Jitesh Donga's Blog

November 25, 2024

દોસ્ત માટે…

હજુયે સેંકડો વાર જેની યાદ આવે અને છાતીમાં ડૂમો ભરાય જાય, આંખો ભીની થઇ જાય એવો મારો મિત્ર કૃણાલ દરજી બે વર્ષ પહેલાં એક સાંજે અણધાર્યો ચાલ્યો ગયો. પાછળ જે પરિવાર રહી ગયો એનાં માટે પણ રોજે ચિંતાઓ થાય. મારી પાક્કી દોસ્ત અને કૃણાલની પત્ની એકતાને જ્યારે-જ્યારે મળું કે ફોન કરું…અમે કશું જાજું બોલી ન શકીએ. એકતાની અંદર તો જે વિરહનું વિશ્વ છે એ પામવા માટે તો કલેજું જોઈએ.

પોતાનું સર્વસ્વ એવો માણસ જેને એ કેટલો પ્રેમ કરતી એ શબ્દોમાં કહી જ શકાય એમ નથી એ જતો રહ્યો પછીનું પહેલું એક વર્ષ તો એકતાની અંદરનું જગત એવું કાળું અંધારિયું હતું, જે અંધકારને સ્પર્શ થઇ જાય તો પણ ડર લાગે કે ક્યારેક મારા પોતીકાં જતાં રહેશે ત્યારે મારેય આ વિશ્વમાં જીવવાનું થશે. જેને ચિક્કાર પ્રેમ કર્યો હોય એની યાદો પણ આવી રીતે ચિક્કાર તોડી દેતી હશે કે બહારથી માણસ પથ્થર જેવું ઠંડુ પડી ગયેલું લાગે અને અંદર એની પડછંદ શૂન્યતાને જોઇને દયા આવે, ડર આવે, અને તમારું અસ્તિત્વ કહેવા માંડે કે આઘો રેજે, આ પીડાનો – ખાલીપાનો સ્પર્શ સહન નહીં થાય.

…પણ જે માણસે પ્રેમને પૂર્ણતાથી આપ્યો છે, જે માણસ અહીં જીવવાનો મૂળ ધરમ જ પ્રેમ અને જીવન-ઉત્સવ છે એ સમજી ગયું છે, એને એનાં આવા કાતિલ અંધારાઓમાંથી પણ પ્રેમ જ ઉગારે છે. એ અઘરું છે સમજવું કે કેમ કરીને પ્રેમ તમને બહાર કાઢે, સાજા કરે, ફરી જીવતાં કરે, પણ એમાં ડૂબ્યો હોય એ તરી જતો હોય છે.

કૃણાલના સ્વર્ગવાસ પછીનું આ બીજું વર્ષ પૂરું થવા આવ્યું છે, અને હવે ધીમે-ધીમે એકતા પોતાના અંધકારના પડછાયાને ટૂંકો કરી ચુકી છે. એ પડછાયો જીવનભર જશે નહીં, પણ હવે એની સાથે એની દોસ્તી છે. અને પોતાના પ્રિયતમની યાદ હવે ઉર્જા આપે છે. વીસ-ગણું વધારે જોરથી જીવવા કહે છે. જેટલું જીવન મળ્યું છે એને ફરી પાટે ચડાવીને ઉજવવા માટે એલાન કરે છે. કૃણાલ એવો માણસ ન હતો કે એ દુઃખમાં બેઠો રહે કે ફરિયાદ કરે. એ દુઃખને ભેંટનારો હતો, અને અત્યારે એકતાને એ એજ શીખવી ચુક્યો છે.

એટલે હવે થોડાં મહિનાઓથી મેં અને બીજા અમુક મિત્રોએ એકતા માટે જીવનસાથી શોધવાનું શરુ કર્યું છે. એને મનાવી છે, અને એનો ખચકાટ દૂર કર્યો છે. આ પહેલાં કૃણાલના અવસાનના પહેલાં અઠવાડિયામાં સોશિયલ મીડિયા થકી અમે એકતા માટે 15 લાખ જેવું ફંડ ઉભું કરેલું અને એનાં થકી જ હાલ સુધી એકતાનું ઘર ચાલ્યું અને સ્વમાન જીવ્યું. કોઈ મિત્રોને એ બાબતે વાંચવું હોય તો અહીં છે:

…અને હવે ફરી એકતા માટે જીવનને નવેસરથી જોવાં, એની અંદર રહેલા પ્રેમ-તત્વને કોઈ સાથી ભેગું મોટું થવા અમે યોગ્ય વ્યક્તિ શોધી રહ્યા છીએ. એકતાના મિત્રોને ખબર છે કે આ કરવાથી કૃણાલ કેટલો ખુશ થશે. હવે એકતા પણ આગળ વધવા રાજી છે. અહીં કોઈ દયાભાવ નથી કે કોઈ મદદભાવ નથી. આ અમારી જવાબદારી છે કે એનાં નાનકડાં અઢી વર્ષના દીકરા ‘તસ્મૈ’ને હવે સમજણ પડવા લાગી છે અને એને માટે કૃણાલની ગેરહાજરીમાં પપ્પાની ખોટ ન સાલે.

થોડાં દિવસ પહેલાં જ આ વાત ઓનલાઈન મુકવા માટે એકતાની પરમિશન લેતાં સમયે મેં પૂછેલું કે તારે સામેના પાત્રમાં કશું એવું જોઈએ જે મારે ખાસ લખવું જોઈએ?…એનો જવાબ હતો કે – ‘બસ, મારા દીકરા તસ્મૈને દિલથી સ્વીકારે.’

ખેર…અહીં ઇન્ટરનેટનો સહારો લેવાનું મૂળ કારણ એટલું જ કે લિમિટેડ સર્કલમાં ખુબ ઓછાં એવાં પુરુષો મળે છે જે ખુબ સારા માણસ હોય, એકતાની સ્થિતિને દયાભાવથી જોયાં વિના તાર્કિક રીતે એક ખુબ જ સારી વ્યક્તિ તરીકે એને લઈને લગ્ન કરવા ઈચ્છુક હોય.

અમુક જરૂરી અને બિન-જરૂરી બંને પ્રકારની વિગતો કહી દઉં: એકતા હાલ 38 વર્ષની છે. એનો દીકરો જુલાઈમાં 3 વર્ષનો થશે. ભેગાં કૃણાલના મમ્મી છે. અમદાવાદ નિકોલમાં સાસરું હતું. ત્યાં જ ભાડે રહે છે. M.A, B.Ed. ભણેલી છે. શિક્ષક તરીકે પ્રાઈવેટ સ્કુલમાં ટ્યુશન કરે છે. અઢી-ત્રણ હજારનો પગાર છે. 4’10’’ ની ઉંચાઈ છે. એની ફેસબુક પ્રોફાઈલ જોઇ શકાશે. એનું મૂળ પિયર સુરત છે. મૂળ હિંદુ-માછી કાસ્ટ છે, અને લગ્ન પછી કૃણાલની કાસ્ટ મુજબ ‘હિંદુ-દરજી થાય. (જાતિ-જ્ઞાતિ-ધર્મ કશું જ મહત્વનું નથી. વ્યક્તિ તરીકે 24 કેરેટથી ઉપર સોનામાં કોઈ કેરેટ આવતાં હોય તો એવું માણસ એકતા છે. એટલે કૃણાલે અને એકતાએ નાત-જાત જોયાં વિના એકબીજાની સારપ જોઇને લગ્ન કરેલાં. અરેન્જ મેરેજ હતાં.)

હવે મૂળ વાત:

તમે મને યોગ્ય છોકરો પસંદ કરવામાં મદદ કરશો તો ખુબ ગમશે. હા…ત્રીજીવાર કહેવું પડશે કે કોઈ એવું પાત્ર નથી જોઈતું જે એકતા પ્રત્યે દયાભાવથી પરણે. એવું વ્યક્તિ કે જેને બીજા સારા વ્યક્તિ સાથે પરણવું છે. છોકરો અપરિણીત હોય, કે વિધૂર હોય, કે અન્ય કોઈ કારણસર મોડા લગ્ન કરતો હોય, બધું જ ચાલે, પરંતુ માણસ તરીકે થોડો પણ ઓછો હોય તો ન ચાલે એ જરૂરી લાગે છે. ખાસ તો એકતા સાહિત્યનો જીવ છે. વાંચી-લખી-ભણીને એક સ્વતંત્ર વિચાર ધરાવતી વ્યક્તિ છે. એટલે જો કોઈ એવો છોકરો ધ્યાનમાં આવે જે સાહિત્યિક જીવ હોય, પગભર હોય, અને સ્વભાવે સોના જેવો હોય તો જરૂર કેજો.

છોકરાને તમારા તરફથી આ બધી વાત કહેજો, કે આ પોસ્ટ મોકલી દેજો.

જો કોઈ યોગ્ય વ્યક્તિ મળે તો એમનો બાયોડેટા, ફોટોઝ વગેરે બધું મને ઈમેઈલ પર મોકલે. યોગ્ય વ્યક્તિની વિગતો અમારી મિત્ર એકતા સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે:

ઈમેઈલ: jiteshdonga91@gmail.com

જો વ્યક્તિનો બાયોડેટા મને વોટ્સએપ કરવો હોય કે એકતાનો બાયોડેટા વોટ્સએપ પર જોઈતો હોય તો મારો નંબર મેસેજમાં આપી શકીશ.

એકતાનો બાયોડેટા અહીં છે:

Ekta Darji – BiodataDownload
 •  0 comments  •  flag
Share on Twitter
Published on November 25, 2024 03:35

June 15, 2024

કાળજું…

મારા દાદાને લીલાં રંગની એલર્જી હતી. લીલું જુએ અને આખા શરીરે ખંજવાળ આવે! ખેતરે જઈને પાછાં આવે અને શરીરમાં ઢીમચાં-ચાઠાં થઇ જાય. મારા બાપુજીએ એમની ખુબ દવાઓ કરેલી, પણ કશો ફરક પડેલો નહીં.

મારા સત્યાશી વર્ષના દાદાના એ અંતિમ દિવસો હતાં. એ એમની રૂમમાં આંખો બંધ કરીને ખાટલે સુતાં હતાં. એમની બાજુમાં પગ પાસે મારા બાપુજી બેઠાં હતાં. રૂમના ખૂણામાં હું એક ખુરશી પર બેઠોબેઠો મારું નવમાં ધોરણનું લેસન કરતો હતો.

રૂમના ખૂણામાં બેઠા-બેઠાં મારા બાપુજીને એમનાં બાપુજીની અવિરત મૂંગી સેવા કરતાં જોવાં એ સ્મૃતિ પટ્ટ પર આજીવન બેસી ગયેલા મીઠાં દૃશ્યો. દાદાના અવસાનના આઠેક દિવસ પહેલા એ દિવસે દાદાનું બોલવાનું ઓછું થઇ ગયું. મારા બાપુજી એમની બાજુમાં બેસીને ઘડીક પગ દાબે, ઘડીક માથે હાથ મુકે, ઘડીક ઉભાં થઈને દાદાની દવાઓ સામું જોયાં કરે. દાદા ક્યારેક-ક્યારેક આંખ ખોલીને “કાળું…” એમ બોલે અને મારા બાપુજી “હા કાકા…” કહીને એમને જવાબ આપે. (એ સમયમાં ઘણાં લોકો પપ્પાને ‘કાકા’ પણ કહેતાં)

દીકરાએ બાપની સેવા સહજ કરેલી કે એ દિવસે મારા બાપુજી કશાંક કામ માટે ઘડીકવાર રૂમની બહાર ગયા. હું દાદાની બાજુમાં બેઠો. દાદાએ આંખ ખોલી. પોતાની બધી જ તાકાત ભેગી કરીને બોલ્યાં –

“આની મોલાતું કાંગરે આંબશે…”

એ પછી દાદાના અવસાનને આટલાં વર્ષો ગયા, અમારા ખેતરનો પાક હંમેશા સારો જ થયો છે.
[ મોલાત = ખેતરમાં વાવેલો પાક. કાંગરા = મકાનની છતનો નેવાં તરફનો ભાગ]
***

અમારે ઉનાળામાં નદીમાં પાણી આવે એટલે નદીનું પાણી ખેતરે પહોંચાડવા નદી કાંઠે મશીન મુકતા. મારા બાપુજી આખો દિવસ ત્યાં જ રહે એટલે હું એમનું ભાત લઈને જતો. બપોરે જમીને અમે નાના છોકરા નદીમાં નાહવા પડતાં, અને અમારું ધ્યાન રાખવા મારા બાપુજી અને એમનાં બે-ત્રણ મિત્રો કાંઠે મશીન પાસે બેસતાં.

એક દિવસ નાહતા-નાહતાં હું નદીના ઘૂના તરફ વહી ગયો. સીધો અંદર. પાણી પીવાઈ ગયું. બહાર નીકળીને ‘બા…’ એટલું જ બોલી શક્યો ત્યાં જ મારા બાપુજીએ કૂદકો લગાવી દીધો અને ધૂનામાં મારી પાસે આવ્યાં. એમને પણ મારી જેમ તરતાં નહોતું આવડતું. એમને પણ બે-ત્રણ વાર પાણી પીવાઈ ગયું, પણ ગમે તેમ કરીને મને ખેંચીને બહાર લઇ આવ્યાં.

બીજા ખેડૂતો પણ દોડ્યા, અને કાંઠે પહોંચીને હું તો અતિશય શોકમાં હતો, પણ મારા બાપુજી એકદમ શાંત. કોઈએ મારા બાપુજીને કહ્યું કે – “આમાં તમે પણ જતાં રહેત હો…”

તો એ નદી સામું જોઇને બોલ્યા – “તોય…સોકરાં ને થોડો ડૂબવા દવ…”
***

આવું જ થયું જ્યારે મારા બાપુજી વાડીના રાવણે ચડીને મધમાખીનો પૂડો ઉઝેરતાં હતાં. (બેઝીકલી મધપૂડા પાસે જઈને બીડી પીવે અને ધૂમાડો મધપૂડા પર ફેંકે એટલે મધમાખીઓ ભાન ગૂમાવે અને થોડીવારમાં ઉડી જાય)
હું વળી નીચે ઉભો-ઉભો બધું જોઉં! એમાં ભારે પવન આવ્યો અને મધમાખીઓને ધૂમાડો લાગ્યો નહીં અને ખબર પડી ગઈ એટલે ઉડી! સીધી મારા તરફ!

પેલી તરફથી મારા બાપુજી સડસડાટ નીચે ઉતર્યા અને કશું જ વિચાર્યા વિના જેમ બાળકને ધાબળો ઓઢાડવામાં આવે એમ એમનું શરીર મને ઓઢાડી દીધું. એમને તો કેટલાંયે ડંખ લાગ્યાં, પણ ફરિયાદ કરે એ ભાયડો બીજો!

વળી એ બધું શાંત પડ્યું પછી સૂઝેલી આંખોએ દેખાય નહીં છતાં ખેતરે ચા બનાવવા બેઠાં. આજુબાજુ વાળા ખેડૂતોને ચા પીવા બોલાવ્યાં. મેં ઘટના એ ખેડૂતોને કીધી. કોઈએ પૂછ્યું – “તે પણ આમ ડંખ થોડાં ખવાય…”

તો જવાબમાં એ હસતા-હસતાં કહે – “સોકરાને મધ ખવડાવવા હોય તો આપડે કોક દી ડંખ ખાવાય પડે…”
***

હું રાજકોટમાં બારમું સાયન્સ પૂરું કરીને ગામડે આવેલો. હું અને મારા બાપુજી ખેતરમાં આંટા મારતાં હતાં. મને ખેતીમાં રસ ન પડે એટલે એ મને મીઠું-મીઠું ખીજાયા કરે અને હું એમને ‘હા’ કહ્યા કરું. મને અચાનક ખેતર વચ્ચે કહ્યું –

“તે તું IPS થઇ જાને…” એમને IPS શું એ ખબર હતી નહીં. ક્યાંકથી સાંભળ્યું હશે. મેં નાં કહી.

