાં કરતાં ૧૦ ગણ્યું કમાવી લે છે. મોટું ઘર ને નોકર ચાકર. પછી એને ખબર પડે છે કે એક ખેડૂતને ૧૩૦૦ એકર વેચવા છે અને તેને પૈસાની બહુ જરૂર છે. તો પહોમની પાસે થી ખાલી ૧૦૦૦ રુબલમાં (રૂસી પૈસા) બધી જ જમીન લઇ લેવા તૈયારી કરે છે.
એ કાગળ પર સહી કરવાનો હોય છે કે ત્યાં બેઠો એક માણસ કહે છે કે ૧૦૦૦ રુબલમાં તો તને જેટલી જોઈએ એટલી જમીન મળે. જયારે પહોમ પૂછે છે તો ખબર પડે છે કે અહીંથી થોડીક દુર બાશ્કીર પ્રજાતિ વસે છે. ત્યાં જઈ આવ એકવાર. પહોમ સહી કર્યા વગર સેવકને લઈને ત્યાં જવા ઉપડે છે. અને ત્યાં બેઠો માણસ એક બાજુ માથું કરી મલકાય છે.
ત્યાં જઈ બાશ્કીર લોકોના સરદારને મળ્યો. સરદારે કહ્યું કે ૧૦૦૦ રુબલમાં તારી શક્તિ પ્રમાણે જમીન તું લઇ શકે છે. બે શરત છે. સવારે એક જગ્યાથી દોડવાનું શરૂ કરો અને સાંજ સુધી એ જ જગ્યાએ પાછા આવી જાઓ. જેટલું દોડ્યો, એટલું ઘેર એનું થઇ જશે. બીજી શરત એ કે જો એ જ જગ્યાએ પાછો ન આવી શક્યો તો ૧૦૦૦ રુબલ સરદારના.
સવારની રાહ જોતા પહોમને ઊંઘ પણ નથી અડતી. ઉઘાડી આંખે કેટલી જમીન લેવી, જમીનનું શું કરશે, એ બધું વિચારે છે. નક્કી કરે છે કે બાર વાગ્યા સુધી જેટલું થશે એટલું, ને પછી પાછો વળી જશે.
સવારે સરદારની સામે પહોમ દોડવાનું શરૂ કરે છે. એનાં જતાં જ સરદાર એક બાજુ માથું કરીને મલકાય છે. બાર વાગે છે. પહોમ પાછળ જોવે છે. ઘણું દોડ્યો. ને આગળ જોવે છે. હજી ઘણું દોડાય એમ છે. એ કલાકેક વધારે દોડવા નક્કી કરે છે. એક વાગે છે. પહોમ પાછળ જોવે છે. ઘણું દોડ્યો. ને આગળ જોવે છે. હજી ઘણું દોડાય એમ છે. એ કલાકેક વધારે દોડવા નક્કી કરે છે. બે વાગે છે. પહોમ પાછળ જોવે છે. ઘણું દોડ્યો. ને આગળ જોવે છે. હજી ઘણું દોડાય એમ છે. એ કલાકેક વધારે દોડવા નક્કી કરે છે. ત્રણ વાગે છે. હવે બસ થયું. પહોમ પાછો વળે છે. પણ બહુ દુર આવી ગયો હોય છે. જો પાછો નહીં પહુંચે તો ૧૦૦૦ રુબલ જતા રહેશે. એટલે તેજ દોડે છે. અને સુર્યાસ્તની છેલ્લી ઘડીએ ચાલ્યો તે જગ્યાએ આવી ઢળી પડે છે.
સેવક તાળી વગાડે છે. સરદાર પણ. થોડીવાર પછી પણ પહોમ ઉભો નથી થતો. ક્યાંથી થાય ને? થાકથી મરેલો માણસ ઉભો ક્યાંથી થાય. સરદાર એક બાજુ માથું કરીને મલકાય છે અને સેવકને કહે છે કે આને દાટી દો. સેવક ખાડો ખોદે છે ને પહોમને દાટી દે છે. એ પાછો વળે છે ત્યારે સરદાર પૂછે છે, “કેટલી જમીન જોઈતી હતી એને?” પાછળ જોયા વગર સેવક કહે છે, “છ ફૂટ,” ને ચાલ્યો જાય છે. શયતાન તેના અસલ રૂપમાં આવી એક બાજુ માથું કરી મલકાય છે.
***
સાર: ઈચ્છાઓનો કોઈ અંત નથી. આશા છે કે તમે લોકો પણ શયતાનને એક બાજુ માથું કરી મલકાવા નહીં દો. બે વર્ષ પહેલાં મેં પણ એ જ કર્યું ને હવે તમારાં માટે ને મારા માટે વાર્તાઓ લખું છું.
જય શ્રી કૃષ્ણ.