“ફરિસ્તો.”
સોમવાર. સોમના નાથ, ભોળેનાથનો દિવસ. તો આજે તમને એક ફરિસ્તાની વાર્તા સંભળાવું. ટી એસ આર્થર દ્વારા ૧૮૫૧માં લખી “એન એન્જલ ઇન ડિસગાઈસ”.
સાંભળો.
***
બેકારી, વ્યસન, અને અતિરેકે તેમણું નીચ કામ કરી નાખ્યું હતું, અને મરણ પામેલી મા હજી ટાઢી પડી હતી એનાં બિચારાં સંતાનોની વચ્ચે. નશાની હાલતમાં એ પોતાનાં જ ઘરનાં બારણાંનાં ઉંબરા ઉપર પડી, પોતાનાં જ ઘબરાયેલાં બાળકો સામે મરણ પામી હતી.
હયાતી જે કરવામાં સક્ષમ નથી, મૃત્યુ તે કામને સાવ સહેલું બનાવી દે છે. આ નારીનો ઉપહાસ, તેની ઉપેક્ષા, તેની નિંદા, ગામનાં દરેક નર-નારી-બાળકે કરી હતી, પણ હવે, જેમ એની મૃત્યુની જાણ એકથી બીજા કાને પહોંચી, ક્રોધની જગ્યા દયાએ અને નિંદાની જગ્યા દુઃખે લઈ લીધી. અડોશી-પાડોશી ઝડપી એની કુટીરમાં પહોંચ્યા, કોઈ કપડાં લઈને, તો કોઈ ભૂખ્યાં બાળકો માટે ખાવાનું લઈને. ત્રણ બાળકો હતાં, બાર વર્ષનો મહેનતુ જોન, દસ વર્ષની હોંશિયાર કેટ, અને સહુથી નાની, બેચારી, માંદી મૅગી. બે વર્ષ પહેલાં બારીથી પડી જવાનાં લીધે તેની કરોડરજ્જુને ઈજા પહોંચી હતી ને ત્યારથી તે ખાટલે ભેગી થઈ ગઈ હતી.
“છોકરાઓનું શું કરવું?” તે મુખ્ય પ્રશ્ન હતો. માને તો હવે કંઈ મદદની જરૂર નહોતી, પણ છોકરાઓ ભૂખ્યાં ન રહેવાં જોઈએ. બૈરી સાથે વાત કરી ખેડૂત જોન્સ જોનને પોતાની સાથે લઈ જવા તૈયાર થયો. મેડમ એલિસને ઘરકામ માટે છોકરી જોઈતી હતી એટલે તે તરસ ખાઈને કેટને લઈ જવા તૈયાર થઈ, પણ મૅગીને લેવાં કોઈ આગળ ન આવ્યું.
બૈરાઓએ મળીને એનાં કપડાં બદલ્યા, બધાંએ એને જોઈને દયા આવી, એની દુઃખી આંખો જોઈ બધાં થોડા દુઃખી તો થયાં, પણ એક ખાટલે-ભેગી અપંગને કોણ રાખે?
“આને અનાથાશ્રમમાં મૂકી આવો,” એકે કહ્યું.
“આવા ગરીબ ને માંદા બાળક માટે તે જગ્યા ઠીક નથી,” બીજો બોલ્યો.
“અમારાં છોકરાંઓ માટે નહીં હોય. પણ આને તો ત્યાં એની મા કરતાં પણ વધારે ધ્યાન મળશે.” ત્રીજો બોલ્યો.
આવતા દિવસે મડદાંને દફનાવવામાં આવ્યું. પછી ખેડૂત જોન્સ જોનને લઈ જવા તૈયાર થયો. મેડમ એલિસે કેટને ભાઈ-બહેનને ઝડપી અલવિદા કહેવા કહ્યું ને કેટ એવું કરી શકે તે પહેલાં જ એને હાથ પકડી લઈ ગઈ. મૅગી તરફ જોયાં વગર બધાં જ ચાલ્યાં ગયાં!
બારણાં બહાર ઉભેલા પૈડાગાર જો થોમસને બધાં સાથે જલ્દી જતી લુહારની પત્નીને કહ્યું, “આને આમ મૂકી જવું તો નિર્દયતા છે.” જવાબ મળ્યો, “તો એને અનાથાશ્રમમાં મૂકી આવ.”
જો થોડીવાર વિચાર કરતો ઉભો રહ્યો ને પછી વળીને ઘરમાં દાખલ થયો. મૅગી મુશ્કેલથી ઉભી થઇ ખાટલે બેઠી હતી. એની આંખોમાં ભય હતું.