“તો ડોક્ટર?” એ બોલ્યાં. મેં કહ્યું કે મારું તો ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં ફોર્મ ભરાઈ ગયું છે, અને ભણવા માટે વિદ્યાનગર જવાનું છે.

તો ફરી બાપુજી વિચારે ચડ્યા. આકાશ સામે જોઈ રહ્યા. એમને મારા ભણતર કે ભવિષ્યની કઈ ગતાગમ ન પડે એટલે અંતે બોલ્યાં –

“ઠીક…તું જે બને એ…કોઈ દિ મસક નો આપતો.”

[ મચક ન આપતો મતલબ કે ક્યારેય હાર ન માની લેતો.]

***

છેલ્લાં સોળ વર્ષથી અમે જ્યારે-જ્યારે ભેગાં હોઈએ…ક્યારેય નોખી થાળીએ ખાધું નથી. એક થાળી.
હેપી ફાધર્સ ડે મારા બાપુજી. ઈશ્વર મને અને મારા દીકરાને તમ જેવું કાળજું આપજો.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on June 15, 2024 19:39

June 2, 2024

કૂકડો…

જેમ ભરવાડ બકરીના બચ્ચાને ખભે ચડાવે એમ અમારી વાડીનો મજૂર કમો પોતાના છ વર્ષના દીકરા ઉમેશને ખભે લટકાવીને દોડતો અમારી ડેલીમાં આવ્યો. હું સામો જ ઉભો હતો. 

“જીતુભાઈ… મારા સોકરાંને કાંઈક થઇ ગ્યું હે. હાલોને જરાક. દવાખાને લઇ જાવો હે…” એ બોલ્યો. એનાં શરીરનો હાંફ – આંખોમાં વિચિત્ર ડર – એનાં ખભે રાખેલો પણ વાંસની સોટીની જેમ ટટ્ટાર સૂતેલો એવો દીકરો બધું જ મારી આંખોએ જોયું એટલે મારી અંદર દેખાવ પુરતી સાવચેતી આવી.

“શું થયું ઉમેશને?” બોલતો હું તરત નજીક ગયો. ઉમેશને મારી તરફ ફેરવીને ઉમેશના મોઢાંમાંથી પડતી લાળને ઝીલીને દીકરાના હોંઠને બંધ કરવા મથતો કમો બોલ્યો –

“કેડ્યનો આખો ભાગ ટાઈટ થઇ ગ્યો હે. પાણી ‘ને થૂંક ગળે ઉતરતું નહીં. ચાર દી થ્યા તાવ હતો. પણ આજ તો ખાતો-પીતો બંધ થઇ ગ્યો હે.” બોલ્યો અને તરત કમાની આંખમાં આવતું અને મારી હાજરીને લીધે રોકવામાં આવેલું આંસુ દેખાયું. એ આંસુ જોયું ત્યારે મારી અંદર ખરી સાવચેતી આવી.

*

કમો આઠ વરસથી અમારા ખેતરે એક ઓરડીમાં રહે છે. કમો – એની ઘરવાળી કપિલા – ચાર દીકરા – ઉતરતાં ક્રમમાં કિશન, કેતન, ઉમેશ, અને કિયાન. ગોધરામાં એમનું કોઈક ગામ. આઠ વર્ષ પહેલાં આવ્યો ત્યારે મોટો દીકરો કિશન બે-ત્રણ વર્ષનો હશે. અમારી ઓરડીમાં જ બાકીના બધાં દીકરા આવ્યાં. આમ તો એ અમારા મજૂર ન કહેવાય. અમે એને ‘ભાગીયું’ આપ્યું કહીએ. ખેતીની આવકનો ચોથો ભાગ એનો. ખાતર-દવા-બિયારણ અમારા. મહેનત એની.

હું જ્યારે-જ્યારે બેંગ્લોરથી ગામડે આવું અને વાડીયે જાઉં એટલે કમાને નસબંધી કરાવવા કહું. કમાએ એકવાર મને કહેલું કે એને દીકરી જોઈએ છે એટલે દીકરી નહીં આવે ત્યાં સુધી તો છોકરા કરશે! કમાના મનમાં મારા માટે કશીક અલગ સન્માનની લાગણી હશે. મારા ઘરે હટાણું કરવા રોજે સાંજે સો રૂપિયા લેવા આવે અને હું લેપટોપમાં કામ કરતો હોઉં તો દૂરથી બિલાડીની જેમ આંખો પટપટાવ્યા વિના લેપટોપમાં જોયાં કરે. ઘણીવાર હું એને પૂછું કે છોકરાને સ્કૂલમાં ક્યારે મોકલીશ? એટલે સાવ ભોળું હસીને હા પાડે. ગામમાંથી હટાણું કરીને ફરી ઘરે આવે ત્યારે હું એનાં હાથમાં સાવ સસ્તાં ભૂંગળા – વેફર – બિસ્કીટનાં પેકેટ-પડીકાનો ઢગલો જોઉં એટલે ખીજાઉ.

ન તો એ એનાં દીકરાઓને રસી દેવા લઇ જાય, ન તો આ કચરા જેવાં પેકેટ બંધ કરે. એનાં છોકરા પણ એનાં બાપાને હાથમાં ભૂંગળાના પેકેટ લઈને આવતાં જોઈ જાય એટલે એક કિલોમીટર દૂરથી દોડે અને વળગી પડે. સૌથી વધું ખીજાઉ જ્યારે મોટા દીકરાને સ્કૂલમાં ન મુકે.

ખેર…કમાના દીકરાના મોઢાંની લાળ જોઈ, લાંબા ખભા સુધીના વાળ જોયાં, ક્લીપ વિનાનું ખુલ્લું પેન્ટ જોયું. મારી અંદર દયાભાવ આવ્યો, એટલે મેં કહ્યું કે – “આને અમરેલી લઇ જઈએ. ગામના ડોક્ટરથી કશું નહીં થાય.”

ત્યાં જ ઓસરીમાંથી મારા બા અને મારી પત્ની બંને બોલ્યા – “કાઈ નહીં હોય ભઈ…ગામમાં જ જઈ આવો.”

*

મને મારા બા-બાપુજી અને પત્ની પર સખત ગુસ્સો ત્યારે આવે જ્યારે કમા પ્રત્યે કે કોઈ પણ ગરીબ પ્રત્યે એમનામાં કોઈ સહાનુભૂતિ જ ન જાગે! એમને જાગે એ લાગણી વિચિત્ર હોય. કમાને શિયાળામાં સૌથી જૂના ગોદડાં આપે. હું કહું કે આખો પટારો ગોદડાંનો ભર્યો છે તો થોડાંક આપી દો, પણ મને બા કહે – “આ બધાંય બીજે દી ગોદડાં ખેતરમાં રખડાવતાં હોય. એને થોડું-થોડું જ દેવું પડે.” અને ક્યારેક હું ખેતરમાં ગોદડાં કે કપડા વગેરે જોઉં પણ ખરાં! પણ હું પરિવારને કહું કે – “દાન તો આપીને ભૂલી જવાનું હોય ભલા માણસ…આમ એનું ટ્રેકિંગ ના કરવાનું હોય.”

પરંતુ મારા બા કે પત્ની…કમાને એવું અથાણું દેશે જે હવે અમારે ન ખાવું હોય. એવા નાસ્તા આપશે જે ડબ્બામાં તળિયે મહિનાથી સૂતાં હોય અને એમને ડર હોય કે ‘જીતુંને જો એ નાસ્તાની કોથળી દેખાશે તો કચરાના ડબલામાં જવા દેશે’. એવું શાકભાજી આપશે જે ફ્રીજમાં પડ્યું-પડ્યું કોમામાં આવી ગયું હોય. કમો સાંજે રૂપિયા લેવા આવે તો ક્યારેક સો રૂપિયાની જગ્યાએ હું બસ્સો આપી દઉં અને એની ડાયરીમાં લખું નહીં. પણ મારા બાપુજીને ખબર પડી જ જાય. એ ખીજાય – “અરે આ પરજા આ રૂપિયાના ભૂંગળા લઈને ખાહે. અને હું હિસાબ ટાણે વરહે દહ હજાર વધારે જ આપું સું…”

કવિ દુલાભાયા કાગ કહેતાં – “ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહિ આપી શકે.” એમ મારા પરિવારનું ‘કંટ્રોલ’ કરેલું દાન-ધર્મ અમને કોઈને સુખી નથી બનાવવાનું એ મને પીડા આપે. કેવો સેલ્ફ-સેન્ટ્રીક પરિવાર! હું શેરીમાં તાવડી વેચવાં આવતાં ડોશીમાને બે તાવડીના પાંચસો રૂપિયા આપી દઉં તો પત્ની લાલ-ચોળ થાય! હું ભંગાર આપીને બટાકા-ડુંગળી ન લઉં તો બા લાલ થાય! મારો મહિનાનો પગાર એટલો છે જેટલો લોકોને વરસનો હોય. આ ખેતીમાંથી ઘર ચાલે એટલી આવક છે. મારા મ્યુચ્યુઅલફંડ એટલાં મોટા છે કે નોકરી ન કરું તોય વર્ષો નીકળી જાય… પર આ મારી પોતીકી પ્રજાને દયાનો છાંટો નથી.

આ ઉપર કહ્યું એ બધું મારી અંદર બે ભાવ પેદા કરે : એક બળવાખોર દયાભાવ. બીજો સુક્ષ્મ અહંકાર કે હું તો નોખી માટીનો જ છું. મારી અંદર વધું દયા-કરુણા છે.

*

મેં તરત જ દોડીને કારની ચાવી લીધી. બા અને કલ્પિતા રાડો નાખતાં રહ્યા. કમો એમનાં પ્રતિકારથી ખચકાતો હતો અને કહેતો હતો કે ગામમાં જ ડોક્ટર પાસે લઇ જઈએ. પણ હું એને રાડ નાખીને ખિજાયો એટલે છોકરાને ખોળામાં લઇ એ આગળની સીટે બેઠો. મેં ગાડી અમરેલી તરફ ભગાડી. થોડી-થોડીવારે રસ્તાથી નજર હટાવીને આ બાળક સામું જોઉં અને દયા આવે. લાળો પડતી હતી. કમો પાણીની બોટલ એનાં મોઢે આપે તો પાણી પણ બહાર. આંખોના ડોળા ફાટેલાં. શરીરમાં ખાલી પગ આમતેમ થતાં હતાં. કમો કહેતો હતો એમ એની પીઠ, પેટ, અને ડોક બધું સજ્જડ થઇ ગયેલું.

રસ્તામાં મનમાં એક ભાવ જાગ્યો – ‘આના દવાખાનાનો ખર્ચો હું લઇ લઈશ. સિવિલમાં નથી જવું. પ્રાઈવેટમાં લઉં જાઉં.’ એ ભાવ પાછળ એક છૂપો અદૃશ્ય ભાવ હતો – ‘સૌને ખબર પડવી જોઈએ કે આ છોકરાની મેટર કેટલી સિરિયસ છે અને જીતુંએ અમરેલી જઈને સાચું પગલું ભર્યું હતું’. અને એની પાછળ બેઠો હતો અહંકાર – ‘મારી લાગવગ લગાવીને હમણાં બેસ્ટ હોસ્પિટલમાં ઈમરજન્સીમાં લઇ લઉં જો…’

મેં રસ્તામાં જ લાગવગો લગાડી. ‘નવજીવન’ હોસ્પિલમાં ગયા. ડોક્ટરે તપાસ કરી. મને સાઈડમાં બોલાવ્યો. કહ્યું – “આને ધનુરની અસર હોય એવું લાગે છે. આ સાદો તાવ નથી. ડોક અને કરોડરજ્જુ જે રીતે જકડાઈ ગયા છે એ મુજબ તમે તરત રાજકોટ ભેગાં થાવ”

‘કેમ નહીં…હું રાજકોટ લઇ જઈશ. મારી જ કારમાં. મારા ખર્ચે…’ ખુબ ઊંડો વિચાર હતો જે કદાચ મહેસૂસ ન થાય. પણ છતાં મને થયું કે હજુ એક ઓપિનિયન અમરેલીમાં જ લઇ લઈએ. મેં કારને સિવિલ હોસ્પિટલ તરફ ભગાડી. ત્યાં તો ખાટલાઓની લાઈનો અને એમાં રોગો-દર્દીના મેળા જોયાં. ઉમેશને બેડ મળ્યો. હું આમ-તેમ દોડ્યો અને જલ્દીથી ડોક્ટર બોલાવ્યાં. અમુક નર્સ હતી એણે બાટલો ચડાવ્યો. ડોકટરે ફાઈલ જોઈ. મારી પાસે આવ્યાં અને કહે કે – “આને જે સ્કેન કરવા પડશે એ અમરેલીમાં નથી. આને ધનુર હોય એવું લાગે છે.” એટલું બોલ્યા ત્યાં બાજુમાં પથારીમાંથી ઉમેશને આંચકી ઉપડી. એનું આખું શરીર કમરથી ઊંચું થાય, મોઢામાં ફીણ નીકળે, શરીર નીચે પડે. આવું સતત થવા લાગ્યું. ડોકટરોએ કોઈ બીજું ઇન્જેક્શન આપ્યું. બીજી તરફ  જમણી બાજુ એક બેડમાં એક સાઈઠ વર્ષના ભાઈને એટેક આવી રહ્યો હતો અને એ છાતી પર ભાર દઈને રાડો પાડતાં હતાં.

પેલાં ડોક્ટરને નજીક બોલાવીને મેં કહ્યું –

“આ મારા મજૂર છે. એમને રાજકોટની ફી નહીં પોસાય. અહીં કશુંક થાય એમ હોય તો જલ્દી કરો.”

“અહીં તો બે-ત્રણ કલાક રાહ જોશો તો બાળકનું આખું શરીર જકડાઈ જશે અને બાળક ફેઈલ થશે.” એ બોલ્યાં. એ શબ્દો કમો દૂરથી સાંભળી ગયો. એ એનાં દીકરા પાસે બેઠો અને એની છાતી પર પોતાના બંને હાથ અને માથું મુકીને રડવા લાગ્યો. પેલો ડોક્ટર ખિજાયો –

“અલ્યા…ભાર ન દઈશ છોકરાની છાતી પર. એને આમેય શ્વાસ લેવામાં તકલીફ છે. છાતીમાં કફ છે.”

ડોક્ટર આવા કેટલાંયે મજુરોને રોજે જોતાં હશે. કમો રડતો-રડતો બોલ્યો – “એ સાબ…સોરાને તાકાત્ય આવે એવું કૈક કરો. એકાદ બિસ્કીટ આપો. ત્રણ દી થ્યા ખાધું નથ. આજ તો પાણી’ય નથ પીતો” કહીને કમો એ છોકરાની કમર ઉપર બાંધેલી એક લીલી વનસ્પતિની ગાંઠ સરખી બાંધવા લાગ્યો! એ લીલું દોરી જેવું ઘાસ પર મારું ધ્યાન ગયું. મનમાં ગુસ્સો આવ્યો. ડોક્ટરને મારાથી વધું ગુસ્સો આવ્યો –

“ખબરદાર છોકરાને પાણી આપ્યું છે તો…એને પાણી આપશો તો તકલીફ અતિશય વધશે. અમે ઇન્જેક્શન અને બાટલો ચડાવ્યો જ છે. ખાવા-પીવાનું કશું જ ન દેશો, અને જલ્દીથી રાજકોટ જાઓ.” બોલીને એણે દૂર સિક્યોરીટીને કહ્યું કે એમ્બ્યુલન્સ બોલાવે, અને ઓક્સીજન ચાલુ કરે. વળી પાછો ઉમેશ પાસે આવીને ડોકટરે એની કમર પરનું ઘાસ ખેંચીને તોડીને નીચે ફેંક્યું. કમાએ રડતા-રડતા ઘાસ લઈને પોતાના ખિસ્સામાં નાખ્યું.

એમ્બ્યુલન્સ આવી. એમ્બ્યુલન્સનો ડ્રાઈવર માવો ચોળતો હતો અને સ્ટ્રેચરમાં મૂકેલા ઉમેશ અને ભેગાં-ભેગાં દીકરાની છાતી પર હાથ રાખીને એમ્બ્યુલન્સમાં બેસતાં બાપ સામું જોઇને ખુબ શાંતિથી મને કહેતો હતો –

“ચાર હજાર થસે…આ મજૂરિયા પાહે નહીં હોય…તમે મારા નંબર ઉપર ફોનપે અત્યારે કરો તો જ ગાડી હાલતી થસે.”

મેં મનમાં એને મોટી ગાળ આપી અને તરત પૈસા આપ્યા. માવો ચડાવીને જાણે રોજે આવું જ કેટલીયે વાર જોતો-જીવતો હોય એમ ડ્રાઈવર બોલ્યો –

“ગાડી સીધી સિવિલમાં જસે. આ દર્દીના બાપાને અંદર ગાડીમાં ઓક્સીજન માસ્ક પકડીને બેસવાનું થસે. છોકરો માસ્ક ખેચી નાખ્સે. તમે તમારી કાર પાછળ ચલાવતાં આવો. સિવિલ મોટી છે એટલે લાગવગ હોય તો થોડુંક સારું પડસે.”

રાજકોટના રસ્તે કાર ચલાવતાં-ચલાવતાં મેં ઓફિસમાં રજા મૂકી. પછી ઘરે ફોન કર્યો. આમેય મારા બાપુજીના સતત ફોન આવતાં હતાં કે – “પ્રાઈવેટમાં ન લઇ જતો. આ લોકો સિવિલમાં જ ભલા.”

એટલે ઘરે બધાંને ફોન કરી-કરીને મારી અંદરનો એક માણસ દેખાડી રહ્યો હતો કે શા માટે મારો અમરેલી જવાના નિર્ણયની કોઠાસૂઝ સાચી હતી – “ડોકટરે તો કહ્યું છે કે અમુક કલાકમાં કેસ ખલાસ થઇ શકે એમ છે. રાજકોટ ઈમરજન્સીમાં જવું જ પડે એમ છે.”

મને મારો નાનકડો એક વર્ષનો દીકરો યાદ આવ્યો. ઈશ્વરને પ્રાર્થના કરી કે આવું હેરાન કોઈને ન કરે. આ ઉમેશની જગ્યાએ મારો દીકરો હોય તો મારું શું થાય? હું આવો જ જાગૃત રહું? હું કોઈના ફોન ઉઠાવી શકું? હું શબ્દો ગોઠવીને બીજા લોકોમાં દયાભાવ પેદા કરાવી શકું?

મારી કાર આગળ ચાલતી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર મને ફોન કરીને કહેતો હતો કે આ મજૂર સમજતો નથી, અને દીકરાને ખાવા-પીવા આપવું છે. એણે કમાને ફોન આપ્યો. કમો કહે –

“મારા સોકરાને કાંક ખવરાવો. ખાધા-પીધા વિના રોગ કેમ જાહે. બિસ્કીટ આપો”

મેં ગાળ આપીને કહ્યું કે – “મૂંગે-મૂંગો તારું મગજ ચલાવવાનું બંધ કર, અને છોકરાને ઓક્સીજન આપ.”

મને જવાબ આપવાને બદલે કમો રડતા-રડતા એનાં અલગ-અલગ માતાજીના નામ લેતો હતો. હું ચિડાયો – “મેં હજાર વાર કીધેલું કે છોકરાઓને રસી દેવા આરોગ્યકેન્દ્ર લઇ જા. આ તમારી જાત એમાં માને નહીં એટલે આ ધનુર થયો છે. ડોકટરે કહ્યું એ સાંભળ્યું? ધનુર માટીમાંથી પણ આવ્યો હોય. અને ખવડાવ હજી ભૂંગળાને વેફર. બાળક પાસે રોગ સામે લડવાની તાકાત ક્યાંથી આવે?”

*

સાંજે આઠ વાગ્યે રાજકોટ સિવિલ આવી. મેં મારા સંપર્કો દોડાવ્યાં. હું રાજકોટમાં સાયન્સ ભણતો અને એ હોસ્ટેલના દિવસોમાંથી એક મિત્ર ધવલ અહીં સિવિલમાં કામ કરતો. એને દોડાવ્યો. બાળકોના વિભાગમાં ખાટલો મળ્યો. મારી એક જાતને મનમાં ‘આનંદ’ થયો કે કમો રડતા-રડતા જોઈ શકતો હતો કે ‘અહીં પણ મારે ડોકટરોમાં ઓળખાણ છે…’

પછી અડધી જ કલાકમાં આ છોકરાને બાટલા ચડ્યા. ચાર-પાંચ ઇન્જેક્શન હાથની સોઈમાં દેવામાં આવ્યાં! છાતીના એક્સ-રે માટે મને કહેવામાં આવ્યું કે એક્સરે મશીન અને એનો ઓપરેટર લઈને આવું. હું એક બિલ્ડીંગથી બીજે બિલ્ડીંગ ખુબ દોડ્યો. હેરાન થયો. સિવિલમાં મને કે મારા મિત્ર ધવલને પણ કોઈ ભાવ પૂછતું ન હતું. ઉપરથી મને ભૂખ સખત લાગી હતી.

એક્સ-રે વિભાગમાં પણ લાંબી લાઈન. મોટું એકસીડન્ટ થયું હશે તે આઠ-દસ હાથ-પગ ભાંગેલા દર્દીની સ્ટ્રેચરની લાઈન! એ સૌની દર્દભરી રાડો. એમનાં સગાઓની રોકકળ. ઉપરથી કોઈને ફોન ન લાગે એવી જગ્યા. ફોનમાં ઓછું ચાર્જીંગ. ત્યાં બાળકોના વોર્ડમાંથી મારા પર ડોક્ટરનો ફોન આવે કે જલ્દી કરો, અને તમારો કેસ ઈમરજન્સી છે, અને છોકરાનું આખું શરીર જકડાઈ ગયું છે, અને જીભ એનાં દાંત વચ્ચે કચરાઈ ગઈ છે.

એક્સ-રે વાળા આવ્યાં અને હું ઉમેશના બેડ પાસે ગયો ત્યારે મનમાં પીડા ઉઠી. કમો છોકરાના મોઢાંમાં પોતાની બે આંગળી નાખીને બેઠો હતો કારણ કે ડોકટરે કહ્યું હતું કે એવું નહીં કરે તો જીભ કચરી નાખશે. દાંત સિવાય આખું શરીર પથ્થર. નાકે ઓક્સીજનનું માસ્ક. કમાના બીજા હાથમાં પેલું ઘાસ હતું જે છોકરાના પેટ પર મુકીને એ કશુંક મંત્ર બબડતો હતો.

આ બધું જોયું છતાં મને ભૂખ લાગી હતી એ વધું મહત્વનું હોય એમ હું ડોક્ટર પાસે ગયો અને બોલ્યો – “હું સીટીમાં ક્યાંક હોટલમાં જમવા જાઉં છું. મારું કામ પડશે? રાત્રે મારી જરૂર પડશે?” અને ડોક્ટર જાણે મારા જેવાં કેટલાંયે સગવડીયા દયાભાવના કામ કરતાં લોકોને મળતો હોય એમ બોલ્યાં –

“જો સરખી કાળજી ન લઈએ તો બાળક કદાચ ન બચે. ધનુર છે. આખી છાતીમાં કફ છે. બાળકને વેક્સિન મળી નથી. બે-ત્રણ દિવસનું રોકાણ થશે. આ મજૂરના સગાઓને બોલાવી લો અને કપડા ઓઢવાનું મંગાવી લો. છોકરા પાસે એક માણસને સતત જાગવાનું છે કારણ કે જીભ કચરી નાખશે અથવા ઘેન ઉતરશે અને જાગશે તો સોઈ કે ઓક્સીજન માસ્ક કાઢી નાખશે. એનાં પપ્પા કાલ સાંજ સુધીમાં તૂટી જશે. એનાં મમ્મીને જાણ કરી દેજો. એનાં ફોનના ચાર્જીંગની વ્યવસ્થા કરો. એનું જમવાનું બહાર એક સિવિલનું જ સેવાનું અન્નક્ષેત્ર છે એમાં કરી દો. મારી ડ્યુટી હવે ફરશે અને રાત્રે બીજા ડોક્ટર હશે.”

આ બધું જ હું કમાને કહેવા રૂમમાં ગયો ત્યારે કમો મને એક જ સવાલ સતત પૂછે – “સોકરો બચી જાહે ને જીતુભાઈ?”

મેં એને સમજાવ્યો કે બહાર અન્નક્ષેત્રમાં મફતમાં જમી લે. રાત્રે હું બે-ત્રણ કલાક જાગું પછી તું જાગ એમ વારા કરીએ. જોકે બધી બાબતમાં ના પાડતો હતો. એને બહુ સમજાવ્યો પણ એ ખાવા ન ગયો. એની સૂકી આંખો અને હાડપિંજર જેવાં શરીરને જોઇને લાગતું ન હતું કે કમો આખી રાત બાળક પાસે જાગી શકશે! પરંતુ મને મારી ભૂખ અને થાક ચડેલાં. હું અન્નક્ષેત્રમાં ગયો તો ત્યાંતો ભાત-દાળ અને સુકી રોટલીઓ હતી. મજુરોનો મેળો હતો. અરે બાળકોના વોર્ડની બહાર મેદાનમાં પણ જાણે ધાબળા-શાલ પાથરીને અહીં જ ધામા નાખ્યા હોય એમ સેંકડો મજૂરોના પરિવારો! મચ્છરો કે ગરમી એમને નડત્તા ન હતાં. સિક્યોરીટીની સીટીઓ છતાં એ સૌ કટોરા અને થાળીઓ ભરી-ભરીને અન્નક્ષેત્રમાંથી ખાવાનું લાવતાં હતાં.

મને ઉમેશની મા કપિલાના ફોન આવવા લાગ્યાં. સતત એક જ રટણ – “મારો સોરો બચી જશે? એનાં પપ્પાને ફોન કરું સું તો એ રોવે જ સે. કેય સે કે ડોકટરો એને ભૂખ્યો મારી નાખ્સે.”

…અને હું કપિલા પર પણ રાડો નાખીને કહું કે – “રસી આપવી હતીને…ધનુર છે. ત્રણ દિવસ રાહ જોવાં કરતાં થોડુંક વહેલા દવાખાને જવું હતુંને…”

મારા ઘરેથી કોઈનો ફોન આવે તો કહું કે – “આ ક્રીટીકલ કેસ છે અને તમને બધાંયને હું ક્યાં સુઇશ એની પડી છે?”

જો કે મને પણ એક આલીશાન હોટેલમાં ખાતા-ખાતા ‘ક્યાં સુઈશ’ એવું થતું હતું! છેવટે હું એક નજીકમાં રહેતાં મારા વાચકમિત્રને ત્યાં ગયો. મારી ત્યાં તો મોટી સ્વાગતવિધિ થઇ. આખું ઘર મારી આસપાસ ગોઠવાયું અને ‘લેખક અમારા ઘરે આવ્યાં’ એનાં અહોભાવમાં લેખન બાબતના સવાલો આવવા લાગ્યાં. મેં એ બધાની અંદરના ઈમોશનને બદલી નાખવા આ ઉપર લખી એ આખી કથા કીધી. સૌ કોઈ ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યાં. હું એક મોટા રૂમમાં એસીની અંદર સુઈ ગયો.

*

સવારે ઉઠ્યો. મારા નાસ્તા તૈયાર હતાં. મેં ખાલી ચા પીધી. નાહીને એનાં એજ કપડાં પહેર્યા. મારી ખુબ સેવા-ચાકરી થતી જોઇને મેં એમને કહી જ દીધું કે – “હું તો સીધો હોસ્પિટલ પર એક આંટો મારીને, અમારા મજૂરને દસેક હજાર રૂપિયા આપીને, પછી મારા ગામડે જતો રહીશ. એટલે ફરી ક્યારેક સારા કામે આવીશ ત્યારે મારી મહેમાનગતિ કરજો…”

મેં કમાને ફોન લગાવ્યો, પણ ફોન બંધ થઇ ગયો હશે. રસ્તામાંથી કમાના ફોન માટે ચાર્જર લીધું અને હું હોસ્પિટલ ગયો. વોર્ડમાં ગયો તો ત્યાં કમો ન હતો. છોકરો હજુ એમ જ સ્થિર સુતો હતો.

હું છોકરા પાસે ગયો. એને એક નજરે જોયો. મારા અંદર કોઈ ભાવ પેદા થતો ન હતો. કોઈ લાગણી પેદા ન થઇ એનું એક સુક્ષ્મ દુઃખ પણ થયું. હું ડોકટરોના સેક્શનમાં ગયો અને પૂછ્યું કે બાળકના પપ્પા ક્યાં છે? તો મેઇન ડોક્ટર મારી પાસે આવીને બોલ્યો કે –

“મેં એમને બાળકના ડેથના સર્ટિફિકેટ માટે આખું નામ લખાવવા મોકલ્યો છે.”

ક્ષણભર માટે મારા વિચારો થીજી ગયા. મેં નીરખીને હમણાં જોયેલું એ મડદું હતું. ડોક્ટર બોલતાં હતાં – “અમે ખુબ પ્રયત્ન કર્યા પણ રાત્રે ચાર વાગ્યે પ્રાણ છોડી દીધા. રાત્રે બે વાગ્યે એનું ઘેન ઉતર્યું ત્યારે તો બાપ-દીકરો વાતો કરતાં હતાં, પણ બાળક મૂંગા-મૂંગા બધાં જવાબ દેતું હતું, પરંતુ બે કલાક પછી આંચકીઓ ફરી ચાલુ થઇ, અને એનાં ફેંફસા કફથી ભરાઈ ગયા હતાં એટલે શ્વાસ મુકાઈ ગયો. હવે એને અંતિમ ક્રિયા માટે લઇ જાઓ.”

ખબર નહીં કેમ પણ દુઃખ ન થયું. બસ નિ:સાસો નીકળ્યો. મને મારી અંદરથી ‘રડવું આવશે’ એવી આશા હશે.

મેં એમ્બ્યુલન્સ સેટ કરવા ફોન પર ફોન કર્યા. કમો મને ક્યાંય દેખાયો નહીં, પણ મારે ગામડે જવું હતું. મને મારો દીકરો યાદ આવ્યો હતો. મને કપિલાના ફોન સતત આવતાં હતાં એટલે મેં એને સમજાવી કે – “હું ગામડે આવું છું અને રૂબરૂ આવીને બાળકની તબિયત વિષે બધું જ કહીશ.”

હું એને કહી ન શક્યો કે તારું બાળક જતું રહ્યું છે. છતાં મેં એક વાત કહી દીધેલી કે – “છોકરાઓને રસી અપાવતા નથી તમે લોકો…”

*

હું ગામડે જતાં-જતાં રસ્તામાં રાજકોટના ગરમ ગાંઠીયા ખાતો ગયો કારણ કે ગામડે પહોંચતા તો પાંચ કલાક થાય એમ હતાં, અને મને મારી ભૂખની પડી હતી. ગાંઠીયાનો ઓડકાર ખાઈને મેં કમાને ફરી ફોન કર્યો અને સીધું એમ જ પૂછ્યું કે – “શરીરને ક્યાં લઇ જવું છે?”

…અને બાપ અંદરથી મરી ગયો હોય એમ બોલ્યો કે – “મારા ઘરે…” અને પછી એ રોઈ પડ્યો. એના ધ્રુસકાને લીધે મારી આંખો ભીની થઇ. આંસુ ન આવ્યાં. કમો રડતા-રડતા બોલ્યો – “જીતુભાઈ…મારો દીકરો…આ ડોકટરો એ મારી નાખ્યો મારા સોકરાને…જીતુભાઈ” અને હું એને શાંત થવા સમજાવું છતાંય કહે કે – “રાત્રે તો મારી હાર્યે વાતું કરતો હતો મારો દીકરો…”

જીવનમાં પહેલીવાર મેં બાળકનું મડદું જોયેલું. પહેલીવાર બાપનું આક્રંદ જોયેલું. પહેલીવાર સિવિલમાં આટલાં જીવન-મરણના ઝોલાં ખાતા દર્દી જોયેલાં. મારે રડવું હતું. રડવું આવતું ન હતું. હું ગામડે પહોંચ્યો અને મારા દીકરાને ભેંટી પડ્યો કારણ કે એમ થતું હતું કે…એ ઈશ્વર…આવું મારી સાથે ન કરતો!