“મિસ્ટર થોમસન, મને એકલી મૂકીને ન જાઓ,” મૅગી રડતાં રડતાં બોલી.
બહારથી કડક ને ખડબચડા જો થોમસનનાં શરીરમાં એક હૈયું હતું ને તે કોઈક કોઈક જગ્યાથી કૂણું હતું. તેને બાળકો ગમતાં ને હમેશ પોતાની દુકાનમાં ગામનાં બાળકોને રમવા ને પૈડા ઠીક થતાં જોવાં આવવાં દેતો.
“નહીં, દીકરી,” એણે પ્રેમભર્યા અવાજે કહ્યું ને મૅગીને પડોશીએ આપેલાં સાફ કપડાંથી વીંટ્યો ને પોતાના મજબૂત હાથોમાં ઉપાડીને પોતાનાં ઘરે ચાલ્યો.
જો થોમસનની પત્ની, જેને સંતાનો નહોતી, એમાં સંત જેવી પ્રકૃતિ કે ત્યાગ નહોતો, અને એટલે જોને આભાસ હતો કે કદાચ એને સારો આવકાર નહીં મળે. પત્નીએ એને આવતાં જોઈ લીધો ને બારણાં પાસે ઉભી થઇ ગઇ. જોએ એનો કિમતી ભારો સાચવીને ઉપાડ્યો હતો. અને એ બંને એટલી જ વારમાં એક બંધનથી બાંધઈ ગયાં હતાં.
“શું છે એ?” પત્નીએ જોરથી પૂછ્યું.
જોને, મૅગી અંદર કરમાઈ ગઈ, એવો આભાસ થયો. એણે કઈં જવાબ આપ્યો નહીં પણ એક નજર પત્ની તરફ નાંખી જેમાં અરજ અને ચેતવણી, બંને હતી, અને જે કહી રહી હતી કે “બતાવું છું, પણ હમણાં શાંતિ રાખ.” જો અંદર પેઠો, ઉપરની નાની ઓરડીમાં મૅગીને ખાટલે મૂકી, બહાર આવી દરવાજો બંદ કર્યો ને પછી પત્નીની સામે શાંતિથી ઉભો રહ્યો.
“તું પેલું માંદુ લબોતરું તો ઘરે નથી લાવ્યો ને?” પત્નીના અવાજમાં ક્રોધ અને વિસ્મય બન્ને હતાં ને મ્હોં લાલચોળ થઇ ગયું હતું.
“મને લાગે છે કે ક્યારેક ક્યારેક નારીનું હૈયું વધારે કઠણ થઇ જાય છે,” જોએ કહ્યું. એમ તો જો હમેશ પત્ની સાથે જીભાજોડીથી બચતો, અને પત્નીનાં કામમાં દખલ ન કરતો, પણ આજે એની આંખોમાં એક જુદી જ જાતની મક્કમતા હતી જેને જોઈ પત્નીનો અવાજ બદલાયો.
“બૈરીનું હૈયું ક્યારેય મરદના હૈયા જેટલું કઠણ નહીં હોય.” તેણે જવાબ વાળ્યો.
જોએ જોયું કે અડધી જંગ જીતી ગયો છે તો અવાજ સરખી કરી બોલ્યો.
“હશે. પણ આજે જેટલી બૈરીઓ જોઈ, આ બાળકની તરફ એક નજર નાંખ્યાં વગર જતી રહી.”
“જોન અને કેટ?”
“એમને તો લોકો લઇ ગયાં, બસ આને જ કોઈએ એક નજર ન આપી.”
“તો તું એને અહીં લઇ આવ્યો? અનાથાશ્રમ શો ખોટો હતો?”
“એ ચાલીને જઈ શકે તેમ નથી. એને કોઈના હાથની જરૂર પડશે. મારાં હાથ મજબૂત છે.”
“તો સીધો ત્યાં કેમ ન ગયો?”
“ગાંડો છું કંઈ? તેનાં માટે પહેલા પોલીસની આજ્ઞા જોઇશે.”
“તો હાલ ત્યાં જઇ આવ.”
“જેન,” પૈડાગારે કહ્યું, “હું ક્યારેક બાઈબલ વાંચું છું. તેમાં નાના બાળકો વિશે ઘણું લખ્યું છે. અને જે એમની મદદ કરે તેમને બહુ પુણ્ય મળે, એ પણ. એક મા વગરની છોકરીને શું આપણે એક રાત નથી રાખી શકતાં? આટલી પણ દયાની હકદાર નથી એ?”
બોલતાં બોલતાં જો ધ્રુજી ગયો અને એણે પત્નીથી આંખો ફેરવી લીધી જેથી પત્નીને એનાં આંસુ ન દેખાય. પત્ની કંઈ બોલી તો નહીં, પણ અસર એને પણ થયો.