બપોરે મારા ઘરે સૌ ચુપચાપ જમ્યા. દુઃખ સૌને હતું. પરંતુ નફફટ રીતે બીજી વાતો પણ થતી હતી કે –

“કાઈ નહીં…ચાર દીકરા છે. એક પેટ ઓછું ભરવું…”

“હવે કદાચ આ લોકો આપડે ત્યાં નહીં રહે.”

“જીતું…તારે કેટલો ખર્ચો થયો? અને હા…એની દાહોદ જવાની ‘તૂફાન’ બાંધી દેવી પડશે. કેમ કે એમ્બ્યુલન્સ નહીં જાય અને જાશે તો વીસ હજાર લેશે.”

ધત્ત…આ માણસોની જાત. સ્વારથના પોટલાં. બાળકના મોતનું દુઃખ હોય તો મૂંગા રહો. આમ મનમાં આવે એ વિચારો બકી ના દેશો. હું ખીજયેલો.

*

જમીને ઉમેશની માને આ સમાચાર રૂબરૂ કહેવા હું ખેતરે ગયો. કપિલા ઓરડીમાં રોટલાં કરતી હતી. એનાં ભૂખ્યા ત્રણ દીકરા પહેલાં રોટલાંની શેકાવાની રાહ જોતાં ચુલા ફરતે બેઠાં હતાં. મેં હિંમત કરીને ત્યાં દરવાજે ઉભા-ઉભા કહી દીધું –

“કપિલા…ઉમેશને આપણે બચાવી ન શક્યા. કમો એનાં શરીરને લઈને એમ્બ્યુલન્સમાં અમરેલી આવે છે. તું કપડાનો થેલો ભરી લે. કમાએ કહ્યું છે કે અમરેલીથી સીધા બાળકને ગોધરા લઇ જવાનું છે, અને ત્યાં ઘરે અંતિમક્રિયા છે. ચાલો હું તમને કારમાં અમરેલી લઇ જાઉં.”

હું આ બોલ્યો ત્યારે મારી અંદર ખુદ પ્રત્યે ઉઠેલી નફરતની એક વાસ મારી જીભમાં ચડી. મારું મોઢું મને કડવું લાગ્યું. હું કપિલાની પ્રતિક્રિયાને અજીબ અર્ધજાગૃત રીતે જોઈ રહ્યો હતો. અને એ મા…

એને કાને આ શબદ પડ્યા અને એનાં પંડ્યમાંથી હળવેકથી જીવ નીકળી ગયો હોય એમ પૂતળાની જેમ મારી સામું જોઇને કેટલીયે ક્ષણો સુધી બેઠી રહી. એની મને તાકતી નિર્જીવ આંખો જાણે મને કહી રહી હતી કે – “મૂંગો મર્ય…મારા સોકરાં વિશે આવું બોલ્યમાં નહીં તો આ ચૂલામાંથી કોલસા હાથમાં લઈને તારા ડાચામાં ભરાવી દઈશ…”

…પણ પછી એ જ્યાં બેઠી હતી ત્યાં જ કોન્ક્રીટની ફર્શ પર ઢળી પડી. રુદનની મોટી પુકાર નીકળી અને આખા ખેતરમાં દૂર-દૂર સુધી પડઘાં પડ્યા. મારા રુંવાડા ઉભાં થઇ ગયા. એ જમીનને માથું પછાડતી, મોટે-મોટેથી રાડો નાખતી કશુંક બોલી રહી હતી. મને બે જ શબ્દો સમજાતા હતાં – ‘મારા દીકરા…’ અને ‘ઉમેશ..’

એના ત્રણેય બાળકો અસમંજસ હતાં. ‘મા…મા…મા…’ કરી રહ્યા હતાં. મોટો દીકરો ચૂલેથી બળતો રોટલો જાતે આંગળીથી ખેંચવા લાગ્યો. હું કપિલા પાસે નજીક ગયો. ‘શાંત થઇ જા..’ અને ‘જે ભાગ્યમાં હતું એ થયું..’ અને ‘ડોકટરે ખુબ પ્રયત્ન કર્યા પણ…’ એવું બધું કહી રહ્યો હતો, પરંતુ મારે એ માને ભેંટી લેવી હતી અને કહેવું હતું કે ‘છાની રહી જા…હું તારું દુઃખ સમજુ છું…’

…પણ ના…હું એનું દુઃખ સમજી શકું એટલો સારો માણસ ન હતો. મારી જીભે હજુ ખુદ પ્રત્યે નફરતની વાસનો સ્વાદ હતો. મને ખબર ન હતી કે એ ખુદનો ધિક્કાર કેમ હતો પરંતુ…

જ્યારે હું કાર લઈને ખેતરે ગયો. રડતી કપિલાને કારમાં આગળ બેસાડી. એનાં બાળકોને બેસાડ્યા. અમરેલી ગયો. ત્યાં બપોરના ચારેક વાગ્યાના ભયંકર તડકામાં બસ-સ્ટેશનની પાછળના સુમસાન રસ્તા પર કાર ઉભી રાખી. કપિલા ઉતરીને બસસ્ટેશનની દીવાલના ટેકે બેસીને રડતી હતી. એનાં ભૂખ્યા મોટા છોકરાના હાથમાં પેલો બળેલો રોટલો હતો જેનાં ચાર ટૂકડાં કરીને એણે ખિસ્સામાં સાચવી રાખેલાં. હવે એક-એક ટૂકડો પોતાના બંને નાના ભાઈઓને આપતો હતો. પોતાની પાસે બે ટૂકડાં વધ્યા એમાંથી એક એણે મોઢામાં દાંત વચ્ચે ભીડ્યો, અને છેલ્લો ચોથો ટૂકડો એણે આકાશ તરફ અસ્તિત્વને ઘા કરતો હોય એમ ઘા કરીને એ બોલ્યો – “ઈ રોટલો મારા ઉમેસ ભાઈનો…”

…અને એ પછી એમ્બ્યુલન્સ આવી. બીજી તરફથી મેં બાંધેલી તૂફાન ગાડી આવી. એબ્યુલન્સમાંથી કમો ઉતર્યો અને ઉતરીને સીધો મને ભેંટી પડ્યો અને ખુબ મોટે-મોટેથી રડવા લાગ્યો. હું એને છાનો રાખું કે હું એને સમાનુભૂતિ દેખાય એટલે આંખે આંસુડા લાવું? કે પછી એને કહું કે મને છોડ…તારી ઘરવાળીને વળગી પડ.

સમાજના એવાં વણબોલ્યા તાળાઓ આપણને સૌને લાગ્યાં છે કે – દીકરાનું મૃત્યુ થયું છતાં…સુમસાન રસ્તો હતો છતાં… એક પતિ પોતાની પત્નીને ભેંટીને રડતો ન હતો. મારું અંદર ઊંડે-ઊંડે એનાલિસિસ ચાલતું હતું કે – શું આ પતિ-પત્નીને આવી કપરી સ્થિતિમાં પણ સભાનતા હશે કે બજાર વચ્ચે ભેંટી નહીં શકાય?

ત્યાં મારું ધ્યાન એમ્બ્યુલન્સમાં સુતેલાં ઉમેશ પર ગયું. શરીર ફૂલી ગયું હતું. મેં એમ્બ્યુલન્સમાં જઈને ડ્રાઈવરની મદદથી શરીરને એક સફેદ ચાદરમાં ઉચક્યું અને તૂફાન ગાડીમાં મુક્યું. ગાડીની અંદર સુવડાવીને હું ઉમેશની સામું જોઈ રહ્યો. હજુ એની જીભ દાંત વચ્ચે કચરાયેલી હતી. આંખો બંધ હતી. એનો હાથ સોજીને પીળો પડી ગયો હતો. પેટ સાથે પેલું ઘાસ ફરી બાંધવામાં આવ્યું હતું. એ ઘાસ જોઇને મને કમા પ્રત્યે ગુસ્સો આવ્યો. મેં ઉમેશના હાથને સ્પર્શ કર્યો. ડરીને છોડી દીધો. મનમાં એક વિચિત્ર વિચાર આવ્યો – “તું સ્પર્શે અને એ જાગી જાય તો અહીં કેવી કેવી ઘટનાઓ બને?”

તૂફાન ગાડીનો ડ્રાઈવર મારી પાસે અડધું ભાડું માંગવા આવ્યો ત્યારે બોલ્યો – “બારણું બંધ રાખજો ભાઈ…અહીં કૂતરા આંટા મારે છે અને એમને વાસ આવી જાય ડેડ બોડીની…”

હું એની સામું જોઈ રહ્યો. ત્યાં મારા પપ્પાનો ફોન આવ્યો કે – “ભાડું કેટલું દીધું એ કેજે મને. હું લખી લઉં.” મેં ફોન મૂકી દીધો.

કપિલા તૂફાનમાં બેઠી. ઉમેશની સામું જોઇને પોતાની છાતી કૂટવા લાગી. રડતા-રડતા કમાને કહી રહી હતી કે – “અમદાવાદ ગાડી ઉભી રાખે. ભૂવા પાહે…”

મેં કમાને પૂછ્યું તો એ હાંડપિંજર જેવો બાપ મારી આંખોમાં આંખો નાખીને દુઃખી અવાજે કહે – “રસ્તામાં અમદાવાદ પાહે અમાર એક માતાજીના ભૂવા સે જીતુભાઈ. ઈ માર સોકરાને ફરીન જીવતો કરી દેહે જીતુભાઈ…ઉમેસને આ ડોક્ટરૂ એ કાંક ઝેર ચડાવી દીધું સે જીતુભાઈ…”

મારા કપાળની રેખાઓ ભેગી થઈ. મને આ ‘મજૂર’ લોકો તરફ ચીડ ચડી. ઉમેશના વાળ પણ આ લોકોએ જન્મથી અત્યાર સુધી કપાવેલા નહીં કારણ કે ભૂવાએ ના પાડેલી. મેં એને ધીમેથી સમજાવ્યું કે – “દોસ્ત…સીધા ગોધરા તમારે ગામડે જાઓ અને અંતિમક્રિયા કરો. શરીર ફૂલી જશે.”

શબ અને એનાં માબાપ અને ભાઈઓ સૌ ગોધરા તરફ જતાં રહ્યા. રાજકોટથી આવેલી એમ્બ્યુલન્સ રાજકોટ બાજુ પરત ઉપડી. સાંજના છ વાગ્યે એ રસ્તામાં હું એકલો ઉભો હતો અને મને કમાની છેલ્લી વાત પર હસવું આવ્યું! મારા એ હાસ્ય પર મારે રડવું હતું.

મેં મારી કાર મારા ગામ તરફ દોડાવી. બધી જ ઘટનાઓ મનમાં ભેગી થઇ. રસ્તામાં કાર ઉભી રાખીને મારે રડવું હતું. મારી જીભે નફરતની વાસ બમણી આવી. કાર ઉભી રાખી. મેં રડવા પ્રયત્ન કર્યો. આંસુ આવ્યાં નહીં એટલે મેં કારમાં મોબાઈલને બ્લુ-ટુથથી કનેક્ટ કરીને યુ-ટ્યુબમાં કોઈના મૃત્યુ પર ગાવામાં આવતાં ‘મરશિયા’ વગાડ્યા. એ મરશિયાના ગીતો સાંભળ્યા અને એ સમયે મને માંડ એક ઠંડુ આંસુડું આવ્યું…

સારું થયું એ આંસુ આવ્યું, કારણ કે મારું મગજ મને મરશિયા સાથે છાતી કૂટવા કહી રહ્યું હતું અને એવું થાત તો મારી જ અંદરનો એક માણસ ખડખડાટ હસતો હોત. એ પરાણે આવેલાં આંસુ સાથે ખબર પડી કે – મને ખુદ પ્રત્યે જે નફરતનો કડવો ભાવ પેદા થયો હતો એમાં કેટલાંયે આવરણ હતાં – હું એક બાળકના મોતને જોઇને…અરે મડદાંને સ્પર્શીને રડી શકતો ન હતો. આ મજૂરના બાળકની મોત સામે મને એમનાં અજ્ઞાનનું વજન વધારે દેખાતું હતું! બીજા માનવીના દુઃખને જોવાંને બદલે, એનાં આત્માને સ્પર્શવાને બદલે મને એનાં આવરણો દેખાતાં હતાં. મારા પરિવારને જેમ દેખાતાં એમ જ. મને એનાં આવરણ પણ ગુસ્સો – નફરત – હાસ્ય આવતાં હતાં. મને મારા આવરણો પર એ જ બધું થતું હતું.

*

બાળકનું બારમું થઇ ગયું એટલે એક દિવસ સવારે મારા પપ્પાએ કમાને ફોન કરીને કહ્યું કે હવે બધાં પાછા આવી જાઓ જેથી કામે વળગી શકાય. પણ એ ફોનના મહિના પછી કમલેશે અમારું ભાગીયું છોડી દીધું. મેં ફરી ફોન કર્યો ત્યારે કમાએ કહ્યું કે – “એ ઓરડીમાં હવે ઉમેશની મા નહી રહી હકે. એને સોકરો જીવે સે એવું લાગે…”

“ઠીક છે. તમે તે દિવસે અમદાવાદ ભુવા પાસે ગયેલાં?”

જવાબમાં કમાએ હા કહ્યું. આખી વાત કરી. એનાં ભૂવાએ એમને એવું કહેલું કે બાળકને કમાની વર્ષો પહેલાં ગુજરી ગયેલી સાસું વળગી હતી. એ એનાં પેટમાં કૂકડો બનીને ઘૂસી ગયેલી. અગ્નિક્રિયા વખતે કમાને એવું લાગેલું કે ઉમેશના પેટમાંથી એ કૂકડો ઉડી ગયો! કમાએ અગ્નિ-સ્વરૂપ જેવો કૂકડો હવામાં ઉડી જતાં જોયેલો.

હું એ બધું સાંભળીને હસી પડ્યો. જેમ એ બાળકનો મૃત્યુનું સાચું કારણ એવો ‘ધનુર’ કમાને ‘કૂકડો’ દેખાતો હતો…એમ જ…મારી અંદર લાગણીઓના મૃત્યુ કૂકડાની જેમ હાસ્ય બની બહાર આવતાં હતાં.

મારું મોઢું ફરી કડવું થઇ ગયું.

***

(ઉમેશનો હોસ્પિટલમાં લીધેલો અંતિમ ફોટો)

1 like ·   •  0 comments  •  flag
Share on Twitter
Published on June 02, 2024 03:57

December 24, 2023

ઓ સર્જક…

(મારી ચોથી નવલકથા લખવાની શરૂઆત સમયે ખુદને એક સર્જક તરીકે તૈયાર કરવા આ એલાન લખેલું. કદાચ અન્ય સર્જકોને કામ આવશે એમ સમજી શેર કરું છું)

ઓ સર્જક…
કુદરતે જગતને દ્વંદ્વથી ભર્યું છે.
અહીં સુખ અને દુઃખ બેય ફાટફાટ દીધાં છે.
…અને સુખ-દુઃખની ફાટાઇને પામવાં,
આ ક્ષણજીવી જીવનીને ભેદવા,
દ્વંદ્વ માંહેથી સતની દૃષ્ટિ પામવાં
કુદરતે પાથરી છે ‘કળા’.

એ સર્જક…
તમ થકી આ કુદરત જગત સમક્ષ ‘ખુદ’ વ્યક્ત થવા માંગે છે!
એ ઉતરે છે તમ સર્જકોની અંદર,
અને એકોએક માનવીના કોઠે જાય છે
જીવન-સંવેદનાના દીવા કરવા.
એલા જીવતાં જાગતાં શીખવાડે છે ઈ તમ થકી!

એ રૂડાં સર્જક,
તને તો આ કાયનાતે ચાહેલો છે.
તારા થકી આ કયામતને કાંઈક બોલવું છે એ ભાઈ!
તો એ સર્જક…
જ્યારે માત-સરસ્વતી તારા પંડે ઉતરેને,
ત્યારે માત્ર સાધક બનજે.
ઓલી અકળ કળાને તારા થકી કાગળે ઉતરવા દેજે.

એ ભાઈ,
જ્યારે એ શારદા તને સાધન માનીને જગતને કશુંક કહેવાં માંગતી હોય,
ત્યારે બીબાં ગોતવા જાતો નહીં,
છીબાં ઢાંકવા બેસતો નહીં,
આર્ટને આર્કીટેક્ચર માનીને શબદની ગોઠવણી કરવા લાગતો નહીં,
કારણ કે…
કારણ કે…સાંભળ…
જો કુદરત તારા થકી કશુંક કહેવાં માંગતી હોય ત્યારે તારી કળાને સ્ટ્રકચરમાં ઢાળવા બેઠોને, તો ઓલી કુદરત તને મેલીને બીજા કોઈ બાળક જેવાં નિર્મળ કલાકારને શોધી લેશે અને એનાં થકી વ્યક્ત થશે.
પણ એ વ્યક્ત તો થશે જ…
એ એનાં થકી વ્યક્ત થશે જ્યાં એનો સાધક માત્ર સાધન બનીને શબ્દ આપી રહ્યો છે.
અને છીબાં અને બીબાં લઈને બેઠેલાંને’ય એ મા શારદા આપશે,
પણ એટલું જ આપશે કે જે છીબાં અને બીબાંમાં સમાવા લાયક હોય.

એટલે મારા વ્હાલાં સર્જક…
આવ… સરસ્વતીનો સાધક બન. આરાધક બન. યાચક બન.
તારે તો તારી કળા થકી…
રાત અને સવાર વચ્ચે જન્મેલાં ધુમ્મસ ભર્યા પરોઢિયાને શબદ દેવાનાં છે,
તારે માનવીના મૂંગામંતર પડછાયાને બોલ દેવાનાં છે,
તારે અબળાની છાતીએ સંતાયેલી ક્રાંતિઓના દરિયાઓને કિનારા દેવાનાં છે.
તારે તો શબદ સળગાવીને માનવ-મનમાં દીવા કરવાના છે.

(અને શું નથી કરવાનું?)
જેમ કોઈ સાચો સંત એનાં ઈશ્વરનું ગાન છોડીને,
પછી દાન-ધરમનો વિકાસ કરવા નીકળે,
ઈશ્વરના ઘરના જીર્ણોદ્ધાર આદરે,
ઈશ્વરને આગળ રાખીને પોતાની પ્રસિદ્ધિની જાળ પાથરે,
એમ જ એક સાચો સર્જક, પોતાની સરસ્વતીની સાધના છોડીને,
લક્ષ્મીનો પીછો કરવા નીકળે,
મંચ માંગે, એવોર્ડ ચાહે, પાંચ પૈસાની પ્રસિદ્ધિ પાછળ,
ઓન-ડિમાન્ડ શારદાને બોલાવે…
એલા એમ આ કુદરત આવતી નથી રોજરોજ.

એટલે મૂકી દે મેલા મન.
મૂકી દે આ મૃગજળ જેવી ઝંખનાઓ મોટા થવાની.
બેસ કુદરતની સાધનામાં અને…
મારી નાખ બધાં જ ભય.
મારી નાખ તારી જાગતી ચેતનાને.
મારી નાખ તારા વાચકો, ચાહકો, પ્રેમીઓ and what not!
કાપી નાખ બધાં જ મનના મેલ અને કપટ.
છોડ રાજકારણની રમતો તારા કહેવાતાં ખોબાં જેવડાં સાહિત્ય-જગતની,
અને આવ મેદાનમાં રાસ રમવા…
એવાં મેદાનમાં જ્યાં મીરાં કાન્હ માટે લખતી હશે.
જ્યાં તુલસી રામ માટે લખતો હશે.
જ્યાં ગંગાસતી અને પાનબાઈ ભજન રચતી હશે.
અરે ખોલ દરવાજા તારી છાતીના ઓ સાધક,
અને જો ઓલી કુદરત કેવી વહે છે કલ્પનાઓનો ધોધ બનીને…
એ કલ્પનાઓને, એ ચિત્રોને, એ અવાજોને…
શબદ આપ…
માત્ર શબદ આપ…
અને જો…
એ વ્હાલાં સર્જક,
તું જો કે તું કવિતા લખે છે કે ક્રાંતિ?

 •  0 comments  •  flag
Share on Twitter
Published on December 24, 2023 17:58

November 15, 2023

રામબાઈના ઓરીજીનલ ફોટોઝ || Original Photos of The Raambai

ધ રામબાઈ‘ નવલકથા એક સત્ય જીવનયાત્રાથી પ્રેરિત થઈને લખાયેલી નવલકથા હોવાથી એને વાંચીને ઘણાં ઈમેઈલ્સ અને મેસેજ આવતાં હોય છે કે વાંચકને રામબાઈના વાસ્તવિક ફોટોઝ જોવાં છે. અમુક ફોટોઝ નવલકથાના અંતમાં પ્રિન્ટ કરેલાં જ છે, પરંતુ આમેય વીસમી સદીના ફોટો હોય, ઝાંખા હોવાથી પ્રિન્ટમાં સરખાં સૂઝતાં નથી. એટલે મારી પાસે જેટલાં ફોટો હાલ ઉપલબ્ધ છે એ બધાં જ અહીં શેર કરું છું.

યાદ રહે કે આ વાર્તા અને રામબાઈ પોતે એ સમયમાં થઇ ગયેલાં જ્યારે ફોટોગ્રાફી ગામડાંના ગરીબ માણસને પરવડે નહીં. આખા જીવનમાં એક-બે ફોટો પાડેલા હોય અને એ ગજબ ઊંડું સંભારણું હોય. રામબાઈ અને વીરજીના પણ વધું ફોટો અવેલેબલ નથી. પાડેલા જ નથી. પરવડતાં નહીં હોય. એમનાં હાલ તદ્દન ખંડેર એવાં ઘર અંદરથી જેટલાં ફોટોઝ મળ્યાં છે એ બધાં જ મેં અહીં અપલોડ કર્યા છે.

આ છે આપણી ‘ધ રામબાઈ’. યુવાન વયે આ ફોટો પાડેલો હશે. કદાચ ચાલીસ વર્ષે. આ મારો સૌથી પ્રિય ફોટો છે. એનો ચહેરો, આંખો, એનાં અસ્તિત્વનું તેજ, અને મારી એમની સાથેની યાદો… જ્યારે-જ્યારે આ ફોટોને જોઉં ત્યારે રડી પડું. (જુઓ અત્યારે પણ લખતાં લખતાં…) આ એમનાં ઘરની ડેલી. અગેઇન મારું પ્રિય દૃશ્ય. રામબાઈ જીવતી ત્યારે પણ આ ડેલીએ ઉભો રહું અને મારા અંતરમાં થતું કે આ ડેલીની અંદર કોઈ જાગૃત ચેતના પોતાનો અખંડ ધૂણો નાખીને બેઠી છે. બસ એવું વાઈબ્રેશન ફીલ થતું! અને રામબાઈના પરમની પરિક્રમ્માએ ગયા બાદ પણ હું જ્યારે એનાં ખંડેર ઘર પર જાઉં ત્યારે એમ લાગે કે અંદર કોઈ જાગૃત ચેતના જીવીને ગયેલી છે. કદાચ આ અનૂભૂતિ મારા એકલાંની હશે, અથવા આ સ્ત્રીને પામનારા દરેકને થતી હશે. ઉપર જે ડેલી છે એને પકડીને ઉભેલી છે આ ભીંત. નવલકથા વાંચશો ત્યારે ખબર પડશે કે વીરજીએ આ ભીંત કેમ ચણેલી. હું અહીં કશું કહું તો એ વાર્તા-તત્વ ખોલી નાખશે. એટલું કહી શકું કે જેનાં જીવનને જોઇને વાર્તાઓ લખાતી હોય એવી સ્ત્રી અને મરદને પણ ક્યારેક થાક લાગતો હોય છે સમાજથી. આ દીવાલો એ થાકથી ચણાતી હશે. આ છે જીર્ણોદ્ધાર થયેલું મંદિર. નવલકથાનું એક ખુબ મહત્વનું પાત્ર છે. આ જગ્યા વર્ષો પહેલાં અલગ હશે. મંદિર રામબાઈના સમયમાં કેવું હશે એ ખબર નથી, પરંતુ હાલ આ આવું છે. રામબાઈની ડેલીની એકદમ સામે રસ્તાની બીજીબાજુ હજુ અડીખમ ઉભું છે. નવલકથામાં અહીં એક ઘટના બને છે. એ ચેપ્ટરનું નામ છે “અવતાર”. મને યાદ છે કે બેંગ્લોરમાં મારા ઘરની બાલ્કનીમાં બપોરે જમીને એક વાગ્યે હું એ ચેપ્ટર લખવા બેઠેલો. હું જમીને ક્યારેય ન લખું, પણ આ ‘અવતાર’ વાળી ઘટના મારી અંદર મહિનાથી આવતી ન હતી અને હું ખુબ બેચેન હતો. પણ ઓ ભાઈ…જ્યારે લખવા બેઠો, અને એ અવતારની ઘટનાને ભાળવા લાગ્યો, પછી તો લખતાં-લખતાં એવું ધ્યાન લાધી ગયું કે સતત બે કલાક હું કોઈ અજીબ વિશ્વમાં હતો, ત્યાં સંપૂર્ણપણે અંધકાર હતો અને અવતાર થઇ રહ્યો હતો, અને માનશો નહીં, પણ મને સ્થળ-કાળનું કશું જ ભાન નહીં. બે કલાકને અંતે મારી પત્ની કલ્પિતાએ મને બાજુમાં આવીને ગરમ ચાનો કપ અડાડ્યો અને હું ભાનમાં આવ્યો. જોયું તો લેપટોપની બેટરીનો ક્યારની જતી રહેલી અને મારી આંગળીઓ અભાનપણે એમ જ ટાઈપ કરતી હતી. હું એવાં ટ્રાન્સમાં જતો રહેલો કે મને મારી સાથે શું થયું એ જ ભાન ન રહ્યું. જેટલું ચેપ્ટર ટાઈપ થયેલું એ આજે પણ વાંચકોને એવાં જ ટ્રાન્સમાં ટ્રાન્સફોર્મ કરે છે. કુદરત એવું કમાલ કરે છે કે તમે લેખક મટીને માત્ર એક સાધન તરીકે સરસ્વતીને વહેવા દો તો એ તમને જાદુઈ વિશ્વોની અનૂભૂતિ કરાવે છે. હવે આપણે ડેલીમાં અંદર પ્રવેશીએ એટલે ડાબા હાથે આ (૨૦૨૩માં પાડેલ ફોટો) ટોઇલેટ અને બાથરૂમની જગ્યા છે. અહીં વર્ષો પહેલાં કશું જ ન હતું. માત્ર વિશાળ ફળિયું. દીવાલ પણ નહીં. જાજરૂ પણ નહીં. એક વૃક્ષ હતું અને એની નીચે ‘સિંહણ’ નામની ઘોડી અને ‘ગાવડી’ નામની ગાય રહેતાં. આ જે ટાંકી અને ટોઇલેટ દેખાય છે એ તો રામબાઈના પગ ચાલતાં બંધ થયેલાં એ સમયે બનેલાં હશે એવું અનુમાન છે. ફળિયામાંથી સામે ઓસરી દેખાય. ઓસરીના પગથીયા ચડો એટલે તરત ડાબી બાજુ આ ફોટોમાં છે એ રસોડું અને પાણિયારું છે. આ ફોટો તો ૨૦૨૦માં પાડેલો છે. હાલ તો રસોડું ખોલું તો અંદર ખંડેર છે. ઉપરના નળિયા ખરી ગયા છે અને ઘણો કચરો અને અમુક વાસણ પડ્યા છે. આ રસોડામાં જે અડદની દાળની વઘારની સુગંધ, એ બાજરાના રોટલાં પર હથેળીની થપાટના અવાજ, એ ચાની વરાળ… બધું જ જાણે અકબંધ લાગે. એક બારણું ખુલે ને જાણે અંદરથી આખી જીંદગી જીવતી નીકળે. ઓસરીમાં ચડો અને સીધી સામે આવે ઓરડી. એક જ ઓરડી. અંધારી. અંદર કબાટ, ખાટલો, વાસણોની કાંધી. હું જ્યારે ફોટો પાડવા ગયેલો ત્યારે અંદર ખુબ અંધારું હતું. લાઈટ ન ચાલી. એટલે અંદરના ફોટો નથી લીધા. અંદર ગયેલો ખાટલા પર ધૂળભર્યું ગોદડું પડ્યું હતું એ લઈને એને ભેંટીને હું ચૂપચાપ બેસી રહેલો. ૨૦૧૮માં જ્યારે રામબાઈ ન હતી ત્યારે હું આ રૂમમાં ગયેલો અને જાણે અચાનક રૂમ અંદર રામબાઈ જીવતી થઇ હશે અને મારા આતમમાં ઊંડી પોકાર થયેલી કે – ‘જા..તારી આ માની વાર્તા દુનિયાને કહેવી પડશે’ ઓસરીમાં રહેલી આ ઘડિયાળ હમણાં ૨૦૨૩માં હું ત્યાં ગયેલો ત્યારે જોઈ. નવલકથામાં નથી. મારી સ્મૃતિમાં જ ન હતી. આ જુના જોગી જેવી ઘડિયાળે સાચી ઘડીઓ ભાળી હશે. રામબાઈને જીવતી જોઈ શકે. આ ઘડિયાળના ડોલતાં લોલકે જોઈ હશે અલખના હિંચકે બેસીને ડોલતી રામબાઈને… ઓસરીમાં જ રહેલો ટાંકો (કબાટ). ઉપર જર્જરિત થયેલું પુસ્તક ગીતા છે. અહીં રામબાઈ અને વીરજીના કપડા પડ્યા રહેતાં. એક રેડિયો પડ્યો રહેતો. એ રેડિયો પર મેં નારાયણ સ્વામીના ભજન સાંભળેલા છે એવું ઝાંખું-ઝાંખું યાદ છે. નવલકથામાં પણ લખેલું છે. કદાચ આ જ પોઈન્ટ હશે જેનાં લીધે મને સંતવાણી અને ભજનોનો જબરદસ્ત પ્રેમ લાગ્યો. વીરજીબાપાનો યુવાન વયનો ફોટો. એમનાં ઘરે ફોટો છે એનો મેં ફોટો લીધેલો છે એટલે બ્લર દેખાય છે. કદાચ એમની ૪૫-૫૦ વર્ષની ઉંમરે લીધેલો હશે. નવલકથામાં મેં વીરજીને શોર્યવંત-ખુમારીથી છલોછલ મરદ બતાવેલ છે, જોકે વાસ્તવમાં એ ખુબ શાંત, સૌમ્ય, અને ફકીર જેવો જીવ હતાં. ખુબ પ્રેમાળ. કરુણાનો દરિયો એવો પુરુષ. રામબાઈનો વૃદ્ધાવસ્થાનો ફોટો. કદાચ ૭૦ વર્ષે હશે. એમની આંખોનું અજવાળું તો જુઓ. એનાં ચહેરાંનું નૂર. એનાં Being માં ચળકતું જિંદગીરૂપ તો જુઓ…! વીરજીદાદા એમની ગાવડી સાથે. કદાચ એ ૫૫-૬૦ વર્ષે હશે. નવલકથામાં એમની ઉંમરના પડાવ અલગ આપેલ છે. રામબાઈના પણ કાલખંડમાં પાંચ-સાત વર્ષના ફર્ક છે. ફિક્શનની જરૂરિયાતો હોય છે. આ એક આલ્બમમાંથી ક્લિક કરેલો ફોટો છે. આ શું હતું એ ખબર નથી. આમાં તો રામબાઈનો અવતાર જ કૈક અલગ છે! એની આંખે આંજેલું આંજણ. એનાં હાથમાં બે બંગડી અને પોચો. એનાં આ વર્ષોમાં તો હું જન્મેલ પણ નહીં. મેં જોયેલી રામબાઈ હંમેશા વાદળી સાડીમાં હતી. એકલી હતી. બ્રમ્હાંડને પરણેલી. વીરજીબાપાના ભાઈઓના દીકરાઓની વહું સાથે રામબાઈ. છેડે બેઠેલાં છે એ. મેં એમને હંમેશા આ સાડલામાં જ જોયેલ છે. નવલકથામાં બાકી જે બધું જ છે એ એમનાં મુખે સાંભળેલું છે, અથવા મારા માબાપે કહેલું છે, અથવા કલ્પિત કરીને ઉમેરેલું છે. નવલકથાને અંતે આ બાબતે ડીટેઇલમાં લખેલું છે. આ છે રામબાઈના નાના બહેન ‘પાનબાઈ’. પાની બહેન. એમનું અવસાન હજુ આ લખું છું એનાં ૩ દિવસ પહેલાં જ અમરેલીમાં થયું. એમનાં અંતિમ દિવસોમાં હું ત્યાં હતો ત્યારે એમનાં ઘરેથી પડેલો ફોટો છે. તેઓ પણ એકલાં હતાં.