એ થોડીવાર ઉભી રહી ઓરડીમાં ગઈ, જો પાછળ ન ગયો. એ એનું કામ કરવા બહાર દુકાનમાં જતો રહ્યો અને સાંજ સુધી લાગ્યો રહ્યો. જયારે સાંજે ઉપરની ઓરડીમાં દીવો પ્રગટ્યો, તો એને ગમ્યું. બારીમાંથી એણે ડોક્યું કર્યું તો જોયું કે મૅગી ખાટલામાં હતી ને એની પત્ની એની સાથે વાતો કરી રહી હતી. થોડીક થોડીક વારમાં મૅગી પણ કંઈ કહી રહી હતી. પણ એનાં મ્હોં પર કડવાશ કે દર્દ નહોતું. જોએ હાશ કરી.
જો ઘરમાં પેઠો તો ઓરડીમાં ન ગયો. એનાં બૂટને સાંભળીને પત્ની ઝડપથી આવી.
“જમવાનું ક્યારે તૈયાર થશે?” જોએ વાત બદલતા કહ્યું.
“થોડી જ વારમાં.” કહી પત્ની કામે લાગી ગઈ.
હાથ-મ્હોં ધોઈ જો મૅગી પાસે ગયો.
“તારું નામ મૅગી છે?” જોએ એનાં નાનકડાં હાથ ઝીલતાં પૂછ્યું.
“હા,” એની અવાજ જોને અડી ગઈ.
“તું એક વખતથી બીમાર છે?”
“હા.”
“ડોક્ટર આવતો હતો?”
“હા, પણ થોડા વખતથી નથી આવ્યો.”
“પીડા થાય છે?”
“પહેલાં, હવે નથી થતી.”
“પહેલાં ક્યારે?”
“સવારે હતી ને જયારે તમે મને ઉપાડીને લાવ્યા ત્યારે પણ દુખતું હતું.”
“તને ઉપાડવા કે હલાવાથી દુખે છે?”
“હા.”
“પણ હવે ઠીક છે?”
“હા. આ મુલાયમ ખાટલું મને બહુ આરામ આપે છે.” એની અવાજમાં શાંતિ અને કૃતજ્ઞતા હતી.
“જમવાનું તૈયાર છે,” પત્નીની અવાજ બારણાથી આવી.
જોએ પત્નીને ને પછી મૅગીને જોયું.
“આપણે જામી રહીએ એટલે એનાં માટે પણ લાવું છું,” પત્ની બોલી. એની અવાજમાં બનાવટી ગુસ્સો હતો.
બન્ને જમવા બેઠાં. જો જાણીજોઈને કંઈ બોલ્યો નહીં. છેવટે, જયારે પત્નીથી રહેવાયું નહીં, તો એ બોલી.
“બાળક સાથે શું કરશું?”
“એ વાત તો આપણી થઇ ગઈ. અનાથાશ્રમ જશે.”
સાંભળીને પત્નીએ થોડીવાર પતિ સામે જોયું, પછી જમવા લાગી. જમવાનું પત્યું, ત્યાં સુધી બંનેમાંથી એકેય બોલ્યું નહીં. પછી પત્નીએ બ્રેડનો એક ટુકડો દૂધ ને માખણમાં પલાળી પોચું કર્યું ને મેગી પાસે લઇ ગઈ. જો બન્નેને જોઈ રહ્યો.
સવારે નાશ્તા વખતે પત્ની બોલી, “એક બે દિ રહેવા દો મૅગીને. હજું બહુ અશક્ત છે.”
“તને નડશે નહીં?” જો બોલ્યો.
“એક બે દિવસ તો નહીં.”
જો પોલીસ પાસે આવતા દહાડે, કે એનાં આવતા દહાડે, કે પછી એનાં આવતા દહાડે પણ ન ગયો. એ ક્યારેય પોલીસ પાસે ન ગયો. તેમનાં ઘરે એક ફરિસ્તો જે આવ્યો હતો, એને તો કઈ રીતે જવા દેવાય ને!
***
ક્યારેક ક્યારેક આપણને સારું કામ કરવા માટે એક નાનકડો ધક્કો જોઈએ હોય છે. ને ઘણીવાર પ્રભુ આપણને એવી તક ને ધક્કો બન્ને આપે છે. ઝડપી લેજો.
મને જો જેવા કિરદાર બહુ ગમે છે. એવો જ એક કિરદાર “ટુ કિલ અ મોકિંગબર્ડ”માં પણ છે. પણ એ પછી ક્યારેક.
એવી આશા સાથે કે તમારું અઠવાડિયું સારું જાય.
હર હર.