બસ ઉપર છે એટલાં જ ફોટો અવેલેબલ છે. પુસ્તક વાંચનાર માણસને કલરફૂલ ફોટો જોઈ શકે એટલે અહીં અપલોડ કર્યા છે. ઘણાં વાંચકમિત્રો નવલકથા વાંચીને રામબાઈનું ઘર જોવાં માટે હામાપુર ગામે જતાં હોય છે, પણ એનાં લીધે ત્યાં એક જ ઓસરીએ રહેતાં બીજા લોકોને અગવડ થાય એવું મને લાગે છે. ઘણાંને હું કહેતો હોઉં છું કે બહારથી મકાન જોઇ લેવું સારું રહે જેથી અન્ય લોકોની પ્રાઈવેસી જળવાઈ રહે. આ ફોટોઝ એટલે વધું મદદરૂપ થશે.

આ ઉપરાંત મારા એક વાંચક દોસ્ત પરાગ કાનપરિયાએ પોતાની ગજબ કારીગરી વાપરીને સતત ચાર મહિનાની મહેનત પછી રામબાઈના ઘરનું મોટું મોડેલ તૈયાર કર્યું અને મને ગીફ્ટ આપ્યું. એમાં તો પરાગે રામબાઈનું ઘર રૂબરૂ જઈને પ્રોપર વિડીયોગ્રાફી કરીને પછી અદ્દલ એવું જ મોડેલ સતત ચાર મહિના સુધી મહેનત કરીને બનાવ્યું છે એનાં ફોટોઝ મુક્યા છે. મકાનના નળિયા બનાવવા માટે પરાગે ૧૧૦૦ કોકડી (દરજીના દોરાંનું ખાલી કોકડું) વાપરેલ છે!

ફોટો સાથે મકાન કેમ બન્યું એનો વીડીયો ખાસ જોજો. વિડીયો જોવાં અહીં ક્લિક કરો.

અસ્તુ!

નવલકથા એમેઝોન પર ઉપલબ્ધ છે. લિંક

નવલકથાનું ટ્રેલર અહીં મુકેલ છે. લિંક

Extra:

મારા મિત્ર રજનીભાઈએ AI ની મદદથી રામબાઈનો ફોટો પ્રોપર ક્લીયર કરી દીધો છે, પ્લસ મોર્ડન લૂકમાં રામબાઈ કેવાં લાગત એની ઈમેજ મોકલી છે.

પ્રોપર ક્લિયર ફોટો રામબાઈનું મોર્ડન વર્ઝન.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on November 15, 2023 23:02

May 2, 2023

Life Updates 🍻

લાઈફની અપડેટ્સ:

૧. કોરોનામાં મારા અમુક આત્મીય મિત્રોના જતાં રહેવાથી, અને પછી સતત એકાંતમાં (પરિવાર સાથે હોઉં તો પણ એકાંત જ હોય છે) રહેવાથી છેલ્લાં બે વર્ષમાં કશું ખાસ લખ્યું જ નથી. સતત ફરતો રહ્યો. એકલાં, બેકલા, અને હવે રામ સાથે. જીવવામાં જોમ રેડાયું એમાં અંદરનો વાર્તા કહેનારો મૌન થઇ ગયો. પરંતુ હવે ફરી લખવાનું ચાલુ કર્યું છે. નેક્સ્ટ નવલકથા કદાચ 2025 માં આવશે. ફેન્ટસી અને સાયન્સફિક્શન જેવું કૈક છે.

૨. ત્રણ-ચાર મહિનાથી ‘ધ રામબાઈ’ પર નાટક લખી રહ્યો છું, અને આવતાં ત્રણ-ચાર મહિનામાં એ લોંચ થશે. જેવું લખાશે એવું ભજવાશે. જોઈએ. એનું પ્રમોશન કરવા લગભગ ઓનલાઈન નહીં થાઉં, પણ પછી એની ટીમ કહેશે તો કરીશું.

૩. ‘નોર્થપોલ’ નવલકથાનું હિન્દી ભાષાંતર થયું છે. એમાં જેમણે એ કામ લીધું એમણે તો જીવન નીચોવ્યું. એ પણ બહાર પડશે આ વર્ષમાં જ. જોઈએ.

૪. છેલ્લાં અમુક વર્ષમાં આંતરિક યાત્રા છે એની હું ડાયરી લખતો હોઉં છું. એમાં સતત વલોવાયેલા વિચારો, સત્યો, મૌન બધું જ લખ્યું હોય. આ અલખના આલમમાં કેમ જીવવું એ બાબતની ગોતાખોરી હોય. એટલે ‘ગોતાખોરી’ નામે એક ટેમ્પરરી ટાઈટલ સાથે હું જે પર્સનલ ડાયરી લખતો હોઉં છું એનું પબ્લિકેશન પણ કરીશું. જો કે આ તો અવિરતયાત્રાનો ટૂકડો બને, એટલે જ્યારે લાગશે કે વ્યક્ત કરી શકાય એવો છે ત્યારે પ્રકાશકને મોકલી દઈશું. આમાં પણ ત્રણ-ચાર વર્ષ તો જશે જ.

૫. હું ત્રણ-ચાર મહિના ગામડે હોઉં છું, અને પછી બે મહિના બેંગ્લોર. ગામડેથી વર્ક-ફ્રોમ-હોમ ચાલુ હોય છે. રામને કુદરતને ખોળે બાળપણ મળે એવી ઝંખનાને લીધે ગામડે જ છીએ. માબાપ સતત ભેગાં રહે એ પણ મોટું કારણ છે. અને મને મારા પ્રિય સાથી એવાં ગીર, માધવપુર, અને નર્મદા અહીં ગુજરાતમાં રહેવાથી મળ્યાં કરે છે. એમનાં ખોળે પડ્યો રહું છું.

****

ઘણાં મિત્રોના મેસેજ જોયાં કે સોશિયલ મીડિયા પર અમુક-અમુક સમયે લખતાં રહો. Issue is – હું ઓનલાઈન થઈને પોસ્ટ લખીને વ્યક્ત થાઉં છું એમાં મને ઘણી ખોટ પડે છે. (જો કે અત્યારે વ્યક્ત જ થઇ રહ્યો છું!) અંદર જે જનમ્યું હોય, અને હજુ તો ઘૂંટાતું હોય, એમેચ્યોર હોય, એવું બધું વ્યક્ત થઇ જવાથી બરાબર ચેતનાસભર બનતું નથી. અવ્યક્ત રીતે અંદર પડ્યું-પડ્યું એ એવાં અવનવાં આયામો ખોલે છે કે જેનાં થકી મારા સાચુકલાં લખાણ (I mean નવલકથાનું લખવાનું કામ) પર સારી પોઝીટીવ અસર પડે છે. ધ રામબાઈ લખતી સમયે હું બે વર્ષ ઓફલાઈન હતો તે એ બે વર્ષ જીંદગી તો આલાતરીન જીવ્યો જ, પણ સાથે વાર્તામાં ઊંડાણ કે ઉંચાઈ પણ મળી.
જો કે આ ઉપર કહ્યું એ બધું જ મારા માટે જ સત્ય છે. માણસે-માણસે જીવવાનાં ને વ્યક્ત થવાનાં તરીકા ફરે.

બીજું કે હું જ્યારે આ વર્ચ્યુઅલ સોસાયટીથી દૂર અવ્યક્ત-મૌન-જાગૃત હોઉં છું ત્યારે પૂરો અનાવૃત હોઉં છું. કોઈ ચહેરાં નથી હોતાં. હું લેખક નથી હોતો. સફળતા-નિષ્ફળતા તેલ લેવાં જતી રહી હોય છે. હું બાળક હોઉં છું આ પરમનું. જીવતરને પુરા જોમથી જીવવા અને સેલિબ્રેટ કરવાં માંગતું માણસ. પરંતુ એ બધું જ જીવાયું એ શેર થવા લાગે ત્યારે ખાસ મારા કેસમાં એવું થાય છે કે મારા પર એક એવું લેયર છવાયેલું રહે છે કે જેમાં મને ખબર હોય છે જે જગત મને કઈ રીતે જોઈ રહ્યું છે.

એટલે મારા આંતરિક ધૂણેથી ઉઠતાં કાચાં ધૂમાડા અહીં ફેલાવવા કરતાં પૂર્ણ તપીને પુસ્તકની અંદર લખાણમાં ઠરવું સારું પડશે.
અહીં ક્યારેક-ક્યારેક વ્યક્ત થવા આવીશ તો પણ શબ્દો ઓછાં રાખીશ. પ્રકાશક કે અન્ય કોઈ ટીમ સાથે થયેલાં પ્રમોશનના પ્રોમિસને પાળવા લખવું પડે એ લખીશું.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on May 02, 2023 21:52

રામ

રામ મારા અસ્તિત્વમાં નવો પ્રાણ લઈને આવ્યો. એક નવું ચૈતન્ય ઓર્યું. મારી અને મારા પરિવારની દરેક આંતરિક સ્થિતિને અલગ જોમથી જીવતી કરી. અરે મને ખરો પ્રેમ કરતાં આવડ્યું. જે ક્ષણે રામને કલ્પિતાની છાતીએ પેટ ભરતો જોયેલો એ ક્ષણે મારી બાનું માતૃત્વ હું પામ્યો. જે ક્ષણે રામ મારી આંખોમાં જોઇને પહેલીવાર હસ્યો, બાપલા…મારું રોમ-રોમ જાણે પ્રેમરંગમાં રંગાઈ ગયું. જીવતરનું દરેક ભણતર હાલ હું રામ સાથે ફરીને ભણું છું. મારું આંતરિક આધ્યાત્મ મારા રામને લીધે બેઠું થયું. મારી આ ભવની ભ્રમણકક્ષામાં આ બાળક આવ્યું અને એનાં એક સ્પર્શે મારી કક્ષા બદલાવીને એ આયામ પર મૂકી દીધો કે જ્યાં ભ્રમણ પણ હું છું અને કેન્દ્ર પણ હું.
***
ઘણાં સમયે હું ઓનલાઈન થયો. સાચું કહું તો એવું કશું આકર્ષણ ન હતું કે ઓનલાઈન થઈને અહીં લખું. પરંતુ રામના જન્મ પછી કેટલાંયે મિત્રો જે આમ રોજે મળતાં નથી એમની સાથે મારા રામનો મારા જીવનમાં હોવાનો હરખ શેર કરવો હતો. કેવું હતું કે પોપટ ભૂખ્યો’ય નથી, તરસ્યો’ય નથી, અને રામના સામ્રાજ્યમાં બેસીને જીવતાં શીખે છે, અને ટોપના પેટનું જીવે છે. અને આ પોપટ સમજી ગયો છે કે પ્રેમ એ આ બ્રહ્મનું Fundamental Truth છે. જ્યાં-જ્યાં પૂર્ણ અવસ્થામાં પ્રેમ રેડાયો છે એ બધું જ જાગૃતિની અવસ્થામાં જતું રહ્યું છે. ત્યાં બધું જ જીવિત છે. [ હું તો કલ્પિતાને અને મારા માબાપને પ્રેમ કરતાંય હમણાં-હમણાં શીખ્યો! ]

હમણાં થોડાં દિવસ રામના ફોટોઝ અને લાઈફની અપડેટ્સ મૂકી દેશું, અને પછી પાછા અહીંથી થોડું અલ્પવિરામ.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on May 02, 2023 21:15

August 23, 2022

Fundamentals of Life!

I finished living 11,323 days today! (I mean I turned 31 years today!) And on birthdays I often turn into Thinker Mode 😛 So here are the 10 most important Fundamental virtues of life I have understood in these 31 years:

Love is the fundamental driving force of the universe! If there is love in each transaction we do with life, then eventually you would have lived a story worth telling. Put love into the work, and eventually, you become irreplaceable. Love unconditionally to another human being and see life blooming in each moment. Love yourself and you would enjoy each moment. If you are really smart you should be ‘aware’ of life being lived. Be aware and witness your place here on the planet. A human truly aware of each fraction of the moment would know how to be happy. An aware human would sick truth. An aware human would have an inner force to change the course of life at any moment. All the philosophies of the world boil down to being aware at the micro and macro level.You are so unique life that there is nothing in this entire existence like you. No two leaves of any tree are the same. No two blood cells are the same. No two fish in the ocean are the same. Even a bond between two atoms is never the same in the entire universe. And hence, the way you live life should be unique to you. Innovate. Innovate your way of living this beautiful fragment. Find the truest form of your life before it shuts down. We live once.Simplify each transaction of the body. Eat simple foods. Be friends with simple and truthful people. Understand that the simplest activities in daily life are the most beautiful. Cooking, Dancing, Listening to music, Walking without purpose, bathing, Washing, and cleaning and each simple act that all creatures on the planet do are most beautiful. If you love these acts, you would live each day with richness. Life is nothing but a string of days lived well. Be long-term in every way possible. Witness the results of loving someone for decades. Witness results of investing for decades. Witness being better than yesterday for a decade. Witness results eating healthy food for a decade. Witness reading books you love for a decade. Witness playing sports or just being super active for a decade. Be long-term because at the end of the day this one ideology would be a game-changer in the scale of life. Try to be a really good human being. Truly good are rare. Truly empathetic are rare. Truly truthful, honest, and transparent humans are rare to find. I know the world might have given you a kick on the ass so many times, they would have broken your heart, but see – there is so much upside to being ‘rare’. A fantastic friend, lovable partner, good leader, or memorable stranger is ‘rare’. Look at the upside of being Good.Find a circle of 10. Read so much that you find those ten thinkers who are most important in shaping your life. Find those 10 besties who would make your journey remarkable and memorable. Find those 10 nice humans with whom you would want to build a team or company or career. Live so deep and with so much awareness that you find those 10 habits which shape you. Well, 10 is just a number here, but find your circle of competence in each phase of life. This very moment is full of billions of possibilities. I have seen even the smartest people living miserable lives. They can’t dance, laugh loud, enjoy the rain, or sing a song badly. They keep thinking about what the world would think about them. They become slaves of bad habits, insane scrolling, intense anger, and unstoppable self-misery. Do you know why? They think they control their ‘choices’. Actually, they aren’t doing it well. See – Even though life is an ocean of grand randomness, you can actually mold your choices. You can have a choice of how to live this and the next fraction of seconds. You don’t have to control it, but you should be well aware that each passing moment could be lived differently among billions of permutations. Forgive humans. Forgive life whenever it brought you bad surprises. Forgive those who broke your heart or did an injustice. Remove noise. Forgive them. Move on. The point is – even if you don’t, the amount of entropy being invested in anger, anxiety, and hatred is not worth it. Also, this noise works as a catalyst. You transact a noise with others and you affect the entropy of the world. In the long term, when you look back, you realize that it was not worth the energy. If possible – Give. Give something to the world without much expected in return. Inspire. Innovate. Be an agent of truth. Be a catalyst of a positive sum game. Be a light among the darkness. Be a helping hand to someone in need. Give hugs and heart. Give a fraction of your wealth to someone in need. Give and what you will see is the world giving back without you noticing this grand design of Karma. 

1 like ·   •  0 comments  •  flag
Share on Twitter
Published on August 23, 2022 03:41

July 2, 2022

અહીં લખેલી કાળી અંધારી વાત દરેક માનવીના માનસપટમાં નોખી હશે.

જે માણસ મારા દોસ્ત કૃણાલ અને એકતાને નજીકથી જાણતો નથી એમનાં માટે આ માત્ર ગોજારી અણધારી દુઃખદ ઘટના છે.

જે એમનાં દોસ્ત છે એ સૌ અત્યંત દુઃખી અને ચૂપ છે. કૃણાલ-એકતાનો આ એક દોસ્ત રડતી આંખે અને પીડાયેલા આત્માને નીચોવીને અહીં કશુંક લખી શકી રહ્યો છે.

પરંતુ જે પુરુષ ભરયુવાનીમાં અણધાર્યો ચાલ્યો ગયો એની પત્ની એકતા માટે આ ગોજારો આઘાત વર્ષો સુધી ન જનારું, દિવસ-રાત ચાલનારું કાળું ગોજારું સપનું છે. એ ચુપ છે. રડી નથી શકી રહી. આંસુ નીકળતાં નથી. ગળેથી અવાજ બંધ થઇ ગયો છે. એની નજર સામે સાહેબજીનો ફોટો છે જેને જોઇને એમનાં ન હોવાની કાળમીંઢ હકીકતનો હજુ સ્વીકાર નથી થઇ શક્યો. એનાં અસ્તિત્વમાં ભેંકાર સન્નાટો પ્રસરી ગયો છે જેને કોઈ ‘સમય’ સાજો નહીં કરી શકે.

દિવસે બેસણા પુરા થયા છે પછી એક રૂમ-રસોડા વાળા એ ઘરમાં એક એવી સ્ત્રી રોજે એકલી વધે છે જેનાં ખોળામાં અગિયાર મહિનાનો તસ્મૈ દીકરો છે જેને એ હાલરડું ગાય છે. એ સ્ત્રીના હાથમાં ચાર હજારના પગારની બાળમંદિરની નોકરી હતી જેમાંથી એણે દીકરાને સાચવવા વરસ પહેલાં જ રજા લઇ લીધેલી. આ ઘરમાં ચારેકોર એનાં ભરથાર, એનાં જીવ, એનાં સર્વસ્વ અસ્તિત્વ એવાં કૃણાલની યાદો સ્થિરતાથી બેઠી છે. જ્યાં-જ્યાં નજર કરે ત્યાં સાહેબજીના ચહેરાં આ છોકરીને આજીવન હળવું હસી પણ ન શકે એવો રોગ દઈ ચુક્યા છે.

એ જ ઘરમાં ખૂણે એકતાની બહેનપણી જેવી મા હોય છે. એકતા એને સાસુમા નથી કહેતી. માત્ર મા. એ માએ તો પતિ અને દીકરા બંનેને બાળ ઉંમરમાં ખોયા છે. એક મા માટે પોતાના સંતાનની નનામી જોયાથી મોટું મૃત્યુ ખુદનું પણ નથી હોતું. ત્યાં એ ઉંમરની ઓથે બેઠેલ સ્ત્રીમાં ખુદના અંતની રાહ નથી હોતી. ખુદનો અંત થઇ ગયો. જે વધ્યું એ માત્ર ખોખલું ખોળિયું છે.

*

કૃણાલ નાનકડાં પગારમાં હીરા ઘસતો, પરંતુ એ માણસ અનોખો હીરો હતો. કૃણાલ જ્યારે સાવ નાનો હતો ત્યારે પપ્પાનું અવસાન થઇ ગયેલું. માએ પેટે પાટા બાંધીને મોટો કરેલો. જે માણસે બાળપણમાં જ ઘરમાં અંધારા જોઈ લીધેલા એ માણસે નક્કી કરીને રાખેલું કે એ ખુદ રોશની બનશે. એ વધું ભણ્યો નહીં. મા પર ભાર ન બને એટલે હીરા ઘસવાનું ચાલુ કરી દીધેલું. જેમ-તેમ આર્થિક ગાડું ચાલતું. મોટી ઉંમર સુધી લગ્ન ન થયા કારણ કે જગત તો રૂપિયા-સંપતિ પહેલાં જુએને! હીરા ઘસતો માણસ પોતે કોહિનૂર હોય એ કોને દેખાય? એ મારો દોસ્ત બન્યા પછી એનાં ઘરે હું કેટલીયે વાર ગયો. પ્રેમતત્વના પાયે જે પરિવાર બન્યો હોય એમાં મોટા બંગલા ગાડીઓની જરૂર નથી હોતી સાહેબ. આ સાહેબજીનું ઘર સ્વર્ગથી ઉતરતું ન હતું. કેવો અનોખો સત્કાર! એવો માણસ જે તમને ગમે ત્યાં હો લેવા આવી જાય અને એને મળો એટલે એની આંખો જોઇને તરત જ ભેંટી પડવાનું મન થાય. જીંદગીને એણે ઉત્સવની જેમ ઉજવેલી. માને શ્રવણની જેમ સાચવી. એકતાને પોતાનું સર્વસ્વ આપી દીધેલું. પોતે કપડા ન લેતો. પોતે બહાર હોટલમાં ખાવા ન જતો. પોતે નોકરીમાં એકપણ દિવસની રજા ન રાખતો, પણ ખુદની જરૂરિયાતોથી પર થઈને જીવનારો આ પ્રેમ-જોગીડો જતો રહ્યો. સોશિયલ મીડિયા પર એ એકતાના રસોઈ પ્રયોગો કહે કે કોઈ હળવી રમૂજ…એ સૌના પાયામાં એક એવો મરદ હોય જે અંધારા ઓલાવનારો હોય. એ હાસ્યને અને આનંદને ચાહે કારણ કે અંધારાઓ ઓગાળવા એની જાતમાં હોય.

એકતા જ્યારે એનાં જીવનમાં આવેલી ત્યારે એ પણ મોટી ઉંમરની હતી. અલગ જ્ઞાતિ હતી. એનો સુરતનું પિયર પણ નાનકડાં લગ્ન કરાવી શકે એવું હતું. હું બંનેને અલગ-અલગ રીતે મારા દોસ્ત તરીકે જાણતો. એકવાર મેં બંનેને કહેલું કે મારી ઈચ્છા છે કે એ બંને મળે, અને એકબીજાને પસંદ આવે તો જ્ઞાતિ-સમાજ જોયાં વિના લગ્ન કરી લે. મેં એમનું મળવાનું વડોદરામાં ગોઠવ્યું. એ બંને મળ્યાં. મળીને બંને મને મળવા આવ્યાં. બસ…એ કપલને મેં ભેગું જોયું અને એમની આંખોમાં જે એકબીજાને પ્રેમ કરવાની જે જીજીવિષા જોઈ. એ ઉર્જાને કોઈ શબ્દો નથી. મેં તરત જ એકતાના પપ્પા અને ભાઈ સાથે વાતો કરી અમે અમુક મહિનામાં તો નાનકડાં ગાયત્રી લગ્ન પણ ગોઠવી લીધા.

લગ્નના બીજા દિવસે એકતાએ મને અમસ્તા જ કોલ કરેલો. હું એમનાં લગ્નમાં વચ્ચે હતો છતાં બેંગ્લોરથી અમદાવાદ ગયેલો નહીં એટલે ફરિયાદ કરતી હતી. ફોન મુકતા પહેલાં મેં છેલ્લે કહેલું કે – ‘એકતું…મને ખબર છે કે છોકરી સાસરે જાય અને અજાણ્યું ઘર હોય, પરંતુ કૃણાલને અને એનાં મમ્મીને પાંચ વર્ષ આપ. તું પ્રેમ આપીશ એટલે આપોઆપ તમને સૌને એકબીજાથી પ્રેમ થઇ જશે’

એકતા-કૃણાલે એકબીજાને ભરપૂર પ્રેમ આપ્યો. અનપેક્ષિત. એકધારો. અવિરતપણે. એમનું જીવન જોઇને હું શીખતો. કેટલાંયે લોકોને ઉદાહરણ આપતો. આવા પ્રેમીઓ આ ધરતી ઉપર રેર હોય છે. હજાર માણસે એક-બે હોય છે.

કૃણાલના ગયા પછી ગઈકાલે એકતાને હિંમત કરીને કોલ કર્યો. એ પ્રયત્ન કરીને મને એટલું પૂછી શકી કે  – ‘જીતું…મેં પાંચ વર્ષમાં પચાસ વર્ષનો પ્રેમ કર્યો, પણ હવે શું કરું?’

એકતા…વ્હાલી દોસ્ત. મારી પાસે આંસુ સિવાય જવાબમાં કશું જ નથી દોસ્ત. કશું જ નથી. તારો પ્રેમ અજરામર રહે. તારા બાળકમાં એ જીવતો રહે. તારી ઉર્જા બનીને કૃણાલ તારી સાથે જીવનભર રહે…બધુ જ મારી ઝંખનાઓમાં છે. મને સતત થાય છે કે સમય તને સાજી કરશે. થાય છે કે દીકરામાં જીવ પરોવીને તું જીવતર ચલાવી લઈશ. પણ…તું દોસ્ત મને એવો સવાલ આપી રહી છે જેનાં કોઈ જવાબ નથી.

*

બે પ્રેમાળ હંસલામાંથી એક હંસલો ઉડી ગયો અને પાછળનું આખું માનસરોવર સુકાઈ ગયું છે. આ લખાણ કોઈને પીડિત કરવા કે દયા જગાવવા નથી લખ્યું પણ મારા દુઃખની વાચા ફૂટી છે. શું કરું. જે વ્યક્તિ એ જીવતર રેડીને પ્રેમ કર્યો એ પાછળ વધેલી સ્ત્રી હવે મને કહે છે કે – મને મારા સાહેબજી સતત દેખાય છે, સંભળાય છે. એની સુગંધ-યાદ-અવાજ એટલા તીવ્ર છે કે મારા ઊંઘ-ભૂખ-અવાજ ક્યાંક જતાં રહ્યા છે અને જે વધ્યું છે એ માત્ર સાહેબજી. હું ક્યારેય ઉભી નહીં થઇ શકું. હવે કુદરતના કર્મના નિયમોમાં વિશ્વાસ રાખી નહીં શકું. હું સૌને કહીશ કે ‘પ્રેમ કરજો, પણ મેં કરેલો એટલો બધો નહીં કરતાં. કારણ કે જ્યારે એ માણસ જાય છે પછી કશું જ વધતું નથી. કશું જ નહી. જીવન નહીં. મોત પણ નહીં’

બસ…હવે આટલું લખતાં આ લેખકની આંખે પણ થાક્યા છે. બસ આ કુદરતને એટલું કહીશ કે બાપ…મારી દોસ્તને સાચવી લેજે.

*

કૃણાલના ગયા પછી ઘરની આર્થિક સ્થિતિ ખુબ કપરી હોવાની. એકતા જ્યારે થોડી સાજી થશે ત્યારે અમે દોસ્ત લોકો એને માટે સારી નોકરી શોધી આપીશું, પરંતુ હાલ અમુક વર્ષ માટે, દીકરા અને માના આર્થિક સપોર્ટ માટે હું કોઈ પણ ખચકાટ વિના અહીં પહેલ કરવા માગું છે કે જો તમે પહોંચી શકો તો મદદ કરજો. એની પરવાનગી મેં માગી છે. એનાં પરિવારની પરવાનગી માંગી છે. માણસની ખોટ તો ક્યારેય નહીં પુરાય, પણ આર્થિક ટેકો હશે તો કડવા સમયમાં કામ આવશે. કૃણાલ-એકતાના દીકરા તસ્મૈનું ભણતર હમણાં ત્રણ-ચાર વર્ષમાં ચાલુ થશે, અને તમારું યોગદાન એમાં જશે. મંદિરની તકતીઓ કે દીવાલો બનવામાં લાગે કે દાન હોય. અહીં જે મેં માંગ્યું છે એ દાન ન ગણવું. બસ મારી દોસ્તનું બાકીનું આર્થિક જીવન ટકી રહે એનો સહયોગ છે.

Phonepe & Paytm થકી આ નંબર છે: 99743 49570

એકતાનું બેંક અકાઉન્ટ:

Account: Mrs. Darji Ekta Krunal

Account number: 11302413000598

IFSC: PUNB0113010

Branch: Punjab National Bank, Naroda

 •  0 comments  •  flag
Share on Twitter
Published on July 02, 2022 01:43

July 31, 2021

A love letter to my best અદૃશ્ય friend!

જો હું મરણ-પથારીએ હોઉં. બોલી શકવાની તાકાત હોય. આસપાસ મારા પરિવારના બધા જ વહાલાં માણસો હોય. મારી સાથે લોહીથી જોડાયેલાં બધાં જ મારા પલંગ ફરતે ઉભા હોય અને છેલ્લે પૂછવામાં આવે કે – “તારે એવું કોઈ માણસ ખરું કે જેને મળવાનું મન હોય?”

…તો એવાં સમયે પહેલું નામ એક જ આવે – “તેજસભાઈને જોવાં છે.”

યસ…એક એવો જીગરજાન યાર જેને મેં આઠ વર્ષની દોસ્તીમાં હજુ સુધી ક્યારેય જોયો નથી! અમે રૂબરૂ મળ્યાં જ નથી. માત્ર ફોન પર સેંકડો કલાકો સુધી વાતો કરી છે. મેં માત્ર એને ઈમેજીન કરેલો છે જે તેજસભાઈ, મારી જીગરી, મારો ભેરું કેવો દેખાતો હશે.

અમારી વાર્તા માંડીને કરું.

તેજસ દવે નામ છે એનું. વર્ષ 2014 હશે. મને વોટ્સએપમાં મારી નવલકથા ‘વિશ્વમાનવ’ વિષે એક રીવ્યું આવ્યો. એ રીવ્યુંના શબ્દો વાંચીને થયું કે કૃતિને આટલી ઊંડી સમજી શકનારું આ કોણ હશે? અમે વોટ્સએપ પર વાત ચાલુ કરી. મેં ફોન કર્યો. એક કલાક વાત ચાલી.

બે દિવસ ગયા. મેં ફરી ફોન કર્યો. ફરી અમે મારા પાત્રોના જીવન અને એમનાં મનોવિજ્ઞાન વિષે કલાકો વાતો કરી. હું જે શબ્દોમાં કહી નહોતો શક્યો એ બધું જ એ માણસ સમજી શકતો હતો. કોઈ અજીબ જાદુ હતો એમનાં અવાજમાં. એમની સમજણમાં ગજબ ઊંડાણ હતું. એમનાં વર્લ્ડવ્યુંમાં જાણે એટલું બધું ભર્યું હતું કે એ બીજીવાર કરેલો ફોન મુક્યો અને ખબર પડી ગઈ કે – આ માણસ જીંદગીભર ભેગો રહેશે.

ફરી ફોન કર્યો ત્યારે મેં પૂછ્યું – “દોસ્ત…તમે છો કોણ? તમારા નામ સિવાય કશુંક કહેશો?”

તો એ કહે – “તું મને શોધીશ ઇન્ટરનેટ પર શોધીશ તો નહીં મળું. એકવીસમી સદીમાં પણ મારો ફોટો ક્યાંય નહીં દેખાય. હું બસ તારો એક એવો દોસ્ત છું જે માત્ર અવાજોથી જોડાયેલો રહેશે. હું અને તું લગભગ ક્યારેય મળશું નહીં. હું તારી બાજુમાંથી ઘણીવાર નીકળ્યો છું, પણ હું તને ક્યારેય ઉભો રાખીને કહીશ નહીં કે હું તેજસ છું. તું કેટલીયે વાર મને અમદાવાદમાં દેખાયો છે. મેં તને જોયો છે. છતાં, તું મને ક્યારેય જોઇશ નહીં.”

એ સમયે તો એ વાત સાંભળીને હસવું આવેલું. એમનાં કામ વિશે પૂછ્યું તો ખબર પડી કે ‘ઈસરો’માં સાયન્ટીસ્ટ છે! એક વૈજ્ઞાનિક! અમેરિકાની MIT (મેસેચ્યુસેટ) જોડે કામ કરેલું છે! ઈસરોના મિશનોમાં અગ્રેસર કામ કરનારો માણસ. મારા કરતાં ઉંમરમાં સાત-આઠ વર્ષ મોટો. જ્ઞાન કે વાંચનમાં સીતેર-એંશી વર્ષ મોટો. જીંદગીને જીવવાની એની રીત એવી કે એના વિચારોમાં એ મારા કરતાં (અને જગત કરતાં) જાણે સાતસો-આઠસો વર્ષ મોટો!

અમારી વાતો ફોન પર ચાલ્યા કરી. આઠ-દસ દિવસ થાય અને અમે બંનેમાંથી કોઈ એક કોલ કરી જ દે. ફોનમાં ‘Reader Tejas Dave Isro’ લખેલું આવે અને ચહેરાં પર ગજબ ખુશી થાય. રાત્રે બાર વાગ્યે ફોન આવ્યો હોય તો અઢી-ત્રણ વાગ્યે ફોન મૂકીએ. એમનાં ચહેરાંને હું ઈમેજીન કરું. એમનું ઘર કે નોકરી કેવાં હશે એ હું ઈમેજીન કરું. અમારી વાતોનો સ્પેક્ટ્રમ એવો વિશાળ કે ક્યારેક મારી બા વિષે શરુ થયેલી વાતો યુનિવર્સની વિશાળતાને સમજતા-સમજતાં પૂરી થાય. અમારી વાતોમાં ધીમે-ધીમે આવ્યાં : સાયન્સ. સ્પેસ. યુનિવર્સ. પરિવાર. સાહિત્ય. સિનેમા. વિચારકો. વાચનયાત્રા. મારાં રખડવાના અનુભવો. અમારા જીંદગી જીવવા ઝનૂન. મારા સપનાઓ. મારી ફરિયાદો.  

ધીમે-ધીમે બે ત્રણ વર્ષની અમારી એ દોસ્તી પછી ખબર પડી કે – મારા આ જીગરી યારને ક્યારેય જીવનની કોઈ જ ફરિયાદ નથી! એણે ક્યારેય મારી પાસે કોઈ તકલીફ શેર નથી કરી! (આજે અમારી દોસ્તના સાત વર્ષને અંતે પણ હજુ સુધી મેં ક્યારેય તેજસભાઈ તરફથી કોઈ જીવન પ્રત્યે કોઈ ફરિયાદ સાંભળી નથી). એવું માણસ જેણે પરિવારને પૂર્ણપ્રેમ કર્યો છે. એણે લવમેરેજ કરેલાં. પતિ-પત્ની લગ્નના વર્ષો પછી પણ ઘણીવાર આખી રાતો જાગીને એકબીજા સાથે વાતો કરતાં હોય એવો સહજ પ્રેમ. એમને વાતોવાતોમાં સવાર પડી જાય ત્યારે ખબર પડે કે સવાર થઇ ગઈ! એ માણસે પરિવારને એટલો પ્રેમ કર્યો છે કે મેં ૨૦૨૧માં એમની દીકરી અને દીકરા સાથે વાતો કરેલી ત્યારે એ છોકરાઓના વિચારો જોઇને ખબર પડી કે આ માબાપ તો આખો પેરન્ટીન્ગનો માસ્ટરક્લાસ છે.

આ Invisible દોસ્ત સાથે દોસ્તીના ચાર-પાંચ વર્ષ થયા અને અમે એકબીજાને ઘણાં સમજી ગયા. ઘણીવાર રાત્રે ફોન આવે અને હું ફોન લઈને હસતો ઉભો થાઉં એટલે કલ્પિતાને ખબર પડી જાય કે તેજસભાઈનો ફોન આવ્યો હશે. કલ્પિતા કહે – “સવાર થાય ત્યાં સુધીમાં પાછો આવી જઈશ?”

…અને થાય પણ એવું! મોડે સુધી વાતો કરતાં કરતાં એટલું બધું શીખવા મળ્યું હોય કે રાત્રે સુવા જાઉં તો ચહેરાં પર જાણે અજીબ નિરાંત અને ખુશી હોય. મારો દોસ્ત. મારો ગુરુ. મારો પિતાતુલ્ય ભેરું. એ વ્યક્તિ જેણે મને ‘પ્રેમ શું છે’ એ વિષે એક શબ્દ પણ કહ્યો નથી છતાં, એનાં જીવન-કવનને જોઇને પ્રેમતત્વને મેં પામ્યું. એણે ‘મને બાળક કેમ ઉછેરવું’ એ વિષે ક્યારેય કશું કહ્યું નથી છતાં મને ખબર છે કે મારે સંતાન થશે ત્યારે એને કેમ ઉછેરીશ. એ માણસ મારા ડીપ્રેશનની દવા હતો.

‘ધ રામબાઈ’ નવલકથા પૂરી થયેલી અને લોન્ચ થઇ રહી હતી ત્યારે હું ડીપ્રેશનમાં હતો. મને ખબર ન હતી કે મારું એ પુસ્તક દુનિયાને ગમશે. દિમાગ પર ડીપ્રેશન હતું. એ રાત્રે મેં તેજસ દવેને ફોન કર્યો. મને કહે –

“તું અગાશી પર જા.” હું અગાશી પર ગયો. અંધારામાં ઉભો રહ્યો.

“હવે તું ઉપર જો” એમણે કહ્યું. મેં ઉપર જોયું. તારલાઓ ભરેલું આકાશ તગતગી રહ્યું હતું.

“એ આકાશ સામું થોડીવાર જોઇ લે” એમણે કહ્યું. મેં પાંચ મિનીટ સુધી એ આકાશ તરફ જોયું. પછી ધીમેથી તેજસભાઈ એટલું બોલ્યા કે –

“ભાઈ…તું એ અનંત આભ છે. તું બ્રમ્હાંડ છે. તારે ઉભું નથી રહેવાનું. તું સતત વિસ્તરતી જાત છે. તારે સરહદ સીમાડાં નથી મારા દોસ્ત. તું એક કહાની કહીને એનાં પરફોર્મન્સને જોવાં ઉભો રહીશ? તું ઉભો રહીશ? તારે તો ચમકવાનું છે. તારે ચાંદાની જેમ ઉધાર રોશની નહીં મળે પડે. તું તારી ભ્રમણકક્ષા બદલી નાખ. તારી ખુદનું ગુરુત્વ બળ વાપરીને જતો રહે નવી ભ્રમણકક્ષામાં. તારે આવનારી કહાની માટે વિસ્તારવાનું છે મારા આકાશ! તારે જૂનાને જોઇને બેસવાનું નથી.”

બસ…એ શબ્દો આવ્યાં અને અમારી અનુભૂતિઓ જોડાઈ ગઈ. તેજસ દવે મારી ભ્રમણકક્ષા બદલી શકનારો દોસ્ત.

*

તેજસભાઈ એક એવું વ્યક્તિત્વ છે જે પૂર્ણ રીતે ક્ષણને જીવી શકનારો રેર માણસ છે. એને ભવિષ્યની કોઈ ઉપાધી નથી. ભૂતકાળનો કોઈ રંજ નથી. એ વર્તમાનમાં જીવતો એક અંત:જાગૃત માણસ છે. અમારી વાતો ક્યારેય એવી ઉંચાઈ પર જતી રહે જ્યાં અંતિમ શિખર “મૌન” હોય. અમે ચૂપ થઇ જઈએ. આ લખું છું ત્યારે એક મજાની વાત યાદ આવે છે. તે દિવસે તેજસભાઈ ફોન પર કહેતાં હતાં :

“હું ઘણીવાર ફૂટપાઠ પર ચાલતો હોઉં, અને તરત જ ઉભો રહી જાઉં. હું અનુભૂતિ કરી શકું કે ‘ક્ષણ’ મારી અંદરથી પસાર થઇ રહી છે. હું જાગૃત હોઉં. મારી અંદરથી એક બીજો માણસ બહાર નીકળે જે મારી જીંદગીને એ રીતે નિહાળી શકે છે કે ઘણીવાર હું ઉભો રહું. મારી સંવેદનાઓ એટલી જાગૃત હોય કે હું મારા શરીરના રોમરોમમાં જોઈ શકતો હોય અને બહારના આખા યુનિવર્સને જોઈ શકતો હોય. એ સમયે હું એક વર્તમાનની ક્ષણને બાજુમાંથી પસાર થવા દઉં. હું એ ક્ષણને જીવતો નથી. હું એની બાજુમાંથી નીકળું છું. એ મારી બાજુમાંથી નીકળે છે. હું એની સામે હસું છું. મારું અસ્તિત્વ અને એ ક્ષણ એક જ છે, છતાં ક્યારેય મારી અંદરનો બીજો માણસ બધું જ થંભાવીને આખા અસ્તિત્વથી અલગ થઈને એને સાક્ષીભાવે જુએ છે. હસે છે. ક્ષણને પંપાળે છે. એને પકડીને મારી અંદર જોડી દે છે. હું ફરી ચાલવા લાગુ છું. ફરી વર્તમાનને જીવતો થઇ જાઉં છું. ચાલતાં- ચાલતાં હસી પડું છું.”

અમારી બંનેની અસ્તિત્વને સમજવાની ખોજ અને અનુભૂતિઓ ઘણીવાર એવી હોય કે કોઈ નજીકના માણસનું મૃત્યુ થયું હોય તો અમારી અંદરથી પસાર થતી દુઃખની ક્ષણને પણ સાક્ષીભાવે જોઈ શકીએ. દુઃખના અસ્તિત્વને ભેંટી શકીએ.

મેં અને તેજસભાઈએ દોસ્તીના સાતેક વર્ષ પછી એવી કેટલીયે વિચારધારાઓ પર શોધખોળ કરી હશે કે જેમાં વિશ્વના કેટલાંયે મૂલ્યવાન કોન્સેપ્ટ અમારે માટે નકામાં છે! હા…અમે એવાં ભેરું છીએ જેને માટે સફળતાની વ્યાખ્યાઓ ખૂબ અલગ છે. અમે બંનેને પ્રસિદ્ધિઓ નથી જોઈતી. એટલું કમાઈએ છીએ કે વધું પૈસો નથી જોઈતો. એટલું અનુભવ્યું છે કે આનંદ માટે અમારે બહારની લાંબી જાત્રાઓની જરૂર નથી. એટલું મીઠું જીવતાં શીખ્યા છીએ કે ટાગોરની કવિતાની અંદર આવતી ‘સ્વતંત્રતા’ અમારી અંદર ક્ષણેક્ષણ જીવ્યા કરે છે. અને ક્યારેય જો પાટા પરથી ગાડી ઉતરી જાય ત્યારે મારી પાસે તેજસ દવે એક ફોનકોલ જેટલા જ દૂર છે. હું હેઠો પડું ત્યારે કાંડું પકડીને બચાવી લેનારો અદૃશ્ય દોસ્ત છે.  

*

‘વર્તમાન’માં જીવવાની અમારી વાતોવાતોમાં અમે એકદિવસ કોઈ અજીબ ડિસ્કશન પર પહોંચ્યા હતાં. હ્યુમન માઈન્ડ, ઇન્ટલએકચ્યુઅલ બીયિંગ, એલિયન્સ, ટાઈમ, કોસમોસની વાતો ચાલતી હતી. અમે એક કોન્સેપ્ટ પર આવ્યાં કે –

“આપણે ક્યાંથી આવ્યાં એ આપણને ખબર નથી. આપણે મૃત્યુ પછી ક્યાં જવાના એ ખબર નથી. આપણે માની કોખેથી બહાર નીકળીને પહેલીવાર શ્વાસ લીધો ત્યાંથી લઈને છેલ્લાં શ્વાસ સુધી જ ‘આપણે’ છીએ. એમાં પણ ભૂતકાળ જતો રહ્યો છે. ભવિષ્યની ખબર નથી. માત્ર વર્તમાન છે! આ ‘જીવની ક્ષણ’ જ માત્ર અત્યારે ચાલી રહી છે. આ ક્ષણ જ સત્ય છે. આ ક્ષણે આપણે જે કશું પણ છીએ એ ‘થોડી જ ક્ષણો પહેલાં’ આપણે કરેલી ‘માઈક્રો ચોઈસીસ’નો સરવાળો છે. આપણે જો Aware હોઈએ તો આપણને ખબર હોય છે કે આપણે અત્યારે આપણે જે કશું પણ કરી રહ્યા છીએ એ દરેક કર્મની ગતી શું હશે. આપણે સંપૂર્ણપણે ચૈતન્યથી અને ચેતાતંત્રથી જાગૃત હોઈએ તો આપણે અનુભવી શકીશું કે વર્તમાનની દરેક ચોઈસ, દરેક ક્રિયા, દરેક વિચારની પાછળ હજુ જસ્ટ અમુક સેકન્ડ પહેલાં શું ચોઈસ કરી, શું ક્રિયા કરી, કેવો વિચાર કર્યો એ બધું જ નક્કી કરે છે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ. આખું કોસમોસ માત્ર એનાં વર્તમાનની પહેલાંની અમુક ક્ષણોની ચોઈસનો સરવાળો છે. આ વર્તમાનની ક્ષણ એટલે t = 0. વર્તમાનની દરેક ક્રિયાનું મૂળત: કર્મ એટલે t માં જીવાયેલું જીવન. ( ).

(આ પોસ્ટમાં જે ફોટો છે એમાં ઉપર કહ્યું એ દોર્યું છે. પ્લસ મેં તેજસભાઈને દોર્યા છે)

*

તેજસભાઈ સાથે આટલાં વર્ષ પછી હજુ મેં જોયાં નથી. મારે હવે જોવાં નથી. કારણ એ છે કે મારા ઈમેજીનેશનમાં તેજસ દવે છે, અને એ વ્યક્તિ એટલો રીયલ છે કે રીયલ માણસને જોવાનું હવે મન નથી. મારા ઈમેજીશનનો તેજસ દવે પાતળો છે. વાળમાં એક તરફ પાથી પાડે છે. શર્ટીંગ કરે છે. પરિવાર સાથે ધાબા ઉપર બેઠાબેઠા રોજે રાત્રે આકાશને જુએ છે. પોતાના બાળકોને સેંકડો વાર્તાઓ કહે છે. પોતાની પત્નીને ચિક્કાર પ્રેમ કરે છે. પોતાના માબાપને જીવથી વધું વ્હાલ કરે છે. એ લાખોપતિ માણસ છે. એનાં મકાનની આકાશી પર સ્વિમિંગ પુલ છે. છતાં એને એ ભૌતિક સુખનું તસુભાર પણ અભિમાન નથી. એ યુનિવર્સનું બાળ છે. એ આ દેશના મહત્વના મિશનોમાં ક્યાંકને ક્યાંક પાયામાં છે. એ જ્યાં પણ  છે એ વર્તમાનમાં જીવી રહ્યો છે. આનંદ એનો સ્વભાવ છે. એ પોતે ઉત્સવ છે.    

*

મારા લગ્નમાં ઘોડીએ ચડતો હતો ત્યારે મારા બધા જીગરી યારો મારી આસપાસ હતાં. તેજસ દવે ન હતો. મને ભારે યાદ આવેલો. એને જોવા મેં આકાશ તરફ જોયું. એ મારી સાથે જ હતો.

1 like ·   •  0 comments  •  flag
Share on Twitter
Published on July 31, 2021 22:50